જીવ અને તેની નિયતિ

સર્વોપરી સમસ્યા

આત્માના ચિરંતન અસ્તિત્વમાં આસ્થા હિંદુધર્મમાં સામાન્યરૂપે વિદ્યમાન છે, જ્યારે જીવનો પશ્ચાદ્ભાવ કે અમરત્વનો વિશ્વના બધા મહાન ધર્મોએ સ્વીકાર કર્યો છે. ‘પુનર્જન્મ’ નામના પોતાના વ્યાખ્યાનમાં સ્વામી વિવેકાનંદ કહે છે :

સર્વ દેશ અને કાળમાં માનવ બુદ્ધિને મૂંઝવતી અનેક સમસ્યાઓમાં સૌથી વધારે જટિલ સમસ્યા માનવ પોતે જ છે. ઇતિહાસના ઊગમ કાળથી માંડીને જે અગણિત રહસ્યોના ઉકેલ માટે માનવે પોતાની તમામ શક્તિનો ઉપયોગ કર્યો છે, તે બધામાં સૌથી વધુ રહસ્યમય તેનો પોતાનો જ સ્વભાવ છે. ન ઉકેલાય તેવી એ એક સમસ્યા છે, પ્રશ્નોનો પણ મહાપ્રશ્ન છે. એવો કોઈ કાળ ન હતો અને આવશે પણ નહીં કે જ્યારે આપણે જે જાણીએ છીએ અને અનુભવીએ છીએ તે સર્વના આરંભસ્થાન અને સંગ્રહસ્થાન તરીકે માણસનો પોતાનો જ સ્વભાવ તેનું સર્વશ્રેષ્ઠ અને સૌથી પ્રથમ ધ્યાન ખેંચતો ન હોય. (સ્વા.વિ. ગ્રંથમાળા 4.381)

પ્રત્યેક પેઢી પોતાની આગલી પેઢીને જીવનું સ્વરૂપ અને તેની નિયતિની આ સમસ્યાને, જીવન અને મરણના આ મહાન કોયડાને સોંપતી રહી છે. પરંતુ સદ્ભાગ્યે સર્વદા કેટલાક એવા સાહાસિક અને નિષ્ઠાવાન લોકો હોય છે કે જેઓ આત્મસાક્ષાત્કાર દ્વારા આ ગૂંચને ઉકેલવાનો અને તેના રહસ્યને ખુલ્લું કરવાનો પ્રયત્ન કરે છે. એટલે આપણે પણ આ મહાપુરુષોનાં પદચિહ્ન પર ચાલવાનો પ્રયત્ન કરીએ, એ આપણા માટે જરૂરી છે. જો આપણે પૂરતો પ્રયાસ કરીએ તો આપણે પણ આ સમસ્યાને સ્વયં ઉકેલી શકીએ.

હેરિયટ બીચર સ્ટોવના અસાધારણ પુસ્તક ‘Uncle Tom`s Cabin’ માં ટોપ્સી નામની નાની બાલિકાને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો, ‘તને કોણે બનાવી છે, એ તું જાણે છે ?’ બાલિકાએ થોડું હસીને જવાબ આપ્યો ‘હું જાણું છું કે કોઈએ નહીં.’ અને વળી તેણે ઉમેર્યું, ‘હું વિચારું છું, હું કેવળ વધવા લાગી અને મને કોણે બનાવી છે એ હું વિચારતી નથી.’ શું આપણે ક્યારેય આ રીતે વિચાર કરીએ છીએ? આપણા આ વિચિત્ર જગતમાં ઘણા પીઢ લોકો છે, એમને આ સમસ્યામાં જરાય રુચિ નથી હોતી. પરંતુ એવા થોડા લોકો હોય છે કે જે આવા પ્રશ્ન પૂછ્યા વગર રહી શકતા નથી : આપણે ક્યાંથી આવીએ છીએ ? શું આપણે પોતાની આસપાસની વસ્તુઓની જેમ નિર્માયા છીએ?  શું આપણે આ સંસારમાં જન્મપૂર્વે હતા અને શું આપણે મૃત્યુ પછી પણ બની રહીશું ? આ પ્રકારના પ્રશ્નો સદીઓથી ફરી ફરીને ઊભા થતા રહ્યા છે.

વોલ્ટ વ્હિટમેન ‘Leaves of Grass’ નામના પોતાના કાવ્યમાં કહે છે :

‘બે પુરાણી સરળ સમસ્યાઓ સદાસંયુક્ત, નિકટ, વર્તમાન, સુદૂર, ગૂંચવણભરી,

તેને ઉકેલવા પ્રયાસ કર્યો પ્રત્યેક પેઢીએ,

પરંતુ એ સમસ્યા રહી વણઉકલી,

આપણને વારસામાં એ સમસ્યા મળી,

આપણે પણ વારસામાં આપીશું પછીની પેઢીને.

જૈવિક સમાધાન

પાશ્ચાત્ય જીવવિજ્ઞાનશાસ્ત્રી પ્રત્યેક બહુકોષીય પ્રાણીના – પછી ભલે તે માખી, પશુ, પક્ષી અથવા માનવ પણ કેમ ન હોય – જીવનને પાંચ અવસ્થામાં વિભાજિત કરે છે : ગર્ભાધાન દ્વારા પ્રાણીનું નિર્માણ, વિકાસનો કાળ, પ્રૌઢ-સ્થિરતા કાળ, વૃદ્ધાવસ્થા અને આ જીવનક્રમની અંતિમ ઘટના મૃત્યુ. જીવશાસ્ત્રીઓના મત પ્રમાણે જીવ પોતાની બધી વિશેષતાઓ સાથે આનુવાંશિક સંચરણને કારણે જન્મ ધારણ કરે છે. એમના મતમાં વંશપરંપરા કે પ્રજા દ્વારા અમરત્વ પ્રાપ્ત કરવા સિવાય વ્યક્તિગત અમરત્વની કોઈ સંભાવના નથી. જો પ્રાણી સંતતિ ઉત્પન્ન ન કરે તો અંતે અસ્તિત્વહીન બની જાય છે.

