કઈ પ્રતિમા વધુ સારી છે? રક્તમાંસની સાધારણ પ્રતિમા કે ઉચ્ચતર આદર્શનું પ્રતિપાદન કરનાર દૈવી પ્રતિમા? માનવ-પ્રતિમામાં ઉચ્ચ આદર્શ નથી મળતા અને જો તમે નિરાકારનું ચિંતન કરવાનો પ્રયત્ન કરો, તો તે મનથી અગમ્ય બની રહે છે. સાથે ને સાથે માનવ-પ્રતિમા -પુરુષ કે સ્ત્રીની પ્રતિમાઓ- આપણું સંપૂર્ણ ધ્યાન આકર્ષિત કરી લે છે, આપણા માટે તે મુખ્ય રૂપે સત્ય બની જાય છે અને પછી બધી બાબતો અનિવાર્ય રૂપે ઘટવા માંડે છે.

જેટલા પ્રમાણમાં આપણે સ્વયંમાં પરમાત્માને (આ કહેવાતા) વ્યક્તિત્વથી ભિન્ન, આપણા આ પુરુષ કે સ્ત્રી રૂપથી પૃથક્ રૂપે વિચારવામાં સમર્થ બનીશું, એટલા જ પ્રમાણમાં આપણે બીજામાં પરમાત્માને એમના વ્યક્તિત્વથી, એમની આકૃતિથી પૃથક્ વિચારવામાં સમર્થ બનીશું. ત્યારે આપણે સુરક્ષિત બનીશું, ત્યારે આપણે કોઈ સ્ત્રી કે પુરુષ પ્રતિમાના ગુલામ નહીં બનીએ.

માનવ જે પરમાત્માની શોધ કરી રહ્યો છે, એના સ્વરૂપની ધારણા માનવની પોતાની ધારણાના વિકાસ પર આધાર રાખે છે. શ્રીરામકૃષ્ણ કહે છે, ‘ભક્ત ત્રણ કોટિના હોય છે- અધમ, મધ્યમ અને ઉત્તમ. અધમ ભક્ત કહે છે, ‘ત્યાં છે ઈશ્વર’ અને આકાશ તરફ આંગળી ઉઠાવે છે. મધ્યમ ભક્ત કહે છે, ‘તેઓ હૃદયમાં અંતર્યામીરૂપે વિરાજમાન છે.’ ઉત્તમ ભક્ત કહે છે, ‘તેઓ જ સર્વ કંઈ છે, જે કંઈ જોઉં છું, એ બધાં એનાં જ રૂપ છે.’ (શ્રીરામકૃષ્ણ કથામૃત)

પછીથી તેઓ સગુણ અને નિર્ગુણ રૂપોનો સંબંધ સ્પષ્ટ કરતાં કહે છે, ‘જાણે કે, તેઓ સચ્ચિદાનંદ સાગર છે, જેનો કોઈ આરો-ઓવારો નથી. ભક્તિ-હિમથી જ્યાં ત્યાં જળ બરફ બની જાય છે. બરફની જેમ જામી જાય છે અર્થાત્ ભક્તો પાસે તેઓ વ્યક્ત ભાવે ક્યારેક ક્યારેક સાકાર રૂપ ધારણ કરે છે. જ્ઞાનસૂર્યનો ઉદય થતાં એ બરફ પીગળી જાય છે. ત્યારે ઈશ્વરના વ્યક્તિત્વનો બોધ રહેતો નથી, એમનું રૂપ પણ દેખાતું નથી.’ (શ્રીરામકૃષ્ણ કથામૃત)

પુરાતન ભારતમાં ઈશ્વરની

ધારણાઓનો વિકાસ

હિન્દુશાસ્ત્રોનું અધ્યયન કરવાથી આપણને ઈશ્વરની વિભિન્ન ધારણાઓ પ્રાપ્ત થાય છે. કેટલાક ભક્તો એમને સગુણ અને સાકાર ગણે છે. એમની સાથે વ્યક્તિગત સંબંધ સ્થાપવા ઇચ્છે છે. વળી બીજા કેટલાક એમને અનંત જ્ઞાન, શક્તિ અને ગુણસંપત્તિ કહે છે અને તેઓ નિરાકાર હોવા છતાં તેમને વિભિન્ન રૂપ ધારણ કરનાર માને છે. તેઓ ઈશ્વરના સાકાર રૂપનો સ્વીકાર કરીને પણ એમના નિરાકાર પક્ષને વધારે મહત્ત્વ આપે છે, અને તેની અભિવ્યક્તિ છે સાકારરૂપ.

