અતિ પ્રાચીન કાળમાં પોતાના દિવસો શિકારમાં વ્યતીત કરતો જંગલનો અધિનાયક રહેતો હતો. એને લીધે જંગલ તેના કૂતરાઓના ભસવાથી અને તેના સેવકોના ચિત્કારોથી ગૂંજતું રહેતું હતું. તે દક્ષિણી પર્વતના દેવતા સુબ્રહ્મનિયન્નો પૂજક હતો. પોતાના દેવતાની પૂજા-આરાધનામાં ક્રૂર નૃત્યો અને મહામિજબાનીઓમાં વપરાતાં કાતિલ પીણાં, મરઘાં અને કૂકડા વગેરે તેના દેવતા માટેનાં અર્પણ-નૈવેદ્ય હતાં. તેને બલિષ્ઠ દેહવાળો પુત્ર હતો. તેને તે કેળવણી આપતો અને શિકાર-સાહસોમાં કાયમ સાથે લઈ જતો, તેથી સૌ તેને વાઘનું બચ્ચું કહેતા. સમય આવતાં તે વૃદ્ધ નાયક દુર્બળ બન્યો અને તેણે તેની સત્તા પુત્રને સોંપી.

આ પુત્ર પણ તેના દિવસો શિકારમાં પસાર કરતો. એક દિવસ કદાવર સૂવર તેણે બિછાવેલ જાળમાંથી જાળ સહિત છટકી ગયું અને ભાગી છૂટ્યું. બે સેવકો સહિત તેણે લાંબા અંતર સુધી થકવી દેનારો પીછો પકડ્યો અને અંતે સૂવર થકાવટને કારણે ભૂમિ પર પટકાઈ પડ્યું, તેણે સૂવરનો વધ કરીને તેના બે ટુકડા કરી નાખ્યા. જ્યારે રસાલો આવી પહોંચ્યો ત્યારે તેમણે સૂવરને અગ્નિમાં શેકવાનો અને આરામ કરવાનો પ્રસ્તાવ મૂક્યો, પરંતુ ત્યાં પાણી નહોતું તેથી તેમણે એ મૃતસૂવરને ખભે ઉપાડ્યું અને થોડું આગળ વધ્યા. તરત જ તેઓની નજરે પાવનકારી ‘કલહર્તી’ ટેકરી પડી, સેવકોમાંના એકે તેના શિખર તરફ ધ્યાન દોર્યું કે જ્યાં ઘૂંઘરાળા વાળની લટોવાળા દેવની મૂર્તિ હતી. તેણે કહ્યું, ‘ચાલો આપણે ત્યાં પૂજા કરવા જઈએ.’ તેણેે ફરી પાછું સૂવર ઉપાડ્યું અને ઉપર ચઢવા લાગ્યો. પરંતુ જેમ-જેમ ચાલતો ગયો તેમ તેમ સૂવર હલકું ને હલકું બનતું ગયું, આથી તેના હૃદયમાં મહદ્ આશ્ચર્ય ઊપજ્યું. તેણે સૂવરને ભૂમિ પર મૂક્યું અને ચમત્કારના તાત્પર્યને શોધવા ઉપર દોડી ગયો.

ઊર્ધ્વભાગે ભગવાનના મસ્તકને મળતા આવતા આકારના પાષાણ લિંગને આવીને જોતાં વેંત, પૂર્વજન્મનાં તપસ્યા કે કંઈક સત્કૃત્યોને કારણે, તેના અંતરાત્મામાંથી અવાજ આવ્યો, તેને લીધે ચારેબાજુની પ્રકૃતિ બદલાઈ ગઈ. હમણાં જ તેણે જોયેલા દેવના પ્રેમ વિશે ખૂબ વિચારવા લાગ્યો. લાંબાકાળથી વિખૂટા પડેલા બાળકની માતા જેમ તેને આલિંગનમાં લઈ લે તે રીતે તેણે મૂર્તિને ચુંબન કર્યું. તેણે જોયું કે તાજેતરમાં જ તેના પર જળનો અભિષેક કરાયેલો છે અને ઊર્ધ્વભાગ બિલ્વપત્રોથી આચ્છાદિત છે. તેના સેવકો પૈકીના એકે આવતાં વેંત કહ્યું કે તેના પિતાના કાળમાં નજીકમાં રહેતા વૃદ્ધ બ્રાહ્મણે જ આવું કર્યું હશે.

