તો એ લોકોની આ વાત બરાબર નથી કારણ કે એ જ સ્થળે ભગવાને આ પણ કહ્યું છે કે योग: कर्मसु कौशलम् (भ.गीता.2.50) એટલે કે કર્મોમાં કુશળતા એ યોગ છે અને પરમતત્ત્વમાં શ્રદ્ધા પણ એમાં આવશ્યક જ છે કારણ કે કર્મયોગ એ જ મોક્ષનું શાસ્ત્ર છે.

ફરીથી એ બાબતમાં કોઈ શંકા કરશે કે તમે બતાવેલા ઉદાહરણમાં કૌશલનો અર્થ બંધન ઉત્પન્ન કરવાના સ્વભાવવાળાં કર્મો, જે રીતે પોતાના બંધન ઉત્પન્ન કરવાના સ્વભાવને છોડીને મોક્ષ માટે સમર્થ બને છે એવો (અર્થ) તમે કર્યો છે. પણ તમે કાર્યનો વ્યવસાય કરનારામાં જે બાહ્ય કલાની નિપુણતા દેખાય છે એવો અર્થ તો કર્યો નથી! એવું કેમ? ઉત્તર એ છે કે, ‘ઠીક છે. અમે પણ ખરી રીતે એ જ અર્થ માનીએ છીએ પણ નિષ્કામત્વમાં એ અર્થ પણ સમાઈ જાય છે. તેથી અમે રૂઢ અર્થ જ લઈએ છીએ.’ કેટલાક આળસુના પીર તામસી મહારથીઓ એવા હોય છે કે તેમને પોતાનું શરીર વહન કરવામાં પણ કષ્ટ પડે છે ! કર્મ વગર જીવનનિર્વાહ શક્ય ન હોવાથી તેઓ પરાણે કર્મમાં જોડાય છે ખરા, પણ તેમને કર્મમાં કે કર્મફળોમાં કશો રસ હોતો નથી. એટલે તેમણે કરેલા કર્મો દુષ્કૃત જ છે. બાહ્ય કર્મોમાં જે અવ્યવસ્થા દેખાય છે તે કર્મ કરનારના મનની અવ્યવસ્થાને જ દર્શાવે છે. એવા મનવાળો કર્તા ભલા કેવી રીતે કર્મયોગ કે બીજા યોગ માટે યોગ્ય બની શકે? સામાન્ય કર્મમાં પણ તે યોગ્ય નથી, તો પછી કર્મયોગની વાત જ શી? આ રીતે બાહ્યકૌશલ એ માનસ-કૌશલનું આભાસી હોવાનું કારણ ધ્યાનમાં રાખીને સ્વામી વિવેકાનંદે કહ્યું છે કે જે ચલમ તૈયાર કરવામાં કુશળ હોય તે ધ્યાન કરવામાં પણ કુશળ હોઈ શકે કારણ કે એનું મન વ્યવસ્થિત હોય છે. એટલા માટે અમે કહેલો ‘કૌશલ’ શબ્દનો અર્થ કોઈ હરકતવાળો નથી.

અહીં કેટલાક લોકો વાંધો ઊભો કરે છે કે સૂત્રમાં જણાવેલાં પહેલાં બે લક્ષણોમાં તો અમને વાંધો નથી પણ ‘આસ્તિક્યબુદ્ધિ’ની જરૂર નથી. જે કોઈ નાસ્તિક હોય અને કર્તવ્યબુદ્ધિથી પ્રાણીઓ ઉપર અનુકમ્પાથી કાર્યમાં પ્રવૃત્ત થાય, તો એ નિષ્કામ પણ કહેવાય અને કુશળ પણ કહેવાય. આવો માણસ ખરેખર પેલા તામસ શિરોમણીઓ કરતાં અને કપટી આસ્તિકો કરતાં હજારગણી રીતે કર્મયોગમાં અધિકારી ગણાવો જોઈએ.

આના ઉત્તરમાં કહેવાનું કે તમારી વાત બરાબર છે, પણ એવો તમે કહેલો માણસ ખરી રીતે નાસ્તિક છે જ નહિ. એને તત્ત્વત: આસ્તિક જ કહેવો જોઈએ અને પોતે જાણે કે ન જાણે પણ એ મોક્ષનો અધિકારી જ છે. સ્ટીમરમાં બેસી ગયેલો માણસ ઇચ્છે કે ન ઇચ્છે પણ એ લક્ષ્ય તરફ પહોંચવાનો જ એવી આ વાત છે.

બધી નિ:સ્વાર્થ સેવા દ્વારા તેનું મન જેટલા પ્રમાણમાં શુદ્ધ થાય છે તેટલા પ્રમાણમાં તે માણસ આસ્તિક્યબુદ્ધિને અવશ્ય પ્રાપ્ત કરે જ છે. જ્ઞાનપૂર્વક કરેલ કર્મ જલદી ફળ આપનાર છે એ તો પ્રસિદ્ધ જ છે તેથી જો તે નાસ્તિક આસ્તિક થઈ જાય તો તે જલદી મોક્ષ પામે છે.

વળી, નાસ્તિકે કરેલા કર્મયોગમાં એક મોટો ભય છે. જેમ કે, લોકો ક્યારેક પોતાનું ભલું કરનારને ભૂલી જાય છે, એમનો એ સ્વભાવ છે અને એ ભલું કરનારના શત્રુ પણ બની જાય છે. આવે વખતે પેલો નાસ્તિક કર્મયોગી અવશ્ય જ કર્મયોગમાંથી વિચલિત થઈ જશે; એ સ્વાર્થી અને ક્રૂર પણ બની જશે. પણ આસ્તિક કર્મયોગીઓને તો એવે વખતે એવો વિશ્વાસ હોય છે કે આ બધું અમારા અહંકારનો નાશ કરે છે અને તે દ્વારા અમારું શિક્ષણ થાય છે. આવા વિશ્વાસને લીધે તેમને કશો ભય નથી હોતો. એટલે કે કર્મયોગના લક્ષણમાં ‘આસ્તિક્યબુદ્ધિ’ નું લક્ષણ આપ્યું છે તે યોગ્ય જ છે.  (ક્રમશ:)

Total Views: 320

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.