જ્ઞાનયોગ

જ્ઞાનયોગનો પ્રારંભ ‘શ્રવણ’થી થાય છે, એનો અર્થ છે આધ્યાત્મિક સત્યોનું વાચન કરવું અથવા ગુરુ પાસેથી સાંભળવું. આ સત્યોને ઉપનિષદનાં ચાર મહાવાક્યો દ્વારા સૂત્રરૂપે વ્યક્ત કરવામાં આવ્યાં છે. પરંતુ આને કેવળ સાંભળીને જ અટકી જવું ન જોઈએ. જે સાંભળ્યું છે તેના પર, સત્યના સ્વરૂપ તથા તેની પ્રાપ્તિની સંભાવના વિશે જ્યાં સુધી દૃઢ નિશ્ર્ચય ન થઈ જાય ત્યાં સુધી, ગહન ચિંતન કરવું જોઈએ. આને મનન કહેવાય છે. પ્રાય: લોકો સામાન્ય વિષયો પર પણ આવી રીતે મનન કરતા નથી. મને એક વાર્તા યાદ આવે છે : એક કિશોરીને ભોજન માટે નિમંત્રણ મળ્યું. તે એક પ્રસિદ્ધ ખગોળશાસ્ત્રી પાસે બેઠી હતી. એમના વિદ્વત્તાપૂર્ણ વ્યક્તિવથી પ્રભાવિત થઈને તેણે એમને પૂછ્યું, ‘આપ શું કરો છો?’ ખગોળશાસ્ત્રીએ વિનમ્રતાપૂર્વક જવાબ આપ્યો, ‘હું ખગોળશાસ્ત્રનું અધ્યયન કરું છું.’ જવાબ સાંભળીને કિશોરીને ઘણી નિરાશા થઈ. તેણે વિચાર્યું હતું કે, આ સજ્જન સન્માનીય જણાય છે, એટલે તે વધારે સારો ઉત્તર આપશે. કિશોરીએ કહ્યું, ‘શું આ ઉંમરે પણ આપ હજી ખગોળશાસ્ત્રનું અધ્યયન કરો છો? મેં તો ગયે વર્ષે ખગોળશાસ્ત્રનું અધ્યયન પૂરું કરી લીધું છે.’ માત્ર થોડાં પુસ્તકોના વાચનથી જ કિશોરીના ખગોળશાસ્ત્રના જ્ઞાનનો અંત આવી ગયો હતો!

મનન પછી છે, નિદિધ્યાસન. નિદિધ્યાસન એક ઉચ્ચશ્રેણીનું ધ્યાન છે. એમાં આત્માના સ્વરૂપનું સીધું અનુસંધાન કરાય છે. વસ્તુત: ‘નેતિ નેતિ’-‘આ નહીં, આ નહીં’ ના માર્ગથી થતું સત્યનું આ એક ગહન અધ્યયન છે.

યોગનું લક્ષ્ય

પ્રત્યેક માનવ-આત્મા પરમાત્માનો એક શાશ્ર્વત અંશ છે. ગીતામાં (15.7-8) શ્રીકૃષ્ણ કહે છે :

‘મારો (પરમાત્માનો) જ સનાતન અંશ આ લોકમાં જીવ બનીને મન તેમજ પાંચ ઇન્દ્રિયોને આકર્ષિત કરે છે. જ્યારે જીવ શરીર ધારણ કરે છે અથવા ત્યજે છે, ત્યારે જેવી રીતે વાયુ પુષ્પમાંથી સુગંધ લઈને જાય છે, તેવી રીતે તે એમને લઈને જાય છે.’

જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી વાસના છે, ત્યાં સુધી માનવને વારંવાર જન્મ અને મૃત્યુમાંથી પસાર થવું પડે છે. જીવાત્માનું પરમાત્મા સાથે મિલન થતાં જ આ સંસાર-ચક્રનો અંત આવી જાય છે.

