આ વિશ્વચક્રની વાત એકદમ સ્પષ્ટપણે રજૂ કરવામાં આવી છે તે 16મા શ્ર્લોક પર હવે આપણે આવીએ :

एवं प्रवर्तितं चक्रं नानुवर्तयतीह य:।

अघायुरिन्द्रियारामो मोघं पार्थ स जीवति॥16॥

‘હે પાર્થ, આમ ચાલતા ચક્રને જે આ જગતમાં અનુસરતો નથી, તે પાપમાં સબડતો અને ઇન્દ્રિયભોગમાં જ રાચતો માનવી વૃથા જીવે છે.’

આ સત્ય વિશે શ્રીકૃષ્ણ એકદમ સ્પષ્ટ છે, સૃષ્ટિના આરંભથી આ આંતરસંબંધનું ચક્ર ચાલુ થયું છે. બ્રહ્માંડની ઉત્પત્તિની સાથે જ આ ચક્રનો આરંભ થયો છે – एवं प्रवर्तितं चक्रं,  ‘આ જીવનમાં જે એને અનુસરતો નથી’, न अनुवर्तयति इह, આ ચક્રના વિચારને જે અવગણે છે, એને તોડે છે, એને એકપક્ષી, સ્વાર્થી, સ્વકેન્દ્રી વગેરે બનાવે છે; આવી વ્યક્તિનું શું થાય છે ? अघायु: ‘એનું જીવન પાપમય હોય છે’, અનિષ્ટનું જીવન હોય છે. आयु: એટલે જીવન અને अघ એટલે પાપ, અનિષ્ટ. શા માટે એ अघायु: થાય છે ? કારણ કે એ इन्द्रियारामा છે,’ પોતાના ઇન્દ્રિય સુખભોગમાં મસ્ત છે’; એને પ્રકૃતિની જાળવણીમાં રસ નથી – જંગલમાં શિકારની મનાઈ હોવા છતાં એ ત્યાં શિકાર કરે છે, દુર્લભ પશુપંખી અને વનસ્પતિનો નાશ કરે છે; લોકો આ બધું કરે છે; પણ શા માટે ? આ બધું વેચીને, ખૂબ પૈસા રળીને એ લોકો એશઆરામનું જીવન જીવવા માગે છે; આવા લોકો પાપમાં જીવે છે, કારણ કે એ इन्द्रियारामा,‘એમનો આનંદ કેવળ ઇન્દ્રિયજન્ય જ છે.’ ઇન્દ્રિયોની તૃષ્ણાઓને થોડી હદ સુધી સંતોષવી ઠીક છે; પણ એ હદથી આગળ ભયજનક છે.

