યયાતિ રાજા શુક્રાચાર્યની પુત્રી દેવયાનીને પરણ્યો. દેવયાની સાસરે આવી ત્યારે દાનવોના રાજાની કુંવરી શર્મિષ્ઠાને પોતાની સાથે લાવી.

દેવયાની શુક્રાચાર્યની એકની એક પુત્રી. શુક્રાચાર્ય દાનવોના ગુરુ અને વળી મૂએલાને જીવતા કરવાની વિદ્યા જાણે. એટલે દાનવોને તેમના વિના એક ઘડી પણ ન ચાલે. એકનું એક બાળક છેક નાનપણથી જ હઠીલું બની જાય છે, તેમ દેવયાની પણ હઠીલી બની ગઈ હતી. નાની બાબતમાં પણ પોતાનું ધાર્યું જ થવું જોઈએ એવી એની માન્યતા બંધાઈ ગઈ હતી. રાજકુંવરી શર્મિષ્ઠા સાથે સહેજ વાતમાં તકરાર થઈ, એટલે તો પોતે સ્વમાન ખાતર મરવા તૈયાર થઈ ગઈ અને શુક્રાચાર્યે બહુ સમજાવી ત્યારે રાજકુંવરીને પોતાની દાસી તરીકે સ્વીકારી. શુક્રાચાર્યની અસાધારણ વિદ્યા અને પુત્રી પરની તેવી જ અસાધારણ મમતા : આ બે ચીજ પર દેવયાની નિર્ભર હતી.

શર્મિષ્ઠા દાનવોના રાજા વૃષપર્વાની દીકરી હતી. તેનામાં અસાધારણ લાવણ્ય હતું. તેના તમામ અવયવો ઘાટીલા હતા; તેના મુખમાંથી નિરંતર એક પ્રકારનો મધુર શ્વાસ નીકળતો; તેની ચાલ ભલભલા સંયમી પુરુષોને પણ આકર્ષવા સમર્થ હતી. તેના આખાય દેહનો મરોડ જાણે કે તેણે કામદેવ પાસેથી લીધો ન હોય, તેવું લાગતું હતું. ઉપરાંત રાજમહેલોમાં અનાયાસે મળેલ એવાં વાણીના વિવેક, નમ્રતા, કોમળતા, રીતભાત, બહારની ટાપટીપ આ બધાં શર્મિષ્ઠામાં આવ્યાં હતાં.

અને દેવયાની સાસરે જવા નીકળી ત્યારે શુક્રાચાર્યે દેવયાનીના આગ્રહથી યયાતિ રાજાને ભાર દઈને કહ્યું, ‘રાજન્ ! તમારી સાથે આ રાજકુંવરી શર્મિષ્ઠા આવે છે. એ તો દેવયાનીની દાસી તરીકે આવે છે. તમારે એને મારી પુત્રીની દાસી તરીકે જ રાખવાની છે, એટલું ધ્યાનમાં રાખજો.’

બધાં વાજતેગાજતે ઘેર આવ્યાં એટલે દેવયાની પોતાના મહેલમાં ગઈ. યયાતિએ શર્મિષ્ઠાને માટે પણ દાસી હોવા છતાં એક રાજકુંવરીને શોભે એવું એક મકાન અલાયદું કાઢ્યું, ત્યાં શર્મિષ્ઠા વસી.

દેવયાની અને શર્મિષ્ઠાનાં થોડાંએક વર્ષો તો આ પ્રમાણે પસાર થયાં.

એક વાર યયાતિ રાજા દેવયાનીના મહેલે આવ્યો. દેવયાનીનાં બાળકો આસપાસનાં બીજાં બાળકો સાથે રમતાં હતાં. ત્યાં એક બાળકે બૂમ પાડી, ‘પિતાજી !’ ને તરત જ તે યયાતિને ભેટી પડ્યો. યયાતિએ બાળકને ખસેડીને ત્યાંથી નાસી જવાની ઘણી યે તજવીજ કરી. પણ એટલામાં તો દેવયાની ત્યાં દોડી આવી અને મોટો જ્વાળામુખી ફાટ્યો હોય એમ ભભૂકી ઊઠી, ‘દુષ્ટ રાજા! આ બાળક કોનું છે?’

