(માનવજીવનમાં આધ્યાત્મિક ઉન્નતિની જરૂરિયાત અને તેની ઉપલબ્ધિના ઉપાયનું વિવરણ આપણે ગયા અંકમાં વાંચ્યું, હવે આગળ….)

મનોવૈજ્ઞાનિક ડોક્ટર કાર્લ યુંગ માનવની આધ્યાત્મિક આવશ્યકતાઓને સૌથી પહેલાં સમજનારા વ્યક્તિઓમાંના એક હતા. એમણે કહ્યું છે કે આધુનિક માનવ પોતાના આત્માની ખોજમાં લાગેલો છે. પરંતુ એમની કૃતિઓ પરથી સ્પષ્ટપણે જાણવા મળે છે કે ડોક્ટર યુંગે સ્વ-સ્વરૂપને ક્યારેય જાણ્યું ન હતું. હું એમને સ્વિટ્ઝર્લેન્ડમાં મળ્યો, એમને મેં મારાં થોડાં પુસ્તકો ભેટ આપ્યાં. એમણે મને અચેતન મન વિશે વાત કરી. એમણે કહ્યું કે હિન્દુ જેને અતિચેતન અવસ્થા કહે છે તે અચેતન મનની અંતર્ગત છે. આ એક અજબનો સિદ્ધાંત છે. વસ્તુત : વાત સાવ ઊલટી છે.

સામાન્યત : આપણે વિચારીએ છીએ કે દેહ બધાથી બહાર છે, મન એની ભીતર અને આત્મા અંતરતમ છે. આપણે આ ક્રમને પલટાવી નાખવો જોઈએ. આત્મા અનંત સર્વવ્યાપી ચૈતન્ય છે. મન એની ભીતર છે, એની પણ ભીતર સ્થૂળ દેહ છે અને આ દેહ સીમિત તથા સૌથી ઓછો વ્યાપક છે.

અતિચેતન આપણા માટે હજી અજ્ઞાત છે, પરંતુ એનો અર્થ એ નથી કે તે મનોવૈજ્ઞાનિકોનું અચેતનમન છે. સાધના દ્વારા તેની પ્રાપ્તિ કરી શકાય છે. તે પરમ શાંતિ અને આનંદનો સ્રોત છે. સૌથી મોટી વાત એ છે કે તે માનવને પૂર્ણતા અને પરમની પ્રાપ્તિ કરાવે છે.

ડોક્ટર યુંગ માનવોને અંતર્મુખી અને બહિર્મુખી એમ બે શ્રેણીમાં વિભક્ત કરવા માટે વિખ્યાત છે. અંતર્મુખી વ્યક્તિ આત્મનિંદા કરે છે. અને બેઠાં બેઠાં વિચાર કરે છે; અને મોટે ભાગે પોતાના મનના જ વૈયક્તિક જગતમાં જીવે છે. બહિર્મુખી વ્યક્તિ બાહ્ય વ્યાવહારિક જગતમાં વ્યસ્ત રહે છે, એને માટે બાહ્ય જગતનું કર્મક્ષેત્ર સત્ય હોય છે. આ બે પ્રકાર એક બીજાથી સાવ ભિન્ન નથી. આપણે પોતાની ભીતર આ બન્નેને જોઈ શકીએ છીએ. વેદાંતમાં કર્મયોગી, ભક્ત અને જ્ઞાનીની વાત આવે છે. પરંતુ આ વિભાજન પાણીની જેમ અભેદ્ય કે પૂર્ણ નથી. આપણા બધામાં આ બધાના અંશ છે જ. આપણે પોતાની ભિન્ન ભિન્ન પ્રવૃત્તિઓમાં સામંજસ્ય બેસાડવાનો પ્રયત્ન કરવો જોઈએ. પ્રશિક્ષણ દ્વારા આપણે પોતાના સ્વભાવમાં રહેલી આ વિવિધ પ્રવૃત્તિઓનું સંમિશ્રણ કે સામંજસ્ય સ્થાપિત કરી શકીએ છીએ અને અંતે એ બધાથી ઉપર જઈ શકીએ છીએ. આ રીતે આપણે ઉત્સાહ સાથે કર્મ કરી શકીએ છીએ, ઉચ્ચ આદર્શાે પ્રત્યે ગહનભક્તિ રાખી શકીએ છીએ તથા પોતાનાં ચિંતન અને કર્મમાં વિચારશીલ અને યુક્તિપૂર્ણ બની શકીએ છીએ. પરંતુ એને માટે સંયોજકશક્તિના રૂપે તીવ્ર આધ્યાત્મિક પિપાસા હોવી જોઈએ.