આજે આ વિષય પરની બધી આંતરરાષ્ટ્રીય ચર્ચાઓમાં માનવીની આવશ્યકતાઓ અને આકાંક્ષાઓ વચ્ચે ભેદ પાડવામાં આવે છે. ગાંધીજીએ કહ્યું હતું કે માનવીની આવશ્યકતાઓ પૂરી પાડવા માટે જગતમાં બધું પૂરતું છે, પણ એની આકાંક્ષાઓ સંતોષવા પૂરતું નથી. આકાંક્ષાઓ સતત વધતી જ જાય છે. એમ શા માટે બને છે? આપણી ઇન્દ્રિયતૃષ્ણાઓને તાબે આપણે થઈ જઈએ છીએ. કોઈ પ્રાણી પાસે નથી તેવું મન માનવીને મળ્યું હોવા છતાં, માનવી વિવેક કરી શકતો નથી. એટલે આખો સમાજ इन्द्रियाराम:બની જાય છે, ત્યારે સમાજનું પતન આરંભાય છે. વાસ્તવમાં સમાજમાં इन्द्रियाराम:લોકોની વૃદ્ધિ થવા લાગે છે, ત્યારે તે સભ્યતાનું પતન થાય છે. આપણા પોતાના ભારતીય ઇતિહાસમાં એવું ઘણીવાર બન્યું છે- इन्द्रियाराम-નું આ સોપાન સામાજિક બંધિયારપણામાં પરિણમે છે : मोघं पार्थ स जीवति ‘પાર્થ! આવા લોકોનું જીવન વૃથા, ખાલી, અર્થહીન, સર્જનહીન બને છે ! मोघ એટલે નિરર્થક. આ इन्द्रियाराम જીવન નિરર્થક જીવન છે. બધાં પશુઓ એ રીતે જીવે છે. માનવીઓ એને જ અનુસરે છે! પણ એ પોતાની અનન્યતા વીસરી જાય છે; બીજાંના કલ્યાણને કામે પોતે લાગી શકે છે. પણ इन्द्रियाराम દશા આપણને તેમ કરવા દેતી નથી. એટલે આ બે બાબતો ભેગી કરવામાં આવી છે : अघायु: इन्द्रियारामो मोघं पार्थ स जीवति, એ વ્યક્તિનું જીવન વૃથા છે, તદૃન વ્યર્થ છે, ખાલી છે. ઉદાહરણ તરીકે આપણો ભારત દેશ લો : ત્રીસ કરોડ લોકો ભૂખમરાથી, પછાતપણાથી, ગરીબાઈ અને અજ્ઞાનતાથી પીડાય છે. અતિ અલ્પ લોકો પાસે પુષ્કળ પૈસો છે; અને એ લોકો ભોગવિલાસ કરે છે. એ જોઈ લો! ખાલી, વ્યર્થ જીવન. પોતાની આસપાસની દુનિયાની તેમને કશી પડી નથી. પાછલી કેટલીક સદીઓથી ભારતના આ પ્રકારના લોકોને ઉલ્લેખતાં, 1893ના ઓગસ્ટની 20મીએ અમેરિકાથી એક પત્રમાં સ્વામીજી લખે છે :

‘હું તેમની દયા ખાઉં છું. તેઓનો કંઈ દોષ નથી. સમાજમાં ભલે તેઓ મોટા હોય અને ઉચ્ચ સ્થાને વિરાજતા હોય; છતાં તેઓ બાળકો છે, ખરેખર બાળકો છે. પોતાની દિનચર્યા, ખાવું, પીવું, કમાવું, સંતાનો પેદા કરવાં ને ગણિતના જેવી ચોકસાઈથી એકબીજાને અનુસરવું – આવી તેમની સાવ નજીક રહેલી ક્ષુદ્ર ક્ષિતિજથી આગળ તેમની આંખો કશું જોઈ શક્તી નથી. આટલાંથી બહારનું કશું તેઓ જાણતા નથી, આ સ્વસુખમાં રાચતા અલ્પ આત્માઓ! તેમની ઊંઘમાં કદી ખલેલ પડતી નથી. સદીઓના જુલમનાં પરિણામરૂપે ભારતમાં પ્રવર્તી રહેલા સંતાપો, દુ:ખ, અધ:પતન અને ગરીબીની ચીસો, તેમનાં જીવનરૂપી સુંદર દીવાનખાનાંમાં કદાપિ ખલેલ પાડતાં નથી. યુગોથી ચાલ્યા આવતા, માનસિક, નૈતિક અને શારીરિક જુલમોએ પ્રભુની પ્રતિકૃતિ સમા મનુષ્યને કેવળ ભારવાહી પશુની કોટિમાં ઉતારી દીધો છે; જગદંબાના પ્રતીક સમી સ્ત્રીને સંતાન પેદા કરનાર ગુલામડી બનાવી મૂકી છે અને ખુદ જિંદગીને એક શાપરૂપ કરી મૂકી છે, તેનો તેમને સ્વપ્નેય ખ્યાલ નથી.’

16મા શ્ર્લોકની આ અદ્‌ભુત ઉક્તિ છે. 17મા શ્ર્લોકમાં સૌ સમક્ષ બીજા પ્રકારનું જીવન રજૂ કરવામાં આવ્યું છે. વ્યક્તિ શુદ્ધ હોય, ઇન્દ્રિયોને એણે નિયમનમાં રાખી હોય અને પોતાના અનંત આત્માનો સાક્ષાત્કાર કરવાને પંથે હોય ત્યારે એ અનન્ય પ્રકારની વ્યક્તિ બને છે; પછી ફરજનાં બાહ્ય દબાણોને એ વશ નથી હોતી, પણ એનાં પ્રેમ-કરુણા અને સેવાનો પ્રવાહ સ્વાભાવિકપણે, સહજ રીતે વહે છે; એ વિભાવના 17મા શ્ર્લોકમાં વ્યક્ત થઈ છે :

