આ સદીના ઊગતા પ્રભાતે આપણને હૂંફની સૌથી વધારે જરૂર છે. હવે માણસને ધીમે ધીમે સમજાવા લાગ્યું છે કે પૈસો જ સર્વસ્વ નથી. વૈચારિક રીતે ગરીબ રહેવું હવે પાલવે તેમ નથી. એકબીજાની ઇચ્છાને માન આપશો ત્યારે તમને ખૂબ આનંદ થશે. સામો માણસ તમારી ઇચ્છાપૂર્તિ માટે પ્રયત્ન કરશે. સંબંધ સ્થાપિત કરવા જેટલું જ મહત્ત્વ સંબંધોને વ્યવહારને જાળવી રાખવાનું છે. મોટા ભાગે એવું બને છે કે બે વ્યક્તિમાંથી એક વ્યક્તિ વિપરીત દિશામાં જાય ત્યારે વ્યવહારમાં વિક્ષેપ આવે છે. સામા માણસની લાગણીને ધ્યાનમાં રાખીને વ્યવહાર કરવામાં આવે તો તકલીફ થવાની સંભાવના ઘટી જાય છે. ઘણીવાર એવું પણ બને છે કે આપણો વ્યવહાર સારો હોવા છતાં સામેના માણસ તરફથી આપણી સાથે સારો વ્યવહાર થતો નથી. આવી સ્થિતિ આપણને મૂંઝવી દે છે. માણસ પાસે બે મન હોય છે : એક જાગ્રત મન, જે રજૂ થાય છે અને બીજું અર્ધ જાગ્રત મન, જેનો ખૂબ ઓછો ઉપયોગ થાય છે. ઘણા લોકોના અર્ધ જાગ્રત મનમાં જાણ્યે અજાણ્યે ખૂબ દુર્ભાવો પ્રવેશતા હોય છે, તેથી તેમનું વર્તન સારું થઈ શકતું નથી. ‘મારું વર્તન સારું ન થાય તો કંઈ નહીં, પણ તમારું તો સારું ન જ થવું જોઈએ’ – આ પ્રકારના નકારાત્મક વિચારોનું આક્રમણ તેમનાં દિલોદિમાગમાં થાય છે. આ કારણે તેઓ સારો વ્યવહાર કરી શકતા નથી. માણસ પ્રયત્ન કરે તો નકારાત્મકતાનું આવરણ તોડી શકાય છે.

ઘણા લોકોને સમસ્યા ઊભી કરવાની ટેવ હોય છે. સમસ્યાઓ સર્જીને સમાધાન શોધવા નીકળી પડે છે. સમાધાન ન મળે ત્યારે તે દુ:ખી થાય છે. આવી વિપરીત પરિસ્થિતિમાંથી માણસ પસાર થાય છે ત્યારે તેની તંદુરસ્તીને ખૂબ નુકસાન થાય છે. આપણું સામાજિક માળખું બદલાતું જાય છે. પ્રેમની ભાષા સાવ નબળી પડી ગઈ છે. સ્વાર્થ અને જરૂરિયાત સુધી સીમિત રહીને આપણે છૂટાં પડી જઈએ છીએ. આ કારણે છેલ્લા ત્રણ દાયકામાં આપણે ખૂબ નુકસાન ભોગવ્યું છે. પ્રેમની ભાષા તૂટવાથી મનની તંદુરસ્તી ખોરવાઈ ગઈ છે. આ કારણે માનસિક સમસ્યાઓ ઉત્તરોત્તર વધી રહી છે. હાલ વિશ્વમાં સૌથી વધારે સંશોધન ડિપ્રેશન, ટેન્શન અને ઊંઘની દવાઓ માટે થાય છે. દવાઓ તો માત્ર ઇલાજ જ છે. પણ આપણે સમસ્યાના મૂળ તરફ જવું જોઈએ.

દોષનો ટોપલો અન્ય પર ઢોળવાની ટેવ પણ બદલવી પડશે. ઘણા કહે છે, ‘મા-બાપે મારા માટે કંઈ ન કર્યું, શિક્ષકોએ મને બરાબર ભણાવ્યો નહિ, બોસ પણ મારા કામમાં રસ લેતા નથી.’ વગેરે… આવા માણસે પોતાને પ્રશ્ન કરવો જોઈએ કે ‘મેં મારા માટે શું કર્યું?’ આપણે દરેક સ્થિતિને એક જ દૃષ્ટિકોણથી જોઈએ છીએ. આ કારણે આપણા દૃષ્ટિકોણમાં હકારાત્મકતા અને સર્જકતાનો અભાવ રહે છે.

આપણી જીવનશૈલી કેવી હતી? 24 કલાકના વિભાગો પાડવામાં આવેલા. આઠ કલાક ઊંઘ માટે, આઠ કલાક રોજગારી માટે અને આઠ કલાક પરિવાર સાથે રહેવા અથવા સામાજિક કાર્યો કરવા માટે. આજે આ સમયપત્રક વેરવિખેર થઈ ગયું છે. અફસોસની બાબત છે કે મોટા ભાગના લોકોને પરિવાર માટે સમય જ નથી. અમુક સ્થિતિ આવે ત્યારે દરેકને પરિવારના ટેકાની જરૂર પડે છે. જ્યાં સુધી પરિવારની હૂંફ નથી મળતી ત્યાં સુધી માણસ પૂર્ણરૂપે સ્વસ્થ નથી થતો. પરિવારમાં એકબીજાની હૂંફથી દરેક સ્વજન મજબૂત બને છે. ઘણા પરિવારોમાં વડીલોની દશા બિચારાં જેવી હોય છે. વૃદ્ધો  પ્રત્યે અણગમો રાખીને તેમને મહત્ત્વ આપવામાં આવતું નથી. આ સ્થિતિમાં વડીલોને કેટલું દુ:ખ થતું હશે, તેની કલ્પના તો કરો! વડીલોની લાગણીને માન નથી આપતા એ લોકોએ જાણી લેવું જોઈએ કે તમે જ્યારે વૃદ્ધ થશો ત્યારે તમારા પછીની પેઢી તમારી સાથે આવો જ વ્યવહાર કરશે! આ માટે અત્યારથી જ સજ્જ થઈ જજો !

