પ્રવચન પૂરું થયું અને સ્વામીજી તો ચાલ્યા ગયા. ઈઝાબેલે માર્ગરેટને પૂછ્યું : ‘ કેમ ગમ્યું ને?’

‘હા, પણ એમાં એમણે નવું શું કહ્યું ? આપણે જે જાણીએ છીએ એ જ વાતો એમણે પ્રવચનમાં કહી. મને સંતોષ થયો નથી,’ એમણે સ્પષ્ટતાથી પોતાનો અભિપ્રાય કહ્યો.

‘તારી બુદ્ધિને તો ક્યારેય સંતોષ નહીં થાય. પણ તું એમણે કહેલી વાતો ઉપર નિરાંતે મનન કરજે, તો તને ઘણું નવું મળશે.’

અને પછી ઘરે જઈને એમણે બધી બાબતો ઉપર ઊંડાણપૂર્વક વિચાર કર્યો. જેમ જેમ તેઓ મનન કરતાં ગયાં તેમ તેમ તેમના મનમાં પ્રકાશ થતો ગયો. ઘણી બાબતો દૃષ્ટિ સમક્ષ ખૂલવા લાગી. તેમને જણાયું કે સત્ય સનાતન છે, શાશ્વત છે, મુક્ત છે; એ નૂતન પણ નથી અને પુરાતન પણ નથી. એ તો સદાય અવિકારી જ છે. માત્ર આપણા મનના પૂર્વગ્રહો જ એને વિકૃત બનાવી દે છે. આ ઉપરાંત બીજી એ બાબત સ્પષ્ટ થઈ કે માનવનું પરમ લક્ષ્ય માનવજાતની સેવા કરવાનું નહીં પણ આત્માની મુક્તિનું છે. અને બીજું એ પણ જણાયું કે બધા જ ધર્મો સત્ય છે. કોઈનીય નિંદા કરો નહીં. અને ધર્મ એ માત્ર શ્રદ્ધાની વસ્તુ નથી. એ તો સાક્ષાત્કારની વસ્તુ છે, અનુભૂતિની વસ્તુ છે. ઓહ, આ દર્શન તો તેના માટે તદ્દન નવું જ હતું. સ્વસ્થપણે વિચાર કરતાં એમને જણાયું કે એમણે આ સાચા મહાન હિંદુ યોગીને મૂલવવામાં અન્યાય કર્યો છે. તેથી પશ્ચાત્તાપ અને વેદનાથી એમનું હૃદય ભરાઈ ગયું.

હવે તો લંડનમાં સ્વામીજીનાં બે જ પ્રવચનો બાકી હતાં. માર્ગરેટે આ બંને પ્રવચનોમાં હાજરી આપી. તેઓ આગલી હરોળમાં જ બેસતાં અને એકચિત્તે પ્રવચનો સાંભળતાં, શંકા જાગે કે તુરત જ પ્રશ્ન પૂછતાં. તેમની બાળક જેવી જિજ્ઞાસાને સ્વામીજી ઓળખી ગયા હતા. આથી જરા પણ નારાજ થયા વગર તેઓ તેમના દરેક પ્રશ્નના ઉત્તર આપતા રહેતા. એક વખત તો એમણે માર્ગરેટને કહ્યું પણ ખરું, ‘તમે કોઈ પણ વાત સહેલાઈથી સ્વીકારી શકતાં નથી. આ બાબતમાં તમારે દિલગીર થવું નહીં. છ વર્ષના લાંબા ગાળા સુધી મેં મારા ગુરુનો વિરોધ કર્યો હતો, પરિણામે હું રસ્તાનો એક એક કણ જોઈ શક્યો છું.’

સ્વામી વિવેકાનંદે પણ શ્રીરામકૃષ્ણનો ક્યાં સહેલાઈથી સ્વીકાર કર્યો હતો. તેઓ પોતે પણ જ્યાં સુધી પોતાને સાક્ષાત્કાર ન થાય, અનુભવ ન થાય ત્યાં સુધી કોઈ વાત સ્વીકારતા નહીં. પછી તે સ્વયં શ્રીરામકૃષ્ણે એમને કહી કેમ ન હોય! આથી આ બુદ્ધિવાદી પ્રતિભાસંપન્ન વિદેશી સન્નારીના સંશયગ્રસ્ત મનના વલણથી સ્વામીજી જરા પણ નારાજ ન થયા; ઊલટું એમને તેઓ મદદ કરતા રહ્યા. સ્વામીજીના વ્યક્તિત્વથી માર્ગરેટ જરૂર પ્રભાવિત થયાં હતાં. પણ તોય તેમણે સ્વામીજીના વિચારોનો સહેલાઈથી સ્વીકાર નહોતો કર્યો. એમણે પોતે જ એકરાર કર્યો છે કે સ્વામીજીનો ઉપદેશ સ્વીકારતાં પહેલાં ઘણા મહિનાઓ સુધી એમને વિચાર કરવો પડ્યો હતો.

