પ્રથમ અધ્યાય : પ્રથમ અંશ

योगस्त्वं योगसिद्धिश्च योगगब्यस्त्वमेव हि।
योगराड्योगिराट् चैव रामकृष्ण नमोऽस्तु ते।। 1।।

હે રામકૃષ્ણ, તમે યોગ છો, યોગસિદ્ધિ પણ તમે જ છો. તમે યોગગમ્ય છો, યોગરાજ છો અને યોગીઓના રાજા પણ તમે જ છો. તમને નમસ્કાર હો.

गाढध्याने कदाचिद्यो महाकर्मणि जातु वा।
स्थातुं शक्नोति वीरेशः स मे विद्यां प्रयच्छतु ।।2।।

જે વીરેશ્વર-સ્વામી વિવેકાનંદ કોઈ વાર ગાઢ ધ્યાનમાં, તો કોઈ વાર મહાન કાર્યોમાં સમાન રીતે રહેવાની શક્તિ ધરાવે છે તેઓ મને વિદ્યા-જ્ઞાન આપો.
અવતરણિકા
કેટલાક અદ્વૈતવાદીઓ “જ્ઞાનયોગથી જ મોક્ષ મળે છે’ એમ કહે છે, તો વળી કેટલાક વિશિષ્ટાદ્વૈતવાદીઓ ભક્તિયોગથી જ મોક્ષ મળે છે એમ કહે છે. કર્મયોગને તો એ લોકો ચિત્તશુદ્ધિ કરનાર પહેલા પગથિયા તરીકે જ લેખે છે. એનાથી કંઈ સીધો મોક્ષ મળતો નથી, એવો તેમનો મત છે.
પણ આ બાબતમાં એક પ્રશ્ન ઊભો થાય છે કે લગભગ તો અદ્વૈતવાદીઓ “જ્ઞાનથી મોક્ષ થાય છે’ એવું કહે છે, જ્ઞાનયોગથી થાય છે એવું તો કહેતા જ નથી. તો એનો ઉત્તર એ છે કે મોક્ષકારક જ્ઞાન તો શ્રવણ-મનન-નિદિધ્યાસનથી થાય છે એવું તો તેઓ માને જ છે. એનો અર્થ એ જ થયો કે ફક્ત જ્ઞાન-જાણકારી નહિ પણ જ્ઞાનયોગથી જ મોક્ષ મળે. ખાલી કર્મ કે ખાલી યોગ કે ખાલી ભક્તિથી જ નહિ. (તેનું યોગમાં રૂપાંતરણ થવું જોઈએ.)
આત્મા અને પરમાત્મા એક જ છે કે બન્ને અલગ છે – એવા વાદવિવાદમાં આપણે પડવું નથી પણ એટલું તો ચોક્કસ કે એ બન્ને પક્ષો, પરમાત્માની સાક્ષાત્ અનુભૂતિથી જ મોક્ષ મળે છે. એ બાબતમાં તો એકમત જ છે અને એ અનુભૂતિ સદ્ગુરુના ઉપદેશ અને શાસ્ત્રોના શ્રવણથી વિશુદ્ધ બનેલા મનથી જ થઈ શકે છે. શ્રુતિ કહે છે કે मनसैवेदमाप्तव्यम् (कठ.उ.2.1.11)- “આ મનથી જ પ્રાપ્ય કરવા યોગ્ય છે.’ અહીં કોઈ કહેશે કે ‘यतो वाचो निवर्तन्ते। अप्राप्य मनसा सह। (तै.उ.4.1)’ અર્થાત્ “જ્યાંથી મન અને વાણી એને પામ્યા વગર પાછાં વળે છે’ એવી શ્રુતિ તો એને મન અને વાણીથી અપ્રાપ્ય કહે છે, તેનું શું? તો એનો ઉત્તર એ છે કે એ કથન તો પ્રાકૃત મન-અસંસ્કારી મન માટે કહેલું છે એટલે એમાં કશો વાંધો નથી. શુદ્ધ મનથી પરમાત્મા પ્રાપ્ત થાય છે એવું તો ઘણે ઠેકાણે કહ્યું છે. ઉદાહરણ રૂપે ‘दृश्यते त्वग्र्यया बुद्ध्या सूक्ष्मया (कठ.उ.3.12)’ તીક્ષ્ણ એકાગ્ર બુદ્ધિ-મનથી એ જોવાય-અનુભવાય છે. ‘ज्ञानप्रसादेन विशुद्धसत्त्वः… तं पश्यते निष्कलं ध्यायमानः (मु.उ.3.1.8)’ અર્થાત્ જ્યારે માણસનું મન બુદ્ધિની સૂક્ષ્મતાથી નિર્મળ બને ત્યારે ધ્યાન દ્વારા મનુષ્ય તે અભિન્ન તત્ત્વને પામી શકે. વળી અમૃતબિંદુ ઉપ. ૨.૩.૪માં કહ્યું છે કે-

मन एव मनुष्याणां कारणं बन्धमोक्षयोः।
बन्धाय विषयासक्तं मुक्त्यै र्निविषयं स्मृतम्।
अतो र्निविषयं नित्यं मनः कार्यं मुमुक्षुणा ।।
निरस्तविषयासङ्गं संनिरुद्धं मनो हृदि।
यदाऽऽयात्यात्मनो भावं तदा तत्परमं पदम् ।।

અર્થાત્ માણસનું મન જ બંધન અને મોક્ષનું કારણ છે. વિષયાસક્ત મન બંધન કરાવવા માટે અને વિષયરહિત મન મુક્તિ અપાવનાર હોય છે. તેથી મુમુક્ષુએ પોતાના મનને હંમેશાં વિષયરહિત રાખવું. આવું વિષયના સંગથી રહિત અને હૃદયમાં સંયત થયેલું મન જ્યારે આત્મભાવને પ્રાપ્ત થાય ત્યારે એ પરમ પદ છે. આવી તો ઘણી શ્રુુતિઓ છે. (ક્રમશ 🙂

Total Views: 270

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.