‘રાણી ! એ તો તને ખબર. તમારે મહેલે કોનાં કોનાં છોકરાં રમવા આવે છે, તે હું શું જાણું ?’ યયાતિએ ઠંડે કાળજે જવાબ વાળ્યો.

દેવયાનીના મનમાં ઝાળ વધી, ‘એ શર્મિષ્ઠાનો છોકરો છે એની તો મને ખબર છે, પણ એ તમને ‘પિતાજી’ કહીને કેમ ભેટવા આવ્યો ?’ યયાતિ બોલ્યા, ‘તે એને પૂછો. એ તો બાળક કહેવાય.’

દેવયાની વધારે ચિડાતી બોલી, ‘હું તો જાણતી હતી કે એ લલનાએ કોઈને રાખ્યો હશે એટલે છોકરાં થયાં હશે. પણ મને શી ખબર એ તો મારી જ શોક્ય થઈ બેઠી છે ? મને વહેમ તો હતો જ, પણ આજે હવે નક્કી થઈ ગયું. યયાતિ ! હું કોની દીકરી છું, એ તમને ખબર છે ને ? શુક્રાચાર્યની દીકરી આવી શોક્યને ન સાંખે એમ સમજજો. હું તો તમારા ઘરમાં રહેવાની નથી. આજથી હું મારા બાપને ઘેર જઈશ. અને જીવીશ ત્યાં સુધી ત્યાં જ રહીશ. મનમાં તો થાય છે એ રાંડને જીવતી ને જીવતી કરડી ખાઉં ! પણ લાચાર છું. તમે શર્મિષ્ઠામાં જીવ ઘાલ્યો તેની સજા તો મારા પિતા તમને કરશે. મેં અભાગણીએ આવું જાણ્યું હોત તો હું એને મારી સાથે શા માટે લાવત? પણ આખરે હું બ્રાહ્મણક્ધયા અને એ રાજકુંવરી, એટલે તમે આવાં કામો કર્યાં. યયાતિ, યયાતિ! સાચું કહું છું. તમે મને છોડીને બીજી સ્ત્રી તરફ ગયા એનું મને ઓછું દુ:ખ છે, પણ તમે આ શર્મિષ્ઠા તરફ વળ્યા એ યાદ કરું છું, ત્યારે મારાં રૂંવાડાં ઊભાં થઈ જાય છે અને મારા જીવનમાં કોઈ જબરો આઘાત થયો હોય, એમ હું જડ બની જાઉં છું.’

‘દેવી ! થઈ ગયું તે થઈ ગયું. હવે મને માફ કરો.’ યયાતિ બોલ્યો.

એ સાંભળીને દેવયાની બોલી ઊઠી, ‘યયાતિ ! હું સીતા કે સાવિત્રી જેવી તમારી અર્ધાંગના હોત તો તમને માફ કરત, એટલું જ નહીં પણ આ વાત તરફ મારું ધ્યાન જ ન જાત. પણ હું તો દેવયાની. દુનિયામાં કોઈનું પણ અપમાન સહન કરી લઉં તો દેવયાની નહીં ! તમને ખબર છે કે કચથી તો મને કોઈ વધારે વહાલું ન હતું. કચની ખાતર તો હું એક વાર પ્રાણ કાઢી આપવા તૈયાર થઈ. પણ એ કચે જ્યારે મારા સ્નેહનો સ્વીકાર ન કર્યો, ત્યારે મેં તેને શાપ આપ્યો ! આ જ શર્મિષ્ઠા. એકવાર અમે જલક્રીડા કરતાં હતાં અને તેણે ભૂલભૂલમાં મારું વસ્ત્ર પહેરી લીધું અને પછી ગર્વથી મને જવાબ વાળ્યો એના પરિણામે આજે એ મારી દાસી છે. આ દાસીએ ખુદ મારા સંસારજીવનમાં મને ઘા માર્યો, હું એને મૂંગે મોઢે સહન કરી લઉં એવું કદી ન બની શકે. હું તો આ ચાલી!  રાજન્! શુક્રાચાર્યની દીકરીને પરણવું કેટલું મોંઘું પડે છે, તેની તમને હવે ખબર પડશે !’

