આ કર્મયોગમાં બધાનો જ અધિકાર હોવાને લીધે ત્રણ વર્ણના લોકો માટે શાસ્ત્ર કથિત સ્વાધ્યાયની વાત જ આવતી નથી. અહીં મુમુક્ષુતાની જ અપેક્ષા છે એટલે સાધનચતુષ્ટયની પણ આવશ્યકતા ઊભી થતી નથી. વળી પરમ કરુણામય ગુરુએ પોતે જ ઉપદેશ કર્યો છે એટલે શિષ્યના પ્રશ્નની પણ કશી જરૂર નથી. એટલે ‘अथ’ શબ્દનો ‘હવે પછી’ એવો અર્થ થતો નથી.

હવે સૂત્રના ‘अत:’ શબ્દની વ્યાખ્યા કરીએ; કળિયુગમાં જ્ઞાનમાર્ગ અતિ કઠિન હોવાથી એના કરતાં કર્મમાર્ગ ઘણો સુલભ છે. તેથી લોકોની કર્મમાં પ્રવૃત્તિ તો સ્વાભાવિક જ છે, એટલે પ્રાચીનકાળમાં ભારત આધ્યાત્મિક જ્ઞાન, ધન, ધાન્ય અને સંપત્તિથી ભરપૂર હતું તેમજ જગતના નેતાઓ ભારતના લોકો હતા, પણ અત્યારે તેઓ બધા પ્રકારની સંપત્તિ વિહોણા, તમોગુણમાં ડૂબેલા, જાણે કે મરેલા છે. એટલે એ તમોગુણનો વિરોધી-હરીફ તો રજોગુણ જ છે અને પરમ પુરુષાર્થની પ્રાપ્તિ માટે એ કર્મોનું યોગમાં રૂપાંતર કરવું એ ખૂબ જરૂરી છે તેથી અમે આ પરમ પુરુષાર્થની પ્રાપ્તિના સુલભ ઉપાયરૂપ આ કર્મયોગનું વિસ્પષ્ટ-વિશદ-વિશિષ્ટ વ્યાખ્યાન કરીશું. હવે ‘કર્મયોગ’ શબ્દની વ્યાખ્યા કરે છે.

कर्मणा योग: ॥2॥

સૂત્રાર્થ : આ કર્મ દ્વારા યોગ છે.

વ્યાખ્યા :- કર્મ દ્વારા યોગ (कर्मणा योग:) એમ તૃતીયા તત્પુરુષ કહેવાનું કારણ ‘કર્મ જ યોગ’ એવો અર્થ દૂર કરવા માટે છે કારણ કે કર્મમાં પ્રવૃત્ત એવા કેટલાય કર્મઠ લોકો છે કે જે એક ક્ષણ પણ કર્મ વગર રહી જ ન શકે પરંતુ તેઓ કર્મોનું યોગમાં રૂપાંતરણ કરવાનું જાણતા નથી અને તેથી સંસારના ખાડામાં ગોથાં ખાધા કરે છે. એવા લોકો માટે કંઈ આ કર્મયોગ નથી. એવા લોકો માટે તો કર્મ બંધનકારક  જ છે પણજ્યારે એ કર્મ આમ કહ્યા પ્રમાણે (અને કહીશું તે પ્રમાણે) યોગમાં પરિવર્તિત કરવામાં આવશે ત્યારે તે કર્મ યોગરૂપ થઈને પરમ પુરુષાર્થને સિદ્ધ કરશે. આવો ઉપદેશ કરવાની ઇચ્છાથી જ અહીં ‘कर्मयोग’ શબ્દની સમજૂતી આપવામાં આવી છે.

હવે કર્મયોગ શબ્દમાં આવેલા ‘કર્મ’ અને ‘યોગ’ એ બન્ને શબ્દોને બે સૂત્રો દ્વારા સમજાવે છે :

योग: समाधि: ॥3॥

સૂત્રાર્થ : ‘યોગ’નો અર્થ ‘સમાધિ’ થાય છે.

વ્યાખ્યા :- ‘કર્મયોગ’ શબ્દમાં ‘યોગ’ શબ્દ મુખ્ય હોવાથી પહેલાં એ શબ્દની જ વ્યાખ્યા કરવામાં આવે છે. ‘યોગ’ શબ્દ ‘યુજ્ સમાધૌ’ એ ધાતુ પરથી વ્યુત્પન્ન થયો છે. પરમાત્મામાં મનનું સારી રીતે સમાધાન થવું, અવસ્થિત રહેવું, એને ‘સમાધિ’ કહેવામાં આવે છે. શ્રીરામકૃષ્ણ કહે છે કે જ્યારે મન બધી મલિનતાઓથી નિર્મલ થઈ જાય છે ત્યારે તરત જ મનસ્ત્વને-મનપણાને છોડીને ‘અમનસ્ક’ – મનોરહિત થઈને શુદ્ધ ચૈતન્ય-પરમાત્મામાં વિલીન થઈ જાય છે, તે પરમાત્માના રૂપમાં જ પછી રહે છે. ગૌડ પાદાચાર્યે પણ કહ્યું છે કે :

लीयते हि सुषुप्तौ तन्निगृहीतं न लीयते ।

तदेव निर्भयं ब्रह्म ज्ञानालोकं समन्तत:॥(मां.का.3.35)

અર્થાત્-ગાઢ સુષુપ્તાવસ્થામાં મન અવિદ્યામાં લય પામે છે પણ સમાધિમાં લય પામતું નથી પરંતુ એ મન પોતે જ બ્રહ્મરૂપ થઈ જાય છે, જે બ્રહ્મ નિર્ભય અને સર્વત્ર જ્ઞાનપ્રકાશરૂપ છે.

સૂત્રમાં અભિપ્રેત સમાધિ આ જ છે. અહીં પેલી યોગસૂત્રમાં કહેલી- ‘तदेवार्थमात्रनिर्भासं स्वरूपशून्यमिव समाधि: (यो.सू.3.3) તે ધ્યાન કે જે વિષયને પ્રકાશિત કરે છે અને પોતાના અલગ અસ્તિત્વને ખોઈ નાખે છે તે સમાધિ’- એવી સમાધિ અહીં નથી કારણ કે એવી સમાધિ તો પરમાત્મા સિવાયના અન્ય વિષયમાં પણ સંભવી શકે છે.                                             (ક્રમશ:)

Total Views: 284

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.