અમરત્વની હિંદુ-ધારણા

પુરાતન હિંદુ આધ્યાત્મિક આચાર્યોએ આ માન્યતાથી સાવ જુદો સિદ્ધાંત આપણી સમક્ષ રાખ્યો છે. એમના મત પ્રમાણે પ્રત્યેક પ્રાણીનું ભૌતિક જીવન છ પરિવર્તનોના ક્રમમાંથી પસાર થાય છે : જન્મ, અવસ્થિતિ, વૃદ્ધિ, પરિવર્તન, અપક્ષય અને વિનાશ. મૃત્યુનો અર્થ એ છે કે પ્રાણી સ્થૂળ દેહના સ્તરે રહેતું નથી, પરંતુ તે અસ્તિત્વવિહીન બની જતું નથી; તેનું જીવન આદિકારણની નિકટતર સૂક્ષ્મતર પર બની રહે છે. થોડા સમય પછી જીવ અન્યનવા શરીરમાં ફરીથી જન્મ ગ્રહણ કરે છે. જીવ ક્યારેય નાશ પામતો નથી, પરંતુ તેનો ભૌતિક આધાર ક્રમિક પરિવર્તનોમાંથી પસાર થાય છે. સ્વામી વિવેકાનંદ કહે છે : માણસે પોતાના સ્વરૂપ વિષે જે બધા સિદ્ધાંતો સ્વીકાર્યા છે તેમાં આત્મતત્ત્વ શરીરથી ભિન્ન અને અમર છે, તે સિદ્ધાંત જ વિશેષ વ્યાપક થયો છે અને આત્માના આવા સ્વરૂપને માનનારાઓમાંથી મોટા ભાગના ચિંતકો તો સર્વદા તેના પૂર્વ અસ્તિત્વમાં પણ માનતા આવ્યા છે. ( સ્વા. વિ.ગ્રંથમાળા 4.382)

વેદાંતના આચાર્ય પોતાના વ્યક્તિગત અને પ્રત્યક્ષ અનુભવોના આધારે આપણને કહે છે કે આધ્યાત્મિક એકમ આત્મા જે અનેક વાર દેહ ધારણ કરે છે, તે પોતે અમર છે. તે જન્મપૂર્વે પણ હતો અને જન્મ અને મૃત્યુનાં અનેક ચક્રો પસાર થયા પછી પણ અનંતકાળ સુધી વિદ્યમાન રહેશે. જો આધુનિક દૃષ્ટાંત આપીએ તો પ્રકાશની વર્ણ-રંગ છટામાં કેવળ દૃશ્યમાન પ્રકાશવર્ણ જ રહેતો નથી, પરંતુ જે જાંબુડીયા અને લાલરંગના કિરણોથી પર છે એવા વર્ણ પણ રહે છે. એવી રીતે આત્માને પણ અનંત ભૂતકાળ અને ભવિષ્ય છે. માનવનો આત્મા એક એવા અનંત અસ્તિત્વનો અંશ છે કે જે ભૂત, ભવિષ્ય અને વર્તમાનને જોડે છે; જે દેશ તેમજ કાળ બન્નેથી પર છે. આત્માના ભૂત અને ભવિષ્યના જીવન વિશે આપણને જાણકારી નથી. પરંતુ વાસ્તવિકતાએ છે કે તે એક નિરવચ્છિન્ન અસ્તિત્વ બની રહે છે. કોઈપણ પોતાના અસ્તિત્વને નકારી શકતું નથી, પરંતુ તેના વાસ્તવિક સ્વરૂપને ઉચ્ચતર પ્રજ્ઞાની શક્તિ દ્વારા જ સમજી શકાય છે. કઠોપનિષદ(2.3.9)માં કહ્યું છે :

આ આત્માને ભૌતિક નેત્રો દ્વારા જોઈ શકાતો નથી કારણ કે તે સ્થૂળરૂપ વિનાનો છે. પરંતુ તે શુદ્ધ હૃદયની ગહનતામાં જાણી શકાય છે. જે એને જાણે છે તેઓ અમર બની જાય છે.

કર્મસિદ્ધાંત અને પુનર્જન્મવાદ એ એવા બદ્ધજીવોને લાગુ પડે છે કે જેમના દેહને ઇન્દ્રિયો, મન તથા અહંકારની સાથે તાદાત્મ્ય છે. આ જીવો ફરી ફરીને જન્મ ગ્રહણ કરે છે. પરંતુ જેમનામાં એક નવી ઉચ્ચતર ચેતનાનો ઉદય થઈ ગયો છે તે આ મિથ્યા તાદાત્મ્યથી મુક્ત થઈ જાય છે તથા પોતાના વાસ્તવિક અનંત સ્વરૂપનો સાક્ષાત્કાર કરીને જન્મ-મરણના ફેરામાંથી મુક્ત થઈ જાય છે. તેઓ અમર થઈ જાય છે.                                                                              (ક્રમશ:)

Total Views: 274

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.