શ્રીમા શારદાદેવીનું જીવન પ્રાચીન અને અર્વાચીનનું મિલનબિંદુ છે. તેમનો જન્મ ૧૯મી સદીમાં ભારતના એક ગામડામાં થયો હતો અને ૨૦મી સદીમાં તેઓ કોલકાતામાં બ્રહ્મલીન થયાં હતાં. શ્રીરામકૃષ્ણદેવની મહાસમાધિ પછીના પોતાના જીવનમાં તેમણે શ્રીરામકૃષ્ણના આધ્યાત્મિક સંઘનું સંચાલન કર્યું, તેમના સાક્ષાત્ સંન્યાસી શિષ્ય અને ભક્તજનોને સલાહ માર્ગદર્શન આપ્યાં, સ્વામી વિવેકાનંદને મળેલાં પાશ્ચાત્ય સન્નારીઓને માન-આદર આપ્યાં, પોતાના શિષ્યોને અંગ્રેજી શીખવા કહ્યું અને બાલિકાઓને આધુનિક કેળવણી મેળવવા પ્રેરી. ઠાકુર શ્રીરામકૃષ્ણદેવે એમને સમય, સ્થાન અને વ્યક્તિ પ્રમાણે અનુકૂલન સાધવા શીખવ્યું હતું.

દક્ષિણેશ્વરમાં શ્રીરામકૃષ્ણને એક દર્શન થયું હતું. એ દર્શનનું વર્ણન એમણે શ્રી શ્રીમાને આ શબ્દોમાં કર્યું, ‘હું ગૌરવર્ણના લોકોના દેશમાં હતો. એમની ચામડી ગૌરવર્ણી છે, એમનાં હૃદય પણ ગૌર-શુદ્ધ છે અને તેઓ સાદા તેમજ નિષ્ઠાવાન છે. એ ખરેખર ઘણો સુંદર દેશ છે. હું વિચારું છું કે હું ત્યાં જઈશ.’ પછીથી જ્યારે સ્વામીજી અને બીજા શિષ્યો પશ્ચિમમાં વેદાંતના અને શ્રીરામકૃષ્ણદેવના વૈશ્વિક સંદેશનો પ્રચાર-પ્રસાર કરવા ગયા ત્યારે પશ્ચિમની કેટલીક નારીઓએ ઘણી સહાય કરી અને સ્વામીજીએ એની ઘણી કદરદાની કરી. સ્વામીજીએ જોયું કે પશ્ચિમમાં સમૃદ્ધિનું એક કારણ સ્ત્રીઓ અને પુરુષોની કેળવણી હતું, જ્યારે ભારતમાં નારીઓની અવગણના થઈ છે. તેમણે કહ્યું છે, ‘પક્ષી એક પાંખે ઊડી ન શકે.’ સફળ રાષ્ટ્રના ઘડતર માટે પુરુષો અને સ્ત્રીઓ બન્નેની આવશ્યકતા છે. સ્વામીજીએ ભગિની નિવેદિતાને નારીઓની કેળવણીના કાર્યમાં લગાડી દીધાં.

નિવેદિતાનો શ્રીમા સાથેનો સંબંધ મધુર અને હૃદયસ્પર્શી હતો, અરે ચકિત કરી દે તેવો હતો. પ્રારંભકાળથી નિવેદિતાએ શ્રીમાના હૃદયમાં સ્થાન મેળવી લીધું હતું. નિવેદિતાની શ્રીમા સાથેની પ્રથમ મુલાકાત બાબતે સ્વામીજી આશંકિત હતા. શ્રીમા ગામડાના રૂઢિચુસ્ત બ્રાહ્મણ પરિવારમાં જન્મ્યાં અને ઊછર્યાં હતાં. પશ્ચિમી રીતભાતથી સાવ અજાણ અને વળી અંગ્રેજી પણ જાણતાં ન હતાં. તેઓ આ પશ્ચિમી મહિલાઓનું કેવી રીતે સ્વાગત કરશે? સ્વામીજીએ પોતાના શિષ્ય સ્વામી સ્વરૂપાનંદને દુભાષિયા તરીકે સાથે મોકલ્યા. જ્યારે સ્વામી સ્વરૂપાનંદે શ્રીમાને નિવેદિતાનો પરિચય કરાવ્યો ત્યારે શ્રીમાએ તેનું નામ પૂછ્યું. નિવેદિતાએ જવાબ આપ્યો, ‘મારું નામ કુમારી માર્ગરેટ ઈ. નોબલ છે.’

સ્વામી સ્વરૂપાનંદે શ્રીમાને એનો બંગાળી ભાષામાં અનુવાદ સંભળાવ્યો. એ સાંભળીને શ્રીમાએ કહ્યું, ‘મારી દીકરી, આટલું લાંબું નામ તો હું ઉચ્ચારી ન શકું. હું તને ‘ખૂકી’ (બાળકી) કહીશ.’

નિવેદિતાએ આનંદ સાથે કહ્યું, ‘હા, હા, હું તો માની બાળકી છું.’