સ્વામીજી લંડનમાં પ્રવચનો આપીને પાછા અમેરિકા ચાલ્યા ગયા. હવે માર્ગરેટના અંતરમાં ભારે હલચલ મચી ગઈ. તેમનામાં કોઈ પણ વસ્તુનો સહેલાઈથી સ્વીકાર ન કરનાર સંશયવાદી યુરોપિયન ભૌતિક મન હતું. પણ સાથે સાથે અંતરમાં સળગતો પોકાર પણ ઊઠતો હતો. સ્વામીજીનાં વ્યાખ્યાનોએ આ પોકારને વધુ પ્રજ્વલિત કરી દીધો. સ્વામીજીના અમેરિકા ગયા પછી પણ માર્ગરેટ સ્વામીજીના શિષ્યમંડળમાં, જેઓ નિયમિત રીતે મળતાં અને યોગાભ્યાસ કરતાં, તેમાં જોડાઈ ગયાં. ત્યાં બધાં પોતપોતાના આધ્યાત્મિક અનુભવોની આપલે પણ કરતાં અને સ્વામીજીએ પ્રબોધેલા માર્ગનું અનુસરણ કરવાનો પ્રયત્ન કરતાં. માર્ગરેટ પણ ઊંડાણપૂર્વક મનન કરવા લાગ્યાં અને ધીમે ધીમે તેમનું મન શ્રદ્ધા અને વિશ્વાસમાં ઢળવા લાગ્યું. તેમને હિંદુધર્મની ગહનતાનો પરિચય થવા લાગ્યો અને આત્માનાં રહસ્યોની ઝાંખી થવા લાગી.

એપ્રિલ મહિનામાં સ્વામીજી પાછા લંડનમાં આવ્યા. આ સમયે તેમણે જ્ઞાનયોગ, વેદાંતના પદ્ધતિસરના વર્ગાે શરૂ કર્યા. માયાવાદ ઉપર એક વ્યાખ્યાનમાળા શરૂ કરી.આ ઉપરાંત તેમણે પાંચ દિવસ પ્રશ્નોત્તરીનો વર્ગ પણ શરૂ કર્યો. આ પ્રશ્નોત્તરીવર્ગમાં જિજ્ઞાસુઓ અનેક પ્રકારના પ્રશ્નો સ્વામીજીને પૂછતા અને પોતાને મૂંઝવતા કોયડાઓમાં તેમનું માર્ગદર્શન મેળવતા. માર્ગરેટ પણ આ પ્રશ્નોત્તરીવર્ગમાં હાજર રહેતાં. આથી તેમને પણ મૂંઝવતા પ્રશ્નોનો સહજ રીતે ઉકેલ મળવા લાગ્યો. ‘આત્મા પ્રકૃતિ માટે નથી, પણ પ્રકૃતિ આત્મા માટે છે,’ હિંદુધર્મના આ મહાન સંદેશની વાત જ્યારે સ્વામીજીએ સમજાવી ત્યારે માર્ગરેટના અંતરમાં એક નવું જ દર્શન થયું અને અખિલ જીવનને આવરી લેતા હિંદુધર્મના વિશાળ ફલકનો એમને પરિચય થયો. હવે એમની શ્રદ્ધા વધુ ને વધુ દૃઢ બનવા લાગી.

એક દિવસ આવો જ પ્રશ્નોત્તરીનો વર્ગ ચાલતો હતો ત્યારે સ્વામીજી એકાએક ગર્જના કરી બોલી ઊઠ્યા, ‘જગતને આજે એવાં વીસ સ્ત્રી-પુરુષોની આવશ્યકતા છે કે જેમનામાં એટલું સાહસ હોય કે હિંમતપૂર્વક પોકારીને કહી શકે કે ભગવાન સિવાય બીજું કશું જ એમની પાસે નથી. કોણ આગળ આવે છે? કોઈએ શા માટે ડરવું જોઈએ? જો આ સત્ય હોય તો બીજાનું શું મહત્ત્વ છે? અને જો સત્ય ન હોય તો જીવનનું શું મહત્ત્વ છે?’

