ૐ જય શ્રીરામકૃષ્ણાય નમ:, ૐ જય શ્રી શ્રીમા,

શ્રીસ્વામીજી મહારાજ, ૐ શ્રી શ્રીનર્મદા મૈયા.

સ્મરણાત્ જન્મજં પાપં, દર્શનેન ત્રિજન્મ જમ્ ।

સ્નાનાત્ જન્મ સહસ્ત્રાખ્યં, હન્તિ રેવા ક્લો યુગે॥

સ્મરણ માત્રથી નર્મદા સમસ્ત પાપ હરી લે છે દર્શન માત્રથી ત્રણ જન્મનાં પાપ અને સ્નાનથી હજાર જન્મનાં પાપો કલિયુગમાં નાશ પામે છે.

જાહ્ન્વી વૈષ્ણવી ગંગા, બ્રાહ્મી ગંગા સરસ્વતી।

ઇયં માહેશ્ર્વરી ગંગા, રેવા નાસ્ત્યત્ર સંશયમ્ ॥

ગંગા નદી કનખલ (હરદ્વાર) માં પુણ્યવતી છે, કુરુક્ષેત્રમાં સરસ્વતી નદી; પરંતુ ગ્રામમાં કે અરણ્યમાં નર્મદા સર્વત્ર પુણ્યમયી છે.

સાધક સંન્યાસીને ભગવાનની અને નર્મદા મૈયાની  અસીમ કૃપાથી પગપાળા નર્મદા પરિક્રમા કરવાનું પરમ સૌભાગ્ય પ્રાપ્ત થયું. આ લેખોમાં શ્રી શ્રીમા નર્મદા મૈયાનું સ્વત: સિદ્ધ માહાત્મ્ય પ્રકાશિત કરવાનું તથા પરિક્રમા દરમિયાન થયેલા અસીમ અનુભવો, નર્મદા તટે આવેલ તીર્થસ્થાનો, ગામડાઓ, સંપ્રદાયો, સંસ્કૃતિઓ, સિદ્ધયોગીઓ વગેરેનું સંક્ષિપ્તમાં વર્ણન કરવાનો પ્રયત્ન કરીશું અને તેની ફળશ્રુતિ પણ જોઈશું.

છત્તીશગઢની પાસે મધ્યપ્રદેશના શહડોલ જિલ્લાના અમરકંટક ગામે શ્રી શ્રીનર્મદા મૈયાનું ઉદ્ગમસ્થાન છે. મધ્યપ્રદેશના શહડોલ- અનુપપુર, મંડલા, ડિંડોરી, જબલપુર, નરસિંહપુર વગેરે જિલ્લામાંથી થતાં થતાં મહારાષ્ટ્રના નંદુરબાગ જિલ્લાને સ્પર્શ કરીને ગુજરાતના નર્મદા, વડોદરા અને ભરૂચ થઈને ખંભાતના અખાતમાં સાગર સંગમ થાય છે. આમ, 1800 કી.મી.નો પથ કાપીને શ્રી શ્રીનર્મદામૈયા સાગર સંગમે પહોંચે છે. શ્રી શ્રીનર્મદામૈયાના ભૌતિક પ્રવાહનો 80% ભાગ મધ્યપ્રદેશ, 5% ભાગ મહારાષ્ટ અને 15% ભાગ ગુજરાતમાં વહે છે. પરંતુ ગુજરાતના લોકો માટે આનંદની વાત એ છે કે પુરાણોમાં નર્મદા તટના જે તે તીર્થોનો ઉલ્લેખ કરેલ છે એમાંથી મોટા ભાગનાં તીર્થો ગુજરાતમાં છે. બાકીનાં મધ્યપ્રદેશમાં છે. આ વાતથી ગુજરાતના મોટા ભાગના લોકો અજાણ છે !

