ખેદની વાત છે કે સમસ્ત વિશ્વમાં આત્મહત્યાનું પ્રમાણ વધી રહ્યું છે. દર વર્ષે લગભગ 8 લાખ લોકો આત્મહત્યાથી મરી જાય છે, જેમાં સૌથી વધુ લોકો (લગભગ અઢી લાખ) આપણા દેશના છે. સરેરાશની દૃષ્ટિએ જોઈએ તો પણ વિશ્વમાં આપણો દેશ અગિયારમા ક્રમમાં છે. (દર એક લાખ વ્યક્તિઓમાં 21) સર્વોચ્ચ ક્રમે ગુઆના (44), નોર્થ કોરિયા (38) અને સાઉથ કોરિયા (29) છે. પણ આ તો નોંધાયેલ આંકડાઓ છે. આ સિવાય આત્મહત્યાઓના અનેક કેસો નોંધાતા જ નથી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના રિપોર્ટ પ્રમાણે આથી પચીસગણા લોકો આત્મહત્યા માટે પ્રયત્નો કરે છે પણ સફળ થતા નથી. આત્મહત્યા વિશે બસોથી વધુ પુસ્તકો પ્રકાશિત થયાં છે, જેમાંનાં કેટલાંક બેસ્ટ-સેલિંગ પુરવાર થયાં છે, જેમ કે જાપાનમાં શરૂમી વાતારુનું પુસ્તક ‘Kanzen jisatsu Manual or the Complete Manual of Commiting Suicide’, હેમલોક સોસાયટીના સંસ્થાપક ડેરેફ હમ્ફીસે લખેલું ‘The Final Exit’ પુસ્તક તેમજ ફ્રાન્સમાં આત્મહત્યા વિશે સૂચનો આપતું પુસ્તક (Suicide User’s Instructions) વગેરે.

કાયદાની દૃષ્ટિએ આત્મહત્યાનો પ્રયત્ન કરવો ગુનો છે જ, પણ વિશ્વના બધા જ ધર્મો પણ આત્મહત્યાને હત્યા જેટલો જ નિંદનીય ગુનો માને છે. શાસ્ત્રો પ્રમાણે 84 લાખ યોનિઓમાંથી સર્વશ્રેષ્ઠ યોનિ મનુષ્યયોનિ છે કારણ કે અત્યંત દુર્લભ એવા માનવદેહમાં જ આત્મ-સાક્ષાત્કારની અનુભૂતિ થઈ શકે છે, બાકી બધી યોનિઓ ભોગ યોનિ છે, ત્યાં સુધી કે દેવતાઓને પણ પુણ્યો ક્ષીણ થયા પછી પૃથ્વી પર માનવદેહ ધારણ કરવો પડે છે અને પછી જ તેઓ મુક્તિ મેળવી શકે છે.

આધુનિક વિજ્ઞાનના મતે ચોર્યાસી લાખ નહિ પણ 125 લાખ યોનિઓ છે. તે પણ માને છે કે ઇન્ટેલીજન્સ (આઈ.ક્યુ.) બધી જ યોનિઓમાં હોય છે, ઇમોનશલ ઇન્ટેલીજન્સ (આઈ.ક્યુ.) થોડીક યોનિઓમાં હોય છે અને સ્પિરિચ્યુઅલ ઇન્ટેલીજન્સ (આઈ.ક્યુ.) માત્ર મનુષ્ય યોનિમાં જ છે. ઓક્સફોર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર દાનાહ ઝોહાર દ્વારા લિખિત પુસ્તક – ‘સ્પિરિચ્યુઅલ ઇન્ટેલીજન્સ – ધ અલ્ટીમેટ ઇન્ટેલીજન્સ’માં લખ્યું છે કે જીવનની રમત કેવી રીતે એ આઈ.ક્યુ. શીખવે છે, પરિસ્થિતિ બદલાય ત્યારે મન:સ્થિતિ બદલાવી જીવનની રમત કેવી રીતે રમવી એ ઇમોશનલ ઇન્ટેલીજન્સ શીખવે છે અને જીવનની રમત શા માટે રમવી – માનવ જીવનનો ઉદ્દેશ શો છે તે સ્પિરિચ્યુઅલ ઇન્ટેલીજન્સ શીખવે છે, જે માત્ર માનવજન્મમાં જ શક્ય છે.