બધા યોગોનું લક્ષ્ય છે આ મિલનનો સચેતન અનુભવ. કેવળ બૌદ્ધિકરૂપે જ નહિ પરંતુ, એ અનુભવ એકત્વના સાક્ષાત્કાર દ્વારા કરવાનો છે. આવું થાય ત્યારે ચરમ સત્યની ઉચ્ચતમ આધ્યાત્મિક અનુભૂતિ આપણા માટે યથાર્થ થઈ શકશે. આત્મા અહંકાર, મન અને ઇન્દ્રિયો સાથે તાદાત્મ્ય ધરાવે છે તે માનવજીવનની મૂળભૂત અજ્ઞાનતા છે. જો વ્યક્તિ આ અનુભવ કરી લે કે તેનું વાસ્તવિક સ્વરૂપ મન અને ઇન્દ્રિયોથી ભિન્ન છે, તો પણ તેને માટે અહંકારથી છુટકારો મેળવવો કઠિન બની જાય છે. શ્રીરામકૃષ્ણ તેની તુલના પીપળાના વૃક્ષ સાથે કરતા રહેતા. આ વૃક્ષને કાપી નાખીએ તો પણ તેમાંથી ફરીફરીને અંકુર ફૂટે છે.

મિથ્યા અહંને શુદ્ધ કરવાનો છે તથા તેનું આધ્યાત્મિકીકરણ કરવાનું છે. બધા યોગોનો આ મુખ્ય ઉદ્દેશ્ય છે. કર્મયોગ કર્મનાં ફળોને પરમાત્માને સમર્પિત કરી દેવાનું તથા સેવા દ્વારા વ્યક્તિગત ઇચ્છાને ભગવદ્-ઇચ્છામાં વિલીન કરવાનું શીખવે છે. આવી રીતે રાજયોગમાં બધી સાધનાઓને સમર્પિત કરવાનો તથા અતિચેતનાના ભાવથી પૂરિત કરવાનો પ્રયાસ ચાલુ રહે છે; જપ અને ધ્યાન દ્વારા આંતરિક ભગવત્-સાન્નિધ્યના ભાવને જાળવી રાખવા પર ભાર મૂકવામાં આવે છે. ભક્તિયોગ ભગવાનના યંત્રરૂપે સેવા અને પ્રેમપૂર્ણ ભક્તિનો ભાવ સંચારિત કરે છે. આ રીતે કોઈ ને કોઈ પ્રકારે ‘અહમ્’નું આધ્યાત્મિકીકરણ કરવામાં આવે છે. પ્રારંભમાં ભગવાનને માતા કે પિતા માનવામાં કોઈ હાનિ નથી. પરંતુ વ્યક્તિત્વ-જ્ઞાન અનંત-જ્ઞાનમાં વિલીન થતાં જ અવિનાશી પરમાત્માના આનંદનો અનુભવ થઈ શકે છે. જ્ઞાનયોગનું લક્ષ્ય આત્મ-અનાત્મ વિવેક તથા ‘તત્ત્વમસિ’ આદિ ઉપનિષદોનાં મહાવાક્યોના અર્થના ચિંતન દ્વારા આત્મા અને પરમાત્માના એકત્વની અનુભૂતિ કરવાનું છે.