શ્રી શ્રીનર્મદામૈયાનો અનેક પુરાણોમાં, વિશેષ કરીને સ્કંદ પુરાણ, વાયુ પુરાણ વગેરેમાં ઉલ્લેખ આવે છે.  મેકલ પર્વત પર ભગવાન શિવ તપ કરતા હતા. તપના તાપથી શરીરમાંથી સ્વેદ ઉદ્ભવ્યો અને તે ગિરિને જળબંબોળ કરવા લાગ્યો. તેમાંથી નદી બની, તેણે સ્ત્રીરૂપ ધારણ કર્યું. તે જ દેવી શિવપુત્રી નર્મદા કહેવાયાં. મેકલ પર્વત પર તેમનો ઉદ્ભવ થયો તેથી તેમને મેકલસૂતા પણ કહેવાય છે. સત્યયુગમાં તેમણે શિવનું આરાધન કર્યું. શિવે પ્રસન્ન થઈને વર માગવા કહ્યું. તેમણે પોતાને ‘અક્ષયા’ અને ‘પુણ્યા’ બનાવવાનું વરદાન માગ્યું. અર્થાત્ મહાપ્રલયમાં બધા સ્થાવર-જંગમનો નાશ થાય ત્યારે પણ પોતે અક્ષય રહે અને ઉત્તરમાં જેવી ગંગા છે તેવી અહીં પોતે દક્ષિણમાં ‘દક્ષિણગંગા’ બનીને મહાપાતકનાશિની નીવડે એમ બે વસ્તુ માગી. સાતે કલ્પોના ક્ષય પ્રસંગે તે મર્યા નહીં તેથી પણ તે નર્મદા કહેવાયા. તેનું એક નામ રેવા પણ છે. પર્વતના ભાત-ભાતના પાષાણોમાં પુરાઈ રહેલા પથ્થરના ખડકોને ભેદીને ઠેઠ મહાર્ણવ સુધી પહોંચી જનારાં, પથ્થરને ભેદીને જેનો પ્રવાહ આગળ વધ્યો છે એવાં, ચારે દિશાઓને મોટા અવાજથી ભરી દેતાં, ઘડીમાં કૂદકા મારતાં, ક્યારેક સ્વસ્થ અને ગંભીર સ્વરૂપે વહેવાને લીધે તેનું નામ ‘રેવા’ સાર્થક છે. બહુ જ ‘રવ’ કરતી વહે છે તેથી ‘રેવા’.

ભગવાન શિવે નર્મદામૈયાને લોક કલ્યાણ માટે વહેવા કહ્યું. નર્મદામૈયાએ કહ્યું, ‘હું એકલી નહીં જાઉં, મને સતત આપનાં દર્શન થતાં રહેવા જોઈએ.’ એટલે શ્રી શ્રીનર્મદા મૈયાના કિનારે કિનારે શિવમંદિરો છે. એટલે જ એક કહેવત પણ છે – ‘નર્મદાતટના જેટલા કંકર એટલા શંકર!’ જયપુર કે બકાવા (મધ્યપ્રદેશ)માં પ્રાપ્ય શિવલિંગ મોટે ભાગે નર્મદાતટના પથ્થરોમાંથી જ બનતા હોય છે.

અનેક પુરાણો પ્રમાણે શ્રી શ્રીનર્મદા મૈયા બ્રહ્મચારિણી છે. તેમનાં વિવાહ થયા નથી. ત્રિલોકને પોતાના રૂપ વડે ઉન્મત્ત કરતાં તે પરિભ્રમણ કરવા માંડ્યાં. મોહિત થયેલા દેવ-દૈત્યો તેનો પીછો કરવા લાગ્યા. ‘બળ અને તેજ વધુ હશે એ તેને પામશે’ એમ શિવે કહ્યું. દેવાસુરો નર્મદાની સમીપ દોડ્યા. તેમની નજર સમક્ષ તે અંતર્ધાન થયા. ફરી તે બધાએ તેમને દૂર જોયા; ત્રણ-ચાર, દસ કે સો જોજન દૂર જ્યાં જ્યાં તે નજર પડી ત્યાં દેવાસુરો દોડી પહોંચતા પરંતુ ત્યારે નર્મદા શત, સહસ્ર અને શત સહસ્ર યોજન દૂર દેખાતાં. આગળ પાછળ, દિશાઓમાં, વિદિશાઓમાં ક્રમશ: એકરૂપે, અનેકરૂપે દેવદાનવો તેને જોતા. પરંતુ  કોઈ નર્મદાને પામી શક્યા નહીં. તપસ્વિની, બ્રહ્મચારિણી, અનન્ય પવિત્ર, પુણ્યવતી તથા ભગવાન શિવ સતત સાથે રહેતા હોવાથી નર્મદાતટે ભારતનાં લગભગ બધાં તીર્થો આવીને વસ્યાં છે. અનેક દેવી-દેવતા, સિદ્ધમુનિ, યોગી, જટાધારી, સંન્યાસી, ભક્તોએ તેમના તટે તપ કર્યા છે અને કરે છે.

ભગવદ્ સ્વરૂપ ગોવિંદાચાર્ય નર્મદાતટે સમાધિમાં લીન હતા. તેમને પરિવૃત કરી કેટલાય યોગી, સાધક, સંન્યાસી નર્મદા તટે નિવાસ કરતા હતા. ત્યાં જ આદિ શંકરાચાર્ય આવ્યા હતા અને ગોવિંદાચાર્ય પાસેથી કૃપા પ્રાપ્ત કરી પરમ દિવ્યતા અને ધન્યતા પ્રાપ્ત કરી હતી. રામકૃષ્ણ મઠ અને મિશનના પ્રથમ અધ્યક્ષ શ્રીમત્ સ્વામી બ્રહ્માનંદજી મહારાજે નર્મદાતટે તપસ્યા કરી હતી.