પછી તે સ્વામીજી પાસે ગયાં અને કહ્યું, ‘શ્રીમાએ મારા મસ્તકનો સ્પર્શ કરીને આશીર્વાદ આપ્યા, મને નીચે નમીને તેમનાં ચરણનો સ્પર્શ કરવા દીધો, પ્રસાદ આપ્યો અને તેમણે મને ‘ખૂકી’ કહીને સંબોધી.’ આ સાંભળીને સ્વામીજીના આનંદનો પાર ન રહ્યો.

નિવેદિતાએ સ્વામી સ્વરૂપાનંદ પાસેથી બંગાળી શીખવાનું શરૂ કર્યું કે જેથી તેઓ મા સાથે પ્રત્યક્ષ રીતે વાતચીત કરી શકે. પ્રારંભમાં ગોલાપમાના વિરોધ છતાં શ્રીમાએ નિવેદિતાને પોતાના નિવાસસ્થાન ૧૦/૨ બોઝપાડા લેનમાં રાખ્યાં કે જેથી તેઓ નિવેદિતાને હિંદુઓના રીતિરિવાજ શીખવી શકે. તેઓ નિવેદિતા સાથે જ પોતાનું ભોજન લેતાં અને તેમને પોતાની પ્રવૃત્તિઓમાં પ્રેરતાં રહેતાં.

પછીથી નિવેદિતા ૧૬, બોઝપાડા લેનમાં સ્થળાંતરિત થયાં અને સ્વામીજીની વિનંતીથી કન્યાશાળાની શરૂઆત કરી. ૧૩ નવેમ્બર, ૧૮૯૮ના રોજ શ્રીમાએ એ શાળાનું ઉદ્‌ઘાટન કર્યું અને એ સમયે એમણે આ આશીર્વાદ પાઠવ્યા : ‘એ શાળા પર શ્રી જગદંબાની શુભાશિષ સદા વરસો અને ત્યાં તાલીમ પામેલી બાળાઓ બધી આદર્શ કન્યાઓ બનો.’

લગભગ દરરોજ નિવેદિતા શ્રીમાને મળતાં અને એમની ચરણરજ લેતાં. દર રવિવારે તેઓ શ્રીમાના ઓરડા અને પથારીની સફાઈ, ઘરમાં વાળવાનું, બારીબારણાંના કાચ સાફ કરવાનું કામ કરતાં. નિવેદિતાએ આ કાર્ય એક અગત્યની ફરજ માનીને સ્વીકાર્યું હતું. તેઓ શ્રીમાની નાનામાં નાની સુખસુવિધા પૂરી પાડવા ઉત્સુક રહેતાં.

નિવેદિતા પાસે વધુ નાણાં ન હતાં, પરંતુ તેઓ શ્રીમા માટે વસ્તુઓ ખરીદવાની ઇચ્છા રાખતાં. મુખ્યત્વે સારા બુલ અને જોસેફાઈન મેકલાઉડનો સાથ સહકાર તેમને મળી રહેતો. શ્રીમા જયરામવાટીથી કોલકાતાની મુલાકાતે પાછાં ફર્યાં ત્યારે નિવેદિતાએ ૨૪ ફેબ્રુઆરી, ૧૯૦૪ના રોજ કુમારી મેકલાઉડને આમ લખ્યું હતું :

‘શ્રીમા અહીં છે; મારે કહેવું જોઈએ કે ગામડાની હાડમારી અને ગ્રામ્યજીવનને લીધે કદમાં નાનાં, પાતળાં, કાળાં અને શરીરે ઘસાઈ ગયેલાં ! પરંતુ એવું જ સ્પષ્ટ નિર્મળ મન, એવી જ ભવ્યતા, એવંુ જ સન્નારીત્વ, બધું જ પહેલાંના જેવું જ !
અરે ! કેટકેટલી સુખસુવિધા એમના માટે લાવવા માગંુ છું ! એમને પોચું ઓશીકું, નાની છાજલી, સારું ગાદલું અને કામળી જેવી કેટલીય વસ્તુઓની તેમને જરૂર છે. એમની આસપાસ હંમેશાં લોકો ટોળે વળે છે. હું એમને સુંદર મજાનું ઊઘડતા રંગવાળું ચિત્ર આપવા ઇચ્છું છું. પણ હું ધારું છું કે મારે રાહ જોવી જોઈએ. આ સમય દરમિયાન એમનાંમાં કોઈ પરિવર્તન આવ્યું નથી.’

આ છે સાચુકલા પ્રેમની નિશાની. સાચો પ્રેમી(ભક્ત) પોતાના પ્રેમાસ્પદને પ્રસન્ન કરવા બધી શ્રેષ્ઠ વસ્તુઓ આપવા ઇચ્છે છે અને એ દ્વારા પ્રેમીભક્તને પરમ આનંદ પ્રાપ્ત થાય છે.

