મણકો ત્રીજો  –  જૈનદર્શન

જૈન એક દર્શન પણ છે અને ધર્મ-સંપ્રદાય પણ છે કારણ કે એ મતને માનનારાઓ માટે કેટલાક વિશિષ્ટ આચારનિયમો પણ નિર્દેશાયા છે. આપણે અહીં એના દાર્શનિક પાસાની અને આનુષંગિક ધર્મપાસાઓની મુખ્ય મુખ્ય વાતો કરીશું.

આ ધર્મ-દર્શનનો પાયો 24 તીર્થંકરોએ નાખ્યો કહેવાય છે. પહેલા તીર્થંકર ઋષભદેવ અને અંતિમ ચોવીસમા તીર્થંકર વર્ધમાન મહાવીર છે. તેઓ ઈ.સ. પૂર્વે છઠ્ઠી સદીમાં થઈ ગયા. તેઓ બુદ્ધના સમકાલીન હતા. ત્રેવીસમા તીર્થંકર પાર્શ્ર્વનાથ હતા. તેઓ ઈ.સ. પૂર્વે નવમી સદીમાં થયાનું મનાય છે.

‘જિન’ નો વ્યુત્પત્તિલભ્ય અર્થ ‘જીતનાર’ થાય છે. બધા તીર્થંકરો ‘જિન’ કહેવાય છે. કારણ કે તેમણે રાગદ્વેષને જીતીને મુક્તિ મેળવી હતી. એના અનુયાયીઓ ‘જૈન’ કહેવાયા.

આ જૈનો કોઈ એક સર્વસત્તાધીશ ઈશ્વરને માનતા નથી. પણ તીર્થંકરોને જ ઈશ્વરની જેમ પૂજે છે. આ તીર્થંકરો પણ એક દિવસ બદ્ધ જીવો જ હતા પણ સ્વપ્રયત્નથી જ મુક્ત થયા છે અને સર્વજ્ઞ, સર્વશક્તિમાન તેમજ ઈશ્વરીય આનંદ મેળવનારા બન્યા છે. દરેક જીવ સ્વપ્રયત્નથી તીર્થંકર બની શકે છે તેવું જૈનોનું માનવું છે.

એક ધર્મ-સંપ્રદાય તરીકે જૈન ધર્મ નીતિપ્રધાન છે. એનાં પાંચ મહાવ્રતો – અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. ઉચ્ચતમ ધર્મલક્ષ્ય માટે એ વ્રતો પાળવાનો એમાં આદેશ છે. સમ્યક્ ચારિત્ર્યનો આદર્શ સાધવા માટે સમ્યક્ દર્શન અને સમ્યક્ જ્ઞાનનું પૂર્વવર્તિત્વ અનિવાર્ય રીતે પ્રબોધાયું છે.  એ ત્રણને ‘રત્નેત્રય’ એવું નામ અપાયું છે.

કેવળ પ્રાણીઓમાં જ નહિ, ઝાડ-છોડમાં પણ જીવ હોવાનું જૈનો માને છે એટલે એવા કોઈને કશી ઈજા ન થવી જોઈએ. ઈજા – હિંસા અન્યાય છે. તેથી અહિંસા નકારાત્મક નહિ પણ સકારાત્મક છે. એ પરમ ધર્મ છે. વળી જૈનો કહે છે કે જૂઠું ન બોલવું એટલું જ સત્ય નથી પણ મધુર અને હિતકારી  બોલવું એ સત્ય છે. રુક્ષ અને અહિતકારી વાણી અસત્ય જ છે. સત્યપાલનથી માણસના ક્રોધ, લોભ અને ભય છૂટી જાય છે. ‘ન આપેલું લઈ લેવું’ – એ ચોરી- એ સ્તેય છે એમ જૈનો માને છે એટલે ‘કોઈ સામેથી આપે તે જ લેવું’ એ ‘અસ્તેય’ નામનું વ્રત છે. ‘બ્રહ્મચર્ય’ નો અર્થ આંતર-બાહ્ય, સ્થૂલ-સૂક્ષ્મ, પ્રત્યક્ષ-પરોક્ષ, ભૌતિક- અભૌતિક – બધા જ મોહ, ભોગ, વિલાસથી મુક્ત થવું તે છે. અને છેલ્લું અપરિગ્રહ વ્રત એ છે કે બધા ઇન્દ્રિયોના વિષયોની આસક્તિ અને ચિંતનમાંથી છુટકારો થવો.

