ધાર્મિક સહિષ્ણુતા અને સમન્વયનો સંદેશ

પરંતુ સમન્વય અને અન્ય ધર્મોની સ્વીકૃતિના આ મહાન આદર્શનું ક્રિયાન્વયન બધા માટે સંભવ નથી. કટ્ટર સાંપ્રદાયિક પૂર્વગ્રહયુક્ત ભક્ત મોટેભાગે એમ માને છે કે એમના વિશિષ્ટ દેવતા કે અવતારની ઉપાસના દ્વારા જ અથવા એમના આરાધ્ય સગુણ કે નિરાકાર ઈશ્વરની ભક્તિ દ્વારા જ મુક્તિ પામી શકાય છે અને જે માનવતા પ્રત્યેનો પોતાનો સંદેશ કેટલાક વિશિષ્ટ પયગંબરો કે આચાર્યોના માધ્યમથી જ પહોંચાડાય છે. પરંતુ સંકુચિત દૃષ્ટિકોણવાળા લોકોની સાથે એવા ઉદાર લોકો હોય છે કે જે પોતાની દૃષ્ટિ પ્રત્યે પોતાનાં પ્રેમ અને શ્રદ્ધાને કિંચિતમાત્ર પણ ઓછાં કર્યા વિના દૈવી-વ્યક્તિઓને એ જ એક સત્તાની વિભિન્ન અભિવ્યક્તિઓ માને છે.

મહેશ્ર્વરે વા જગતામધીશ્ર્વરે જનાર્દને

વા જગદન્તરાત્મનિ।

ન બુદ્ધિભેદ: પ્રતિપત્તિરસ્તિ મે તથાપિ

ભક્તિર્તરુણેન્દુ શેખરે॥

(ભર્તૃહરિ: વૈરાગ્ય શતકમ્-84)

અર્થાત્- ‘હું જગતમાં અધીશ્ર્વર મહેશ્ર્વર શિવ અને સર્વના અંતર્યામી જનાર્દન વિષ્ણુના સ્વરૂપમાં ભેદ નથી ગણતો, છતાં પણ મારી ભક્તિ તરુણેન્દુશેખર શિવ પ્રત્યે છે.’

એક અપેક્ષાકૃત આધુનિક શ્ર્લોક એનાથી પણ એક કદમ આગળ જઈને-વધીને આ આધારભૂત સમરસતાને સ્પષ્ટતમ ભાષામાં આ રીતે વ્યક્ત કરે છે :

વિષ્ણુર્વા ત્રિપૂરાન્તકો ભવતુ વા

બ્રહ્મા સુરેન્દ્રોઽથવા,

ભાનુર્વાશશલક્ષણોઽથ ભગવાન્

સિદ્ધોઽથ વૃદ્ધોઽથવા।

રાગદ્વૈષવિષાર્તિ મોહરહિત:

સત્ત્વાનુકંપોદ્યતો,

ય: સર્વે સહ સંસ્કૃતો ગુણગણૈ:

તસ્મે નમ: સર્વદા॥

અર્થાત્- ‘પરમાત્માને વિષ્ણુ કહો યા શિવ, બ્રહ્મા કહો કે ઇન્દ્ર, સૂર્ય, ચંદ્ર, બુદ્ધ કે સિદ્ધ મહાવીર. આપણે સદા એમને જ પ્રણામ કરીએ છીએ કે જે રાગદ્વેષ કે લોભ-મોહથી રહિત છે, જે પ્રાણીઓ પર અનુકંપા કરે છે તથા જે બધા સદ્ગુણોથી યુક્ત છે.’