સરલાદેવી કે જે પછીથી પ્રવ્રાજિકા ભારતીપ્રાણા બન્યાં, તેઓ નિવેદિતા સ્કૂલનાં વિદ્યાર્થિની હતાં. તેમણે ઉદ્‌બોધનમાં શ્રીમા સાથેની ભગિની નિવેદિતાની સ્મૃતિકથા આ શબ્દોમાં વર્ણવી છે :
‘શ્રીમા જયરામવાટીથી પાછાં ફર્યાં પછી એક દિવસ બપોર પછી ભગિની સુધીરા અને હું તેમને મળવા ઉદ્‌બોધનના ઘરે ગયાં. ભગિની સુધીરાએ કહ્યું, ‘મા, તમે કાળાં અને દૂબળાં થઈ ગયાં છો.’ શ્રીમાએ જવાબમાં કહ્યું, ‘તમે તો જાણો છો કે અમારું ગામડું સાવ ખુલ્લામાં છે અને તેથી શરીર કાળું થઈ જાય છે. વધારામાં ત્યાં મારે સખત કામ કરવું પડે છે.’ એ સમય દરમિયાન ભગિની નિવેદિતા આવ્યાં, તેમણે માને પ્રણામ કર્યા અને પોતાનું સ્થાન ગ્રહણ કર્યું. જ્યારે જ્યારે ભગિની નિવેદિતા શ્રીમાને મળવા આવતાં ત્યારે મેં જોયું કે શ્રીમાની સમક્ષ નિવેદિતા લાંબો સમય સુધી ભાવાવસ્થામાં બેસી રહેતાં.’ તેઓ તેમને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરતાં અને તેમના સમગ્ર મુખારવિંદ પર અવર્ણનીય સ્વર્ગીય આનંદનું મોજું ફેલાઈ જતું. એવું લાગતું કે જાણે એક આનંદપૂર્ણ બાળક પોતાની માતાના ચહેરા તરફ નિકટતાથી નિહાળતું ન હોય !

એક વખત પામવૃક્ષના મોટા પાંદડાનો ચારે બાજુએ ઊનની કિનારવાળો એક પંખો શ્રીમાએ નિવેદિતાને આપ્યો. આ પંખો એમણે પોતે જ બનાવ્યો હતોે. માના હાથમાંથી એ પંખો લઈને તેઓ તેમની નજીક ગયાં અને આશ્ચર્ય સાથે કહ્યું, ‘આ પંખો માતાદેવી(શ્રી શ્રીમા)એ બનાવ્યો છે અને તેમણે મને આપ્યો છે.’ આ વાત એમણે વારંવાર કહી અને પંખાને પોતાના માથે અને છાતીએ લગાડ્યો અને એ વખતે ત્યાં જે હાજર હતાં તેમના માથે પણ પંખાનો સ્પર્શ કરાવ્યો, એમાં મારો પણ સમાવેશ થાય છે. એમનો આ આનંદોલ્લાસ જોઈને શ્રીમાએ કહ્યું, ‘તમે જુઓ છો ને, આવી નજીવી વસ્તુ મેળવીને પણ નિવેદિતા કેવી રોમાંચિત થઈ છે ? અરે તે કેટલી સાદી સીધી અને તેનામાં કેટલી ગહન શ્રદ્ધા છે, જાણે કે તે કોઈ દેવી ન હોય ! તેને નરેન પ્રત્યે કેટલી બધી ભાવભક્તિ છે ! તે આ દેશમાં જન્મ્યો છે એટલે નિવેદિતાએ પોતાનાં ઘર, કુટુંબ ત્યજ્યાં અને મનપ્રાણથી નરેનનું કાર્ય કરવા અહીં આવી છે. ગુરુ પ્રત્યેનો કેવો ભક્તિભાવ ! અને આ દેશ પ્રત્યે પણ કેટલો પ્રેમ !’