Release from Nervous Tension નામના એક પુસ્તકમાં તેના લેખક ડૉ. ફિંક તણાવ દૂર કરવાનો એક સકારાત્મક ઉપાય બતાવે છે. તેઓ કહે છે કે પહેલાં માથું અને ગરદન, ત્યાર પછી ઘૂંટણ અને પગ, છાતી, હાથ, આંખનાં પોપચાં વગેરે શરીરનાં બધાં અંગો ઢીલાં કરતા રહો. ટુકડે ટુકડે કરેલ આ ઉપાયથી તણાવને દૂર કરવામાં થોડો ફાયદો તો થાય છે. પરંતુ આપણા આચાર્યો આપણને બતાવે છે કે આત્મવિશ્લેષણ અને ધ્યાન દ્વારા આપણે પોતાના સમગ્ર વ્યક્તિત્વ પર નિયંત્રણ કરતાં શીખી શકીએ છીએ. પોતાનાં અંગોને વારાફરતી ઢીલાં કરવાની રીતની સરખામણીએ તણાવને દૂર કરવાની આત્મવિશ્લેષણ અને ધ્યાનની રીત કેટલીય વધારે પ્રભાવશાળી અને લાંબા સમય સુધી ટકનારી રીત છે.

જ્યારે આપણે ઉચિત પ્રશિક્ષણ દ્વારા મનને નિયંત્રણમાં લાવીને આધ્યાત્મિક અનુભૂતિ પ્રાપ્ત કરી શકીએે અને વળી તે આપણને એક જ પ્રયત્નમાં મુક્ત કરી દે તો પછી એક પછી એક અંગથી પોતાને કષ્ટપૂર્વક મુક્ત કરવાની શી આવશ્યકતા છે? મને એક લોભી માણસની વાત યાદ આવે છે : એક લોભી મરણ- પથારીએ હતો અને એક પાદરી એની ‘મુક્તિ’ કરાવવા આવ્યા. લોભી હોવાને લીધે પાદરીએ નક્કી કર્યું કે તે એક એક અંગની ‘મુક્તિ’ કરાવશે અને દરેક રક્ષિત અંગ માટે શુલ્ક લેશે. અંતે જ્યારે જમણા પગ પાસે પહોંચ્યા ત્યારે પાદરીએ વિચાર્યું, ‘હવે હું એની પાસેથી એક મોટી રકમ વસૂલ કરીશ, કારણ કે ત્યાર પછી તે આપણા હાથમાંથી નીકળી જશે.’ ત્યાર પછી પાદરીએ પેલા લોભીને મોટા અવાજે કહ્યું, ‘હવે હું તમારા જમણા પગ માટે એક મોટી રકમ માગવાનો છું.’ મરણપથારીએ પડેલા ગણતરીબાજ લોભીએ પોતાની બધી શક્તિ એકઠી કરીને કહ્યું, ‘પરંતુ પાદરીજી, એ તો લાકડાનો પગ છે.’ બીજા ધર્માચાર્યો માનવના એક એક અંગને રક્ષા કરવા વિશે ભલેને ગમે તે કહે, પરંતુ સાચા આધ્યાત્મિક આચાર્યો પાસે મુક્તિનો એક વધારે પ્રભાવશાળી ઉપાય છે. પરમાત્માની અપરોક્ષ અનુભૂતિ કરીને આત્માની મુક્તિનો આ આદર્શ જ તે ઉપાય છે. તે આધ્યાત્મિક અનુભૂતિ સમગ્ર વ્યક્તિત્વનું રૂપાંતરણ કરી દે છે. ગહન શાંતિ અને આનંદથી આત્મા પૂર્ણ થઈ જાય છે અને તેનાથી શરીર અને મન પૂરેપૂરાં તણાવ રહિત થઈ જાય છે.