પ્રેમના અભાવથી ન થવાનું ઘણું થાય છે. આપણે માનવમૂલ્યો અને સંબંધોનું મહત્ત્વ ભૂલતાં જઈએ છીએ. ખરાબ વ્યવહાર સહજ બની ગયો છે. પણ એ બાબત યાદ રાખજો કે ગેરવ્યવહાર એ આપણો મૂળભૂત સ્વભાવ નથી. ઉગ્રતા એ કુદરતથી વિરુદ્ધનું લક્ષણ છે. ઉગ્ર સ્વભાવવાળી વ્યક્તિને રાત્રે ઊંઘ બરાબર આવતી નથી. કુરદતથી વિરુદ્ધ લક્ષણ ધરાવનારા લોકો અંદરથી હંમેશાં દુ:ખી રહે છે. ખોટું બોલીને સત્ય દાબી દેવામાં આવે ત્યારે આ કૃત્યનો ભાર મગજ ઉપર આવે જ છે. પ્રેમ આપણો મૂળભૂત સ્વભાવ છે. પ્રેમાળ વર્તનથી માનસિક હળવાશ અનુભવી શકાશે.

તમારા વ્યવહારમાં તમારે શું લાવવું છે એ તમારે જ નક્કી કરવાનું છે. કોઈ તમને દુ:ખી કરે તો તેની અવગણના કરો, મૌન સેવો. ઘણા લોકો કહે છે, ‘સાહેબ, આવું બધું બોલવું, લખવું સહેલું છે, તેને જીવનમાં લાવવું અઘરું છે. આપણી સામે કોઈ હાથ ઉગામે તો આપણે એમ ને એમ ઊભા રહી શકીએ?’

આવા તર્ક સામે હું કહીશ કે માનવીય તત્ત્વને પ્રેમ સુધી લઈ જવા મૌનનું પગથિયું ચઢવું જ પડે. આ પરિસ્થિતિમાં સારા શબ્દો અને હકારાત્મકતાની જરૂર પડે તે સમજવાનો પ્રયાસ કરીએ. રોજબરોજની જિંદગીમાં અનેક દુર્ઘટનાઓ, કરુણતાઓ આપણી નજર સામે આવે છે, છતાં આપણું હૃદય દ્રવી ઊઠતું નથી. હૃદયનું કંપન થાય નહિ ત્યાં સુધી પ્રેમની ભાષા નહિ આવે. કંપનના અભાવથી બીમારીઓ વધી રહી છે. આ બીમારીઓનો ઇલાજ ફક્ત દવાઓ જ નથી, તમારા જીવનમાં પ્રેમ, લાગણી, મૃદુતા, કરુણા, ભાવનાત્મકતા પણ જરૂરી છે. દવા-ઇન્જેક્શનો પાછળ આપણે ખૂબ ખર્ચ કરીએ છીએ પરંતુ પૈસા વગરનો જે ઇલાજ દરેક માણસ પાસે છે તેનો ઉપયોગ થવો જ જોઈએ : પ્રેમ એવો અમૂલ્ય ઇલાજ છે. પ્રેમની જ્યોત દરેક દિલમાં છે, ફક્ત તેને પ્રજ્વલિત કરવાની જરૂર છે. જ્યોતથી જ્યોત પ્રજ્વલિત થતી જશે તો બીમારીઓનો અંધકાર દૂર થશે અને સર્વત્ર પ્રેમ-પ્રસન્નતાનો પ્રકાશ ફેલાશે.

આટલું યાદ રાખો

પ્રેમ માનવીય જીવનનો ધબકાર છે, પણ માણસ તેનાથી દૂર થતો જાય છે.

સંપૂર્ણ આરોગ્યની પ્રાપ્તિ માટે પ્રેમ-પ્રેમાળ વર્તન અનિવાર્ય છે.

પ્રેમથી મોટી દવા જગતમાં એકેય નથી. દર્દીને દવા સાથે પ્રેમ-હૂંફની પણ જરૂર હોય છે.

2000ની સાલમાં ‘યુનો’એ જાહેર કરેલું- પ્રેમ, લાગણી અને સ્નેહનું પ્રમાણ ઘટી રહ્યું છે તેથી રોગો વધી રહ્યા છે.

પ્રેમભર્યા વ્યવહારથી ઘણા પ્રશ્નોનું સમાધાન થઈ જાય છે, પણ આ સદીમાં આપણે પ્રશ્નો ઉકેલવા મશીનગનનો ઉપયોગ કર્યો !

વિજ્ઞાને સિદ્ધ કર્યું છે કે માણસ પ્રેમ આપે અને પ્રેમ મેળવે ત્યારે શરીરના રસાયણમાં ફેરફાર થાય છે.

હૃદયની ભાષામાં પ્રેમ, કરુણા, ભાવનાત્મકતા, લાગણીનો પ્રભાવ હોય છે. મગજની ભાષામાં ગણતરી સર્વોપરી હોય છે.

પ્રેમ અને હકારાત્મકતા તમને રોગોથી બચાવી શકે છે.

પ્રેમની ભાષા તૂટવાથી માનસિક સમસ્યાઓ વધવા લાગી છે.19

Total Views: 319

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.