એક દિવસ નિવેદિતાએ અમને કહ્યું કે શ્રીમા આપણી શાળાની મુલાકાતે આવે છે અને આપણે આ ઉત્સવ જેવા પ્રસંગને આનંદવો છે. એક નાની બાલિકાની જેમ તે વ્યગ્રતાથી આમતેમ દોડતાં હતાં. સવારને બદલે બપોર પછી શ્રીમાની ઘોડાગાડી આવી. રાધુ, ગોલાપમા અને બીજાં પણ તેમની સાથે હતાં. જેવાં શ્રીમા ઘોડાગાડીમાંથી ઊતર્યાં કે નિવેદિતાએ સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કર્યા અને તેમને પ્રાર્થનાખંડ સુધી લઈ ગયાં. તેમણે અમને શ્રીમાનાં ચરણે ધરવા પુષ્પો આપ્યાં. શ્રીમાએ બાલિકાઓને થોડું ગીતગાન કરવા કહ્યંુ. તેમણે કવયિત્રી સરલાબાલા સરકારના કાવ્યનું ગાન કર્યું. શ્રીમાએ આ કાવ્યગાન ધ્યાનથી સાંભળ્યું અને કાવ્યની પ્રશંસા પણ કરી. પછી શ્રીમાએ થોડી મીઠાઈ પ્રસાદરૂપે લીધી અને બાકીનો પ્રસાદ અમને આપવા કહ્યું. ત્યાર પછી નિવેદિતા શ્રીમાને શાળામાં લઈ ગયાં અને આખો ખંડ તેમજ બાલિકાઓની હસ્તકલાકૃતિઓ બતાવી. શ્રીમા ખૂબ ખુશ થયાં અને કહ્યું, ‘બાલિકાઓ ઘણું સારું શીખી છે.’ પછી નિવેદિતા શ્રીમાને પોતાના ખંડમાં આરામ માટે લઈ ગયાં.
શ્રીમા સાથેના આ નિકટના સંપર્કસંબંધથી નિવેદિતાના મનમાં ભારતીય નારીત્વનો ઉદાત્ત અભિપ્રાય ઉન્નત થયો. એક દિવસ સહજભાવે સ્વામી સારદાનંદે કહ્યું, ‘આમ તો અમારી સ્ત્રીઓ અજ્ઞાન અને નિરક્ષર છે.’ નિવેદિતાએ તરત જ એમને ટોક્યા અને તેમનો પ્રબળ વિરોધ કરીને કહ્યું, ‘ભારતની નારીઓ કોઈપણ રીતે અજ્ઞાની નથી.’ એનાથી ઊલટું યુ.કે.નો ઉલ્લેખ કરીને કહ્યું, ‘અહીંની નારીઓમાં જે શાણપણના શબ્દો સાંભળવા મળ્યા એવી વાણી ત્યાં ક્યારેય સાંભળવા મળી છે ખરી ?’

એક દિવસ નિવેદિતા અને સિસ્ટર ક્રિસ્ટીન શ્રીમાને મળવા આવ્યાં. નિવેદિતાએ બંગાળીમાં કહ્યું, ‘માતૃદેવી, આપની હોં આમાદેર કાલી-મા તમે જ અમારાં કાલી છો.’ ભગિની ક્રિસ્ટીને અંગ્રેજીમાં તેનો પુનરુચ્ચાર કર્યો, ‘Oh, Holy Mother is our Kali.’ આ સાંભળીને શ્રીમાએ હાસ્ય સાથે કહ્યું, ‘ના, બેટા, હું કાલી કે એવું કંઈ ન બની શકું. (કારણ કે) તો તો મારે મારી જીભ બહાર કાઢવી પડે !’

જ્યારે આનો અનુવાદ તે બન્નેને સંભળાવ્યો ત્યારે તેમણે કહ્યું, ‘ના મા, તમારે એવું કરવાની કાંઈ જરૂર નથી. અમે તો તમને અમારાં ‘મા કાલી’ માનીશું અને શ્રીરામકૃષ્ણને અમારા ‘શિવ’ ગણીશું.’

શ્રીમાએ હસતાં હસતાં કહ્યું, ‘વારુ, એ બરાબર રહેશે.’ પછી તે બન્ને શ્રીમાની ચરણરજ લઈને ચાલ્યાં ગયાં.

એક શિષ્યે પશ્ચિમના દેશોમાંથી શ્રીમાને મળવા આવતા લોકોને જોઈને શ્રીમા સમક્ષ આશ્ચર્યની લાગણી વ્યક્ત કરી. શ્રીમાએ તેનો પ્રતિભાવ આપતાં કહ્યું, ‘શ્રીઠાકુરે એક વખત ભાવાવસ્થામાં મને કહ્યું હતું : ‘સમય જતાં ઘણાં ઘરોમાં મારી પૂજા થશે. અસંખ્ય લોકો મારા ભક્તો બનશે.’ એક વખત નિવેદિતાએ મને કહ્યું,

‘મા, અમે અમારા પૂર્વજન્મમાં હિન્દુ હતાં. (આ જન્મમાં) અમે પશ્ચિમમાં જન્મ્યાં છીએ કે જેથી શ્રીઠાકુરનો સંદેશ ત્યાં પ્રસરે.’

૧૯૦૦માં પોતાની શાળા માટે ફંડ એકઠું કરવા નિવેદિતા યુ.એસ.એ. ગયાં ત્યારે શ્રીમાએ નિવેદિતા માટે એક પત્ર લખાવ્યો. એનું અંગ્રેજીમાં ભાષાંતર સ્વામી સારદાનંદે કરી આપ્યું. એ પત્રનો અંશ અહીં આપ્યો છે :

