શંકરાચાર્ય પોતાના નિર્વાણષટકમ્માં કહે છે :

મનોબુદ્ધ્યહંકાર ચિત્તાનિ નાહં
ન ચ શ્રોત્રજિહ્વે, ન ચ ઘ્રાણનેત્રે
ન ચ વ્યોમભૂમિર્ન તેજો ન વાયુ
ચિદાનંદરૂપ: શિવોઽહં શિવોઽહમ્॥1॥

અહં નિર્વિકલ્પો નિરાકારરૂપો
વિભુત્વાચ્ચ સર્વત્ર સર્વેન્દ્રિયાણામ્।
ન ચાસંગતં નૈવ મુક્તિર્ન મેય:
ચિદાનંદરૂપ: શિવોઽહં શિવોઽહમ્॥6॥

અર્થાત્- ‘ન તો હું મન છું, ન બુદ્ધિ, ન ચિત્ત, ન અહંકાર; ન તો હું શ્રોત્ર છું, ન પ્રાણ, ન નેત્ર. વળી હું વ્યોમ નથી, ન અગ્નિ, ન વાયુ અને ભૂમિ પણ નહીં, હું ચિદાનંદરૂપ છું, હું સર્વવ્યાપી શિવસ્વરૂપ આત્મા છું.’

‘હું નિર્વિકલ્પ, નિરાકાર, અપરિવર્તનશીલ, સર્વવ્યાપી અને સર્વત્ર વિદ્યમાન છું, હું ઇન્દ્રિયોથી અસંગ છું, નથી મારામાં મુક્તિ કે બંધન; હું સમસ્ત સાપેક્ષ જ્ઞાનથી પર છું, હું સર્વવ્યાપી શિવસ્વરૂપ આત્મા છું.’

આ રીતનું ધ્યાન, અવ્યક્ત બ્રહ્મવિષયક ધ્યાન, કંઈક સર્વાધિક સાહસી ઔપનિષદિક ઋષિઓની ચિંતનપ્રણાલીને અનુરૂપ જ છે.

અસ્થૂલમનણ્વહ્રસ્વમદીર્ઘમ્…

અચક્ષુષ્કમશ્રોત્રમવાગમનો…

અનન્તરમબાહ્યમ્। (બૃહદારણ્યક-3.8.8)

અમૃતોઽદૃષ્ટો દ્રષ્ટાશ્રુત: શ્રોતામતો

મન્તાવિજ્ઞાતો વિજ્ઞાતા… (એજન 3.7.23)

અર્થાત્- ‘ન તો તે સ્થૂલ છે, ન અણુ, ન હ્રસ્વ છે, ન દીર્ઘ; ચક્ષુ રહિત, શ્રોત્ર રહિત, વાક્ રહિત, મન રહિત, અંદર-બહાર રહિત છે. તે અમૃત આત્મા જોઈ શકાતો નથી. પરંતુ સ્વયં દ્રષ્ટા છે; તેનું મનન કરી શકાતું નથી, પરંતુ જે સ્વયં મન્તા છે; અને વળી જેને જાણી શકાતો નથી, જે સ્વયં વિજ્ઞાતા છે.’

નિરાકાર સર્વાતીત, એકમેવાદ્વિતીય, સત્યની આ ઉદાત્ત ધારણાઓ ઉપરાંત પુરાતન ભારતમાં સર્વાન્તર્યામી, નિર્ગુણ, નિરાકાર, ઈશ્વરીય સત્તા વિશેની ધારણાઓનો વિકાસ થયો. જે અનંત નિરાકાર હોવા છતાં સાન્ત રૂપ ગ્રહણ કરે છે, એ જ પછીથી વિશિષ્ટાદ્વૈતવાદ કહેવાયો. કેટલાક સાધકો આવા પરમાત્માની ઉપાસના કરવા ઇચ્છે છે, કારણ કે એમને ઈશ્વરના સાકાર રૂપમાં રુચિ હોતી નથી. ઉપનિષદોમાં પણ સૃષ્ટિમાં વ્યાપ્ત પરમાત્મા વિષયક ધ્યાનમંત્ર છે :