આ પ્રમાણે કહીને ધૂંવાપૂંવાં થતી દેવયાની પોતાને પિયર જવા ચાલી નીકળી. પાપભીરુ તેમજ શાપભીરુ યયાતિ રાજા પણ સાસરા તરફ ચાલ્યો.

દેવયાનીને ઘેર આવેલી જોઈને શુક્રાચાર્ય ચિંતામાં પડ્યા, એટલામાં તો દેવયાની ભભૂકી ઊઠી, ‘બાપુ, હું પાછી આવી છું અને તે જવાની નથી. આપના ઘરમાં સાડાત્રણ હાથ જમીન મને મળી રહેશે, એવા વિશ્વાસથી આવી છું. મને બીજુંત્રીજું પૂછીને બાળતા નહીં. યયાતિ રાજાનો પેલી પાપિણી શર્મિષ્ઠા સાથે સંબંધ થયો છે, તે હું જોઈ શકું તેમ નથી. એટલા માટે ચાલી આવી છું. હવે આપને યોગ્ય લાગે તેમ કરો. આપ ધારો તો એ રાજા ભરજુવાનીમાં નપુંસક થઈ જાય એવું કરી શકો છો. આપ એને એવી કોઈ સજા નહીં કરો તો મારાથી આ અપમાન સહન થવાનું નથી અને હું વગર મોતે મરવાની છું, એમ સમજવું. બાપુ! આપની આટલી વિદ્યા, આપનું ત્રણ લોકમાં આટઆટલું માન અને આપની એકની એક પુત્રીને યયાતિ રાજા આમ રઝળાવે એ આપનાથી સહ્યું કેમ જાય છે? આપને એમ નથી થતું કે એવા કામી રાજાને તો એકવાર આવાં કામનો બદલો મળવો જ જોઈએ?’

શુક્રાચાર્યે દેવયાનીનો આ બધોય ભડભડાટ સાંભળ્યો અને મનમાં ખૂબ ઘવાયો. એટલામાં ત્યાં યયાતિ આવી પહોંચ્યો. યયાતિને જોઈને જ આચાર્યનો ક્રોધ ઊછળી આવ્યો, ‘રાજા! મને તારું મોઢું ન દેખાડતો. મેં તને સ્પષ્ટ આજ્ઞા કરી હતી કે તારે શર્મિષ્ઠાને કેવળ દાસી ગણવી. છતાંયે તેં ન માન્યું અને દેવયાનીના મનને આઘાત કર્યો. માટે હું તને શાપ આપું છું કે આ ક્ષણથી જ તારી યુવાની અદૃશ્ય થાઓ અને તને વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થાઓ. તારી ગમે તેટલી ઇચ્છા હોય છતાં તું કામભોગ ભોગવી ન શકે. એ જ તારી સજા છે. જા દુષ્ટ! અહીંથી ચાલ્યો જા.’

