વિરાટ બ્રહ્મચેતનાની અનુભૂતિ

નરેન-સ્વામી વિવેકાનંદની અંત:પ્રકૃતિને જાણીને શ્રીરામકૃષ્ણદેવે એમને અદ્વૈતવેદાંતનું શિક્ષણ આપ્યું. એ પ્રમાણે જીવાત્મા અને બ્રહ્મ બન્ને એક જ છે. એક દિવસ નરેન વેદાંતના અદ્વૈતવાદ વિશે તેમજ તેને સ્વીકારવાની પોતાની અનિચ્છા હાજરા સમક્ષ પ્રગટ કરી રહ્યા હતા. નરેને કહ્યું, ‘શું આ સંભવ છે? લોટો ઈશ્વર છે, કટોરો ઈશ્વર છે, જે કંઈ દેખાય છે તે બધું શું ઈશ્વર છે ?’ આ વિષય પર વ્યંગવિનોદ કરતાં તે બન્ને ખડખડાટ હસી પડ્યા. એમનું હાસ્ય સાંભળીને શ્રીરામકૃષ્ણ એમની પાસે આવ્યા અને ‘તમે લોકો શું કહી રહ્યા છો?’ એમ કહીને શ્રીઠાકુરે હસતા નરેનને સ્પર્શ કર્યો. સ્પર્શ કરતાં જ નરેન સમાધિસ્થ થઈ ગયા. નરેને આ અદ્‌ભુત સંસ્પર્શનું આ રીતે વર્ણન કર્યું :

‘એમના અદ્‌ભુત સ્પર્શથી મારી ભીતર ક્ષણભરમાં જ ભાવાંતર થઈ ગયું. સ્તંભિત થઈને ખરેખર હું આવું જોવા લાગ્યો – ઈશ્વર સિવાય બ્રહ્માંડમાં બીજું કંઈ પણ નથી. હું તો મૌન રહ્યો, વિચાર્યું, જોઉં તો ખરો ક્યાં સુધી આવો ભાવ રહે છે! પરંતુ એ ભાવાવેશ એ દિવસે જરાય ઘટ્યો નહીં. ઘરે પાછો આવ્યો, ત્યાં પણ એવું જ- જે કંઈ જોયું એ બધુંય ઈશ્વર જ છે, એવું જણાવા લાગ્યું. ખાવા બેઠો; જોયું તો અન્ન, થાળી, પીરસનાર અને હું પણ ઈશ્વર સિવાય બીજું કંઈ નથી. હું એકાદ બે કોળિયા ખાઈને સ્થિરભાવે બેઠો રહ્યો. ‘કેમ બેઠો છો? ખા ને,’ માનું સ્નેહપૂર્વક આવું કહેવાથી હું હોશમાં આવ્યો અને પછી ખાવા લાગ્યો. આવી રીતે ખાતાં, પીતાં, જાગતાં તથા કોલેજ જતી વખતે એવું જ દેખાવા લાગ્યું. સાથે ને સાથે આખો દિવસ કોણ જાણે કેમ એ જ ભાવાવેશમાં ઉન્મત્ત જેવો રહ્યો. રસ્તમાં ચાલું છું, જોઉં છું, ગાડીઓ આવી રહી છે, એ ઉપર આવી જશે, એમ માનીને હટી જવાની પણ ઇચ્છા થતી ન હતી. કારણ કે હું સ્વયંને કહેતો હતો, ‘આ ગાડી પણ હું જ છું, એનામાં અને મારામાં કોઈ અંતર કે ભેદ નથી.’ એ સમયે મારા હાથપગ સ્પર્શશૂન્ય બની ગયા હતા અને ખાવાથી પણ તૃપ્તિ થતી ન હતી. એવું લાગતું હતું કે જાણે કોઈ બીજી વ્યક્તિ જ ખાઈ રહી છે. ખાતાં ખાતાં હું ક્યારેક સૂઈ જતો અને થોડી વારે ઊઠીને ફરીથી ખાવા માંડતો. એ દિવસોમાં સામાન્ય કરતાં હું વધારે ખાતો, પરંતુ એનાથી કોઈ પ્રકારની હાનિ ન થઈ. મા તો ડરીને વિચારતી કે મને કોઈ ભયાનક રોગ થઈ ગયો છે. તેઓ કહેતાં, ‘હવે આ વધુ દિવસ નહીં બચે !’