તે પરમાત્મા નીચે છે, ઉપર પણ છે; તે પાછળ છે, આગળ છે, તે દક્ષિણમાં છે, ઉત્તરમાં છે, તે સર્વત્ર અને સર્વવ્યાપી છે. (છાંદોગ્ય : 7.25.1)

તે અણુનો અણુ અને મહત્થી પણ મહાન છે, તે આત્મા બધાં પ્રાણીઓનાં હૃદયમાં વિદ્યમાન છે. (કઠોપનિષદ : 1.2.20)

તે પૃથ્વી, વાયુ, સૂર્ય, ચંદ્ર અને તારાઓની ભીતર ઓતપ્રોતરૂપે વિદ્યમાન છે. તે અંતર્યામીના રૂપે બધાં પ્રાણીઓ તથા બધી વસ્તુઓનું નિયમન કરે છે. તે ઉપાસકનો અમર આત્મા અંતર્યામી નિયામક છે. (બૃહદારણ્યક : 3.7.7)

ભક્ત પોતાની અને ભગવાનની વચ્ચેના અંતરને જાળવી રાખે છે. તે પોતાને આત્મા અને પરમાત્માને સમસ્ત આત્માઓના આત્મા સમજે છે.

પરમાત્માના વ્યક્ત-અવ્યક્ત પક્ષ

પરંતુ શ્રીકૃષ્ણે જેમ ગીતા(12.5)માં કહ્યું છે: અવ્યક્તમાં આસક્તચિત્ત-લોકોને વધારે કષ્ટ થાય છે, કારણ કે અવ્યક્તની ચરમ ગતિ મેળવવી દેહધારી પ્રાણીઓ માટે બહુ કઠિન છે. એટલે હિન્દુ ધર્મની લગભગ બધી સાધના-પદ્ધતિઓમાં વ્યક્ત રૂપ તથા પ્રતીકોના માધ્યમથી અવ્યક્તનાં ધ્યાન અને ઉપાસના સર્વાધિક લોકપ્રિય સાધના રહી છે.

સાધક પરમાત્માને અતિમાનવીય સદ્ગુણયુક્ત એક દિવ્ય વ્યક્તિ માને છે અને તે એનાં પૂજા તથા પ્રાર્થનાઓનો ઉત્તર આપે છે. તે એને આનંદ અને પૂર્ણતા મેળવવામાં સહાય કરે છે. સત્ય વિષયક આ અવધારણાનો સંકેત આપણને કેટલાંક ઉપનિષદોમાં જોવા મળે છે.

હું મુમુક્ષુ આ આત્મજ્ઞાનને પ્રકાશિત કરનાર દેવનું શરણ ગ્રહણ કરું છું, જેમણે સર્વપ્રથમ બ્રહ્માની સૃષ્ટિ રચી તથા વેદોનું જ્ઞાન આપ્યું અને તે નિષ્કલ, નિષ્ક્રિય, શાંત, નિરવદ્ય અને નિરંજન છે તથા જે અમૃતત્વની પ્રાપ્તિ માટે પરમ સેતુ જેવું તેમજ ઈંધણને બાળનાર અગ્નિ સમું છે. (શ્ર્વેતાશ્ર્વર 6.18.19)

