ગૃહસ્થનાં કર્તવ્યો

હિન્દુ શાસ્ત્રો પ્રમાણે ગૃહસ્થનાં પાંચ કર્તવ્યો છે : દેવપૂજા; શાસ્ત્રાધ્યયન(પુરાતન ઋષિઓ પ્રત્યેનું કર્તવ્ય); અતિથિ-અભ્યાગતોની સેવા-સહાયતા; પિતૃઓનું તર્પણ; પશુઓની રક્ષા, આ કર્તવ્યોને પંચમહાયજ્ઞ કહ્યાં છે. (બૃહદારણ્યક ઉપનિષદ (1.4.16) અને શતપથ બ્રાહ્મણ (1.7.2.6). અને આ બધાં કર્તવ્યોનું પાલન કોઈ વેઠિયાની જેમ અનિચ્છાઓથી નહીં, પણ સેવાની ભાવના, પૂજાની ભાવનાથી કરવું જોઈએ. આ ભાવનાથી કર્તવ્યોનું પાલન કરવાથી તે બંધનનું કારણ બનતાં નથી, એને બદલે તે આધ્યાત્મિક જીવન જીવવામાં સહાયક બની રહે છે. કર્તવ્ય, સેવા અને પૂજાનો સમન્વય જ વેદાંતનો ઉદ્દેશ છે- તેનું લક્ષ્ય છે. જો કોઈ કર્મ આધ્યાત્મિક જીવન સાથે જોડી ન શકાય, તો તે કર્તવ્ય કહેવાતું કે ગણાતું નથી; અને તમને લાગે કે કોઈ કર્મ તમને ભગવાનથી વિમુખ કરી રહ્યાં છે, તે ન કરો. બધા પ્રકારનાં કાર્યો આપણને પરમાત્માની વધુ ને વધુ નિકટ લઈ જાય તેવાં હોવાં જોઈએ. જેમ શ્રીમદ્ભાગવત (11.18.44,47)માં ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું છે :

‘જે નિરંતર નિષ્ઠાપૂર્વક પોતાના સ્વધર્મ દ્વારા મને પરમ લક્ષ્ય માનીને મારી આરાધના કરે છે, તે જ્ઞાન-વિજ્ઞાનનો અધિકારી બનીને શીઘ્ર જ મને પ્રાપ્ત કરે છે. મારી ભક્તિથી યુક્ત બધાં કર્મ મુક્તિ બને છે. આ જ કલ્યાણનો પથ છે.’

માનવનું પોતાના પ્રત્યેનું કર્તવ્ય

ઉપર્યુક્ત પાંચ પ્રકારનાં કર્તવ્યો ઉપરાંત પ્રત્યેક માનવનું પોતાના પ્રત્યેનું-પોતાના આત્મા પ્રત્યેનું કર્તવ્ય હોય છે. પ્રત્યેક આત્મા પરમાત્માનો એક અંશ છે, એટલે પોતાની આત્મસત્તા પ્રત્યેના કર્તવ્ય-પાલનથી બીજાં બધાં દાયિત્વનું પાલન થઈ જાય છે. માનવનો આત્મા અભિવ્યક્તિ અને વિકાસની પ્રતીક્ષા કરે છે. પરંતુ તે નિરંતર ક્ષુદ્ર આત્મા કે અહંકારથી ઢંકાતો જાય છે. દૈનંદિન પ્રવૃત્તિઓમાં ઇન્દ્રિય-વિષયભોગ પાછળની હતાશ થયા વિનાની નિરંતર આંધળી દોડને લીધે, માનવ પોતાની ભીતરના શાંત-સૂક્ષ્મ પોકારની, આત્માના પોકારની અવગણના કરી દે છે. પરિણામે તેનાં બધાં કાર્ય અંતે તેનાં અસંતોષ અને હતાશાનું કારણ બની જાય છે. કહેવાતી માનવસેવા પણ તેને થાકેલ-હારેલ અને અસંતુષ્ટ જ બનાવી દે છે. આપણાં બધાં કર્તવ્યોનું લક્ષ્ય ઉચ્ચતર આત્માની અભિવ્યક્તિરૂપ સમન્વિત અવશ્ય હોવું જોઈએ અને તો જ, ત્યારે જ જીવન અર્થપૂર્ણ બનશે.