સાધનાની પ્રારંભિક અવસ્થાઓમાં મોટાભાગના ભક્તો ભગવાનની સાથે માનવીય રૂપ અને ભાવનાઓને સંયોજિત કર્યા વિના તથા એમને સ્વયંથી બહાર હોવાનું વિચાર્યા વિના રહી શકતા નથી. ક્યારેક ક્યારેક એવું પણ જોવા મળે છે કે સાચી ભક્તિ દ્વારા ચિત્તશુદ્ધિ હોવાને લીધે ભક્ત જેની તે અત્યાર સુધી બાહ્ય વસ્તુના રૂપે ઉપાસના કરતો હતો, એ જ પરમાત્માનું દર્શન પોતાની ભીતર કરવા માંડે છે. ત્યારે તે ભક્ત ઈશ્વરનો અંતર્યામી પરમાત્માના રૂપે- ‘કર્ણના કર્ણ, મનના મન, પ્રાણના પ્રાણ’ (કેનોપનિષદ-1.2)ના રૂપે તેમનો સાક્ષાત્કાર કરે છે. ત્યાર પછી તે પરમાત્માની અનુભૂતિ એ દેવતા રૂપે મેળવી શકે છે, કે જે અગ્નિમાં છે, જળમાં છે, છોડમાં છે, વૃક્ષોમાં છે અને સમસ્ત જગમાં વ્યાપ્ત છે તેમ જ જેણે સ્ત્રી-પુરુષ, યુવક-યુવતી અને લાકડીના ટેકે રહેલા વૃદ્ધનું રૂપ ધારણ કર્યું છે અને જે અનેક રૂપે જન્મ લે છે.(શ્ર્વેતાશ્ર્વતર ર.17, 4.3) હવે એને માટે પરમાત્મા સમસ્ત પ્રાણીઓ અને વસ્તુઓમાં વ્યાપેલ સત્તા બની જાય છે. તે દેવાધિદેવ જ નથી. પરંતુ એ તો સમસ્ત પ્રાણીઓના આત્મા અને વિશ્વના પ્રાણ પણ છે. અને આ પથ પર વધારે પ્રગતિ કરવાથી તે ઋષિ પરમાત્માનો  જગતાતીત સત્તા, ‘અવાઙ્ગમનસગોચર’ તેમજ અદૃષ્ટ, અલક્ષણ, અચિંત્ય, અવ્યપદેશ્ય (વર્ણનાતીત), એકાત્મ-પ્રત્યય-સાર, એકાત્મ-ચૈતન્ય-સ્વરૂપ, શાંત, પરમશિવ અને અદ્વિતીયના રૂપે સાક્ષાત્કાર કરે છે. (તૈત્તિરીય : 2.4.1, 2.9.1, માંડૂક્ય : 7)