વ્યક્ત અથવા સાકાર ઈશ્વરમાં પણ પુરુષવિધ અને અપુરુષવિધ રૂપોનું અંતર છે. ઇસ્લામમાં ઈશ્વર વ્યક્ત-સગુણ છે, પરંતુ પુરુષવિધ કે સાકાર નહિ એટલે કે ઈશ્વરનું માનવીય રૂપ નથી. એક મુખ્ય જાણીતા લેખકે ઇસ્લામ અને યહૂદી ધર્મમાં વર્ણવેલ ઈશ્વરને Anthropopsychic અર્થાત્ માનવીય ભાવનાઓ અને વિચારોથી યુક્ત પરંતુ અપુરુષવિધ બતાવ્યા છે. હિન્દુ ધર્મમાં ઈશ્વરની પુરુષવિધ તથા અપુરુષવિધ બંને ધારણાઓ જોવા મળે છે. પ્રચલિત હિન્દુ ધર્મમાં અનેક દેવી-દેવતાઓની પૂજા થાય છે. એનો અર્થ એ નથી કે હિન્દુ ધર્મ બહુઈશ્વરવાદી છે. ઈશ્વરવિષયક સિદ્ધાંતની દૃષ્ટિએ હિન્દુ ધર્મ અન્ય કોઈપણ ધર્મની જેમ એકેશ્ર્વરવાદી છે. પરંતુ એમાં એક અંતર-ભેદ છે: જ્યાં બીજા ધર્મોમાં કેવળ એક દેવતાને પરમેશ્ર્વરનું સર્વોચ્ચ આસન-સ્થાન અપાયું છે (જેમ કે યહૂદી ધર્મમાં ‘યહોવાહ’ને) એ જગ્યાએ હિન્દુ ધર્મમાં વિભિન્ન દેવતાઓને એમના અનુયાયીઓ દ્વારા આવું જ ઉચ્ચપદ અપાયું છે. વિષ્ણુના ઉપાસક માને છે કે નારાયણ પરમેશ્ર્વર છે તથા અન્ય બધા દેવતાઓ એમની નીચે છે. શિવનો ઉપાસક શિવને પરમેશ્ર્વર અને બીજા બધા દેવતાઓને નિમ્ન દેવતા માને છે. આ અવધારણા-માન્યતાને મેક્સમૂલરે Henotheism- એકસત્તાવાદ કહી છે. એના પરિણામે હિન્દુ ધર્મ વિભિન્ન વિચારધારાઓ તેમજ ધાર્મિક આદર્શોને આત્મસાત્ કરવામાં સમર્થ બન્યો છે.

અન્ય બધા દેવોથી શ્રેષ્ઠતમ એક પરમેશ્ર્વરની ધારણા હિન્દુઓની આધ્યાત્મિક ચેતનાનું ચિરંતન અંગ રહી છે. પરંતુ જ્યાં સુધી નામનો પ્રશ્ન છે, જેમ કે પહેલાં કહેવાયું છે તેમ, ઘણાં પરિવર્તનો થયાં છે. વિષ્ણુ અને શિવ જેવાં નામ જે વૈદિક કાળમાં ઓછું મહત્ત્વ ધરાવતાં હતાં, પછીના કાળમાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ બની ગયાં, જ્યારે ઇન્દ્ર, મિત્ર, વરુણ વગેરે લગભગ પૂરેપૂરાં વિસ્મૃત થઈ ગયાં. આ ઉપરાંત રામ અને કૃષ્ણ જેવા અવતારોની ઉપાસના સર્વત્ર પ્રચલિત થઈ ગઈ. આ વાતને વધારે ને વધારે સ્વીકારી લેવામાં આવી કે નિરાકાર-અવ્યક્ત બ્રહ્મ બધી દૈવી વ્યક્તિઓની પૃષ્ઠભૂમિ છે. તેમજ તે બધી નિર્ગુણ નિરાકાર, અવ્યક્ત પરમાત્માની અભિવ્યક્તિઓ છે. ઝનૂનીઓ પોતાના દેવતા-અવતાર અને પયગંબરની વિશેષ શ્રેષ્ઠતાની વાત ભલે કરતા હોય, પણ વિશ્વજનીન દૃષ્ટિસંપન્ન ઋષિઓએ દેવતાઓ-દેવ-માનવો આદિ બધાં વ્યક્તિત્વોને અવ્યક્ત નિર્ગુણ બ્રહ્મની વિભિન્ન અભિવ્યક્તિઓ જ ગણી છે.                   (ક્રમશ:)

Total Views: 276

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.