(ગયા અંકમાં ઇન્દ્રિય-જ્ઞાનની વ્યર્થ મહત્તા અને પુસ્તકીય જ્ઞાનની અપર્યાપ્તતા વિશે વાચ્યુંુંં, હવે આગળ….)

અતિચેતન અનુભૂતિના સ્તર

ઇન્દ્રિય વિષયભોગોથી મળતું સુખ અનંત દુ :ખનું જનક છે. પ્રારંભમાં તે અમૃતતુલ્ય લાગે છે પણ પછીથી તે નિરાશાજનક અને દુ :ખદાયક બને છે. (ભગવદ્ ગીતા ૧૮.૮) બૌદ્ધિક આનંદ આનાથી ઉચ્ચકોટિનો છે ખરા, પરંતુ તે આપણને પરમ સંતોષ કે પૂર્ણતા આપી શકતો નથી. ધ્યાન કરતી વખતે અથવા ભગવદ્-ગુણગાન કરતાં સમયે એક આંતરિક સુખ મળે છે. આ ઘણો સારો આનંદ છે, પણ એ દીર્ઘસ્થાયી નથી રહેતો. પરંતુ અતિચેતનાવસ્થામાં મળતો આનંદ સાધકની સાથે સદૈવ જળવાઈ રહે છે. આ જ સાચો આનંદ છે. બીજા આનંદ તેની માત્ર છાયા જ છે. તે ઉચ્ચતર અનુભૂતિ ભલે પોતાની પૂર્ણતામાં પ્રાપ્ત ન થઈ હોય, પરંતુ જો સાધક અતિચેતનાવસ્થાની નજીક પહોંચ્યો હોય તો પણ એક વાર અનુભવેલ આ આનંદની સ્મૃતિ જળવાઈ રહે છે. સાથે ને સાથે સાધકને ઉચ્ચતમ અવસ્થા પ્રાપ્ત કરવામાં તેમજ અનંત આનંદનો ઉપભોગ કરવા પ્રેરે છે.

બધા ધર્મોની ઉત્પત્તિ અતિચેતનાવસ્થામાંથી થઈ છે. અતિચેતન અનુભૂતિએ સુથારના પુત્ર જીસસને લાખો લોકોના આરાધ્ય ઈસામસીહ બનાવી દીધા. પોતાના એક ગરીબ ઊંટપાલક મહંમદને ઇસ્લામના પયગંબર બનાવી દીધા. એણે બૌદ્ધિક, તાર્કિક, દ્વંદ્વપ્રિય નિમાઈ પંડિતને ભગવદ્-ભક્તિના અવતાર શ્રીકૃષ્ણ-ચૈતન્ય બનાવી દીધા. વર્તમાન યુગમાં આપણે ગદાધર ચટ્ટોપાધ્યાય નામના કોલકાતાના એક મંદિરના ગરીબ પૂજારીને અતિચેતન અનુભૂતિ દ્વારા બધા ધર્મના સમન્વયાવતાર શ્રીરામકૃષ્ણ રૂપે રૂપાંતરિત થતા જોઈએ છીએ. હા, એ ખરું છે કે આ બધા લોકો સામાન્ય માનવ ન હતા.

આપણામાંથી ઘણાએ ભગવાનનું નામ સાંભળ્યું છે, પરંતુ વાસ્તવિક રીતે તે શબ્દનો અર્થ શું છે, તે આપણે જાણતા નથી. સાધના દ્વારા કેટલાક લોકોને ભગવાનની ઝલક મળી શકે. અને કેટલાક એવા લોકો છે જે આ ક્ષણિક ઝાંખીઓથી સંતોષ અનુભવતા નથી. તેઓ પોતાની ભીતરની ગહનતામાં પ્રવેશે છે અને પરમાત્માનો પોતાના આત્માના પણ પરમ આત્માના રૂપે આવિષ્કાર કરે છે. જેવી રીતે આત્મા દેહમાં રહે છે, તેવી જ રીતે ભગવાન બધા જીવોમાં તેમને નિયંત્રણમાં રાખીને છતાંય એમનાથી નિર્લિપ્ત થઈને રહે છે. ભગવાન સર્વાંતર્યામી પણ છે અને સર્વાતીત પણ છે. ભક્ત ભગવાનની સાથે વિવિધ સંબંધ સ્થાપીને એમના સંસ્પર્શના આનંદનો ઉપભોગ કરે છે. જ્યારે એવું કહેવાય કે ભક્ત ભગવાનને સ્વામી, સખા, માતા કે પ્રિયતમ સમજે છે ત્યારે એને સ્થૂળ અર્થમાં લેવું ન જોઈએ. સ્વામી વિવેકાનંદે ધર્મને શાશ્વત આત્માનો શાશ્વત બ્રહ્મ સાથેનો શાશ્વત સંબંધ કહ્યો છે. આ જ ભાવ માનવ સંબંધોના માધ્યમથી પ્રગટ થયો છે.

