(સંક્ષેપકાર : ભરતભાઈ ના. ભટ્ટ)

‘દેવી ! તું કોણ છે?’

વૈદિક સમયના ગામડાના એક નાના ઘરના ઓરડામાં એરંડિયાનો દીવો બળતો હતો. ઓરડાની કચરાની ભીંતો ગારથી ચોખ્ખી અને રળિયામણી દેખાતી હતી. દૂર ખૂણામાં માટલીની બે-ત્રણ ઉતરડો પડી હતી  અને પાસે જ બીજા ખૂણામાં કચરાના થાળાવાળી ઘંટી અને માંચી હતાં. દીવીની પાસે ચાકળો નાખીને શાસ્ત્રીજી પાનાં પર કંઈ લખતા હતા. તેમની બેઠકની આસપાસ ત્રણ-ચાર પોથીઓ પડી હતી અને પાસે થોડે દૂર પોથીબાંધણાં પડ્યાં હતાં.

લાકડાની દીવી પરનો એરંડિયાનો દીવો આખા ઓરડાને અજવાળતો હતો અને શાસ્ત્રીજી એકાગ્રતાથી પોતાનાં પાનાં પર અક્ષરો પાડ્યે જતા હતા. ઘડીએ-બેઘડીએ પાસે પડેલી પોથીઓમાંથી એકાદ પાનાને હાથમાં લઈને ઉકેલતા હતા. વળી ઘડીભર વિચારમાં પડી જતા હતા, કોઈ કોઈ વાર પાનાં માત્રને નીચે મૂકી કેમ જાણે અંતરમાં ઊંડા ઊતરતા હોય એમ આંખો મીંચી જતા હતા અને ફરીથી પોતાની કલમને હાથમાં લઈને નવા અક્ષરો પાડતા હતા.

દરમિયાન કોડિયામાં તેલ ખલાસ થવા આવ્યું. વાટને મોગરો આવ્યો અને દીવાનું તેજ ઓછું થતું ચાલ્યું. એવામાં એક સ્ત્રીએ હળવેથી આવીને કોડિયામાં તેલ પૂર્યું, દીવાની વાટને સહેજ સંકોરી અને એક સળીથી બળતા મોગરાને નીચે પાડવા ઝાટકો માર્યો, ત્યાં તો દીવો ઓલવાઈ ગયો.

દીવો ઓલવાયો ન ઓલવાયો ત્યાં તો પેલી સ્ત્રીએ તરત જ તેને પ્રકટાવ્યો અને ઠીકઠાક કરીને મૂકી જતી હતી, ત્યાં શાસ્ત્રીજીની નજર તેના પર પડી. દીવો એકાએક ઓલવાયો અને ફરીથી પ્રકટ્યો એથી શાસ્ત્રીજી પોતાની વિચારનિદ્રામાંથી કેમ જાણે ઝબકી ઊઠ્યા અને આ સ્ત્રીને જોઈને આભા બન્યા હોય એમ બોલી ઊઠ્યા, ‘દેવી! તું કોણ છે?’

‘આપ આપનું કામ ચલાવો. મારાથી દીવો ઓલવાઈ ગયો તે માટે મને ક્ષમા કરો,’ ભામતીએ નમ્રતાથી કહ્યું.

‘પણ બહેન! તું કોણ છે એ તો મને કહે? તું અહીં ક્યાંથી આવી?’ શાસ્ત્રીજીએ વધારે આગ્રહથી સવાલ કર્યો.

ભામતીએ જરા વધારે સ્થિર મને જવાબ દીધો, ‘આપ આપના કામને ચાલુ રાખો, આપને વિક્ષેપ કર્યા બદલ હું આપની અપરાધી છું.’

શાસ્ત્રીજીએ પોથીનું પાનું નીચે મૂક્યું, કલમને નીચે મૂકી અને જીવનનું કોઈ નવું તત્ત્વ જડ્યું હોય એવી આતુર આંખોથી પૂછવા માંડ્યું, ‘નહિ નહિ, બહેન! તું કોણ છે એ મને કહે. એ જાણ્યા પછી જ હું આ પાનાને અડવાનો છું.’

ભામતીએ થોડી વાર મૌન રાખી પછી જવાબ આપ્યો, ‘પ્રાણનાથ! હું આપની પરિણીત સ્ત્રી છું. મને બહેન કહી પાપમાં ન નાખો.’