જ્યાં સુધી માનવજીવનનો ઉદ્દેશ-આત્મ-સાક્ષાત્કાર (કે મોક્ષ કે મુક્તિ કે ઈશ્વરદર્શન જે કહો તે) નથી જઈ જતો, અંતર્નિહિત દિવ્યતાનું પ્રગટીકરણ નથી જઈ જતું, માનવનું મૂળ સ્વરૂપ સત્-ચિત્-આનંદની પ્રાપ્તિ નથી થઈ જતી, ત્યાં સુધી જીવને વારંવાર જન્મ ગ્રહણ કરવો પડે છે – કર્મોનાં ફળ (સારાં અને નરસાં) ભોગવવા માટે. આ સ્થિતિ – અનંત જ્ઞાન, અનંત આનંદ, અમર જીવન પ્રાપ્ત કરવાની સ્થિતિ મેળવવા માટે દીર્ઘકાળ સુધી સાધના કરવી પડે છે. જ્ઞાનયોગ, ભકિતયોગ, રાજયોગ અથવા કર્મયોગ એ ચારે માર્ગો દ્વારા અથવા એમાંના એક કે વધુ માર્ગો દ્વારા આ સાધના શક્ય બને છે. બધા જ પ્રકારનાં દુ:ખોથી સંપૂર્ણ મુક્તિ મેળવવાનો આ એક માત્ર ઉપાય છે.

કર્મોના પરિણામરૂપે આપણને જે દેહ પ્રાપ્ત થયો છે તેના વિનાશનો સમય પ્રારબ્ધ પ્રમાણે નિશ્ર્ચિત હોય છે, તેની પહેલાં સ્વેચ્છાથી આ દેહનો વિનાશ કરવાથી જીવાત્માને સૂક્ષ્મ શરીર(પ્રેત-યોનિ)માં વાસ કરવો પડે છે, જે અત્યંત કષ્ટદાયક હોય છે. જીવિત અવસ્થામાં વિપત્તિઓ અને સંકટોને લીધે જે દુ:ખ થતું હોય છે તેના કરતાં પણ આ દુ:ખ અનેકગણું હોય છે. આમ આત્મ-હત્યા એ ઉલમાંથી ચૂલમાં પડવા જેવું છે.

ભગવદ્ગીતાના ઉપદેશ પ્રમાણે આ ભૌતિક દેહ તો બાહ્ય વસ્ત્ર જેવો છે. મૃત્યુ પછી ફરી નવો દેહ મળે છે, નવું વસ્ત્ર મળે છે પણ જેઓ આત્મ-હત્યા કરે છે, તેમણે આ નવું વસ્ત્ર મેળવવાના સમય પહેલાં દેહત્યાગ કર્યો હોય છે, માટે તેઓને આ સમયગાળા દરમિયાન વસ્ત્ર વગર, ભૌતિક દેહ વગર ભટકવું પડે છે, જે અત્યંત દુ:ખદાયી હોય છે.

આથી જ્યારે વ્યક્તિના મનમાં હતાશા અને નિરાશાનાં ઘોર વાદળ છવાઈ જાય, સહનશક્તિની સીમા આવી જાય ત્યારે નકારાત્મક પગલાં લેવાને બદલે તુરત કોઈ સ્નેહી સલાહકાર પાસે જઈ મનનો ભાર તેમની પાસે ઠાલવી દેવો જોઈએ અને સકારાત્મક વિચારો મનમાં લાવવા, સત્સંગ, પ્રેરણાદાયી પુસ્તકોનું વાંચન, પ્રાર્થના, ધ્યાન વગેરે ઉપાયો સત્વરે અપનાવવા જોઈએ. આમ કરવાથી કેટલાય લોકો આત્મ-હત્યાથી બચી ગયા છે. છેલ્લાં પચીસ વર્ષોના મારા કાઉન્સેલીંગના અનુભવના આધારે આ વાત હું ભારપૂર્વક કહી શકું છું

જ્યારે એમ લાગે કે જીવનમાં હવે કોઈ આશરો રહ્યો નથી ત્યારે જાણવું કે આ ઈશ્વરનું નિમંત્રણ છે – શરણાગત થવા માટેનું. ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે, ‘બધા આશરાઓ છોડી તું મારા એકલાના જ શરણમાં આવ. હું તને સર્વ પાપોમાંથી મુક્ત કરીશ.

તું શોક ન કર.’

આપણે ઈશ્વરનાં ચરણોમાં પ્રાર્થના કરીએ કે સમસ્ત વિશ્વમાં જે લોકો આત્મ-હત્યાના વિચારો કરી રહ્યા છે તેઓને સાચી સમજણ આપે અને દુ:ખ સહન કરવાની શક્તિ આપે, જેથી તેઓ ઉલમાંથી ચૂલમાં ન પડે.

Total Views: 295

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.