એક સુસંયત અનુશાસિત મનની આવશ્યકતા રહે છે. મોટાભાગના આવા કહેવાતા આધુનિક ભૌતિકવાદીઓ બીજા કોઈના વિચારોને દોહરાવવા અને તેનું આંધળું અનુકરણ કરવા ઇચ્છે છે.

મને એક વાર્તા યાદ આવે છે: એક શિક્ષિકા નાનાં બાળકોને ગણિત વિષય ભણાવતાં હતાં. શિક્ષિકાએ તેમને એક પ્રશ્ન પૂછ્યો, ‘મારી પાસે 12 ઘેટાં છે એમાંથી 6 ઘેટાં કૂદીને ભાગી ગયાં, તો કેટલાં ઘેટાં બાકી રહ્યાં?’ મોટાભાગનાં બાળકોએ જવાબમાં કહ્યું, ‘6’. પરંતુ એક ખેડૂતના છોકરાએ કહ્યું, ‘એક પણ નહીં બચે.’ જ્યારે શિક્ષિકાએ એને એનું કારણ પૂછ્યું ત્યારે તેણે કહ્યું, ‘મેડમ, આપ ભલે ગણિત જાણતાં હશો, પણ ઘેટાંનો સ્વભાવ હું જાણું છું.’

આ વાર્તામાં આપણા માટે એક બોધપાઠ છે. આપણે ઘેટાંની જેમ આંધળું અનુસરણ ન કરવું જોઈએ. એક વૈજ્ઞાનિકે કહ્યું છે તેમ, ‘મોટાભાગના લોકો માટે સુષુમ્ણા નાડી જ પર્યાપ્ત છે, મસ્તિષ્ક અનાવશ્યક છે.’ કહેવાનું તાત્પર્ય એ છે કે મોટાભાગના લોકો સ્વચલિત, આવેગચલિત જીવન જીવે છે. બહુ ઓછા લોકો ખરેખર વિચારે છે અને સચેતનરૂપે પોતાના જીવનને દિશા પ્રદાન કરે છે.

ભૌતિકવાદમાં કોઈ આધુનિકતા નથી. પ્રાચીન ભારતમાં કેટલાક દાર્શનિકોનો ચાર્વાક નામનો એક સમુદાય હતો. તેઓ ઈશ્વર, આત્મા અને અમરત્વનો અસ્વીકાર કરતા તેમજ સ્થૂળ વિષયભોગને જીવનનો ઉદ્દેશ માનતા. લોકો પર એમનો ક્યારેય વધારે પ્રભાવ ન પડ્યો. પરંતુ આ પુરાણા ચાર્વાક સમાપ્ત થઈ ગયા છે? તેઓ આપણામાંના અનેક લોકોની ભીતર છુપાયેલા છે. તેઓ ધાર્મિક હોવાનો દાવો કરે છે, પરંતુ વાસ્તવિક જીવનમાં ભૌતિકવાદી જીવનસિદ્ધાંતોનું અનુસરણ કરે છે.

આ છીછરા ભૌતિકવાદી દાર્શનિકોથી ભિન્ન એવા પ્રાચીન ભારતમાં ગહન ચિંતન અને ગંભીર દાર્શનિક મસ્તિષ્કવાળા લોકો પણ હતા. આપણે સૌ જે ઈશ્વરની વાતો સામાન્ય રીતે કરતા હોઈએ છીએ, એવા ઈશ્વરના અસ્તિત્વનો એમણે અસ્વીકાર કર્યો. પરંતુ એ બધાએ કર્મના સિદ્ધાંતનો સ્વીકાર કર્યો અને બૌદ્ધો સિવાય બીજા બધાએ આત્માની સત્યતા અને અમરત્વને સ્વીકાર્યાં. આસ્તિક અને નાસ્તિક શબ્દ ઈશ્વરમાં શ્રદ્ધા ધરાવનાર કે નિરીશ્ર્વરવાદીઓના અર્થમાં વપરાયો નથી. પરંતુ વેદોને ઉચ્ચતમ પ્રમાણરૂપે સ્વીકારનારા આસ્તિક છે અને જે એવું નથી કરતા તે નાસ્તિક છે. આસ્તિકોમાં પણ સાંખ્યકો અને થોડા મીમાંસકો ઈશ્વરના અસ્તિત્વને સ્વીકારતા નથી. એમના મત પ્રમાણે જીવ કર્મના વિધાન દ્વારા બદ્ધ છે, જેનો પ્રભાવ અપરિહાર્ય છે.