સમ્યક્ જ્ઞાન, સમ્યક્ દર્શન અને સમ્યક્ ચારિત્ર્યરૂપ રત્નેત્રયમાં સમ્યક્ દર્શન એ કોઈ અંધદર્શન (શ્રદ્ધા) નથી. તે લોકમાન્યતા, દેવોની માનતા અને પાખંડથી મુક્ત છે.

ધર્મ તરીકે જૈનોના શ્ર્વેતામ્બર અને દિગમ્બર એવા બે વિભાગો છે. એમાં દિગમ્બરોની ચુસ્તતા શ્ર્વેતામ્બરો કરતાં વધારે છે. જૈન સાહિત્ય મૂળ અર્ધમાગધીમાં લખાયેલું. એનું પૂર્ણ સંપાદન ઈ.સ. પહેલી સદીમાં લગભગ થયું છે. દેવર્ધિગણિ એના પ્રધાન સંપાદક હતા. કેટલાક એની પ્રામાણિકતામાં શંકા ઉઠાવે છે. સંપાદન કાળ મહાવીર સ્વામી પછી ઘણો જ મોડો બતાવે છે. સંભવ છે કે સૂત્રો ઘણા પ્રાચીન સમયથી મુખોપમુખ વેરવિખેરરૂપે વહી જ રહ્યાં હોય પણ એનું સમાહરણ મોડું થયું હોય !

હવે દાર્શનિક પાસાં તરફ નજર કરીએ તો જૈનો વાસ્તવવાદી – દ્વૈતવાદી છે. તેઓ વિષયોની સ્વતંત્ર સત્તા સ્વીકારે છે. તેમનાં પ્રમેયો, તત્ત્વો અને પ્રમાણો સાર્વત્રિક છે, સહિષ્ણુ છે; વિકલ્પો અને પર્યાયોને આવકારનારાં  છે. જૈન દર્શનની આ વિશિષ્ટતા ભારતીય તેમજ પાશ્ર્ચાત્ય દર્શનોના ઇતિહાસમાં ખરખર બેજોડ છે.

જૈનોનું ‘સત્’ તત્ત્વ પરિણામશીલ છે. દરેક વસ્તુ ‘ઉત્પાદ – વ્યય – ધ્રૌવ્ય’ યુક્ત છે, કારણ કે વસ્તુ કેવળ દ્રવ્યાત્મક પણ નથી અને કેવળ પર્યાયાત્મક પણ નથી. પરન્તુ દ્રવ્ય પર્યાયાત્મક છે એટલે દ્રવ્યને લીધે એનામાં ધ્રૌવ્ય છે અને પર્યાયોને લીધે એનામાં ઉત્પાદ અને વિનાશ પણ છે. આમાં આત્મા પણ અપવાદ નથી. એટલે આત્મામાં પણ પરિણામ થાય જ છે.

જૈન ધર્મમાં છ દ્રવ્યો છે :  જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ. એમાં જીવ અનંત છે; ચેતના એનું લક્ષણ છે, સંસારી અને મુક્ત એવા એના બે ભેદ છે. એમાં સંસારી જીવો અનાદિ કાળથી પૌદ્ગલિક કર્મોથી બંધાયેલા છે. એટલે સંસારી અવસ્થામાં જીવને કોઈક રીતે મૂર્ત માનવામાં આવે છે. આ સંસારી જીવોના એથી એકેન્દ્રિય, દ્વીન્દ્રિય, ત્રિન્દ્રિય, ચતુરિન્દ્રિય, પંચેન્દ્રિય- એવા વિભાગો પડે છે. એકેન્દ્રિય જીવના વળી પાછા પૃથ્વીકાય, અવકાય, તેજસ્કાય, વાયુકાય અને વનસ્પતિકાય એવા ઉપભેદો પણ પડે છે ! જીવ શરીરપરિમાણ છે. પોતે ધારણ કરેલાં શરીર જેવડો થઈને તે રહે છે.