ભામતીના શબ્દો કાન પર પડ્યા કે તરત જ આદમી પગભગ થઈ ગયો અને બોલ્યો: ‘તું, મારી સ્ત્રી? આપણે ક્યારે પરણ્યાં ?’

‘પતિદેવ !’ ભામતી બોલી, ‘આપણાં લગ્ન થયાને આજે પચાસ-સાઠ વર્ષો થયાં હશે.’

‘એટલાં બધાં વર્ષોથી તું મારી સાથે રહે છે ?’ પુરુષથી ન રહેવાયું. ‘આખો દિવસ શું કરે ? મને આજ સુધી ખબર પણ કેમ ન પડી ?’

‘પ્રાણનાથ ! મારી માનું આંગણું છોડીને આવી છું. આપે તો લગ્નમંડપમાં બેઠા હતા ત્યારે પણ જમણા હાથે મારો હાથ પકડ્યો હતો અને ડાબા હાથમાં આ પાના હતાં. મને એ બરાબર યાદ છે. તે દિવસથી આજ સુધી ભલાં આ પાનાં અને ભલા આપ; એમ જ મેં તો જોયું છે,’ ભામતી બોલી.

‘પણ તારાં આ પચાસ-પચાસ વરસો પસાર કેમ થયાં? હું તારો પતિ છું એ ભાન જ મને તો તેં આજે આપ્યું !’

‘પતિદેવ ! મારા દિવસો આપની સેવામાં જ પસાર થયા છે. આપ સવારે જાગો છો ત્યારથી રાતે સૂઓ છો ત્યાં સુધીમાં આપની જેટલી સેવા થાય તેટલી હું કરું છું. આપ રાતે વાંચતાં-વાંચતાં આ ગાદી પર સૂઈ જાઓ છો ત્યારે આ પાનાં બધાં ગોઠવીને ઠેકાણે મૂકું છું અને આપના માથા નીચે નાનુશું ઓશીકું ગોઠવીને આપના દુ:ખતા પગ ચાંપતી ચાંપતી ત્યાં જ સૂઈ જાઉં છું. સવારે આપ જાગો તે પહેલાં આ ઘંટીને ચલાવી લઉં છું અને આપ ઊઠો ત્યારે શૌચસ્નાનનું પાણી વગેરે તૈયાર કરીને હાજર થાઉં છું.’

‘મારા શૌચસ્નાનનું પાણી મને તું આપે છે ? મેં તો તને કોઈ દિવસ જોઈ નથી !’ પુરુષે કહ્યું.

‘આપ મને શી રીતે જુઓ ? આપની આંખ મારા પર પડે. પણ એ આંખની પાછળ મન હોય તો ને ? નરી ચામડાની આંખ બાપડી મને શી રીતે દેખે ?’

‘તો પછી આપણા ખાવાપીવાનું કેમ થાય છે ?’

‘બપોરના ગાળામાં હું ફળીની છોકરીઓને ભરત શીખવું છું અને ગીતો મોઢે કરાવું છું, એટલે એ બાપડી પોતાને ત્યાંથી લોટ, દાળ વગેરે આપી જાય છે અને એમાંથી આપણું ગુજરાન ચાલે છે,’ ભામતી બોલી.

પુરુષથી ન રહેવાયું; તે એકદમ ઊભો થયો અને બોલ્યો : ‘તારું નામ શું ?’

‘ભામતી.’

‘ભામતી, ભામતી !’ પુરુષ તેને પગે પડતો બોલ્યો, ‘મને માફ કરીશ ? આજ પચ્ચાસ વર્ષ થયાં તને રિબાવનાર અને સામું ન જોનાર આ પાપીને તું માફ કરીશ ?’

‘પતિદેવ !’ ભામતી બોલી, ‘એવું ના બોલો. આપ  એમ બોલો તો હું પાપમાં પડું. આપે મારી સામું જોયું હોત તો હું આજે છું તેથી વધારે પશુ બની હોત. આપે મારી સામે આંખ ન નાખી તેથી તો હું પશુ ન થતાં માણસ રહી અને તેનો તમામ યશ પતિદેવ, આપને છે !’

‘ભામતી, ભામતી ! તું શું બોલે છે ?’

