મણકો પાંચમો – સાંખ્યદર્શન

આમ તો સાંખ્યદર્શન અને યોગદર્શન એ બન્ને જોડિયાં સહોદરો જ છે- સાંખ્યદર્શન તત્ત્વમીમાંસા (મેટાફિઝીક્સ) છે, તો યોગદર્શન એની લક્ષ્ય સાધનાની પ્રક્રિયા બતાવતું દર્શન છે. આ સાંખ્યદર્શન ભારતનું પ્રાચીનતમ દર્શન ગણાય છે. એના સ્થાપક કપિલમુનિ ગણાય છે. પણ દુર્ભાગ્યે કપિલનાં સાંખ્યસૂત્રો મળતાં નથી. અત્યારે મળતાં સાંખ્યસૂત્રો કપિલનાં નથી એ ચોક્કસ થઈ ચૂક્યું છે કારણ કે એમાં કેટલોક મેળ બેસતો નથી. કપિલ પછી એના શિષ્ય આસુરિએ અને ત્યાર પછી આસુરિના શિષ્ય પંચશિખે પણ કેટલીક રચનાઓ કરી હશે. પણ એમાંથી આપણને અત્યારે કશું જ મળતું નથી. અત્યારે તો આપણી પાસે માત્ર ઈશ્વરચંદ્રની સાંખ્યકારિકા તથા એના ઉપરની વાચસ્પતિ મિશ્રની સાંખ્યતત્ત્વકૌમુદિ જેવી કેટલીક ટીકાઓ અને વિજ્ઞાનભિક્ષુની સાંખ્યપ્રવચનભાષ્ય અને સાંખ્યસાર જેવી રચનાઓ સિવાય કશું જ રહ્યું નથી. વિજ્ઞાનભિક્ષુ પરંપરાથી થોડા જુદા ચાલ્યા હોવાથી એનું પ્રમાણ પણ ગૌણ જ છે. સાંખ્યની તત્ત્વમીમાંસા વિશે વિચારીએ તો એના પાયામાં દ્વૈત છે. એ પુરુષ અને પ્રકૃતિ – એમ બે તત્ત્વો માને છે. એનો ચેતન પુરુષ કદી જડ પ્રકૃતિ થતો નથી અને જડ પ્રકૃતિ ક્યારેય ચેતન થઈ શકતી નથી. પ્રકૃતિ આદિ જડ દ્રવ્ય છે, એટલે એને ‘મૂળ પ્રકૃતિ’ કહે છે. આપણે પ્રકૃતિનું સ્વરૂપ પહેલાં જોઈએ:-

સાંખ્ય ભૌતિક જગતને વાસ્તવિક માને છે. આ જગતનું ઉપાદન કારણ મૂળ પ્રકૃતિ છે અને તે એક માત્ર જ કારણ છે. એમાંથી જ જગત પરિણમે છે, અભિવ્યક્ત થાય છે એવું સાંખ્ય માને છે કારણ કે એના મતે વિશ્વના બધા વિષયો છેવટે તો પ્રકૃતિના જ છે. સુખ, દુ:ખ અને ઔદાસીન્ય એ વિષયોનો સ્વભાવ છે.બધા વિષયોનું આ જ સ્વરૂપ હોવાથી સાંખ્યો માને છે કે એનું કારણ પણ કોઈ એક જ હોઈ શકે અને એ એક કારણ પ્રકૃતિ જ છે. આ જ કારણે સાંખ્ય પ્રકૃતિને સત્ત્વ, રજસ્ અને તમસ્ – એ ત્રણ ગુણોની સામ્યાવસ્થારૂપ માને છે. આ ગુણો પ્રકૃતિના ઘટકો છે. તે સુખ, દુ:ખ અને ઔદાસીન્ય (મોહ) ના સ્વરૂપના છે.

પ્રકૃતિને માનવાનું પાયાનું કારણ સાંખ્યનો કાર્યકારણનો સિદ્ધાંત છે, પરિણામનો સિદ્ધાંત છે. એને ‘સાકાર્યવાદ’ પણ કહે છે. આ પ્રકૃતિ-કારણ અને વિકૃતિ-કાર્યનો સિદ્ધાંત છે.સાંખ્ય માને છે કે કાર્ય ગર્ભિતરીતે કારણમાં વિદ્યમાન હોય જ છે અને પહેલેથી જ રહેલા કાર્યની પછીથી અભિવ્યક્તિ જ થાય છે; એ કાંઈ ઉત્પન્ન થતું નથી. માટીના પિંડમાં ઘડો જો પહેલેથી ગર્ભિત રીતે વિદ્યમાન ન હોત તો લાખો કુંભારોના લાખો સખત પ્રયત્નો છતાં તે ઉત્પન્ન થાય જ નહિ ! તાંતણાઓમાં પહેલેથી જ વસ્ત્ર વિદ્યમાન ન હોય તો પછીથી ઉત્પન્ન થાય જ નહિ ! શૂન્યમાંથી કશું જન્મે જ નહિ.