બીજી બાજુએ બૌદ્ધોએ આત્માના અસ્તિત્વનો અસ્વીકાર કર્યો પણ કર્મના વિધાનનો સ્વીકાર કર્યો છે. આ કારણે એમનામાંથી ઘણાની એક વિચિત્ર સ્થિતિ થઈ ગઈ. તેઓ માનવ વ્યક્તિત્વની તુલના એક રથ સાથે કરે છે. ચક્ર જેવા વિભિન્ન ભાગો મળીને રથ બન્યો છે અને એમના સિવાય ‘રથ’નું કોઈ અલગ અસ્તિત્વ નથી. એવી જ રીતે માનવદેહ પણ અનેક તત્ત્વોનો બનેલો છે અને તે કર્મના વિધાન પ્રમાણે જન્મ ગ્રહણ કરે છે. એક વૃદ્ધ કઠિયારાની વાર્તા છે. એને પોતાની ચમકતી કુહાડી પર ગર્વ હતો. જ્યારે કોઈ એની કુહાડીની પ્રશંસા કરતું ત્યારે તે ફુલાઈને ઢોલ થઈ જતો અને કહેતો, ‘હા બેટા, હું એનો ઉપયોગ વીશ વર્ષની ઉંમરથી કરતો આવ્યો છું અને અત્યારે પણ જો એ કેટલી સરસ મજાની લાગે છે! કેવળ એના લોઢાની ધાર છ વાર કાઢી છે અને આઠ વાર એનો હાથો બદલ્યો છે.’ વૃદ્ધની એવી ધારણા હતી કે તે હજી પણ એ જ કુહાડીનો ઉપયોગ કરે છે. બૌદ્ધોનું કથન છે કે અનેક જન્મોની શૃંખલાની વચ્ચે આત્માની નિરંતરતા પણ એ જ પ્રકારની છે, એ પણ આવો જ ભ્રમ છે.

પશ્ચિમના દેશોમાં કેટલાંય વર્ષો સુધી રહેવાને કારણે હું ધાર્મિક વાતાવરણને વધારે સારી રીતે સમજી શક્યો છું. ભારત વેદાંતની ભૂમિ છે અને એ બધાં પ્રાણીઓની નિયતિને નિયંત્રિત કરનાર એક ઈશ્વરીય શક્તિના અસ્તિત્વમાં વિશ્વાસ ધરાવે છે. કોઈ અચેતન-વિધાન ચેતન-પ્રાણીઓના ભવિષ્યનું નિર્ધારણ કરી શકે છે, એમાં વેદાંત માનતું નથી. વિશ્વ-બ્રહ્માંડનું કોઈ પરમ નિયંત્રણ કરનારી અને દિશા નિર્ધારણ કરનારી એક ચેતન સત્તા, એક ચેતન શક્તિ હોવી જોઈએ.

એટલે ન્યાયસૂત્રોમાં એક સૂત્ર જોવા મળે છે: ‘ઈશ્વર: કારણં પુરુષ-કર્માફલ્ય-દર્શનાત્ (ગૌતમ ન્યાયસૂત્ર-4.1.19). અર્થાત્ ઈશ્વર પરમ કારણ છે કારણ કે પુરુષનાં કર્મોને અફલીભૂત થતાં જોઈ શકાય છે. ભારતમાં વિદ્યમાન બધી દર્શન પ્રણાલીઓમાં વેદાંતે જ ઈશ્વરને સર્વોચ્ચ મહત્ત્વ પ્રદાન કર્યું છે અને તે વિજયી અને વિકસિત થયું છે. ઈશ્વરના અસ્તિત્વનો અસ્વીકાર કરનાર બધી દર્શનપ્રણાલીઓ કાં તો ભારતની ભૂમિમાં વિલુપ્ત થઈ ગઈ છે અથવા વેદાંતની મુખ્ય ધારામાં વિલીન થઈ ગઈ છે.