પરંતુ કેટલાક લોકો આ અવસ્થાનું પણ અતિક્રમણ કરી જાય છે. તેઓ બ્રહ્મમાં સમસ્ત જીવ-જગતના ઐક્યની અનુભૂતિ કરે છે. આત્મા પરમાત્મામાં વિલીન થઈ જાય છે તથા ‘એકમેવાદ્વિતીય’ શેષ રહે છે. શ્રીરામકૃષ્ણ એક કથાના માધ્યમ દ્વારા આ બાબતને બહુ સુંદર રીતે સમજાવે છે : એક વાર એક મીઠાની પૂતળી સાગરની ઊંડાઈ માપવા ગઈ. આ માપ કરતી વખતે તે પોતે જ ઓગળી ગઈ અને જેનાથી તે ઉત્પન્ન થઈ હતી એ સાગરની સાથે એકાકાર થઈ ગઈ.

અતિચેતન અવસ્થાની પ્રત્યક્ષ અનુભૂતિ કરનાર ને ઋષિ કે દ્રષ્ટા કહેવાય છે. પ્રત્યેક વ્યક્તિ એક પ્રકારે દ્રષ્ટા છે. ઇન્દ્રિય વિષયોને જોનારો પણ દ્રષ્ટા છે. સુદૂર ગ્રહનક્ષત્રોને જોનાર પણ દ્રષ્ટા છે. બીજાના વિચારોને જાણનાર દ્રષ્ટા છે. માનવની ગતિવિધિઓ અને ચિંતનના નિયમોને જાણનાર પણ દ્રષ્ટા છે. પરંતુ આ બધાથી ભિન્ન ઋષિ શબ્દનો ઉપયોગ એ વ્યક્તિ માટે કરાય છે કે જેણે સર્વાતીત અતિચેતન સત્યનો પ્રજ્ઞા દ્વારા અનુભવ કર્યો હોય. ભગવદ્ગીતામાં આ પ્રજ્ઞાશક્તિને ‘દિવ્યચક્ષુ’ કહી છે. તે બધામાં પ્રસુપ્ત રૂપે રહેલી છે.

અજ્ઞાન અને તેના પર વિજય

આ દિવ્યચક્ષુની પ્રાપ્તિમાં આપણું વિઘ્ન કયું છે? વેદાંતના આચાર્યોના મત પ્રમાણે તે વિઘ્ન અજ્ઞાન છે. પતંજલિ પણ કહે છે કે અજ્ઞાન પુરુષની દૃષ્ટિને ઢાંકી દે છે. પતંજલિના યોગ સૂત્રમાં (૨.૫) આપણને જોવા મળે છે. : ‘અનિત્યાશુચિદુ :ખાનાત્મસુ નિત્યશુચિસુખાત્મખ્યાતિરવિદ્યા’ – અર્થાત્ અનિત્ય, અશુચિ, દુ :ખદાયક અને અનાત્માને નિત્ય, શુચિ, સુખદાયક અને આત્મા સમજવાં એ અવિદ્યા છેે. અજ્ઞાન કે અવિદ્યાના મદમાં સત્ય કલ્પનાથી પણ વધારે અસત્ય જણાય છે.

એક શરાબી બરાડા પાડતો વીજળીના એક થાંભલા પર ઘણી ઉતાવળથી ચડતો હતો. સ્વાભાવિક રીતે પોલીસ એને પકડીને ન્યાયાધીશ સમક્ષ લઈ ગયો. એમણે શરાબીને પૂછ્યું, ‘આ બધું શું થઈ રહ્યું હતું ?’ તેણે જવાબ આપ્યો, ‘સાહેબ, હું શું કરું ? મારી પાછળ ત્રણ મગરમચ્છ પડ્યા હતા. એટલે મારો જીવ બચાવવા થાંભલા પર ચડવું પડ્યું.’ નગરના રસ્તા પર મગર ! શરાબના નશામાં તેણે એ જ જોયું. અવિદ્યાને કારણે આપણે પણ એવી ઘણી વસ્તુઓ જોઈએ છીએ કે જેમની કોઈ વાસ્તવિક સત્તા નથી હોતી.