શુક્રાચાર્યના મોંમાંથી આ શબ્દો નીકળ્યા ન નીકળ્યા ત્યાં તો યુવાન યયાતિ એકાએક ઘરડો થઈ ગયો. તેના વાળ ધોળા થઈ ગયા, તેના ગાલ બેસી ગયા, તેની ચામડી કરચલીવાળી થઈ ગઈ, તેની આંખો નબળી પડી ગઈ, તેના મુખમાંથી લાળ નીકળવા લાગી. પોતાનું આવું સ્વરૂપ જોઈને યયાતિ તો સાવ ગભરાઈ ગયો અને દીનતાથી આચાર્યને કહેવા લાગ્યો, ‘આચાર્ય! જેવા દેવયાનીના પિતા છો, તેવા મારા પણ અમુક રીતે પિતા છો. મેં આપની આજ્ઞાનો ભંગ કર્યો એ વાત સાચી છે. દેવયાનીનો મેં માનભંગ કર્યો એ પણ સાવ સાચું છે. પણ આચાર્ય! હું કયો મોટો યોગીરાજ હતો કે શર્મિષ્ઠાને વશ ન થાઉં? આચાર્ય! સાચું કહું? આ દેવયાનીનો સ્વભાવ એવો તેજ છે કે એની પાસે જતાં પણ મને આંચકો લાગતો અને ત્યાં જઈને પણ ક્યારે છૂટું એમ મનમાં થયા કરતું. એવા જુવાનીના દિવસોમાં હું શર્મિષ્ઠા તરફ ખેંચાયો છું. આચાર્ય! મારી ભૂલ તો છે જ, એ ભૂલમાં દેવયાનીનો પણ ઓછો હિસ્સો નથી, એ આપે જોવું ઘટે છે.’

‘આચાર્ય! હું કામી આદમી છું. હજી મારી કામવાસના તૃપ્ત થઈ નથી એવામાં તો આપે મને ઘડપણ આપ્યું. આજે શરીરે ઘરડો અને મનમાં કામી એવી મારી દશા થઈ છે. આપના આ શાપથી હું પીડાઈશ ખરો. પણ મારી વાસના કંઈ નાબૂદ થશે? આ ઘડપણ મને સાલશે ખરું, પણ મારી લાલસા તો મનમાં રહી છે એટલે લાલસા સમશે નહિ, ત્યાં સુધી મારે અંતરમાં તેને સાચવીને દુનિયામાં ભટકવાનું રહ્યું. આપ અનેક વિદ્યાના આચાર્ય છો; અનેક દાનવને આપે કેળવ્યા છે; તો હું આ વાસનામાંથી મુક્ત થાઉં એવું કંઈક કૃપા કરીને જણાવો. મને હજી ભોગ ભોગવવાની ઇચ્છા છે. મને એમ છે જ કે થોડો વખત કામભોગ ભોગવ્યા પછી મારું મન એની મેળે જ પાછું વળશે. આજે આપે મારા મનને શાંત કર્યા વિના મારી ઇંદ્રિયોને ઘડપણ આપી દીધું છે, તેથી મારી આ દશા થઈ છે. ગુરુદેવ, બાપુ! દેવયાનીને રાજી કરવાનો વિચાર કર્યો છે તેમ જ આપના આ બાળકને મનની શાંતિ મળે એવો કોઈ રસ્તો કાઢો.’

યયાતિનાં આવાં દીન વચનો સાંભળીને શુક્રાચાર્ય બોલ્યા, ‘યયાતિ રાજા! મને તારા પર દયા આવે છે. જા, તારો કોઈ પણ પુત્ર તારા ઘડપણને સ્વીકારીને પોતાની જુવાની તને આપવા તૈયાર થશે, તો એ પુત્ર વૃદ્ધ બનશે અને તું જુવાન બનીશ. એટલું પણ કહું છું કે આ જુવાની તું તારી મરજી પડે ત્યાં સુધી રાખી શકીશ. ખુદ મૃત્યુ પણ એ બાબતમાં તને અંતરાય કરી નહિ શકે. હવે તું જા, મારા શાપમાં આથી વધારે ફેરફાર હું નહિ કરું.’

યયાતિ રાજા શાપને લઈને અને ઘડપણને લઈને ઘેર આવ્યો. રાજાના આ અચાનક ઘડપણથી સૌને આશ્ચર્ય થયું. રાજાએ આવીને શર્મિષ્ઠાને બધી હકીકત જણાવી અને પછી પોતાના ચાર પુત્રોને બોલાવ્યા. એમાં બે પુત્રો દેવયાનીના અને બે પુત્રો શર્મિષ્ઠાના હતા.