પુદ્ગલનું લક્ષણ રૂપ, રસ, ગંધ અને સ્પર્શ છે. એના પરમાણુ અને સ્કંધ એવા બે પ્રકાર છે. પરમાણુમાં કોઈ જાતિભેદ નથી એટલે પૃથ્વીપરમાણુ જળપરમાણુમાં ફેરવાઈ શકે છે. પરમાણુઓ જોડાય એટલે સ્કંધ બને. પરમાણુઓમાં સ્નિગ્ધતા અને રુક્ષતાના ગુણો હોય છે. આ ગુણો વચ્ચે અમુક માત્રાઓનો તફાવત હોય તો જોડાણ થાય અને સ્ક્ધધ બને. પરમાણુઓ નિત્ય નથી પણ પરિણામશીલ છે. બે કે વધારે પરમાણુઓનો સ્કંધ આકાશના એક પ્રદેશમાં સમાઈ શકે છે.

આકાશ, જીવ આદિ દ્રવ્યોને સ્થાન આપવાનું કાર્ય કરે છે. એના જે ભાગમાં દ્રવ્યો રહે છે તે ભાગ ‘લોકાકાશ’ કહેવાય છે. બાકીનું ખાલી આકાશ ‘અલોકાકાશ’ કહેવાય છે. ખરેખર  તો આકાશ એક જ અને અનંત છે.

જીવ અને પુદ્ગલને ગતિમાં રાખનાર ‘ધર્મ’ છે અને સ્થિતિમાં રાખનાર દ્રવ્ય ‘અધર્મ’ છે. અને કાળને દ્રવ્ય માનવા – ન માનવામાં મતમતાંતર છે. કાળને દ્રવ્ય માનનારા એને પરિણામનું સહાયકકારણ કહે છે. એને દ્રવ્ય ન માનનારા પરિણામને જ કાળ કહે છે.

જૈનો અનેકાન્તવાદી છે. એને મતે વસ્તુ અનન્તધર્માત્મક છે. એક જ વસ્તુમાં જુદી જુદી દ્રષ્ટિએ પરસ્પર વિરોધી લાગતા ધર્મો પણ ટકી શકે છે એમ અનેકાન્તવાદ જણાવે છે. દાખલા તરીકે એક વસ્તુ દ્રવ્ય તરીકે નિત્ય છે, પણ પર્યાય દૃષ્ટિએ અનિત્ય છે. અખંડ વસ્તુને જાણવી તે પ્રમાણ અને બીજી દૃષ્ટિઓનો વિરોધ -નિષેધ કર્યા વિના એક દૃષ્ટિથી જાણવી તે ‘નય’ કહેવાય. જૈનોના આ ‘નય’માં સત્તાના આપેક્ષ રૂપનો સ્વીકાર છે એટલે કોઈ પણ વસ્તુનો વિચાર સાત રીતે માનવામાં આવે છે અને નયને ‘સપ્તભંગી નય’ તરીકે ઓળખવામાં આવે છે.  જેમ કે –

(1) કદાચ છે. (2) કદાચ નથી. (3) કદાચ છે અને નથી. (4) કદાચ અવર્ણનીય છે. (5) કદાચ છે અને અવર્ણનીય છે. (6) કદાચ નથી અને અવર્ણીનીય છે. (7) કદાચ છે, નથી અને અવર્ણનીય છે.

જૈનો પાંચ જ્ઞાન સ્વીકારે છે. મતિ, શ્રુત, અવધિ, મન:પર્યાય અને કેવળ. ઇન્દ્રિયજન્ય જ્ઞાન, સ્મૃતિ પ્રત્યભિજ્ઞા, તર્ક વગેરે મતિજ્ઞાન છે; શાસ્ત્રનું પ્રમાણ શ્રુતજ્ઞાન છે, દેશકાળથી દૂર પૌદ્ગલિક વસ્તુનું જ્ઞાન મન:પર્યાય છે; સર્વને જાણનારું જ્ઞાન કેવળજ્ઞાન છે.

જૈન મતમાં ઈશ્વરનો અસ્વીકાર છે. તેઓ  વ્રત – તપ – અહિંસા પર ભાર મૂકે છે. કર્મનાં આવરણો સંપૂર્ણ દૂર થતાં આત્મામાં મૂળત: રહેલાં અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય વગેરેનું આનંત્ય પ્રકાશી ઊઠે છે, તેમ તેઓ માને છે.

Total Views: 278

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.