‘મારી વહાલી પુત્રી નિવેદિતા, તને મારા હૃદયનો પ્રેમ. તેં મારી શાશ્વત શાંતિ માટે પ્રભુને પ્રાર્થના કરી, એ જાણીને હું ખૂબ ખુશ થઈ છું. તું શાશ્વત શાંતિદાયિની શ્રીમાનું પ્રત્યક્ષ સ્વરૂપ છો. હું મારી સાથે રહેલ તારા ફોટાને અવારનવાર જોઈ લઉં છું, અને એવું લાગે છે કે જાણે તું મારી સાથે ન હોય ! તમે પાછા આવો તે વર્ષ અને દિવસની રાહ હું જોઈ રહી છું. તમે તમારા અંતરના ભાવથી કરેલી મારા માટેની પ્રાર્થના સાર્થક નીવડૉ. હું અહીં સકુશળ અને આનંદમાં છું. હું હંમેશાં પ્રભુને પ્રાર્થના કરું છું કે તેઓ તને તારા ઉદાત્ત પ્રયત્નોમાં સહાય કરે અને તને પ્રબળ અને સુખી બનાવે. તું જલદી પાછી આવે એવી પણ પ્રાર્થના કરું છું. ભારતમાં નારીગૃહની તારી ઇચ્છા પ્રભુ પૂર્ણ કરો અને બધાંને સાચો ધર્મ શીખવવાના તેના મિશનની પૂર્તિ આ નારીગૃહ કરે તેવી મારી શુભેચ્છા.

સમગ્ર બ્રહ્માંડના પ્રાણ પ્રભુ પોતાનાં ગુણકીર્તન ગાય છે અને તું તે શાશ્વતગાનને નશ્વર પદાર્થાે દ્વારા સાંભળે છે. વૃક્ષો, પક્ષીઓ, પર્વતો, ટેકરીઓ આ બધાં પ્રભુનાં ગુણગાન ગાય છે. દક્ષિણેશ્વરનું એ વટવૃક્ષ કાલીનાં ગીતો ગાય છે. જે વ્યક્તિ પાસે આ ગીતોને સાંભળવા કાન છે, તે સ્થિરધીર થાય છે અને અનંત શાંતિ પામે છે.

વહાલી પુત્રી, તને મારા હૃદયનો પ્રેમ અને અમીકૃપા તેમજ પ્રાર્થનાઓ તારા આધ્યાત્મિક ઉત્કર્ષ માટે પાઠવું છું. તું ખરેખર ઘણું શુભ કાર્ય કરે છે. પરંતુ તું તારું બંગાળી ભૂલી ન જતી, નહીં તો તું જ્યારે પાછી ફરીશ ત્યારે હું તને સમજી નહીં શકું. તું ત્યાં ધ્રુવ, સાવિત્રી, રામ અને એવાં બીજાં વ્યક્તિત્વો વિશે ભાષણ આપે છે એ જાણીને મને ઘણો આનંદ થયો. એ બધાં પવિત્ર નરનારીઓનાં જીવનની વાતો આ દુન્યવી નિરર્થક વાતો કરતાં વધારે સારી છે, એવી મને ખાતરી છે. અરે ! પ્રભુનું નામ અને તેમનાં સર્જનો કેટલાં મજાનાં સુંદર છે !’

તારી માતા

શ્રીમાએ ભગિની નિવેદિતા પર પોતાની કૃપા વરસાવી અને તેમણે નોંધ્યું છે : ‘તેનો બાહ્ય દેહ ધવલવર્ણાે છે અને તેનું ભીતરનું વિશ્વ પણ ગૌરવર્ણું અને પરિશુદ્ધ છે.’

પછી ભગિની નિવેદિતાએ શ્રીમા વિશે લખ્યું છે :

‘હમણાંનાં વર્ષોમાં ઇસ્ટરના તહેવારો પ્રસંગે બપોર પછી તેમણે લીધેલી મુલાકાત દરમિયાન શ્રીમાની અમીકૃપાની એ ભેટની સૌ પ્રથમ વખત અનુભૂતિ થઈ! એ પહેલાં જ્યારે હું તેમની સાથે હોઉં ત્યારે હંમેશાં ભાવમાં અભિભૂત થઈ જતી, તેઓ જે કંઈ કહેતાં તેને સમજવા-જાણવા મથતી અને પ્રતિકૂળ પરિસ્થિતિમાં તેમનું નિરીક્ષણ કરવાનું વિચારતી. આ વિશિષ્ટ પ્રસંગે સમગ્ર ખંડમાં ફરીને શ્રીમા અને તેમના સંગાથીઓએ પૂજાઘરમાં આરામ કરવાની અને આ ખ્રિસ્તી ધર્મના વિશિષ્ટ તહેવારનો કંઈક અર્થ જાણવા-સાંભળવાની ઇચ્છા વ્યક્ત કરી. આ બધું થયા પછી અમારા નાના ફ્રેંચ ઓર્ગન સાથે ઇસ્ટરનું સંગીત અને ગીતગાન થયાં. પછી તેમની ત્વરિત આકલનશક્તિ અને આ પુનરુત્થાનનાં ગીતો પ્રત્યેની તેમની ગહન અનુકંપા તેમજ કોઈપણ વિદેશીપણા કે અજાણપણાના ભાવથી પર શારદાદેવીનાં ધર્મસંસ્કૃતિનાં પ્રભાવક નિર્મળ-નિર્દાેષ ભાવનાનાં પાસાંને પ્રથમવાર એમનામાં અમે પ્રગટ થતાં જોયાં.

