કંસના દુષ્ટ પરામર્શકો

જેમના ગર્ભમાં ભગવાન વસ્યા હતા, એ દેવકીનાં દર્શન-માત્રથી કંસના હૃદયમાં સદ્ગુણોનો ઉદય થયો, પણ જ્યાં સુધી કંસ ત્યાં રહ્યો, ત્યાં સુધી આ સદ્ગુણ તેનામાં રહ્યા. પોતાના દુષ્ટ મંત્રીઓની વચ્ચે જતાં જ પાછો હતો એવો જ થઈ ગયો. પછીના દિવસે તેણે પોતાના મંત્રીઓને બોલાવ્યા અને એમને કારાગૃહમાં બનેલી ઘટનાઓની વાત કરી. કંસના મંત્રીઓ દૈત્ય હોવાને કારણે સ્વાભાવિક રીતે દેવતાઓ પ્રત્યે શત્રુતા ધરાવતા.

આ બધું સાંભળીને તેમણે કંસને કહ્યું, ‘રાજાજી, આપ કહો છો કે આપના શત્રુએ ક્યાંક જન્મ લઈ લીધો છે. એટલે એટલું તો નક્કી જ છે કે ઘણી સાવધાનીથી તેનું રક્ષણ થતું હશે અને કદાચ તે મથુરાની આસપાસ પણ હોઈ શકે. આજે જ અમે મોટાં મોટાં નગરો, નાનાં ગામ, આહિરોની વસ્તીમાં અને બીજાં બધાં સ્થળે છેલ્લા દશ દિવસમાં જે બાળકો જન્મ્યાં છે, તે બધાંને મારી નાખીશું. સાધુસંત અને બ્રાહ્મણ દેવતાઓને ખૂબ પ્રિય છે. એટલે દેવતાઓ જ્યારે પૃથ્વીલોક પર આવે છે ત્યારે બ્રાહ્મણોના ઘેર છુપાઈને રહે છે. એટલે અમે લોકો બ્રાહ્મણો, તપસ્વીઓ અને યાજ્ઞિકો વગેરેનો પણ સાવ નાશ કરી નાખીશું.’ દુષ્ટ મંત્રીઓની આવી અશુભ અને ભયંકર સલાહથી કંસમાં રહેલી થોડી ઘણી ભલમનસાઈ પણ ચાલી ગઈ. તેણે હિંસાપ્રેમી અસુરોને સંતપુરુષોનો વધ કરવાનો આદેશ આપી દીધો. તેઓ નવજાત શિશુઓની હત્યા કરવા પણ નીકળી પડ્યા. પણ એ બધા જાણતા ન હતા કે આવાં કાળાં કુકર્મોથી તેઓ પોતાના મૃત્યુને જાણે કે બોલાવી રહ્યા હતા !

ગોકુળમાં જન્મોત્સવ

ગોકુળવાસી એ જ જાણતા હતા કે યશોદાએ એક પુત્રને જન્મ આપ્યો છે. યશોદાના પતિ નંદબાબા તો ગામના મુખી હતા અને તેઓ ઘણા સ્વાભિમાની અને ઉદાર હતા. પુત્રપ્રાપ્તિથી એમનું હૃદય વિલક્ષણ આનંદથી ભરાઈ ગયું. ઈશ્વર જ સમસ્ત જગતના એકમાત્ર સ્વામી છે. એટલે તેઓ જ્યારે નંદબાબાના વ્રજમાં પ્રગટ થયા, ત્યારે એમના જન્મનો મહાન ઉત્સવ ઉજવાયો. નંદબાબાએ વેદભણેલા બ્રાહ્મણોને બોલાવીને સ્વસ્તિ વાચન અને પોતાના પુત્રના જાતિકર્મ સંસ્કાર કરાવ્યાં. ગોકુળવાસીઓ તો પોતાના હાથમાં ભેટરૂપે અનેક સામગ્રીઓ લઈને નંદબાબાના ઘરે આ નવજાત શિશુને જોવા આવવા લાગ્યા. તે જ દિવસે નંદબાબાના વ્રજમાં શ્રીકૃષ્ણની ઉપસ્થિતિને લીધે જાણે કે તે લક્ષ્મીજીની ક્રીડાભૂમિ બની ગઈ.

ગોકુળને ભાતભાતની ધજાપતાકાઓ, પુષ્પમાળાઓ અને રંગબેરંગી વસ્ત્રોથી લોકોએ સજાવી દીધું. ભેરી, દુદુંભી તેમજ બીજાં વાદ્યયંત્રો વાગવા લાગ્યાં. ગોકુળનું ઘરેઘર સજાવવામાં આવ્યું અને જાહેર રસ્તા પર સુગંધી જળનો છંટકાવ થયો. વસુદેવનાં બીજાં પત્ની રોહિણીએ પણ એક બાળકને જન્મ આપ્યો. તેઓ કંસના અત્યાચારોથી બચવા ગોકુળમાં છુપાઈને રહેતાં હતાં. એટલે યશોદા અને રોહિણી પોતપોતાના પુત્રો સાથે ગોવાળિયા બાળકો વચ્ચે મહારાણીની જેમ શોભતાં હતાં. રોહિણીજીનો પુત્ર ગૌરવર્ણનો હતો અને યશોદાનો પુત્ર કૃષ્ણ તો શ્યામ હતો.

નંદનું મથુરામાં આગમન

નંદ કંસના સુબેદારોમાંના એક હતા અને એમને કંસને દર વરસે કરવેરો ભરવો પડતો. હવે એ કર ચૂકવવાનો સમય આવી ગયો હતો, એટલે તેઓ મથુરા ગયા. નંદના મથુરામાં આવવાના સમાચાર સાંભળીને વસુદેવજી એમને મળવા એમના ઉતારે ગયા. નંદ અને વસુદેવ ગાઢ મિત્રો હતા. નંદબાબાને જોઈને વસુદેવ તો પ્રેમથી ભાવવિભોર બની ગયા અને તેઓ પોતાના મિત્રને પ્રેમપૂર્વક ભેટી પડ્યા. બન્નેએ એકબીજાના કુશળ સમાચાર પૂછયા અને વસુદેવજીએ નંદ દ્વારા રોહિણી અને તેના પુત્રને સંરક્ષણ આપવા માટે તેમનો આભાર માન્યો. પછી વસુદેવજીએ નંદને કહ્યું,

‘આપણે બન્નેએ મળી લીધું છે, પણ હવે તમારે અહીં વધારે દિવસ રોકાવું ન જોઈએ. ગોકુળમાં ઘણા મોટા ઉત્પાત થવાની મારા મનમાં શંકા છે, એટલે ત્યાં તમારી હાજરી આવશ્યક છે.’ નંદબાબાએ વસુદેવની વાત માની અને ગોકુળ માટે તરત જ રવાના થઈ ગયા. યાત્રાને સમયે તેઓ ભગવાનને પોતાના પુત્રની રક્ષા કરવા મનમાં ને મનમાં પ્રાર્થના કરતા હતા.

 

Total Views: 247

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.