એક દિવસ મહાદેવ ગહન ધ્યાનાવસ્થામાં પાવનકારી હિમાલયમાં બેઠેલા હતા. તેમની ચોતરફ આનંદદાયક પુષ્પસભર વનરાજી, અસંખ્ય પશુ-પંખીઓ તેમજ વનપરીઓ અને નાની પરીઓ વિદ્યમાન હતાં. જ્યાં સ્વર્ગીય પુષ્પો ખીલ્યાં હતાં અને દેદીપ્યમાન પ્રકાશથી ઝળહળી રહ્યાં હતાં, ચંદનની સુગંધ અને સ્વર્ગીય સંગીતના સ્વર ચોતરફ અનુભવાતા હતા તેવા ઉદ્યાનગૃહમાં મહાદેવ બિરાજિત હતા. સૌથી અકથ્ય તો હતું મહાદેવના તપની ગરિમાથી શોભતું, મધમાખીઓના ગુંજનથી પ્રતિધ્વનિત થતું પર્વતનું સૌંદર્ય. ત્યાં સર્વ ઋતુઓ વિદ્યમાન હતી, બધાં પ્રાણીઓ તેમજ શક્તિઓ યોગસ્થ અને ગહન ચિંતનમાં પોતાનાં મન સુસ્થિર કરીને વિરાજમાન હતાં.

મહાદેવના કટીભાગમાં વ્યાઘ્રચર્મ અને તેમના સ્કંધ ફરતે સિંહચર્મ હતાં. તેમનું ઉપવીત હતું ભયાનક સર્પ. તેમની દાઢી લીલા રંગની હતી, તેમના લાંબા વાળ ગૂંચળાવાળા થઈને લટકતા હતા. પૂજ્યભાવે ઋષિઓ ભૂમિષ્ઠ બનીને પ્રણામ કરતા હતા. મહાદેવના આવા અલૌકિક દર્શનથી તેઓ બધાં પાપોથી મુક્ત થતા હતા. એવે સમયે પર્વતપુત્રી, શિવપત્ની ઉમા ત્યાં ઉપસ્થિત થયાં અને તેમની પાછળ પાછળ શિવના ભૂત-પ્રેતાદિ અનુચરો પણ આવ્યા. તેમના પતિદેવ જેવો જ તેમનો શણગાર હતો અને તેવાં જ વ્રતોનું પાલન કરતાં હતાં. તેઓએ ધારણ કરેલ ઘટ પ્રત્યેક તીર્થના જળથી ભરેલો હતો અને પવિત્ર નદીઓની દેવીઓ તેમને અનુસરતી હતી. તેમના આગમનથી બધી દિશાઓમાં પુષ્પો ખીલી ઊઠ્યાં અને પુષ્પોનો પમરાટ વ્યાપ્ત થઈ ઊઠ્યો. પછી સસ્મિત વદને ઉમાએ ગમ્મતના હેતુથી પોતાના સૌંદર્યમય હાથ વડે પછવાડે ઊભા રહીને શિવનાં નેત્રો ઢાંકી દીધાં.