હવે સાંખ્યોનો તર્ક એ છે કે આ ભૌતિક વિશ્વ તેના આવિષ્કાર પહેલાં જ કોઈ એવા ભૌતિક કારણમાં ગર્ભિત રીતે અવશ્ય વિદ્યમાન હોવું જોઈએ અને આ ભૌતિક કારણ મૂલપ્રકૃતિ છે અને આ જગત એની જ અભિવ્યક્તિ-પરિણામ છે. એટલે પ્રકૃતિ (મૂલપ્રકૃતિ) વિશ્વનું ભૌતિક કારણ છે. સાંખ્યના આ ઉત્ક્રાન્તિ ક્રમને ટૂંકમાં આપણે આ રીતે બતાવી શકીએ કે સર્વ પ્રથમ મૂલપ્રકૃતિ અને પુરુષ- એ બે જ તત્ત્વો હતાં. એમાંથી સાત તત્ત્વો પહેલાં પરિણત – આવિષ્કૃત થયાં.  આ કાર્યરૂપ સાત તત્ત્વો મૂલપ્રકૃતિની વિકૃતિ પણ કહેવાયાં ને સાથોસાથ એમાંથી આવિષ્કૃત થનાર સોળ તત્ત્વોની પ્રકૃતિ (કારણ પણ ગણાય). આમ કુલ પચ્ચીસ તત્ત્વોનું જગત બનેલું છે. જુઓ:-

પુરુષ + પ્રકૃતિ

મહત્ (બુદ્ધિ)

અહંકાર

સત્ત્વ – રજસ્             તમો – રજસ્

પાંચ જ્ઞાનેન્દ્રિયો   પાંચ તન્માત્રાઓ

પાંચ કર્મેન્દ્રિયો      પાંચ મહાભૂત

એક મન

 

આમાં પુરુષ પ્રકૃતિ પણ નથી અને વિકૃતિ પણ નથી. મૂલપ્રકૃતિ કેવળ પ્રકૃતિ જ છે. બુદ્ધિ, અહંકાર અને પાંચ તન્માત્રાઓ – એ સાત ‘પ્રકૃતિવિકૃતિ’ છે. આ સાત એક દૃષ્ટિએ પ્રકૃતિ(કારણ) પણ ગણાય છે અને બીજી રીતે વિકૃતિ (કાર્ય) પણ ગણાય છે.  બાકીની પાંચ જ્ઞાનેન્દ્રિયો, પાંચ કર્મેન્દ્રિયો, એક મન અને પાંચ મહાભૂતો – આ કેવળ વિકૃતિ (કાર્ય) જ છે કારણ કે એમાંથી કાંઈ નવું નીપજતું નથી. મૂલપ્રકૃતિમાંથી સૌ પ્રથમ ઉત્ક્રાન્તિ ‘મહત્’ અથવા ‘બુદ્ધિ’ થઈ. વૈશ્ર્વિક પાસાનું તે અતિ મહત્ત્વપૂર્ણ વિકાસોન્મુખ તત્ત્વ હોવાથી એને ‘મહત્’ નામ અપાયું છે. વ્યક્તિના માનસિક રહેલ એના ભાગને ‘બુદ્ધિ’ કહે છે. પ્રકૃતિમાં રહેલ સત્ત્વ ગુણની પ્રધાનતાથી બુદ્ધિ આવિર્ભૂત થાય છે. આ બુદ્ધિ અવશ્ય જ ભૌતિક તત્ત્વ છે. પણ પુરુષની ચેતનામાં એનું પ્રતિબિંબ કે આભાસ પડે છે.

અહંકાર એ ત્યાર પછીનો બીજો આવિષ્કાર છે. અહંકારનું કાર્ય ‘હું’ અને ‘મારું’ની લાગણી ઉત્પન્ન કરવાનું છે. ત્રણ ગુણોમાંથી એક યા બીજા ગુણની પ્રધાનતાના પ્રમાણમાં આ અહંકાર ત્રણ પ્રકારનો બને છે. જ્યારે એ સત્ત્વ પ્રધાન હોય ત્યારે એમાંથી અગિયાર ઇન્દ્રિયો આવિષ્કાર પામે છે અને જ્યારે તે તમ:પ્રધાન હોય છે ત્યારે તેમાંથી પાંચ તન્માત્રાઓ – સૂક્ષ્મભૂતો આવિષ્કૃત થાય છે. સત્ત્વ અને તમસ્માં રહેલો રજોગુણ આ આવિષ્કાર શક્ય બનાવે છે કારણ કે રજોગુણનું સ્વરૂપ જ ક્રિયાત્મકતા છે.