સ્વામીજીના અંતરમાંથી નીકળેલા આ શબ્દોએ માર્ગરેટના આત્મા ઉપર છવાયેલા પડને તોડી નાખ્યું અને તેમની સમક્ષ જીવનનું સત્ય એકાએક પ્રગટ થઈ ગયું. ‘અરે, જીવનનું અને સઘળા ધર્મોનું અંતિમ લક્ષ્ય તો કેવળ ભગવાન જ ! આ જ તો શબ્દો હતા કે જેની તેઓ વરસોથી પ્રતીક્ષા કરી રહ્યાં હતાં. આ શબ્દોમાં એમના આત્માએ પોકાર સાંભળ્યો. એવો તીવ્ર પોકાર કે જે ઊર્ધ્વમાંથી માનવઆત્માને જગાડવા અને ત્યાં લઈ જવા આવતો હોય, એવો પોકાર કે જે જીવનનો માર્ગ સ્પષ્ટ કરી આપતો હોય. આ શબ્દોએ માર્ગરેટના અંતરને ઝળાંહળાં કરી દીધું. ભગિની નિવેદિતાએ પાછળથી ‘ધ વેબ ઓફ ઇન્ડિયન લાઈફ’ પુસ્તકમાં આ વિશે જણાવ્યું છે :

ધારો કે એ વખતે સ્વામીજી લંડન ન આવ્યા હોત તો ? જીવન મસ્તક વગરના ધડ જેવું બન્યું હોત. કારણ કે હું હંમેશાં માનતી હતી કે હું કંઈક વસ્તુ માટે રાહ જોતી હતી અને મેં હંમેશાં કહેલું કે આદેશ આવશે જ અને એ આવ્યો.

જો હું જીવન વિશે વધારે જાણતી હોત, તો તે સમયે મેં શંકા કરી જ હોત કે જ્યારે સમય આવશે ત્યારે હું ઓળખી શકીશ કે કેમ?

સદ્ભાગ્યે હું બહુ જ ઓછું જાણતી હતી તેથી તે આશંકામાંથી પણ બચી ગઈ. હવે હું પુસ્તક તરફ જોઉં છું ને કહું છું કે જો તેઓ ન આવ્યા હોત તો! કારણ આ સળતગતો સાદ મારી અંદર હતો પણ અભિવ્યક્તિ માટે કશું જ નહીં.

આમ આખરે પોકાર આવ્યો. સંઘર્ષ, યાતના અને મનોમંથનો હવે શમી ગયાં. આ પોકાર તો એમના આત્માને જગાડવાનું આહ્‌વાન હતું. જીવનનું ધ્યેય એકમાત્ર ભગવાન જ હોઈ શકે એનું સ્પષ્ટ દર્શન હતું. હવે એ ધ્યેયની શોધમાં આમતેમ ભટકવાને બદલે સ્પષ્ટ માર્ગે જ તેમને ચાલવાનું હતું. અને એ માર્ગે તો આ મહાગુરુ જ તેમને લઈ જઈ શકશે એવી દૃઢ પ્રતીતિ પણ અંતરમાંથી મળી ગઈ. આથી તેમણે આ બધી બાબતો ઉપર ઊંડું મનન કરીને પછી સ્વામીજીને પોતાની આંતર- સ્થિતિની જાણ કરતો પત્ર લખ્યો. અને સ્વામીજીએ પણ તેમના પત્રનો તરત જ પ્રત્યુત્તર પાઠવ્યો. તેમણે લખ્યું હતંુ :

‘માનવજાતને દિવ્યતા પ્રત્યે જાગૃત કરવી, અને જીવનની પ્રત્યેક ક્ષણમાં તેને આવિર્ભૂત કરવી એ જ મારો આદર્શ છે.’

બહુજનહિતાય, બહુજનસુખાય – દુનિયાના વીર અને શ્રેષ્ઠ લોકોએ પોતાનું બલિદાન આપવું પડશે. અનંત પ્રેમ અને અમાપ દયાવાળા સેંકડો બુદ્ધોની દુનિયાને જરૂર છે.