તરત જ જગતમાંનું જીવન તેજહીન બની ગયું, સૂર્ય નિસ્તેજ થઈ ગયો, બધાં સજીવ પ્રાણીઓ ભયથી ધ્રૂજી ઊઠ્યાં. પછી તો વળી પાછો અંધકાર નાશ પામ્યો કારણ કે શિવજીના લલાટમાંથી તેજોત્સર્ગ કરતી બીજા સૂર્ય જેવી ત્રીજી આંખ ઝળહળી ઊઠી. તે આંખમાંથી દઝાડતી જ્વાળાઓ ઉત્સર્જિત થઈ જેથી સઘળાં જંગલો સહિત હિમાલય ભસ્મીભૂત થઈ ગયો અને હરણ તેમજ અન્ય પશુઓનાં ટોળાં પોતાના રક્ષણ માટે પ્રાર્થના કરવા સીધેસીધાં મહાદેવના આસન સમીપ પહોંચ્યાં જેથી કરીને મહાદેવનું સામર્થ્ય અલૌકિક ગરિમા સાથે ઝળકી ઊઠે. ત્યાં સુધીમાં તો અગ્નિ પૃથ્વીના પ્રત્યેક ખંડને આવરી લેતા સર્વ-વિનાશક પ્રલયંકારી દાવનળની જેમ આકાશને ચુંબવા લાગ્યો. ક્ષણવારમાં પેટાળમાંનાં તેનાં રત્નો, ગિરિશિખરો અને પ્રફુલ્લિત વનરાજી સાથેના પર્વતો ભસ્મીભૂત થઈ ગયા. આમ, પોતાના પિતાને નાશ પામેલા જાણીને હિમાલયની પુત્રી આવી પહોંચી અને મહાદેવ સમક્ષ તેના હાથ જોડીને પ્રાર્થના કરતી ઊભી રહી. પછી ઉમાનું દુ :ખ જોઈને શિવે પર્વતરાજ પર કૃપાપૂર્ણ દૃષ્ટિએ નિહાળ્યું અને તરત જ હિમાલયે પહેલાંના જેવો વૈભવ પુન : પ્રાપ્ત કર્યો અને અગ્નિ-તાંડવ પૂર્વે જેવો હતો તેવો જ મનોહર બની ગયો. તેના બધાં વૃક્ષો પુષ્પોથી મહોરી ઊઠ્યાં અને પશુ-પંખીઓ આનંદિત બની ઊઠ્યાં.

ઉમાએ હાથ જોડીને તેમના પ્રભુને સંબોધન કર્યું, ‘હે પવિત્ર, પશુપતિ’ અને કહ્યું, ‘હું મારા સંશયનો નાશ કરવા તમને પ્રાર્થના કરું છું. તમારું આ ત્રીજું નેત્ર કેમ ઉદ્ભવ્યું ? પર્વત અને તેનાં સઘળાં જંગલો શા માટે ભસ્મીભૂત થયાં ? પર્વતનો નાશ કર્યા બાદ હવે વળી પાછો તેને તેની મૂળ સ્થિતિમાં લાવવાનું કારણ શું ?’
મહાદેવે પ્રત્યુત્તર આપ્યો, ‘હે નિષ્પાપ દેવી ! અવિચારી રમતમાં તમે મારી આંખો ઢાંકી દીધી હતી તેથી જગતમાં અંધકાર વ્યાપી ગયો. પછી હે પર્વતપુત્રી! બધાં પ્રાણીઓનું રક્ષણ કરવા મેં ત્રીજી આંખનું સર્જન કર્યું અને તેની દાહકશક્તિએ પર્વતનો નાશ કર્યો. ફરીથી તમારા માટે સમગ્ર હિમાલય સર્જ્યાે.’