અવિદ્યા પર વિજય મેળવીને અતિચેતનાવસ્થાને કેવી રીતે પ્રાપ્ત કરી શકાય, એ હવે પછીનો પ્રશ્ન છે. અવિદ્યાને એમ અમથી ન જાણી શકાય. તે અનેક પ્રકારે વ્યક્ત થાય છે. સર્વપ્રથમ છે અહંકાર કે અસ્મિતા. તે વાસ્તવિક આત્માને ઢાંકી દે છે. ત્યાર પછી રાગ કે આસક્તિ ઉત્પન્ન થાય છે. તેને જ્યારે દબાવવામાં આવે કે એની પૂર્તિ ન થાય તો ક્રોધ અને ભય જન્મે છે. માનવ અવિદ્યા, અહંકાર અને સહજાત પ્રવૃત્તિઓ દ્વારા સંસારનાં બંધનમાં બંધાઈ રહે છે. આધુનિક મનોવૈજ્ઞાનિક ગ્રંથિઓની વાત કરે છે. એક વર્ગીકરણ પ્રમાણે ત્રણ પ્રકારની મનોગ્રંથિઓ છે – યૌન-મનોગ્રંથિ, અહંકાર-મનોગ્રંથિ અને સમૂહ-મનોગ્રંથિ. આ ગ્રંથિઓની પકડમાંથી બહાર નીકળવાનો ઉપાય જાણ્યા વિના આધ્યાત્મિક જીવનનો પ્રારંભ જ થઈ શકતો નથી. આધ્યાત્મિક સંઘર્ષનો અર્થ આ જ છે. સહજાત પ્રવૃત્તિના બંધનમાંથી એક જ દિવસમાં મુક્તિ મેળવવી સંભવ નથી. આપણે પોતે જ એમાં બાધા રૂપ છીએ. પોતાના દ્વારા ઊભી કરેલી આંતરિક બાધાઓની સરખામણીમાં બાહ્ય બાધાઓ કંઈપણ નથી. આપણે પોતાના સમગ્ર વ્યક્તિત્વનું પરિવર્તન કરવું પડે. આ કેવી રીતે થાય ? વિશ્વના ભિન્ન ભિન્ન ધર્મોના સાધકોએ એના ઘણા માર્ગ આપણા માટે શોધી કાઢ્યા છે.

ઋષિઓનો માર્ગ

ઈશ્વર કે આત્મા નામના પરમ સત્યની અપરોક્ષ અનુભૂતિ કરનારને ઋષિ કહેવાય છે. અંગ્રેજીમાં એને ‘મિસ્ટિક’ કહે છે. જગતના પ્રત્યેક ધર્મમાં અનેક ઋષિ થયા છે. પરંતુ બધા ધર્મોએ એમની મહાનતાને ઓળખી નથી. એનું કારણ એ છે કે ખ્રિસ્તી, ઇસ્લામ અને યહૂદી જેવા કેટલાક ધર્મોમાં વિશ્વાસ કે નૈતિકતાને મુક્તિના મુખ્ય ઉપાયોના રૂપે વધારે મહત્ત્વ આપ્યું છે. આ ધર્મોના અનુયાયીઓ માટે આ એટલું અપેક્ષિત હોય છે કે તેઓ એ ધર્મોના સંસ્થાપક પયગંબરો પર પૂર્ણ શ્રદ્ધા રાખે. પ્રત્યેક ધર્મ પોતાના સંસ્થાપક-પયગંબરને શ્રેષ્ઠતમ કહે છે અને એને ન માનનારા લોકોને મુક્તિ નહિ મળે અર્થાત્ તેઓ નરકમાં જશે એવી માન્યતાઓ હોવા છતાં આ ધર્મોએ ઈશ્વરની પ્રત્યક્ષ અનુભૂતિ કરનારા ઉત્કૃષ્ટ અને અતિઉત્કૃષ્ટ સંતો આપ્યા છે. (ક્રમશ 🙂

Total Views: 306

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.