શ્રીશ્રીમા નર્મદા મૈયા ધર્મ-અર્થ-કામ-મોક્ષ આપનારાં છે. સકામભાવે નર્મદાતટે તપસ્યા અથવા પરિક્રમા કરતાં અનેક ગૃહસ્થ-ભક્તોની અભીપ્સા, આશા પૂર્ણ થયેલ છે. અસાધ્ય બીમારીઓ દૂર થવાના, પુત્રોને નોકરી પ્રાપ્ત થવી, દરિદ્રતા દૂર થવી જેવાં તો અસંખ્ય ઉદાહરણ જોવાં સાંભળવામાં આવ્યાં છે. સાધકજીવનની અસાધ્ય વિટંબણાઓ વખતે, લોકોને ક્યારેક જીવન અંધકારમય લાગે, કોઈ રસ્તો ન સૂઝે ત્યારે કે પરિવ્રાજક જીવનના દિવ્ય અને પરમ આસ્વાદ માટે અસંખ્ય લોકો નર્મદા પરિક્રમાએ નીકળી પડે છે. સાચા ભાવ, શ્રદ્ધા અને સમર્પિત થઈને પરિક્રમા કરનારાઓની શ્રી શ્રીનર્મદા મૈયા અવશ્ય રક્ષા કરે છે, સંભાળ રાખે છે.

આ સમયમાં પણ શ્રી શ્રીનર્મદા મૈયા અત્યંત જાગૃત દેવી છે. વર્ષે હજારો લોકો પરિક્રમા કરે છે.  નિર્જન વગડા, જંગલમાં બેત્રણ રસ્તાઓમાં કયે પથે જવું, અચાનક અજાણી જગ્યાએ ભોજન પ્રાપ્ત થવું, ભાવતાં ભોજન મળવા, ક્યારેક ક્યારેક નર્મદામૈયાથી દૂર ચાલતાં ફરી નર્મદામૈયાનાં દર્શન મળવાથી થાક દૂર થવો, નર્મદાસ્નાન કર્યા પછી આખા દિવસનો થાક-પરિશ્રમ ક્યાંય ગાયબ થઈ જાય! આવો અનુભવ લગભગ બધા  આબાલવૃદ્ધ પરિક્રમાવાસીઓ કરતા હોય છે.

એક સંત શુલપાણિની ઝાડીમાં પહાડી વિસ્તારમાં ભૂલા પડ્યા. આગળ બેત્રણ પગદંડી. નર્મદેહર, નર્મદેહર (પરિક્રમાવાસી ચાલતાં ચાલતાં બધાને નર્મદેહર કહે અને જ્યારે મુશ્કેલીમાં હોય ત્યારે પણ) કહ્યું. થોડીવાર પછી મહારાજે જોયું કે બે બાલિકાઓ આવે છે. મહારાજને એમ કે બકરાં ચારવાવાળી હશે. નર્મદેહર કહી રસ્તો પૂછતાં, બાલિકાઓએ રસ્તો બતાવ્યો અને થોડી વાતો કરી. મહારાજ પોતાના રસ્તે આગળ વધ્યા. થોડા ડગલાં માંડ્યા પછી મહારાજને અચાનક મનમાં થયું કે આ બાલિકાઓ ક્યાંથી આવી? પાછળ વળીને જુએ તો કોઈ નહીં. આસપાસ ઘણું જોયું પણ નિર્જન વગડામાં કોઈ નહીં. મહારાજ આશ્ચર્યચકિત અને આનંદિત થઈ ગયા.  આ જંગલમાં મા નર્મદા નહીં તો બીજું કોણ?

બીજા એક સંત પરિક્રમામાં હંમેશાં માને કિનારે કિનારે જ ચાલે! કેટલું મુશ્કેલ, કઠિન, ભયાનક! અવારનવાર નિર્જન સ્થાન, ઝાડી-વગડા, જંગલ આવે. એ મહારાજ કહેતા કે આવા નિર્જન સ્થાનોમાં પણ ભોજનપ્રસાદ ક્યાંથી આવતો, કોણ ખવડાવી જતું, આવું રોજનું થતાં તેમને કોઈ આશ્ચર્ય ન થતું!! કારણ કે કોણ ખવડાવ જતું હોય! શ્રીશ્રીમા સિવાય બીજું કોણ?