આ બધા યોગોના મૂળમાં તપ સમાનરૂપે રહેલું છે. ભગવદ્ગીતામાં(17.14-16) શ્રીકૃષ્ણ શરીર અને વાણીના તપનો ઉલ્લેખ કરે છે. શુચિતા, બ્રહ્મચર્ય અને આર્જવ કે ઋજુતાને શારીરિક તપ કહેવાય છે. બીજાને દુ:ખ ન દેતી, પરંતુ સત્ય અને હિતકર વાણી બોલવી તથા શાસ્ત્રોનાં પઠનને વાણીનું તપ કહ્યું છે. આ નિયમનું પાલન કરવા આપણે પોતાના બોલવાના સ્વભાવનું નિરીક્ષણ કરવું પડે તથા વ્યર્થ અને હાનિકારક શબ્દોનો ત્યાગ કરવો પડે. સૌમ્યતા, પ્રશાંતિ, મૌન, ઇન્દ્રિયસંયમ, ચિત્તશુદ્ધિ – આ બધાં મનનાં તપ છે. આ બધી સાધનાઓનો દૃઢ નિષ્ઠા અને તીવ્રતા સાથે અભ્યાસ કરવો જોઈએ. એની સાથે દૃષ્ટિકોણની ઉદારતા પણ હોવી જોઈએ. આધ્યાત્મિક જીવનમાં આપણા માટે શ્રીકૃષ્ણે ઉપદેશેલ કર્મફળ-ત્યાગની, શંકરાચાર્ય દ્વારા નિર્દિષ્ટ આત્મવિશ્ર્લેષણના માર્ગની, ચૈતન્યદેવે પ્રબોધેલ ઉન્મત્ત ભગવત્-પ્રેમની પ્રણાલીની આવશ્યકતા છે. આપણે બુદ્ધના અષ્ટાંગ માર્ગથી, ઈસુ ખ્રિસ્તના પર્વતીય ઉપદેશ દ્વારા તથા મહંમદના વૈશ્ર્વિક ભ્રાતૃત્વના સિદ્ધાંતથી પણ લાભ મેળવવો જોઈએ. આત્માને તેના વાસ્તવિક દિવ્ય સ્વરૂપનો સાક્ષાત્કાર કરાવવા માટેનાં આ બધાં સોપાન છે તથા એમને બધા ધર્મોના સાધકોએ અને ઋષિઓએ મહત્ત્વ આપ્યું છે.

વ્યષ્ટિ-જીવ સમષ્ટિથી અલગ નથી. ચિત્તશુદ્ધિથી પ્રાપ્ત ઉચ્ચતર પ્રજ્ઞા દ્વારા આ સત્ય પ્રગટ થાય છે. બધા યોગોમાં સાધનાનો જન્મ પ્રેમથી થાય છે અને પરમાત્માની સાથે એકત્વનો બોધ સ્વાભાવિકરૂપે સમસ્ત માનવતાની સાથે એકત્વની અનુભૂતિ કરાવે છે. ઈશ્વર-નામના જપથી તથા સર્વના અંતર્યામી પરમાત્માના નિરંતર સ્મરણથી ભક્ત પોતાના જીવનને મધુમય બનાવે છે, પોતાના અહંકારને પરમ ચૈતન્યમાં લીન કરી દેવાનું શીખે છે. જેવી રીતે સાગરનું મોજું સાગરમાં વિલીન થઈ જાય છે તેવી રીતે તેની વ્યષ્ટિચેતના વિરાટ ચૈતન્યમાં વિલીન થઈ જાય છે. ‘હું સ્વરૂપત: બ્રહ્મ છું. હું પરમાત્માથી ભિન્ન નથી,’ તે આવો અનુભવ કરે છે. આ અનુભૂતિ જ પ્રત્યેક સાચા જ્ઞાનીમાં જોવા મળતા આનંદનું કારણ છે. અનંત સત્તાની સાથે પોતાના એકત્વની અનુભૂતિ થતાં, જીવ આનંદમય પરમાત્માની સાથે ભળી જતાં, માનવ સમસ્ત માનવતા સાથે આ એકત્વની અનુભૂતિ કરે છે. બધાં પ્રાણીઓના હૃદયમાં પ્રતિબિંબિત થતાં ભગવત્-પ્રેમ અને ભગવત્-કૃપાની બધા ઓછામાં ઓછી એક ઝલક તો પામી શકે છે. ત્યારે જીવન પ્રત્યેના અસંતોષનું સ્થાન શાંતભાવ લઈ લે છે અને એ જીવનને પૃથ્વી પર સ્વર્ગ બનાવી દે છે. આધ્યાત્મિક જીવનનો પ્રારંભ દુ:ખથી હોઈ શકે છે, પરંતુ આત્માના એકત્વની વાસ્તવિક સત્યતાનો અનુભવ થતાં આપણે અંધકારમાં પડેલા લોકોને પ્રકાશ આપી શકીશું. એટલે આધ્યાત્મિક અનુભૂતિ માત્ર પોતાનાં સુખ અને શાંતિ માટે નથી હોતી, પરંતુ બીજાનાં સુખ અને શાંતિ માટે પણ આવશ્યક છે. (ક્રમશ:)

Total Views: 243

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.