એક સાંજે જ્યારે અમે તેમના નાનકડા વૃંદમાં બેઠાં હતાં ત્યારે આવી જ ઘટના ફરીથી ઘટી. ત્યારે શ્રીમાએ મારાં ગુરુભગિની સિસ્ટર ક્રિસ્ટીન અને મને યુરોપના લગ્નવિધિ વિશે વિગતે વાત કરવા કહ્યું. ઘણી રમૂજ અને હાસ્ય સાથે છદ્મવેશધારી ‘ખ્રિસ્તી પુરોહિત’ અને ફરીથી વરવધૂ વિશે પૂર્તતા કરી. પરંતુ લગ્નની પ્રતિજ્ઞાના પ્રભાવ માટે અમારા બંનેમાંથી કોઈ કંઈ કહેવા તૈયાર ન હતું… ‘વધારે સારા માટે કે વધારે ખરાબ માટે, વધુ પૈસાદાર કે ગરીબ માટે, માંદગીમાં કે તંદુરસ્તીમાં મૃત્યુપર્યંત અમે એ ભૂમિકા ભજવીએ છીએ.’ આ શબ્દો હતા કે જેનાથી અમારા બધા વિશે સાનંદાશ્ચર્ય નિપજ્યું. પરંતુ જેમ શ્રીમાએ તેને પ્રશંસ્યું તેવું અમારામાંથી કોઈ ન કરી શક્યું. વારંવાર શ્રીમાએ તેની અમારી પાસે પુનરાવૃત્તિ કરાવી. એ સાંભળીને શ્રીમા બોલી ઊઠ્યાં, ‘અરે, કેવા ધર્મભાવનાવાળા શબ્દો! અને કેવા સદ્ગુણી અને પ્રામાણિકતાપૂર્ણ શબ્દો!’

જે કંઈ ભગિની નિવેદિતાએ તેમને આપ્યંુ તે શ્રીમાએ સંગ્રહી રાખ્યું હતું. એક વખત નિવેદિતાએ શ્રીમાને એક નાની જર્મન સિલ્વરની દાબડી આપી હતી. એમાં તેઓ શ્રીરામકૃષ્ણના વાળની લટ રાખતાં. તેઓ કહેતાં, ‘જ્યારે જ્યારે હું એ દાબડી પૂજા વખતે જોઉં છું ત્યારે મને નિવેદિતાની યાદ આવે છે.’ પોતાના એક ટ્રંકમાં શ્રીમાએ એક જૂનો અને ફાટેલ-તૂટેલ સ્કાર્ફ (માથે બાંધવાનો રૂમાલ) રાખ્યો હતો, તેને સેવિકા ફેંકી દેવા માગતી હતી. શ્રીમાએ કહ્યું, ‘ના, ના બેટા, નિવેદિતાએ એ રૂમાલ મને ઘણા પ્રેમથી આપ્યો છે. એને આપણે સાચવવો જોઈએ.’ પછી તેમણે એ રૂમાલ હાથમાં લીધો અને તેની ગડી વાળીને કાળીજીરી (કીટનાશક પદાર્થની જેમ) તેના પર વેરી કે જેથી તે લાંબા સમય સુધી જળવાઈ રહે. અને પછી તેને ફરીથી ટ્રંકમાં મૂકી દીધો. તેમણે કહ્યું, ‘આ સ્કાર્ફ પર નજર પડતાંની સાથે મને નિવેદિતાની યાદ આવે છે. તે કેટલી અદ્‌ભુત છોકરી હતી! શરૂઆતમાં તો તે મારી સાથે પ્રત્યક્ષ વાતચીત ન કરી શકતી અને ત્યારે કેટલાક છોકરાઓ દુભાષિયા તરીકે કામ કરતા. પછીથી તે બંગાળી શીખી ગઈ. નિવેદિતા મારાં માને બહુ ચાહતી. એક દિવસ નિવેદિતાએ શ્યામાસુંદરીને કહ્યું, ‘દાદીમા, હું તમારા ગામડે આવીશ અને તમારા રસોડામાં રાંધીશ.’ વૃદ્ધમાએ તરત જ જવાબ આપ્યો, ‘ના, દીકરી, તું એ ન કરતી. જો તું રસોડામાં પ્રવેશ કરીશ તો અમારા લોકો મને નાતબહાર મૂકી દેશે.’

નિવેદિતામાં મેધાવી મન, અદમ્ય ઊર્જા, વેધક દૃષ્ટિ અને ગહન આધ્યાત્મિકતા હતાં. તેમણે જોયું કે ભલે શ્રીમાએ ઔપચારિક શિક્ષણ લીધું ન હતું, છતાં પણ એમના લોકો સાથેનાં વ્યવહાર-વર્તન અને એમના ઉપદેશો મજાનાં, સર્વગ્રાહી, વ્યવહારુ અને હૃદયસ્પર્શી હતાં. શ્રીમાનો દિવ્યપ્રેમ અને તેમની ઉષ્માભરી લાગણી, પ્રભાવક સામાન્ય સમજણબુદ્ધિ અને મધુર વ્યક્તિત્વ સૌ કોઈને માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેતાં. નિવેદતા આ વિશે લખે છે :