જ્યારે આ ઉન્માદ જેવો ભાવ થોડો ઘટી જતો, ત્યારે આખો સંસાર સ્વપ્નવત્ લાગતો. કોર્ન વોલિસ સ્કવેર (હાલનો આઝાદહિંદ બાગ)માં ટહેલતાં ટહેલતાં કિનારે કિનારે લોખંડની છડો પર માથું ભટકાડીને જોતો કે તે સ્વપ્નની છે કે સાચી છે. હાથપગ શૂન્ય બની જવાથી ક્યારેક ક્યારેક પક્ષાઘાત થવાનો ભય લાગતો. ત્યાર પછી જ્યારે હું સ્વસ્થ થયો, ત્યારે મને વિશ્વાસ-શ્રદ્ધા આવ્યાં કે આ અદ્વૈતજ્ઞાનનો જ્ઞાનપ્રદાયક અનુભવ છે; ત્યારે મને અનુભવ થયો કે આ વિશે શાસ્ત્રોમાં જે કંઈ લખ્યું છે, તે બધું પૂર્ણ સત્ય છે.’

નિર્વિકલ્પ સમાધિની અનુભૂતિ

કાશીપુર ઉદ્યાનમાં રહેતી વખતે એક દિવસ મેં નિર્વિકલ્પ સમાધિની અનુભૂતિ પ્રાપ્ત કરવા શ્રીઠાકુરને ઘણી ઉત્કંઠાપૂર્વક પ્રાર્થના કરી. ત્યારે સંધ્યા સમયે ધ્યાન કરતી વખતે મારો દેહબોધ ચાલ્યો ગયો અને મને એવો અનુભવ થયો કે તેનું જરાય અસ્તિત્વ જ નથી રહ્યું. મેં અનુભવ્યું કે સૂર્ય, ચંદ્ર, અંતરિક્ષ, કાળ, આકાશ અને બધા પદાર્થ પોતાના સજાતીય વિરાટ તત્ત્વમાં વિલીન થઈને અનંતમાં ભળી ગયાં છે. દેહબોધ પ્રાય: ચાલ્યો ગયો અને હું બ્રહ્મમાં મહદ્-અંશે વિલીન થઈ ગયો. થોડોઘણો અહંભાવ શેષ હતો, એમાં હું સમાધિથી  આ દૃશ્ય જગતમાં પાછો આવી શકતો હતો. સમાધિની આ અવસ્થામાં ‘હું’ અને ‘બ્રહ્મ’ની બધી ભિન્નતા દૂર થઈ જાય છે. સર્વકંઈ એકાત્મા બની જાય છે, જેમ અનંત સાગર-સર્વત્ર પાણી અને પાણી જ, બીજું કંઈ ન દેખાય. ત્યાં ભાષા અને વિચારની ગતિ હોતી નથી. કેવળ ત્યારે તો, એ ‘અવાઙ્ગમનસ્ગોચર’ અવસ્થાની વાસ્તવિક અનુભૂતિ થાય છે. અન્યથા જ્યાં સુધી ધાર્મિક સાધક ‘હું બ્રહ્મ છું’-સોઽહમ્, એવો ભાવ રહે છે, ત્યાં સુધી ‘હું’ અને ‘બ્રહ્મ’ બન્ને સત્તાઓ રહે છે અને તે દ્વૈતનો બોધ કરાવે છે. આ અનુભૂતિ પછી વારંવાર પ્રયાસ કર્યા બાદ પણ હું સમાધિની એ અવસ્થાને ફરીથી પ્રાપ્ત કરવામાં અસફળ રહ્યો છું. જ્યારે શ્રીરામકૃષ્ણદેવને આની સૂચના પહોંચાડવામાં આવી, ત્યારે તેમણે કહ્યું, ‘જો, તું આ અવસ્થામાં દિવસરાત રહીશ, તો મા જગદંબાનું કાર્ય પૂરું નહીં થાય. એટલે તું ફરીથી એ અવસ્થાને મેળવી શકીશ નહીં. કાર્ય પૂરું થયા પછી આ સમાધિની અનુભૂતિ તને થશે.’