यस्त्वात्मरतिरेव स्यादात्मतृप्तश्च मानव:।

आत्मन्येव च सन्तुष्टस्तस्य कार्यं न विद्यते॥17॥

‘પણ જે વ્યક્તિને આત્મામાં જ રતિ છે, જે આત્માથી જ તૃપ્ત છે અને જે આત્મામાં જ આનંદ માણે છે, તેણે ફરજ તરીકે કોઈ કાર્ય કરવાનું હોતું નથી.’

એ વ્યક્તિને કશું कार्यं ફરજપૂર્વકનું કાર્ય હોતું નથી, કારણ કે એણે પૂર્ણતા પ્રાપ્ત કરી લીધી છે. આત્માના અમરત્વના સાક્ષાત્કારમાં ઉત્ક્રાંતિએ પોતાનું ચરમ શિખર સર કર્યું છે. એ કેવી રીતે મેળવાય છે? आत्मरतिरेव स्यात्, ‘અનંત આત્મામાં જ, સૌની ભીતર રહેલા આત્મામાં જ પૂર્ણપણે રત છે !’ રતિ એટલે આનંદ, એ કામાનંદ પણ નિર્દેશે છે, આ રતિ શબ્દમાં બધા આનંદનો સમાવેશ થાય છે અને અહીં, रति आत्मरति: एव स्यात्, એને આત્મામાં, અનંત આત્મામાં, સર્વભૂતાન્તરાત્મામાં એને અભિનવ આનંદ સાંપડયો છે; आत्मतृप्तश्च मानव:,પોતાના આત્મામાં જ પૂર્ણ સંતોષ અનુભવતી વ્યક્તિ ! આવી વ્યક્તિને પછી બહારની કોઈ વસ્તુની આવશ્યકતા નથી. પોતાના સુખાનંદ માટે એને કશી ઇન્દ્રિયસુખની વસ્તુની આવશ્યકતા નથી. પોતાની અંદરના આનંદથી એ સભર છે. ઉપનિષદોમાંથી લીધેલી ભાષા અહીં વપરાઈ છે. ઉત્ક્રાંતિની ઉચ્ચતમ સપાટીએ જ એ પ્રગટ થાય છે. રતિ-આનંદ આપણને જોઈએ છે. આરંભમાં એની પ્રાપ્તિ ઇન્દ્રિયવિષયોમાંથી થાય છે. પરંતુ આપણે વિકાસ પામીએ છીએ, ત્યારે આપણે અનંત આત્મા હોવાનો સાક્ષાત્કાર કરીએ છીએ અને બહિર્જગતના બધા ઇન્દ્રિયવિષયો કરતાં કયાંય, કયાંય ચડિયાતા છીએ એ જ્ઞાન આવતાં આપણને આ અનુભૂતિ થાય છે. आत्मन्येव च सन्तुष्ट, ‘આત્મામાં જ આનંદ મેળવે છે.’ આવી વ્યક્તિને तस्य कार्यं न विद्यते,‘એને માટે ફરજરૂપે કોઈ કર્મ રહેતું નથી.’ એ તદૃન મુક્ત છે અને બાકીની મનુષ્યજાત માટે એ આશીર્વાદ સમાન છે. આપણે કયારે કર્મો-ફરજ કરવાનાં હોય છે? આપણે અપૂર્ણ હોઈએ, સિદ્ધિ પ્રાપ્ત ન કરી હોય ત્યાં સુધી. પણ વ્યક્તિ અનંત આત્માનો સાક્ષાત્કાર કરે છે, ત્યારે ફરજ તરીકે, સામાજિક ઉત્તરદાયિત્વ તરીકે એ વ્યક્તિ સમાજનું કલ્યાણ નથી કરતી, પણ પ્રેમ અને સેવા સ્વયંભૂ એનામાંથી વહે છે.                                           (ક્રમશ:)

Total Views: 327

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.