વૈદિક ઋષિઓ વજ્રપાણિ વૃષ્ટિદાતા ઇન્દ્રની; સૂર્યના અધિષ્ઠાતા દેવતા મિત્રની; અંતરિક્ષમાં વિચરણ કરતા ઉપાસકના પાપનાશક વરુણની; તેમજ પિતા-બંધુ-મિત્ર-સુહૃદ્ કહેવાતા અગ્નિની ઉપાસના કરતા હતા. સૂર્યદેવતા કે જે સંસારમાં જીવન અને પ્રાણનો સંચાર કરે છે, તેમના ભક્તોની બુદ્ધિને સન્માર્ગે પ્રેરિત કરવા તેમનું આહ્‌વાન કરવામાં આવતું હતું. (ઋગ્વેદ : 3.62.10) એ ઉલ્લેખનીય વાત છે કે આધ્યાત્મિક ચેતનાની એ પ્રારંભિક અવસ્થામાં કેટલાક વૈદિક ઋષિ પ્રત્યેક પ્રતિક્રિયા પાછળ એક અન્તર્યામી ઈશ્વરીય સત્તાને ઓળખી શક્યા હતા અને એમની બહુદેવતાવાદી દેખાતી ધારણાઓની પાછળ પણ એક ગહન એકેશ્ર્વરવાદ વિદ્યમાન હતો. એનું કારણ એ છે કે પ્રત્યેક દેવતાઓનાં આવાહન અને આરાધના સર્વશક્તિમાન, સર્વજ્ઞ અને સર્વવ્યાપીરૂપે કરવામાં આવ્યાં છે. આ વાત એ સુપ્રસિદ્ધ સ્તુતિમાં સ્પષ્ટરૂપે કહેવામાં આવી છે અને એ ઘોષણા કરે છે : એકં સદ્ વિપ્રા બહુધા વદન્તિ અગ્નિં યમં માતરિશ્ર્વાનમાહુ:। (ઋગ્વેદ : 1.164.46) અર્થાત્ એક જ સત્યને વિપ્રગણ અગ્નિ, યમ, માતરિશ્ર્વા આદિ નામે પોકારે છે.

ઋગ્વેદકાળ પછી હિન્દુધર્મમાં વિશેષત: ઉપાસના અને સ્તુતિઓ સંબંધી નામો અને પ્રતીકોના વિષયોમાં એક મહાન પરિવર્તન આવ્યું. જે નામ ક્યારેક ઓછું મહત્ત્વ ધરાવતાં હતાં તે જ નામ પછીના કાળમાં મુખ્ય બની ગયાં અને દેવકુળમાં નવાં નામ પણ જોડવામાં આવ્યાં. શિવ, વિષ્ણુ અને દેવી તથા રામ અને કૃષ્ણ જેવા અવતારોની ઉપાસના પછીના સમયગાળામાં લોકપ્રિય બની ગઈ. પરંતુ આ આશ્ચર્યજનક પરિવર્તનો વચ્ચે હિન્દુભક્તની પરમેશ્ર્વર વિષયક ધારણા, તેની ઉચ્ચતમ આધ્યાત્મિક આશાઓ અને આકાંક્ષાઓ, ભગવત્-સહાયતા અને માર્ગદર્શન મેળવવાની તેની ઇચ્છા અને ભક્તની ભગવત્-મિલનની લાલસા અપરિવર્તિત રહ્યાં.

કાળના પ્રવાહની વચ્ચે નિરાકાર પરમાત્મસત્તા- ઈશ્વરનાં બધાં સાકારરૂપોની પૃષ્ઠભૂમિ રચે છે, એ વાત વધારે સ્પષ્ટતા સાથે સમજમાં આવી ગઈ છે. સાથે ને સાથે તે વિભિન્ન પ્રતીકોના માધ્યમથી પૂજાતાં બધાં વ્યક્તિત્વો અને સાકારરૂપોનું મૂળ કારણ છે. વસ્તુત: અદ્વૈત વેદાંત પ્રમાણે વ્યક્તિ ભલે કોઈપણ પ્રતીકને સ્વીકારે અથવા કોઈપણ દૈવી રૂપની પ્રારંભમાં ઉપાસના કરે, પરંતુ આધ્યાત્મિક જીવનનું પરમ લક્ષ્ય નિર્ગુણ-નિરાકાર, ‘એકમેવાદ્વિતીય’ની પરમ અનુભૂતિ મેળવવાનું જ છે. એમાં જ લીન બનીને ભક્ત અનંતની સાથે એકાકાર થઈ જાય છે અને એ ઉચ્ચતમ અનુભૂતિમાં માનવ અને ઈશ્વરના તેમજ ઈશ્વર અને જગતના ભેદ લુપ્ત થઈ જાય છે, કેવળ ‘એકમેવાદ્વિતીય’ જ શેષ રહી જાય છે.

ઉપર્યુક્ત અનુભૂતિ પર આધારિત અનેક અદ્વૈત-પરક ધ્યાનશ્ર્લોક હિન્દુધર્મમાં પ્રચલિત છે, જેમાં અનાત્માનો નિષેધ અને આત્માનું સમર્થન કરવામાં આવ્યું છે.                                   (ક્રમશ:)

Total Views: 343

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.