જન જાગે તો જ સવાર, નહીં તો ઘોર અંધારી રાત!’ આપણું બધું આધ્યાત્મિક સાહિત્ય ‘જાગવા’ની વાત પર ભાર મૂકે છે. જાગવાની સાથે જ સંસારના અટપટા ભોગ અદૃશ્ય થઈ જાય છે અને ઊંઘની જડતા ચાલી જાય છે.

એક વખત જનક રાજાને સ્વપ્ન આવ્યું. તેમણે જોયું તો બીજા દેશના રાજાએ મિથિલાનગરી પર આક્રમણ કર્યું છે. એમની સેના પરાજિત થઈ ચૂકી છે. શત્રુના સૈનિકો રાજાને પકડવા આવી રહ્યા છે. તેવામાં રાજા-રાણી યેનકેન પ્રકારેણ પોતાનો પ્રાણ બચાવી ગુપ્ત દ્વારેથી નાસી છૂટીને બીજા કોઈ દેશમાં પહોંચી ગયાં. આ નવા દેશમાં તેમને કોઈ ઓળખતું નથી. રાજા-રાણી અહીં ભિક્ષા માગી શાંતિથી રહેવા લાગ્યાં. એક દિવસ ક્યાંકથી ખીચડીની સામગ્રી મળી. તે રાંધવા માટે તેમણે પથ્થરનો ચૂલો માંડ્યો. હાંડલીમાં ખીચડી ચડાવી. એટલામાં તો ગાંડો હાથી ત્યાં આવી ચડ્યો. આ જોઈ બન્ને ત્યાંથી ભાગ્યાં અને માંડ બચ્યાં- ત્યાં તો રાજાની ઊંઘ ઊડી ગઈ. એમણે જોયું તો, પંખો વિંઝાવો ચાલુ છે તથા સિપાહી પણ બહાર ચોકી કરી રહ્યો છે. જનક રાજા વિચારવા લાગ્યા કે મેં જે સ્વપ્ન દીઠેલું તે સાચું હતું કે હમણાં જે જોઉં છું તે સાચું છે?

સ્વપ્નમાં આપણે જે તે પરિસ્થિતિને એટલી બધી સાચી અનુભવીએ છીએ કે વાસ્તવિક પરિસ્થિતિ ભુલાઈ જાય છે.

સંસારમાં આવેલ દેહધારીઓને કર્મ કર્યા વિના છૂટકો નથી. ધર્મશાસ્ત્રો કહે છે કે કર્મો આપણને બાંધે છે અને બંધન તો કોને ગમે? સ્વતંત્રતાનો આનંદ કંઈક ઓર જ છે. કર્મો આપણાં શરીર અને મનના સ્વભાવ ધર્મ થકી સર્જાયાં હોય છે. તેનો પૂર્ણપણે ત્યાગ કરવાનું જીવનમાં સંભવિત નથી. તો પછી સંસારમાં કેવી રીત જીવવું? આ પ્રશ્નનો ઉકેલ ભગવાન શ્રીકૃષ્ણે ભગવદ્ ગીતામાં સાક્ષીભાવનો મહિમા વર્ણવીને સમજાવ્યો છે. તે પ્રમાણે વિચારીએ તો જેમ પાણીમાં ડૂબતો માણસ તરવામાં કૌશલ્ય વાપરીને કિનારે પહોંચે છે તે જ રીતે સંસારમાં રહી, સાક્ષીભાવે કર્મશીલ બની, ભવસાગર પાર કરવામાં જ શ્રેય છે.

આપણે કંઈક અજ્ઞાન અને કંઈક ભોળપણમાં એવું માનીએ છીએ કે બધાં કાર્યો આપણા થકી થાય છે. માણસ કહે છે કે- ‘હું કમાઉં છું, હું ઊગાડું છું, હું ચલાવું છું, હું બનાવું છું.’ આ બધું ‘હું કરું છું’ એ અર્ધસત્ય છે. વ્યાવહારિક રીતે જોતાં તો ઠીક લાગે છે. પરંતુ તત્ત્વત: એ આભાસિક છે. ખરેખર તો મનુષ્ય કશું જ કરતો હોતો નથી. પરંતુ પરમસત્તાની મરજી દ્વારા, આપણને સાધન કે નિમિત્ત બનાવવામાં આવ્યા છે. આપણે એવું માની લઈએ છીએ કે આ મારો સંસાર અને તેના વ્યવહારો મારા થકી ચાલે છે. ઘણીવાર તો છેક, છેવટ સુધી આ મિથ્યા સ્વપ્નમાં આપણે રાચીએ છીએ.

પરંતુ, જો એટલું જ્ઞાન થઈ જાય કે હું તો માત્ર સર્જનહારનું સાધન છું, તેની લીલા મુજબ બધું થયા કરે છે, તો જીવનનો દૃષ્ટિકોણ બદલાઈ જાય. જીવન એક વિરાટ સ્વપ્ન જેવું લાગવા માંડે છે અને તેની નિરર્થકતા સમજાઈ જાય છે.

આ સમજણ પ્રાપ્ત કર્યા પછી વ્યવહારનાં કર્મો તો થતાં જ રહે છે પણ એમાં સાક્ષીભાવની જાગૃતિ આવી જાય છે. આવું દિવ્યજ્ઞાન થયા પછી કર્મના ફળની કોઈ ચિંતા રહેતી નથી. હવે, સુખ આવે કે દુ:ખ, આત્મજ્યોતિ સ્થિર-શાંત અજવાળું પાથર્યા કરે છે. સંસારનો કોઈ ઝંઝાવાત પછી અસર કરતો નથી. સંસારસ્વપ્નનું આભાસીપણું સામે આવી જાય છે. આ રહસ્યની સભાનતા કેળવવી ખૂબ જરૂરી છે. જનક રાજા આ રહસ્યથી સભાન હતા. તેથી જ તેઓ જનક ‘વિદેહી’ કહેવાયા. તેમને પ્રતીતિ થઈ ચૂકી હતી કે આ સંસાર સ્વપ્ન સમાન છે. આ સ્થિતિનું જ્ઞાન થઈ જવું એ જ પરમાર્થ તરફની ગતિ છે.

સંત કબીરે ગાયું છે, ‘ઊઠ જાગ મુસાફિર ભોર ભઈ, અબ રૈન કહાં જો સોવત હૈ. જો સોવત હૈ વો ખોવત હૈ. જો જાગત હૈ, વો પાવત હૈ.’ આ મનુષ્ય અવતાર એમ જ એળે ન જવા દઈ, જાગી જવાની વાત સરળ શબ્દમાં સંત કબીર સમજાવે છે.

એ જ વાત ભક્ત કવિ નરસિંહ આ રીતે વર્ણવે છે: ‘જાગીને જોઉં તો જગત દીસે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે.’ અહી સંકેત કર્યો છે કે સ્વપ્નાવસ્થામાં ‘અટપટા ભોગ’ભાસે છે તે મિથ્યા છે. તો પછી શા માટે મૃગજળ પાછળ દોટ મૂકવી? ચૈતન્ય તો ક્યારનુંયે હાથ ફેલાવી તેની તરફ આપણને બોલાવી રહ્યું છે. આપણે સંસારની આંટીઘૂંટી અને પળોજણમાંથી મુક્ત થઈ બે ડગલાં તેની તરફ માંડીએ અને આતમદીપ પ્રગટાવીએ. ખરેખર, આ જ માનવડ જીવનની સાર્થકતા છે.

Total Views: 460

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.