શિવનો માછીમારનો સ્વાંગ

એક દિવસે શિવ કૈલાસમાં પાર્વતી સાથે બેસીને તેમને વેદોના પવિત્ર અંશોની સમજૂતી આપી રહ્યા હતા. તેઓ એક અઘરા વિષય વિશે સમજાવતા હતા ત્યારે તેમણે ઊંચે જોયું અને જાણ્યું કે પાર્વતી સ્પષ્ટતયા કંઈક બીજા વિષયનો વિચાર કરી રહ્યાં હતાં. જ્યારે તેમણે પાર્વતીને ચર્ચિત વિષયવસ્તુનું પુનરાવર્તન કરવાનું કહ્યું તો તે તેમ ન કરી શક્યાં કારણ કે હકીકતમાં તેઓ સાંભળતાં ન હતાં. શિવ અત્યંત ક્રોધિત થઈ ઊઠ્યા અને બોલ્યા, ‘ઠીક, એ સ્પષ્ટ છે કે તમે એક યોગીનાં પત્ની થવાને લાયક નથી, તમે પૃથ્વી પર માછીમારની પત્નીરૂપે જન્મશો, જ્યાં તમે કોઈ જ જાતનાં પવિત્ર ગ્રંથનાં લખાણો સાંભળશો નહિ.’ પાર્વતી એકાએક અદૃશ્ય થઈ ગયાં અને શિવ ગહન ચિંતનના અભ્યાસ માટે બેસી ગયા. પરંતુ તેઓ ધ્યાન કેન્દ્રિત કરી ન શક્યા. તેમને પાર્વતીનો જ વિચાર આવવા લાગ્યો અને તે વિશેષ અસુખ અનુભવવા લાગ્યા. અંતે તેઓએ પોતાની જાતને ઉદ્દેશીને કહ્યું, ‘મને ડર છે કે હું કંઈક વધુ ઉતાવળિયો બન્યો હતો અને ખરેખર પાર્વતીએ પણ પૃથ્વી પર જવું જોઈતું ન હતું; અને તે પણ એક માછીમારની પત્ની તરીકે, તે તો મારી પત્ની છે.’ તેમણે પોતાના સેવક નંદીને બોલાવ્યો અને તેને ભીષણ શાર્ક માછલીનું રૂપ ધારણ કરવાનો અને ગરીબ માછીમારોને તેઓની જાળ તોડી નાખીને તેમજ હોડીઓના ચૂરેચૂરા કરીને પરેશાન કરવાનો આદેશ કર્યો.

માછીમારોના નાયકને દરિયાકિનારા પરથી પાર્વતી મળી આવ્યાં અને નાયકે તેમનો પોતાની દત્તક પુત્રી તરીકે સ્વીકાર કર્યો. પાર્વતી અતિ સૌંદર્યવાન અને સુશીલ કન્યારૂપે મોટાં થયાં. બધા યુવાન માછીમારો પાર્વતી સાથે લગ્ન કરવાની ઇચ્છા રાખતા. આ ગાળા દરમિયાન શાર્કની ચેષ્ટાઓ વિશેષ અસહ્ય થઈ ઊઠી હતી તેથી નાયકે ઘોષિત કર્યું કે જે વ્યક્તિ ભીષણ શાર્કને પકડશે તેનું તે દત્તકપુત્રી સાથે લગ્ન કરાવશે. શિવ આ ક્ષણ વિશે અગાઉથી જ વાકેફ હતા. શિવ ચિત્તચોર માછીમાર-કુમાર બન્યા અને પોતાને મદુરાના પર્યટક તરીકે ઓળખાવ્યા. શાર્ક પકડવાનું બીડું ઝડપીને જાળના પ્રથમ ઝાટકે જ તેમણે શાર્ક પકડી લીધી. પોતાના દુશ્મનનું કાસળ નીકળતાં માછીમારો ખરેખર આનંદિત થયા અને અગાઉના મૂરતિયાઓના સખત અણગમાની સ્થિતિમાં નાયકની પુત્રી નવયુવાન કુમારને લગ્નમાં આપવામાં આવી. હવે શિવે પોતાનું મૂળ સ્વરૂપ પ્રગટ કર્યું અને પાર્વતીના પાલકપિતાને આશીર્વાદ આપી, ફરી પાછા કૈલાસ સિધાવ્યા.

પાર્વતીએ લક્ષિત કર્યું કે તેમણે ખરેખર વિશેષ એકાગ્ર બનવું જોઈએ પણ શિવ તો પાર્વતીને પુન : પ્રાપ્ત કરીને એટલા આનંદમય હતા કે તેમણે વિશેષ શાંતિનો અનુભવ કર્યો અને વિક્ષેપ પામેલી ધ્યાન-પ્રક્રિયાને હાથ ધરવાના હેતુથી આસનસ્થ થવા તત્પર બન્યા.

Total Views: 280

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.