ચારેય પુત્રોની પાસે યયાતિએ પોતાની વાત રજૂ કરી, ‘પુત્રો ! શુક્રાચાર્યના શાપથી મને અકાળે ઘડપણ આવ્યું છે. પણ મારા મનમાં હજી જુવાન શરીરે ભોગો ભોગવવાની ઇચ્છા છે. તમારામાંથી કોઈ મને પોતાની જુવાની આપે અને મારું આ ઘડપણ લે તો જ આ બની શકે તેવું છે. તમે મારા પુત્રો છો. બાપને પોતાની અધૂરી રહી ગયેલી વાસના પૂરી કરવા દઈને તેના મનને શાંતિ આપવી, તે તમારો ધર્મ છે. મારે બદલે આ ઘડપણ લેવા જે કોઈ તૈયાર હોય તે આગળ આવો, એટલે હું તેને મારું ઘડપણ આપીને તેની જુવાની ધારણ કરું.’

યયાતિ રાજાનાં આવાં વચન સાંભળીને દેવયાનીના મોટા બે દીકરાઓ તો ડોકું ધુણાવવા લાગ્યા, ‘બાપુ ! આપ માગો ત્યારે જુવાની તો શું, પણ જીવતર આખું આપી દેવું જોઈએ; પણ આ જુવાની આપને આપીને આપના કામને પોષ્યા કરવો એમાં અમને અધર્મ લાગે છે માટે અમે આપનું ઘડપણ લેવા તૈયાર નથી.’

બાપદીકરાઓની આ રકઝક ચાલતી હતી, ત્યાં ચારમાંથી સૌથી નાનો શર્મિષ્ઠાનો પુત્ર આગળ આવ્યો અને બોલ્યો, ‘બાપુ ! હું કાંઈ જુવાની કે ઘડપણમાં બહુ સમજતો નથી, પણ બાપ જેવો બાપ દીકરા પાસે દીન થઈને માગે તેની હું ના પાડવાનું શીખ્યો નથી. લ્યો આ મારી જુવાની, આપનું ઘડપણ મને આપો. બોલો, હવે તો રાજીને ?’

છેક નાના પુત્રનું આ વાક્ય સાંભળતાં જ યયાતિએ શુક્રાચાર્યનું ધ્યાન કર્યું, એટલે એ પુત્ર ઘરડો થઈ ગયો અને યયાતિ રાજા પહેલાં હતો તેનાથીયે વધારે જુવાન બન્યો.

ત્યાર પછી તો યયાતિએ કામભોગ શરૂ કર્યા. નંદનવન જેવાં પોતાનાં વનોમાં વિહારો, ક્રીડાઓ, પાંચેય ઇન્દ્રિયોના વિષયોના ઉપભોગ, ગાનતાન, ભોગવિલાસ આવું બધું જાણે કે કોઈ દિવસ ઘડપણ આવ્યું જ ન હોય અને આવવાનું પણ નથી, એમ માનીને ભોગવવા માંડ્યો.

