જે પ્રેમ કરે છે એના ભાગે પીડા આવે છે. પીડા એ પ્રેમનું પ્રથમ પરિણામ છે. આ પીડા જે જીરવી શકે એને જ છેવટે અમૃત મળે છે. બંસરી શ્રીકૃષ્ણના અધર પર સ્થાન પામી. બંસરી વાગવા માટે જ વીંધાઈ, પોતાના દેહ પર તેણે છેદ સહ્યા. તેણે પોતાની જાત પ્રભુપ્રેમમાં સમર્પિત કરી દીધી. પોતાની જાતને લૂંટાવી દેવાથી જે આનંદ મળે છે તેનો ખ્યાલ જો એક વાર આવે તો જ પ્રેમનો મહિમા સમજાય. બંસરી પોલી છે. અંદરથી ખાલી, અહંકાર વિનાની એટલે જ તો તેમાંથી સુમધુર સૂરો રેલાય છે.
આપણી જીવન-બંસરી પણ જો પોલી બને એટલે કે રાગ-દ્વેષથી રહિત બને, પ્રભુકાર્ય કરવા માટે કષ્ટ સહન કરવા તૈયાર રહે અને પોતાના તુક્કે નહીં, પરંતુ શ્યામની ફૂંકે વાગવામાં ગૌરવ અનુભવે તો તે પણ પ્રભુના અધરામૃતનું પાન કરી શકે. બંસરીને જેમ પોતાનો સૂર હોતો નથી તેમ પ્રભુના સાચા ભક્તને પણ પોતાની ઇચ્છા કે આગ્રહ હોતાં નથી. સાચો ભક્ત તો પ્રભુને પ્રાર્થે છે કે, ‘શ્યામ! તારી બંસીના સૂર થઈ મારે જગમાં વહેવું છે, સૂર કેવા અને ક્યારે છેડવા એ તારે જોવાનું છે.’
બંસરી બજાવવાનો આનંદ માત્ર શ્યામ સુધી સીમિત ન રહેતો. ગાયો, પક્ષીઓ, વૃક્ષો, નદીનું પાણી તથા તેમાં રહેલ જળચર જીવો, ગોપાલકો- એમ સમસ્ત પ્રકૃતિ બંસરીના સૂરમાં તલ્લીન થઈ જતી. બંસરી ઘણી ગોપીઓની મીઠી ઈર્ષ્યાનું કારણ પણ બની, કેમ કે શ્યામ તેને પોતાનાથી અળગી ન મૂકતા. ગોપીઓ પોતાનાં કામ પડતાં મૂકી, સંસારનાં બંધનો ફગાવી, સાન-ભાન ભૂલી આ સૂરસૃષ્ટિમાં ડૂબી જવા દોડી આવતી. કેવું અલૌકિક હશે એ દૃશ્ય! આ સૂરસૃષ્ટિમાં એકતાન થઈ જવા માટે ગોપાલકોએ પૂર્વ જન્મમાં કેટલાં તપ કર્યાં હશે! દેવોને પણ દુર્લભ એવી અલૌકિક અનુભૂતિ તેમને બંસરી સાંભળવામાં થઈ.
શ્યામની બંસરીએ ગોકુળને ઘેલું કર્યું હતું. આમ, જોઈએ તો ‘ગો’ એટલે ‘ઇન્દ્રિય’ અને ‘કુળ’ એટલે ‘સમૂહ’. એ રીતે ઇન્દ્રિયોના સમૂહરૂપ આપણું શરીર પણ ગોકુળ છે. એ ગોકુળમાં શ્યામની બંસરી નિરંતર બજ્યા કરે છે. પણ આપણે તે કેમ સાંભળી શકતા નથી?…. જો અહંકાર અને વાસનાનો કોલાહલ બંધ થાય તો જ ભીતરનો મૃદુ-મંજુલ સ્વર સાંભળી શકાય. પરંતુ પદ, પદવી, આંધળી પ્રતિષ્ઠારૂપી પથરા લઈને ફરતો માણસ મુક્તમને જીવન માણી શકતો નથી.
કદાચ શ્રીકૃષ્ણને ગીતા ન કહેવી પડી હોત, જો આપણે તેની બંસરીને સમજી શક્યા હોત તો! ગીતા એ બંસરીમાં વહેતા જીવનસંદેશની પુનરુક્તિ છે. શ્રીકૃષ્ણે બંસરીને જ ગીતામાં શ્ર્લોકસ્થ કરી છે.
વાંસના સામાન્ય ટુકડામાં સંગીત-નિર્માણ કરી શ્યામે જગતને બંસરીના માધુર્યની પ્રતીતિ કરાવી છે. અર્જુનની માફક ‘કરિષ્યે વચનં તવ’ એમ કહેનાર માનવની જીવન-બંસરીમાં પ્રભુ પોતે પ્રાણ પૂરે છે. આપણી જીવન-બંસરીમાં તો જ પ્રાણ પુરાય કે જ્યારે બંસરી જેવી સમર્પણવૃત્તિ આવે. સમર્પણ એટલે પોતાની જાત ભગવાનનાં ચરણોમાં સોંપી દેવી. જ્યારે ભક્ત પોતાની જાતને સમગ્રતયા સમર્પિત કરે ત્યારે ભગવાન તેના જીવનની સઘળી જવાબદારી પોતાના માથે લઈ લે છે. ભક્ત હવે કર્તૃત્વના ભારથી મુક્ત થઈ બંસરી-સમી હળવાશ અનુભવે છે. એ રીતે સમર્પણ થકી ‘नाहं कर्ता, हरि: कर्ता’ એ ભાવ મનમાં દૃઢ બને છે. બંસરી એ સમર્પણનું પ્રતીક છે. તેણે પોતાની સર્વ રુચિ-અરુચિ શ્યામનાં ચરણમાં સોંપી દીધી છે. શ્યામ ઇચ્છા મુજબ તેને બજાવે તેમાં જ બંસરી આનંદિત છે. એટલે જ તો તે હરિના હોઠે બિરાજી છે, હરિને પ્રિય છે.
બંસરીમાં પોતાને પોતાની ભવોભવની ઓળખાણ થઈ જવાની શક્યતા છે. પરંતુ ભૌતિકતામાં જીવતા આપણે સૌ એટલા તો સંવેદનહીન બની ગયા છીએ કે બંસરીના સૂર આપણા કાનેથી અથડાઈને પાછા ફરે છે, આપણને તેના સૂર ઝંકૃત કરી શકતા નથી.
જીવનમાં ભૌતિક પદાર્થોની પાછળ આંધળી દોટ આના પાછળ જવાબદાર છે, જેમાં આપણે ‘સ્વ’ની ઓળખ ગુમાવી છે. જો સાચી ઓળખ પ્રાપ્ત કરવી હોય તો બંસરીની જેમ ખાલી થઈ જવામાં જ સાર છે. એ માટે પ્રભુ પાસે અહંકારનો અંચળો ઉતારી વિનમ્રતાનાં વસ્ત્રો ધારણ કરી યાચવું જોઈએ કે, ‘હે! પ્રભુ, મારી જીવનરૂપી બંસરી તમને સોંપી છે. તમે એવા સૂરો રેલાવો કે જીવન સાત્ત્વિક આનંદરૂપી માધુર્યથી છલકાઈ જાય!’
Your Content Goes Here