જગતના ધર્મો તો નિર્જીવ હાંસી જેવા થઈ ગયા છે. દુનિયા ચારિત્ર્ય માગે છે. જેમનું જીવન એક નિ :સ્વાર્થ, જ્વલંત પ્રેમરૂપ છે, તેવા પુરુષોની દુનિયાને જરૂર છે. એવા પ્રેમનો પ્રત્યેક શબ્દ વજ્ર જેવી અસર કરશે.

તમારામાં વહેમ નથી એની મને ખાતરી છે. દુનિયા હલાવવાનું તમારામાં સામર્થ્ય છે અને બીજાઓ પણ આવશે અને નીકળશે. વીરતાભર્યાં વચનો અને એથીય વધુ વીરતાભર્યાં કાર્યોની જ આપણને જરૂર છે.

જગત આખું પીડાઈ રહ્યું છે, ત્યારે તમે શું ઊંઘી શકો? સૂતેલા દેવો અને આપણી અંદર રહેલો પ્રભુ જ્યાં સુધી આપણા પોકારનો જવાબ ન આપે ત્યાં સુધી ચાલો, આપણે સતત પોકાર પાડીએ. જીવનમાં બીજું વધારે શું છે? આનાથી વધારે મોટું કાર્ય ક્યું છે? હું યોજનાઓ બનાવતો નથી. યોજનાઓ અની મેળે ઊભી થાય છે અને કાર્ય કરે છે. હું તો માત્ર આટલું જ કહું છું કે જાગો, જાગો.

આ હતો માર્ગરેટને મળેલો વિવેકાનંદનો પ્રથમ નાનકડો પત્ર. પણ એમાં જીવનના સનાતન સત્યનું દર્શન હતું, જગતના કલ્યાણની વાત હતી, પ્રેમનો મંત્ર હતો, બુદ્ધનાં વાત્સલ્ય, કરુણા અને ત્યાગની માગણીની વાત હતી, માર્ગરેટના સામર્થ્યનો સ્વીકાર હતો. એમના આત્માને આહ્‌વાન હતું. કોઈ પણ યોજના ઘડવા કરતાં પ્રથમ પોતાની જાતને તૈયાર કરવાની વાત હતી. બસ, જાગો અને પોકારો. બધું જ ઈશ્વર સંભાળી લેશે. યોજનાઓ એની મેળે આવશે. આ મહાન ઉપદેશ સાવ સરળ ભાષામાં એમણે આપ્યો હતો. માર્ગરેટને હવે પોતાનું જીવન ધન્ય બની ગયેલું લાગ્યું. એ પછી પણ એમને ભારતમાં આવવા માટે ઘણી પ્રતીક્ષા કરવી પડી. પરંતુ હવે એમની સમક્ષ પોતાનું જીવનધ્યેય સ્પષ્ટ થઈ ગયું હતું.

આમ માર્ગરેટ ભારતમાં આવ્યાં અને સ્વાવીજીના હાથે દીક્ષા ગ્રહણ કરી. ‘નિવેદિતા’એ નામે નવજન્મ પામ્યાં એ પહેલાં તેઓ અનેક પ્રકારનાં સંઘર્ષો, મથામણો, મૂંઝવણોમાંથી પસાર થયાં હતાં. જીવનના અનેકવિધ અનુભવોએ એમને ઘડ્યાં હતાં. દુ :ખના આઘાતોએ એમના આંતરકલેવરને વધુ પોલાદી બનાવ્યું હતું. અનેકવિધ ધર્મોના ઊંડા અભ્યાસે એમની દૃષ્ટિને વિશદ બનાવી હતી. શિક્ષણજગતના અનુભવોએ એમને જીવનવિકાસની કેળવણીનું હાર્દ સમજાવ્યું હતું. સ્વામી વિવેકાનંદનાં પ્રવચનોએ એમના સંશયગ્રસ્ત મનમાં શ્રદ્ધાનો ઉદય કરી એમના અંતરમાં નિગૂઢ રહેલા, સળગતા સાદને વધુ પ્રજ્વલિત કરી દીધો હતો. અને તેમણે ગુરુચરણોમાં પોતાની જાતનું સંપૂર્ણ સમર્પણ કરી દીધું. સ્વામી વિવેકાનંદ જેવા સમર્થ ગુરુની છત્રછાયામાં એમનો આત્મા પૂર્ણપ્રકાશે ઝળહળી રહ્યો.

Total Views: 247

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.