હવે સંખ્યાભિમત અગિયાર ઇન્દ્રિયો વિશે થોડુંક કહીએ: ચક્ષુરિન્દ્રિય, સ્પર્શેન્દ્રિય વગેરે પાંચ જ્ઞાનેન્દ્રિયો પ્રત્યક્ષાનુભવ શક્ય બનાવે છે અને પાંચ કર્મેન્દ્રિયો – મુખ, હાથ, પગ, ગુદા અને જનનેન્દ્રિયના સ્થાને આવેલ છે. મન ‘ઉભયેન્દ્રિય’ છે. તે જ્ઞાન અને કાર્ય બન્નેને શક્ય બનાવે છે.

છેલ્લે પાંચ તન્માત્રાઓ એ સંભાવ્ય તત્ત્વો છે. એ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એમ પાંચ છે. એમાંથી પંચ મહાભૂતો આવિષ્કાર પામે છે.

હવે સાંખ્યના પુરુષ વિશે વાત કરીએ : સાંખ્યનો દ્વૈતવાદ પુરુષ કે આત્માનો અલગ તત્ત્વ તરીકે સ્વીકાર કરે છે. વિશુદ્ધ ચૈતન્ય એનું સ્વરૂપ છે અને એનું કોઈ પરિવર્તન કે રૂપાંતર થતું નથી. તેથી આ પુરુષ કે આત્મા સામાન્ય રીતે કર્તા કે જ્ઞાતા કહી શકાય તેમ નથી. આમ છતાં સાંખ્યો માને છે કે ‘અવિવેક’ને લીધે દેખીતી રીતે ભોક્તા બની જાય છે.

સાંખ્યમતે આ આત્માઓ ઘણા બધા છે. આપણા જીવનમાં બનતા રહેતા રોજબરોજના અનુભવોની વિવિધતા ઉપરથી એનું અનુમાન થઈ શકે છે.

સાંખ્ય મતાનુસાર પ્રકૃતિનું પૂર્વોક્ત ઉત્ક્રમણ પુરુષ અને પ્રકૃતિના સાન્નિધ્યને લીધે થાય છે. અહીં અંધપંગુન્યાય લાગુ પડે છે. વનમાંથી બહાર નીકળવા માટે એક આંધળો અને એક લંગડો એકબીજાની મદદથી જેવી રીતે સફળ થયા તેવી રીતે પુરુષ અને પ્રકૃતિ પરસ્પરની સહાયતાથી જગતનો આવિષ્કાર કરે છે.

પુરુષનાં દેખાતાં દુ:ખો તેના પ્રકૃતિ સાથેના સાન્નિધ્યથી નીપજે છે. જ્યારે પુરુષ પોતાને પ્રકૃતિથી જુદો સમજવામાં નિષ્ફળ હોય છે, ત્યારે દેખીતી રીતે જ તે દુ:ખો અને પીડાઓનો ભોગ થઈ પડે છે. પણ જ્યારે એનામાં વિવેકશક્તિ જાગે છે – પ્રકૃતિથી પોતાના જુદાપણાનું ભાન જન્મે છે કે તરત જ પ્રકૃતિ એને બાંધવાના કામથી અટકી જાય છે. આ પ્રકૃતિ જ પુરુષમાં દુ:ખો જન્માવે છે અને એ જ એને એમાંથી મુક્ત કરે છે. પુરુષ તો પોતે સુખ-દુ:ખથી મુક્ત જ છે.

આમ, પુરુષનો અવિવેક જ એના દુ:ખનું પાયાનું કારણ છે. પ્રકૃતિથી જુદાપણાનું અજ્ઞાન જ – અવિવેક જ – દુ:ખ સર્જે છે. બન્ને વચ્ચેના ભેદજ્ઞાનથી જ દુ:ખ-નિવારણ થાય છે. પણ આ કાંઈ માત્ર બૌદ્ધિક સમજણથી જ થઈ શકે નહિ. એની તો પ્રત્યક્ષ અનુભૂતિ થવી જોઈએ. સત્યનો સ્પષ્ટ સાક્ષાત્કાર થવો જોઈએ. એને માટે લાંબી સાધનાની આવશ્યકતા છે અને એ સાધના પદ્ધતિ આ સાંખ્યદર્શનના જોડિયા સહોદર બંધુ ‘યોગદર્શન’ પૂરી પાડે છે.

Total Views: 305

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.