શ્રીરામકૃષ્ણદેવે શક્તિસંચાર કર્યો હતો

શ્રીરામકૃષ્ણદેવની મહાસમાધિના બે કે ત્રણ દિવસ પહેલાં તેઓ-મા જગદંબા કે જેને તેઓ ‘કાલી’ કહેતા, તે (મારા) શરીરમાં પ્રવેશી ગયાં હતાં. તેઓ જ મને અહીંતહીં લઈ જઈને મારી પાસે અનેક કાર્ય કરાવે છે તથા શાંતિથી બેસવા કે પોતાની સુખસુવિધા તરફ ધ્યાન રાખવા દેતાં નથી.

પોતાના દેહત્યાગ પહેલાં એક દિવસ શ્રીઠાકુરે મને પોતાની પાસે બોલાવીને તેમની સામે બેસવા કહ્યું. તેઓ મને જોતાં જોતાં સમાધિસ્થ થઈ ગયા. ત્યારે મને અનુભવ થયો કે એક વિદ્યુતના ઝટકાની જેમ સૂક્ષ્મશક્તિ મારા દેહમાં પ્રવેશી રહી છે. થોડી જ વારમાં હું પણ બાહ્યચેતનાશૂન્ય બનીને બેઠો રહ્યો. આ અવસ્થામાં હું કેટલીવાર સુધી રહ્યો, એ મને યાદ નથી. પ્રકૃતિસ્થ થયા પછી મેં જોયું કે શ્રીરામકૃષ્ણદેવ રડી રહ્યા છે. મારા પૂછવાથી તેમણે કહ્યું, ‘આજે હું તને મારું પોતાનું સર્વસ્વ આપીને એક ભિખારી, ફકીર બની ગયો છું. ફરીથી (મૂળ અવસ્થામાં) આવતાં પહેલાં આ શક્તિથી તું સમગ્ર સંસારનું ઘણું ક્ષેમકલ્યાણ કરીશ.’ હું એવું અનુભવું છું કે એ જ શક્તિ મને નિરંતર અનેક કામ કરવાનો નિર્દેશ આપે છે. આ શરીર નિષ્ક્રિય બેસી રહેવા માટે નથી નિર્માયું.

શ્રીરામકૃષ્ણદેવે સ્વયંને પ્રગટ કર્યા

જ્યારે શ્રીરામકૃષ્ણદેવ કાશીપુરમાં રહેતા હતા, ત્યારે તેમનો દેહ સદાને માટે છૂટી જશે, એવો ભય નિકટ અને નિકટ આવતો હતો. એમની પથારી પાસે બેસીને હું મનમાં વિચારતો હતો,

‘સારું, જો આ હાલતમાં આપ એમ કહો કે આપ ઈશ્વર છો, કેવળ ત્યારે જ હું વસ્તુત: આપના સાક્ષાત્ ઈશ્વર હોવાની વાત પર વિશ્વાસ કરીશ.’ એ સમયે એમની મહાસમાધિમાં કેવળ બે દિવસ જ બાકી હતા. તત્ક્ષણ એમણે મારી તરફ દૃષ્ટિપાત કરીને કહ્યું, ‘જે શ્રીરામ હતા, જે શ્રીકૃષ્ણ હતા, તે જ આ વખતે શ્રીરામકૃષ્ણના રૂપે વિદ્યમાન છે, પરંતુ તારા વેદાંતની દૃષ્ટિએ નહીં.’ એ સાંભળીને હું તો અવાક થઈ ગયો.

Total Views: 260

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.