‘મને શ્રીમા હંમેશાંને માટે શ્રીરામકૃષ્ણદેવના અંતિમ શબ્દો ‘ભારતીય નારીત્વનો આદર્શ’ લાગ્યાં. પરંતુ તેઓ શું જૂના આદર્શની છેલ્લી કડી હતાં કે નવા આદર્શના પ્રારંભની કડી ? કોઈપણ વ્યક્તિ પહેલી નજરે જોતાં જ શ્રીમાનાં શાણપણ અને મધુરતાનું સહજ રીતે આકલન કરી શકતી. આમ છતાં મારા માટે તો તેમની વિનમ્રતા અને વિવેકની ભવ્યતા અને તેમનું મહાન ઉદાર મન તેમના સંતત્વ જેટલાં જ અદ્‌ભુત હતાં. વ્યાપક અને ઉદાર મનના ન્યાય આપનારાં ઉચ્ચારણો કરવામાં મેં તેમને ક્યારેય ખચકાતાં જોયાં નથી, પછી ભલે તેમની સામે મૂકેલ પ્રશ્ન ગમે તેટલો દુર્ભેદ્ય અને નવો કેમ ન હોય? એમનું જીવન એક સુદીર્ઘ-મૂક પ્રાર્થના જેવું છે. એમનો સમગ્ર અનુભવ સૈદ્ધાંતિક અને વ્યવહારુ સભ્યતાનો છે. આમ છતાં પણ તેઓ દરેક પરિસ્થિતિની સર્વોચ્ચ કક્ષાએ ઉન્નત થયાં છેે. કોઈ પણ વ્યક્તિનો સમાજલક્ષી કૂટપ્રશ્ન કે આંતરિક મૂંઝવણ શું તેમની દૃષ્ટિથી અજાણ રહેતાં? પોતાની નિર્મળ નિષ્પાપ અંત :પ્રેરણાની મદદથી તેઓ કોઈપણ બાબત કે સમસ્યાના મર્મ સુધી પહોંચી જતાં અને પ્રશ્નકર્તાની મુશ્કેલીને એના સાચા અભિગમ સાથે ઉકેલી દેતાં.’

જ્યારે ભગિની નિવેદિતા ૧૩ ઓક્ટોબર, ૧૯૧૧ના રોજ દાર્જિલિંગમાં અવસાન પામ્યાં ત્યારે શ્રીમાએ આંસુ સારતાં કહ્યું, ‘નિવેદિતામાં કેટલી નિષ્ઠાપૂર્ણ ભાવભક્તિ હતી ! તેઓ મારા માટે જે કંઈ પણ કરતાં, તેમને ક્યારેય અતિ ભારે નથી ગણ્યું. તેઓ વારંવાર રાત્રે મારી પાસે આવતાં. મારી આંખો પ્રકાશથી અંજાઈ જાય છે એ જાણી તેઓ બલ્બની આજુબાજુ કાગળ લગાવી દેતાં. તેઓ મહાન મૃદુતાથી મને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરતાં અને પોતાના હાથરૂમાલમાં મારી ચરણરજ લેતાં. તેઓ મારાં ચરણનો સ્પર્શ કરવામાં પણ ખચકાટ અનુભવતાં, એવું મને લાગ્યું છે.’ એ વખતે ત્યાં ઉપસ્થિત નારીભક્તોએ નિવેદિતાના મૃત્યુથી શોકની લાગણી વ્યક્ત કરી. શ્રીમાએ કહ્યું, ‘મહાન આત્મા માટે બધા જીવો આંસુ વહાવે છે.’

ભગિની નિવેદિતાના મૃત્યુ પછીના થોડા દિવસો બાદ ભગિની ક્રિસ્ટીન અને ભગિની સુધીરા(સહકાર્યકર) નિવેદિતા સ્કૂલમાંથી શ્રીમાને મળવા આવ્યાં.

નિવેદિતા અને ક્રિસ્ટીન વચ્ચેના નિકટના સંબંધને યાદ કરીને શ્રીમાએ સુધીરાને કહ્યું, ‘અરે, તેઓ સાથે રહ્યાં છે. હવે એને માટે એકલાં રહેવું ઘણું મુશ્કેલ બની રહેશે.’ પછી તેમણે ક્રિસ્ટીનને આશ્વાસન આપ્યું, ‘બેટા, આપણાં હૃદય એમને માટે વિલાપ કરે છે અને નિ :શંકપણે તમારી લાગણી વધારે ગહન હશે. તે કેવી અદ્‌ભુત વ્યક્તિ હતી! અત્યારે ઘણા લોકો તેની પાછળ વિલાપ કરી રહ્યા છે.’ આમ કહેતાં કહેતાં શ્રીમા રડી પડ્યાં. ત્યાર પછી તેમણે ક્રિસ્ટીનને શાળાની પ્રવૃત્તિ વિશે પૂછ્યું.