જૂના સમયની વાત છે. એક સંત મહાત્મા શ્રી શ્રીનર્મદા મૈયાની પરિક્રમા કરતા હતા. એક નિર્જન વનમાં આવી ગયા હતા. ભૂખ લાગી હતી, થાકી ગયા હતા, બપોર થયો હતો. મહારાજે મનમાં ગાંઠ બાંધી હતી કે કોઈ પાસે માગીશ નહીં, ઇશારાથી પણ નહીં. માની ઇચ્છા હશે તો તે બધું કરશે. સાંજ પડી ગઈ! રાત થવા આવી. આમ તો દરેક પરિક્રમાવાસીઓનો અનુભવ કે મા ભૂખ્યા ન સૂવડાવે. પણ મોટા લોકોની મોટી પરીક્ષા હોયને? રાત વીતી ગઈ. બીજો દિવસ થયો. કકડીને ભૂખ લાગી હતી. પરંતુ મહારાજ પોતાના સંકલ્પમાં દૃઢ હતા. બીજો દિવસ પણ વીત્યો. ત્રીજે દિવસે સવાર થઈ, પછી મહારાજ જુએ છે એક બાલિકા, ગામડાનો વેશ પહેરેલો. મહારાજ પાસે આવીને કહે છે, ‘બાબા, આપ અહીં ક્યારે આવ્યા? ક્યાંથી આવો છો? વગેરે’ પછી કહે ‘બાબા અહીં પાસે જ મારું ગામ છે તમે ત્યાં આવો. ત્યાં આજે ખૂબ મોટો ઉત્સવ છે.’ મહારાજ વિચારવા લાગ્યા. અહીં કોઈ ગામ તો ન હતું. પછી થયું થોડું અંદર ચાલીને આવતું હશે. જે હોય તે. મહારાજ બાલિકા સાથે સાથે ચાલીને ગામમાં જાય છે. મહારાજ જઈને જુએ છે તો સુંદર ગામ. ધુમાડાબંધ આખા ગામને નોતરું છે. મોટો યજ્ઞ થાય છે. મોટા મોટા પંડિતો, બ્રાહ્મણો મંત્રો બોલે છે. વિધિવિધાન કરાવે છે. ગામના મુખીએ આવીને મહાત્માનું સ્વાગત કર્યું, આસન આપ્યું. જલપાન કરાવીને કહ્યું કે યજ્ઞ પછી પ્રસાદ મળશે. તે બાલિકા પોતાની સખી સાથે નાના નાના કામમાં દોડી દોડીને મદદ કરતી હતી. યજ્ઞ પૂરો થયો. પંગત બેઠી, બ્રાહ્મણો-પંડિતો, બીજા સાધુ-સંતો સાથે મહારાજને પણ બેસાડ્યા. પેટ ભરીને સુંદર ભોજનપ્રસાદ લીધો. ત્રણ દિવસના નકોરડા હતાને! પછી મુખીએ કહ્યું, હવે તમારે આરામ કરવો હોય તો આરામ કરો. આરામ કરવા માટે એક જગ્યા બતાવી. મહારાજ તો ઘસઘસાટ ઊંઘી ગયા. ઊંઘમાં જાગીને જોયું તો, નથી કોઈ ગામ, નથી કોઈ બાલિકા કે નથી કોઈ મુખી! જુએ તો પોતે શ્રી શ્રીનર્મદા મૈયાના કિનારે! મહાત્મા સમજી ગયા કે આ તો શ્રી શ્રીમાની લીલા. તેમને ખૂબ જ ક્ષોભ થયો, અકળાઈને જાણે માની સાથે ઝઘડો કરતા હોય તેમ, ‘મા હું તને ઓળખી ન શક્યો? મને તારાં દર્શન પણ ન થયાં?’ અને ખૂબ જ રડવા લાગ્યા. માને કાલાવાલા કરીને કરગરવા લાગ્યા, ‘મા મને દર્શન નહિ આપે તો આ જીવનનો શો અર્થ? તેં મને છેતર્યો, ચાલાકી કરી. વેશ બદલીને મને જમાડ્યો. નહિ મા, નહિ. તારે દર્શન આપવા જ પડશે. નહિ તો આ જીવનનો અંત કરીશ.’ મહારાજ તો પ્રાણત્યાગવા જતા હતા પરંતુ તેમણે જોયું કે નર્મદાનદીના મધ્યમાંથી એક નારીસ્વરૂપ બહાર નીકળે છે. કમર સુધી શ્રીશ્રીમા બહાર આવ્યાં અને દર્શન દીધાં! મહારાજ ધન્ય બન્યા! શ્રી શ્રીનર્મદા મૈયાની પરમકૃપા પ્રાપ્ત કરીને! એ મહાન મહાપરુષ હતા દત્તાત્રેયના અંશાવતાર સ્વયં વાસુદેવાનંદ સરસ્વતીજી મહારાજ.

શ્રી શ્રીનર્મદા મૈયાની જય! (ક્રમશ:)

Total Views: 346

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.