‘હું બરાબર બોલું છું,’ ભામતીએ ચલાવ્યું, ‘આપે આખું જીવતર આ શાસ્ત્ર વાંચવામાં અને લખવામાં ગાળ્યું એટલે આપની સેવા હું કરી શકી; તેને જ હું મારું મોટું ભાગ્ય સમજું છું. કોઈ બીજે સ્થળે પરણી હોત તો વ્યવહારની ગડમથલમાં ઘૂમરીઓ ખાત અને ભૂંડણની જેમ વંશને વધારત; આજે આપના આ તપમાં હું પણ વધારે પવિત્ર બની એ આપનો જ પ્રતાપ છે. દેવ ! હવે આપ આપના કામમાં પડો ને મને ફરીથી એક વાર ભૂલી જાઓ.’

‘ભામતી ! ઊભી રહે, ઊભી રહે.’

‘આપ વેદાન્તને વિસરીને આજે આમ મારા મોહમાં ન પડૉ. મને આજે પાપમાં ન પાડૉ.’

‘ભામતી ! તને પાપમાં પાડતો નથી. પણ હું પાપમાં પડ્યો છું કે ઊંચે ઊભો છું એનો વિચાર કરું છું,’ શાસ્ત્રી બોલ્યા. ‘આપ તો દેવ છો. આપ જે લખશો તેથી જગતનો ઉદ્ધાર થશે,’ ભામતી બોલી.

‘દેવી ! સાચું કહું ? વ્યાસ ભગવાને વર્ષોની તપશ્ર્ચર્યા કર્યા પછી પોતાની આર્ષ દૃષ્ટિથી વેદાન્તનો આ ગ્રંથ લખ્યો અને મેં આ ગ્રંથને વાંચ્યો-વિચાર્યો. પણ ભામતી ! તું ચોક્કસ સમજ કે મારાં વાચનસમજણ, વ્યાસ ભગવાનનો આ ગ્રંથ અને આખુંય વેદાન્ત તારા જીવનની તોલે આવી શકે તેમ નથી. મેં તો વેદાન્ત વાંચ્યું, વ્યાસે તો વેદાન્ત લખ્યું, પણ તું તો વેદાન્ત જીવી, ભામતી, ભામતી ! આજે મારી આંખ ખરી ઊઘડી,’ કહી શાસ્ત્રી ભામતીને પગે પડ્યા.

ભામતીએ પતિને ઊભા કરતાં જણાવ્યું, ‘આ શું કરો છો ? મેં તો મારા જીવતરમાં આપની સેવા વિના બીજું કશું માગ્યું જ નથી. આપે મારી જેવીને આવી સેવાની ઉત્તમ તક આપી એ જ આપનો મોટો ઉપકાર… આપ ઊભા થાઓ. આજ સુધી આપના ચરણ પાસે પડીને ઊંઘ લીધી છે, એમ જ એ ચરણમાં સૂતી-સૂતી મહાનિદ્રામાં પડું એવું અહોભાગ્ય મારું ક્યાંથી હોય ! આપ ઊઠો.’

‘ભામતી, દેવી ! સાંભળ. આ પાનાં લખવામાં મેં મારું જીવન નીચોવી નાખ્યું છે તે હું જોઉં છું ત્યારે મારી ક્ષુદ્રતા મને સ્પષ્ટ થાય છે. આ ગ્રંથને પાને-પાને હવે મને તારા જીવનનો પ્રકાશ દેખાય છે. જા, આ ગ્રંથ તારા નામથી પ્રસિદ્ધિ પામશે. તેં મારી પાછળ તારી જાત નીચોવી નાખી તેના સ્મરણ તરીકે આટલું સ્વીકાર. હે પ્રભુ ! આવા જબ્બર આત્મસમર્પણ પાસે મારા જેવા અદના આદમીને દુનિયા કાયમને માટે ભૂલી જાય એટલું કરજે.’

‘હવે આપ પાનાં વાંચવા માંડૉ. લ્યો, હું આ ચાલી.’ ભામતીએ જવા માંડ્યું. ‘તું તારે જા, જ્યાં જવું હોય ત્યાં. હું હવે જીવતા વેદાન્તને છોડીને વેદાન્તનાં મડદાં ચૂંથવા નથી માગતો,’ એમ કહીને શાસ્ત્રીજીએ પોથીઓ બાંધવા માંડી અને લખવાનાં સાધનોને બાજુએ મૂક્યાં.

શાસ્ત્રીજીએ લખેલો આ ગ્રંથ હજી આજે પણ વેદાન્તશાસ્ત્ર પરનો અદ્વિતીય ગ્રંથ ગણાય છે. એ ગ્રંથનું નામ છે : ‘ભામતી.’

Total Views: 343

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.