આપણે વિશાળકાય મશીનો અને અત્યંત જટીલ કમ્પ્યૂટરો વિશે સાંભળીએ છીએ અને એમનાં દક્ષતાપૂર્ણ કાર્યોથી પ્રભાવિત પણ થઈએ છીએ. પરંતુ આપણે એ ભૂલી જઈએ છીએ કે તેમનો આવિષ્કાર કરનાર તથા એને ચલાવનાર પ્રાણી સજીવ અને બુદ્ધિસંપન્ન છે. આવી જ રીતે આ અનંત અને રહસ્યમય બ્રહ્માંડ પોતાનાથી જ ચાલતું લાગે, પરંતુ એ એક વિરાટ પુરુષ દ્વારા પરિચાલિત થઈ રહ્યું છે, જે પરમ જ્ઞાનસ્વરૂપ છે તથા સમસ્ત પ્રાણીઓની ભીતર વિદ્યમાન છે. આપણે જમીનમાં બીજ વાવીએ છીએ અને એને પાણી સીંચીએ છીએ. બીજ અંકુરિત થઈને આગળ વધવા માંડે છે. તો શું આપણે એવો વિશ્વાસ રાખવો જોઈએ કે કૈલાસ કે વૈકુંઠમાં બેઠા બેઠા શિવ કે નારાયણ નામના કોઈ ઈશ્વર છે જે બીજની ઉત્પત્તિનું પરિચાલન કરે છે? પ્રત્યેક પ્રાણીમાં દેવત્વ છુપાયેલું છે. આ જ અંતર્નિહિત દિવ્યસત્તા બધાં પ્રાણીની સર્વ ક્રિયાઓનું પરિચાલન કરે છે. કેટલાક પાશ્ર્ચાત્ય દાર્શનિકો અંતર્યામી વિરાટ ઇચ્છાની વાત કરે છે. કર્મનું વિધાન આ દૈવી ઇચ્છા દ્વારા નિયંત્રિત થાય છે પરંતુ ઈશ્વર સ્વયં એ નિયંત્રણની બહાર છે. તે નિત્ય મુક્ત અને નિત્ય શુદ્ધ છે તથા પરમ ચૈતન્ય અને આનંદસ્વરૂપ છે.

માનવ સદા કર્મ કરતો રહે, એ આવશ્યક નથી એવી વેદાંતની પણ માન્યતા છે. જ્યાં સુધી જીવ પોતાની અંદર રહેલી સત્તાના વિષયમાં સચેત થઈ જતો નથી, ત્યાં સુધી કર્મ કરવાં પડે છે. જ્યારે જીવ એવો અનુભવ કરી લે કે સ્વરૂપત: તે દિવ્ય છે ત્યારે તે કર્મ-વિધાનની બહાર નીકળી જાય છે અને મુક્ત બની જાય છે. વેદાંત પ્રમાણે જન્મમરણના ચક્રમાંથી મળતી આ મુક્તિ, પરમ મુક્તિ જ જીવનનું પરમ લક્ષ્ય છે. આ વાતને દર્શાવવા એક મજાની ઉપમા મુંડકોપનિષદ(3.1.1,2)માં જોવા મળે છે: એક વૃક્ષ પર સુંદર મજાની પાંખવાળાં બે પક્ષી છે. એક પક્ષી વૃક્ષનાં મીઠાંકડવાં ફળ ખાય છે, જ્યારે બીજું પક્ષી વૃક્ષની ટોચે પૂર્ણ નિર્લિપ્ત બનીને બેઠું બેઠું માત્ર જોઈ રહ્યું છે. થોડા સમય પછી નીચેનું પક્ષી ઉપર તરફ જુએ છે, ઉપરના પક્ષી સાથે એકત્વની અનુભૂતિ કરે છે અને ફળ ખાવાનું છોડીને તે પણ પરમશક્તિ પ્રાપ્ત કરી લે છે. નીચેનું પક્ષી જીવનું પ્રતીક છે. જીવ કર્મથી બંધાયેલ છે અને પુન: પુન: સુખી કે દુ:ખી થાય છે. પરંતુ ઉપરના પક્ષીરૂપી પરમાત્મા સાથે પોતાની એકતાનો અનુભવ કર્યા પછી તે આસક્તિઓથી અને બંધનોથી મુક્ત થઈ જાય છે અને પોતાના મહિમામાં પ્રતિષ્ઠિત થઈ જાય છે.                                                                                                              (ક્રમશ:)

Total Views: 251

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.