એક દિવસ શ્રીમા પોતાની પથારીમાં આરામ કરતાં હતાં અને ઘણાં સ્ત્રીભક્તો તેમની નજીક હતાં. એમાંથી કોઈક ઈશુ ખ્રિસ્ત વિશે વાત કરવા લાગી. શ્રીમા ઊઠ્યાં અને બે હાથ જોડીને ભગવાન ઈશુને

પ્રણામ કર્યા. પછી તેમણે કહ્યું :

‘નિવેદિતા પાસેથી મેં ઈશુ ખ્રિસ્ત વિશે ઘણી વાતો સાંભળી હતી. તેમણે એમના વિશેની ઘણી મજાની વાર્તાઓ મને વાંચી સંભળાવી હતી. અરે, ઈશુ ખ્રિસ્ત તો આ દુનિયામાં લોકોને કંઈક આપવા આવ્યા હતા અને એને માથે કેટકેટલાં વિતકો વીત્યાં! એ બધાં દુ :ખકષ્ટો એમણે સહી લીધાં. આ બધા સિતમો છતાં પણ તેઓ લોકોને ચાહતા અને તેમને નિરપેક્ષભાવે માફ પણ કરી દેતા. તેમના પોતાના શિષ્યે જ તેમને દગો દીધો. અરે, તેમણે તેમને હાથે, પગે અને છાતીએ ખીલા ઠોકીને મારી નાખ્યા. આવી ભયંકર દુ :ખયાતના સહન કરી છતાં જરાય ઉપેક્ષાની ભાવના વિના એમને માફ કર્યા. તેમણે તેમના આ ગુનાને ધ્યાનમાં ન લેવા ઈશ્વરને પ્રાર્થના કરી. સામાન્ય માણસ માટે આવાં પ્રેમ, સહનશીલતા અને ક્ષમાશીલતા હોવાં શક્ય છે ખરાં ? ઈશ્વર સિવાય આવી રીતે આટલું બધું કોણ સહન કરી શકે ? ઈશ્વર જ ઈશુ રૂપે જગતના લોકને દિવ્ય સંદેશ શીખવવા આવ્યા હતા.

આ નિવેદિતા તરફ જુઓ, એક વિદેશી નારી આપણા દેશમાં આવ્યાં અને અપમાનો, કનડગતો સહન કરી કરીને આ દેશ માટે કાર્ય કર્યું. સાથે ને સાથે કેટલીયે અસુવિધાઓ સહન કરીને તેમણે આપણાં બાળકોને કેળવણી આપવા પ્રયત્ન કર્યો. જ્યારે બાળકોને પોતાની શાળામાં મોકલવા માટે ઘરે ઘરે ગયાં ત્યારે તેમને ઘણાં અપમાનો સહન કરવાં પડ્યાં. કેટલાંકે તો તેમને ઘરમાં જ પ્રવેશવા ન દીધાં; કેટલાંકે ઘરમાં તો જવા દીધાં પરંતુ પછીથી પોતાના ઘરને પવિત્ર કરવા ગંગાજળ પણ છાંટ્યું. તેમણે આવું બધું જોયું પણ કંઈ મનમાં ન આણ્યું. તેઓ તો હસતા મુખે જે તે ઘરમાંથી બહાર નીકળતાં. આવાં અપમાન, અવિનયી વર્તનો સહેતાં સહેતાં પોતાના જીવનને ક્ષણે ક્ષણે ક્ષીણ કરીનેય આપણા દેશની બાલિકાઓને કેળવણી આપવાનું કાર્ય કર્યું. આવું કરવા માટે એમના પર કોઈ બંધન લદાયેલું ન હતું. જુઓ, મારી દીકરી નિવેદિતાની પાસે આવું અદ્‌ભુત મન હતું અને તેથી તેમણે આપણા દેશની બાલિકાઓને કેળવણી આપવાની જવાબદારી ઉપાડી લીધી. એનું કારણ એ હતું કે તેમના ગુરુ નરેને (સ્વામી વિવેકાનંદ) તેમને આ કાર્ય કરવા કહ્યું હતું. તેમણે શારીરિક દુ :ખપીડા, અસુવિધાઓ, અપમાનો અને આપણા લોકોનાં અભદ્ર વર્તનોની જરાય દરકાર ન કરી. જેમને માટે તેમણે પોતાનું જીવન સમર્પિત કર્યું તેઓ તેમના પ્રત્યે તિરસ્કારભર્યું વર્તન દાખવતા.

આવા સંજોગોમાં આપણા દેશની નારીઓ પોતાના ગુરુને ખાતર આટલી મહાન રીતે પોતાનું બલિદાન આપવા પ્રયત્ન કરી શકે ખરી? તેઓ તો આમ જ કહેશે, ‘મારે એમની કાંઈ સાડીબાર નથી !’ એટલે જ હું કહું છું કે ગુરુ સિવાય તેમના (શિષ્ય) દ્વારા કોની પાસે, કેવી રીતે, ક્યારે અને શું કાર્ય કરાવવું તે કોઈ જાણી શકતું નથી કે સમજી શકતું નથી.

Total Views: 322

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.