દર્શન-પ્રત્યક્ષ અને પરોક્ષ :

અંગે્રજી શબ્દ Religion માટે સંસ્કૃત શબ્દ ‘દર્શન’ બંધબેસતો છે. આ ‘દર્શન’ શબ્દના બે અર્થ છે. એનો એક અર્થ છે ‘જોવું’ કે ‘સાક્ષાત્કાર’. સાક્ષાત્કાર પ્રાપ્ત કરાવનાર માર્ગને અથવા સાધનાપદ્ધતિને પણ દર્શન કહેવાય છે. Religion- ધર્મના બે અર્થ છે. દર્શન શબ્દનો અર્થ Philosophy- ફિલસૂફી પણ થાય છે. હિન્દુ ધર્મમાં ષડ્-દર્શન છે અને એ બધાં ‘દર્શન’ કહેવાય છે.

હિન્દુ ધર્મમાં ધર્મ અને દર્શન એ બે શબ્દ એક બીજાથી અવિભાજ્ય અને પર્યાયવાચી રહ્યા છે. સત્યનું પ્રજ્ઞાજન્ય જ્ઞાન મેળવવું એ એમનું એક સામાન્ય લક્ષ્ય હોવાને લીધે, તે બન્ને એકબીજાનાં પરિપૂરક છે. પ્રોફેસર મેક્સમૂલરે સાચું જ કહ્યું છે કે એક માત્ર ભારતમાં જ આ બન્ને શબ્દોનું સામંજસ્ય રહ્યું છે. એમાં ધર્મ દર્શન દ્વારા દૃષ્ટિકોણની ઉદારતા અને દર્શન ધર્મ દ્વારા પોતાની આધ્યાત્મિકતા પ્રાપ્ત કરે છે. ધર્મ એ દર્શનનું વ્યાવહારિક રૂપ છે અને દર્શન એ ધર્મનો બૌદ્ધિક પક્ષ છે. ભારતીય દાર્શનિકો મૂળત : આધ્યાત્મિક અનુભૂતિ સંપન્ન વ્યક્તિ હતા. અતીન્દ્રિય અનુભૂતિ પર આધારિત હોવાને લીધે જો એમની દર્શન-પદ્ધતિઓનું નિષ્ઠા અને ભક્તિ સાથે અનુસરણ કરવામાં આવે તો તે એ જ લક્ષ્ય તરફ દોરી જાય.

વ્યક્તિત્વ અને વાતાવરણનાં સતત આદાન-પ્રદાન અને સંઘર્ષ એ જ જીવન છે. વ્યક્તિત્વના અનેક સ્તર છે, એવી રીતે વાતાવરણના પણ છે. સ્થૂળ શરીર સ્થૂળ જગતના સંસ્પર્શમાં છે. સૂક્ષ્મ શરીર સૂક્ષ્મ જગતના સંસ્પર્શમાં છે. આધ્યાત્મિક શરીર અથવા આત્મા વિરાટ આત્મા કે ભગવાનના સંસ્પર્શમાં છે. વ્યક્તિ આ બધાં ભિન્ન ભિન્ન સ્તરોએ અનુભવ પ્રાપ્ત કરી શકે છે. આપણે જે સ્તર પર રહીએ છીએ તે સ્તર-વિશેષના અનુભવોને સત્ય સમજીએ છીએ. (ક્રમશ 🙂

Total Views: 280

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.