આવી રીતે અનેકતામાં એકતા ભારતીય ધાર્મિક ચેતનાનું સદા નિરવચ્છિન્ન રૂપે અંગ બની રહ્યું છે. આ જ વાત મનુએ ઘણી પ્રભાવક રીતે ઘોષિત કરી છે :

પ્રશાસિતારં સર્વેષામણીયાંસમરણોરપિ,

રૂક્માભં સ્વપ્નધીગમ્યં વિદ્યાત્તં પુરુષં પરમ્।

એકમેકે વદન્ત્યગ્નિં મનુમન્યે પ્રજાપતિમ્,

ઈન્દ્રમેકેઽપરે પ્રાણમપરે બ્રહ્મ શાશ્ર્વતમ્॥

અર્થાત્- બધાંનું શાસન કરનાર, અણુના અણુ, સુવર્ણમય કાંતિવાળા ધ્યાનગમ્ય પુરુષને જાણો; એમને જ કેટલાક લોકો મનુ, કેટલાક પ્રજાપતિ, વળી કેટલાક ઇન્દ્ર અને બીજા પ્રાણ અને અન્ય શાશ્ર્વત બ્રહ્મ કહે છે. (મનુસ્મૃતિ- 12.122.23)

જે લોકો અનેકતા અને સસીમતાની ભાવનાથી બહાર નથી આવી શકતા તેઓ અગ્નિ આદિને કેવળ વિભિન્ન દેવતા માને છે. પરંતુ જે ઉચ્ચતર દૃષ્ટિકોણ અપનાવી શકે છે, તેઓ એમને પરમાત્માનાં વિભિન્ન રૂપ અથવા ગુણોનાં પ્રતીક માને છે. સાચું કહીએ કે પૂછીએ તો એવા અદ્વૈતવાદી અને એકત્વવાદી વ્યાખ્યાકાર થયા છે કે જેમણે વિભિન્ન નામોને સદા એક ઈશ્વરના વિભિન્ન ગુણસમૂહ કે ઉપાધિઓ સમજી-જાણી છે અને આ દૃષ્ટિએ વિષ્ણુસહસ્ત્ર નામના ભાષ્યકાર અને આધુનિક આર્યસમાજના એકેશ્ર્વરવાદી વ્યાખ્યાકારોમાં વધારે અંતર-ભેદ નથી.

જો કોઈ પણ નામ કે રૂપમાં કોઈ દૈવી વ્યક્તિત્વને, કોઈ દેવતા કે અવતારને નિરાકારની અભિવ્યક્તિ માનવામાં આવે તો નિરાકાર-સાકાર અથવા સાકાર-નિરાકાર સત્તાની સામાન્ય આરાધનામાં બધા ધર્મો અને બધા પંથોના અનુયાયી નિ:સંદેહ રૂપે હૃદયપૂર્વક સહાયક બની શકે છે અને આધુનિક કાળમાં પરમાત્માના આ સાર્વભૌતિક રૂપ પર વિશેષ ભાર દેવો જોઈએ. તેનાથી તે બધા દેશો અને બધા પ્રદેશોના સાચા ધાર્મિક લોકોને એક સાથે જોડવાનું મહાગઠબંધનનું કાર્ય કરી શકે તથા એમને જનકલ્યાણના હેતુથી ભ્રાતૃભાવના અને મૈત્રી, સેવા અને સહયોગના ભાવથી એક સાથે હળી-મળીને કાર્ય કરવા પ્રેરિત કરી શકે.

ય એકોઽવર્ણો બહુધા શક્તિયોગાદ્વર્ણાનનેકાનિ-હિતાર્થો દધાતિ। વિચૈતિ ચાન્તે વિશ્વમાદૌ સ દેવ:

સ નો બુદ્ધયા શુભયા સંયુનક્તુ॥

(શ્ર્વેતાશ્ર્વતર-4.1)

અર્થાત્ – ‘જે એક વર્ણરહિત હોવા છતાં પણ કોઈપણ વ્યક્તિગત પ્રયોજન વિના વિભિન્ન રૂપોને પોતાની વિભિન્ન શક્તિઓ દ્વારા પ્રગટ કરે છે; જેનાથી આ વિશ્વ પ્રારંભમાં ઉત્પન્ન થાય છે અને અંતે જેમાં વિલીન થઈ જાય છે, તે દેવ આપણને શુભ બુદ્ધિ અર્પણ કરે.’                                        (ક્રમશ:)

Total Views: 269

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.