તેના હૃદયમાં સ્ફુરણા થઈ આવી કે તેણે પોતે પણ દેવની કંઈક પૂજા-ઉપાસના કરવી જોઈએ. તે હવે મૂર્તિને છોડીને ભાગ્યે જ દૂર જવા માગતો હતો, પણ અન્ય કોઈ ઉપાય ન હતો, તેથી છાવણીમાં ઉતાવળે જઈને શેકેલા માંસના કેટલાક નાજુક ભાગ પસંદ કર્યા, તે સારા છે કે નહીં તે ચાખી જોયા અને પાંદડાંના પડિયામાં તે બધું લઈને અને તેના મોઢામાં નદીનું થોડું જળ ભરી લાવીને, મૂર્તિ સમક્ષ દોડી આવ્યો. અનુચરો શબ્દ-ઉચ્ચારણ કર્યા વિના વિમૂઢ બની ગયા, કારણ કે તેમણે સ્વાભાવિકપણે વિચાર્યું કે પોતાનો અધિનાયક પાગલ થઈ ગયો છે! મૂર્તિ સમક્ષ ઉપસ્થિત થઈને તેણે મુખમાં ભરી લાવેલ જળનો મૂર્તિ પર છંટકાવ કર્યો, સૂવરના માંસનો ભોગ ધરાવ્યો. ત્યાર બાદ તેના વાળમાંથી કાઢીને જંગલી પુષ્પો મૂર્તિ પર ચડાવ્યાં અને દેવતાને પોતાના ઉપચાર-ઉપહારોનો સ્વીકાર કરવાની પ્રાર્થના કરી. એટલામાં સૂર્યાસ્ત થયો અને મૂર્તિની બાજુમાં પોતાનું ધનુષ્ય ખેંચીને તેમજ તીર તાકેલું રાખીને રક્ષા કરવા એ અધિનાયક તત્પર રહ્યો. પ્રભાત થતાં, ભગવાનને નવેસરથી ઉપચાર-નૈવેદ્ય કરવાના ઉદ્દેશથી શિકાર કરવા ઊપડ્યો.

એટલામાં, આટલાં બધાં વર્ષોથી ભગવાનની પૂજા કરતો આવેલો બ્રાહ્મણ ભક્ત પ્રાત :કાલીન નિત્યપૂજા કરવા આવ્યો. તે પવિત્ર પાત્રમાં શુદ્ધ જળ, તાજાં પુષ્પો અને બીલીપત્રો લાવ્યો અને પાવનકારી પ્રાર્થનાઓની આવૃત્તિ કરી. માંસ અને ગંદા પાણીથી દૂષિત કરેલી મૂર્તિને જોઈને તેણે દારુણ દુ :ખ અનુભવ્યું! શા માટે તેમના મંદિરને આવી રીતે દૂષિત કરવા દીધું, એમ મહાદેવને પૂછતાં પૂછતાં દુ :ખવશાત્ શિવલિંગ સમક્ષ તે આળોટવા માંડ્યો, કારણ કે શિવને તો શુદ્ધ જળ અને તાજાં પુષ્પો જ સ્વીકાર્ય છે. એમ કહેવાય છે કે વધુ સોનું અર્પણ કરવા કરતાં દેવ સમક્ષ એક પુષ્પ નિવેદિત કરવું, એ મહત્તર પુણ્યકારક છે. આ બ્રાહ્મણ-પૂજારીની દૃષ્ટિએ પશુઓની કતલ એ ઘૃણાજનક ગુનો, માંસભક્ષણ એ ચરમ ધિક્કારપાત્ર, મનુષ્યના મોંનો સ્પર્શ ભયાનક પ્રદૂષણકારક હતાં અને તે જંગલના સંસ્કારહીન શિકારીઓને નિમ્નસ્તરના જીવ તરીકે જોતો. છતાંય, તેણે વિચાર્યું કે તેણે પારંપરિક પૂજા કરવામાં વિલંબ ન કરવો જોઈએ, તેથી તેણે મૂર્તિને કાળજીપૂર્વક સ્વચ્છ કરી અને કાયમની જેમ વૈદિક ઉપચારપૂર્વક પૂજા કરી, નિર્દિષ્ટ સ્તોત્ર ગાયું, મંદિરની પ્રદક્ષિણા કરી અને પોતાના નિવાસ પર પાછો ફર્યો.

કેટલાક દિવસો સુધી મૂર્તિની આવી બન્ને પ્રકારની, વારાફરતી શિકારી અને બ્રાહ્મણ દ્વારા કરાતી પૂજાઓ ચાલ્યા કરી- બ્રાહ્મણ સવારમાં શુદ્ધ જળ અને પુષ્પો અર્પણ કરતો, શિકારી રાત્રે માંસ લાવતો અને ચડાવતો. એ દરમિયાન, પોતાના પુત્રમાં થયેલ ફેરફારનો વિચાર કરીને, યુવકમાં થયેલ પરિવર્તનનું કારણ જાણવા તેના પિતા આવ્યા, પણ તેને કંઈ જાણવા મળ્યું નહિ. પુત્રને એકલો છોડીને તેઓ નછૂટકે પોતાના ગામ પાછા વળ્યા.