એક દિવસ શરદપૂનમની રાત્રે મહેલની અગાશીએ રાજા એકલો ટહેલતો હતો, એવામાં દૂર દૂર બાગમાં ફરતો પેલો ઘરડો પુત્ર તેની નજરે ચડ્યો. પછી તો કેટલી વાર ? નજર પડતાંની સાથે એક હજાર વર્ષ પૂર્વે તેનું ઉછીનું લીધેલું યૌવન, તેને આપેલું ઘડપણ, પોતાના આ હજાર વર્ષનાં ભોગવિલાસ, ભોગવિલાસો ભોગવનારાની મનોદશા આ બધું તેની આંખો આગળ ખડું થયું. તે મનમાં ને મનમાં ગણગણવા લાગ્યો, ‘મેં ઘડપણ આપીને તારી આ જુવાની લીધી તે બરાબર છે? થોડાક વધારે ભોગો ભોગવીને તો મન તૃપ્ત થશે, એમ માન્યું હતું, તે બરાબર છે ? આજ હજાર વર્ષના ભોગથી મન જો તૃપ્ત થયું નથી, તો બીજાં દશ હજાર વર્ષોના ભોગોથી મન તૃપ્ત થવાનો સંભવ છે ?’ આમ યયાતિ રાજા વિચારના ચકડોળે ચડી ગયો. એ ચાંદની, એ મીઠો દક્ષિણનો પવન, એ બાગબગીચાઓ, એ સુગંધી પદાર્થો, એ બધી ભોગવિલાસની વસ્તુઓ, બધાંયે તેની આંખ સામે આવજા કરવા લાગ્યાં અને જાણે પોતે થાકી ગયો હોય ને એ બધાં ખાવા દોડતાં હોય એવું લાગ્યું. ત્યાંથી એકાએક તે ઊઠ્યો, પુત્રને સાદ કર્યો અને અગાશીમાંથી નીચે ઊતરીને પુત્રને કહ્યું, ‘બેટા ! લે આ તારી જુવાની, મને મારું ઘડપણ પાછું સોંપી દે.’

સાંભળીને પુત્રે કહ્યું, ‘બાપુ ! આટલી બધી ઉતાવળ શા માટે ? કાલ સવાર ક્યાં નાસી જાય છે ? હજી બેચાર વર્ષ એ જુવાનીને રાખોને !’

પુત્રનાં વચનથી વિંધાયેલો યયાતિ બોલ્યો, ‘બેટા! તારાં નિર્દોષ વચનો મને ભાલાની જેમ ભોંકાય છે. મેં ધાર્યું હતું કે થોડાક ભોગ ભોગવી લઈશ એટલે મન તૃપ્ત થશે અને વધારે શાંતિ મળશે. પણ મનને તો ભોગોનો અભરખો થયો છે. જેમ અભરખો થયો હોય અને તે માણસ ગમે એટલું ખાય તોપણ એની ભૂખ જ ન ઓલવાય, તેવું આ મનનું છે. ભોગોને ભોગવવાથી ભોગવાસના ઓછી થશે, એમ મેં માનેલું. આ મારી માન્યતા કેવી ભૂલભરેલી છે, તે મને સમજાયું છે. હવે મને સમજાય છે કે જેમ અગ્નિમાં લાકડાં નાખ્યા કરવાથી અગ્નિ શાંત થવાને બદલે વધારે પ્રદિપ્ત થાય છે. તેમ કામાગ્નિમાં આ લાકડાં નાખ્યા કરવાથી પણ એમ જ થાય છે. બેટા ! આ મારો અનુભવ છે. દુનિયામાં કોઈ પ્રાણી એમ ધારતું હોય કે ભોગોને ભોગવવાથી મન ભોગોથી પાછું હઠવાનું છે, તો તે તમામ પ્રાણીઓને હું ઉદ્ઘોષણા કરું છું કે આ માન્યતા કેવળ પોકળ છે. ભોગોને ભોગવવાથી તો ભોગવાસના ઘટવાને બદલે ઊલટી વધે છે અને પછી તો માણસ માણસ મટીને કેવળ પશુ બની જાય છે. બેટા ! હજારો વર્ષો સુધી નીચોવાઈ ગયા પછી પણ મને આ જ્ઞાન થયું, તે માટે હું તારો ઋણી છું. જા, પ્રભુ તારું કલ્યાણ કરો! આ રાજ્ય હું તને સોંપું છું. મારા માટે તો આજથી જ અરણ્યવાસ છે.’

આટલું બોલીને ઘડપણને ફરીથી એકવાર ધારણ કરીને યયાતિ અરણ્યમાં ચાલી નીકળ્યો.

Total Views: 457

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.