બ્રાહ્મણ આવા વિચિત્ર ઘટનાચક્રને સાંખી શક્યો નહીં, લાગણીસભર થઈને તેણે શિવને પોતાની મૂર્તિમાં આવી નિત્ય થતી ભ્રષ્ટતામાંથી રક્ષણ કરવા અરજ કરી. એક રાત્રે ભગવાન તેની સમક્ષ પ્રગટ થયા અને કહ્યું, ‘તેં કરેલી ફરિયાદ મને સ્વીકાર્ય છે અને હું તેને આવકારું છું. જે માંસ અને પોતાના મુખેથી જળ અર્પણ કરે છે, તે જંગલનો અબુધ શિકારી છે અને તે પૂજાની પવિત્ર પરંપરા જાણતો નથી. પરંતુ તેને અવગણીને માત્ર તેના ઉદ્દેશને ધ્યાનમાં રાખ. તેનો કદરૂપો દેહ મારા પ્રત્યેના પ્રેમથી ભરપૂર છે, તેનું અબુધપણું એ તેનું મારા વિશેનંુ જ્ઞાન છે. તારી દૃષ્ટિએ ધિક્કારપાત્ર એવાં તેનાં અર્પણ-નિવેદનો વિશુદ્ધ પ્રેમભર્યાં છે. આવતી કાલે તું તેની ભક્તિનું પ્રમાણ જોજે.’

બીજા દિવસે શિવે જાતે જ બ્રાહ્મણને મંદિરની પાછળ છુપાવી દીધો, પછી યુવક શિકારીની ભક્તિના મર્મને ઉદ્ઘાટિત કરવા પોતાની જાતે મૂર્તિની એક આંખમાંથી લોહીની ધારા જેવું વહેવડાવ્યું. જ્યારે યુવક તેનાં પારંપારિક ઉપચાર-નિવેદનો લઈને આવ્યો, ત્યારે તેણે આ લોહી જોયું અને આક્રંદ કરી ઊઠ્યો, ‘ઓ મારા પ્રભુ! તમને કોણે ઘાયલ કર્યા? જ્યારે હું તમારા રક્ષણ માટે હાજર ન હતો, ત્યારે કોણે આવું પાપકૃત્ય આચર્યું?’ પછી તેણે શત્રુને શોધવા આખું જંંગલ ખંૂદી નાખ્યું. કોઈ ન મળી આવતાં, ઘાના લોહીને બંધ કરવા ઔષધીય વનસ્પતિઓનો ઉપયોગ કર્યો, પણ વ્યર્થ. એટલામાં તેને વૈદ્યોની ઉક્તિ યાદ આવી કે વિષનું મારણ વિષ છે અને તરત જ તેણે તીક્ષ્ણ ધારવાળું તીર ઉઠાવ્યું અને તેની જમણી આંખ ખોતરી કાઢીને દેવમૂર્તિની આંખના સ્થાને ચોટાડી દીધી. અને જુઓ! લોહી નીગળતું તરત જ અટકી ગયું. પણ અરે! હવે મૂર્તિની બીજી આંખમાંથી પણ લોહી નીકળવા માંડ્યું. ક્ષણભર તો યુવાન શિકારી હતાશ થઈને ક્ષુબ્ધ થઈ ગયો. એટલામાં તેના મનમાં વિચાર ઝબકી ઊઠ્યો કે હજુ અસરકારક અને પરિણામ લાવનારી એક ચોક્કસ ચિકિત્સા પદ્ધતિનો ઉપાય બાકી છે. આમ વિચારીને તેણે તોે તીર ઉઠાવ્યું અને મૂર્તિની લોહી નીગળતી આંખ પર પગ ગોઠવીને પોતાની બીજી આંખ ખોતરવાનું શરૂ કર્યું. એને લીધે તે જ્યારે સાવ દેખતો બંધ થઈ જાય ત્યારે કાઢેલી આંખ મૂર્તિની બીજી લોહી નીગળતી આંખના સ્થાને ચોટાડવામાં પોતે નિષ્ફળ ન નિવડે.

હવે તો શિવનો ઉદ્દેશ સંપન્ન થઈ ગયો હતો. તેમણે શિવલિંગમાંથી હાથ પ્રગટ કર્યો અને શિકારીનો હાથ પકડીને તેને કહ્યું, ‘બસ આટલું પૂરતું છે. હવે તારું સ્થાન સનાતનકાળ સુધી કૈલાસમાં મારી સમીપમાં રહેશે.’ ત્યાર બાદ બ્રાહ્મણ પૂજારીએ પણ જોયું કે વિધિયુક્ત પવિત્રતા કરતાં પ્રેમ મહત્તર છે. અને એ શિકારી યુવક કાયમ માટે કણ્ણપ તરીકે ઓળખાવા લાગ્યો.

Total Views: 334

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.