મુખ્ય સમસ્યા એ છે કે લોકો કઠોર સાધના વિના, પરમાત્માના હાથનું યંત્ર બન્યા વિના આચાર્ય બનવા ઇચ્છે છે. તે (પરમાત્મા) માનવદેહરૂપી મંદિરમાં વસે છે. પહેલાં આપણે સ્વયં ભગવાનને જાણવા જોઈએ અને પોતાની સમસ્યાઓને ઉકેલવા સમર્થ બનવું જોઈએ અને પછી જ બીજાની સહાયતા કરવી જોઈએ. આપણે પોતાના અસ્તિત્વથી જ, અજાણ્યે જ સત્યને પ્રકાશિત કરીને બીજાને મૂક-સહાય કરી શકીએ છીએ. પરંતુ પોતે કોઈ આધ્યાત્મિક અનુભૂતિ વિના બીજાને આધ્યાત્મિક સહાય કરવાની વાત કરવી કે વાત વિચારવી તદ્દન હાસ્યાસ્પદ છે. સાચી પવિત્રતા અને અનાસક્તિ-લાભ મેળવવાથી તમે સંસાર પર આસક્ત થતા નથી અને સંસાર તમારાં મન અને મસ્તિષ્કને પ્રભાવિત કરતો નથી; અને ત્યારે જ તમે પરમાત્માના હાથનું યંત્રમાત્ર છો, એવું જાણીને તમે બીજાને સહાય કરવાની વાત કરી શકો છો.

એક બીજી વાત છે જેને આપણું કર્તવ્ય માનવું જોઈએ. વિદ્યાર્થીજીવન પછી થોડો ઘણો સમય એ વિદ્યાર્થીજીવન જાળવી રાખવું જોઈએ. જો પઠન-પાઠન અને ગહન અધ્યયનનો અભ્યાસ છૂટી જાય, તો તે આપણાં મસ્તિષ્ક અને ચિંતનની ક્ષમતાના વિકાસ માટે ખરાબ છે. ઘણા લોકો વિદ્યાલયોમાંથી નીકળ્યા પછી અને ઉંમર વધી જાય ત્યાર બાદ ચિંતનની ટેવ ખોઈ બેસે છે. અને આ વાત ખરેખર ઘણી માઠી જ છે. અસ્પષ્ટ, અસંબદ્ધ ચિંતન જેવું કંઈ પણ ખતરનાક નથી. ચિંતનનો અભ્યાસ ન રહેવાથી આવા લોકો માત્ર કર્મઠ જ રહી જાય છે, ચિંતનશીલ રહેતા નથી. બન્નેનો સમન્વય થવો જોઈએ કે સંતુલન જળવાઈ રહેવું જોઈએ, નહીં તો એનું પરિણામ ઘણું ખરાબ આવશે.

મોટા ભાગના લોકો માટે વ્યવધાન પડ્યા પછી ફરીથી અધ્યયનનો પ્રારંભ કરવો ઘણો કઠિન બની જાય છે. અને જે બહુ થોડા લોકો એમાં સફળ થાય છે, એમને પણ વધુ પ્રમાણમાં સંઘર્ષ અને માનસિક તણાવમાંથી પસાર થવું પડે છે. એનું કારણ એ છે કે ચિંતનનો અભ્યાસ છૂટી ગયો હતો. એમનું છીછરું અને હલકું અધ્યયન, એમની નિમ્નકોટિની વાતચીત, એમની વિચારહીન બાહ્ય પ્રવૃત્તિ, આ બધાં તેમની ચિંતનમનનની શક્તિને મોટેભાગે નષ્ટ કરી દે છે. આંખો ખોલીને એને જોવાથી તેનો પ્રભાવ આપણા આ આધુનિક જગતમાં જોવા મળશે : ઉચ્ચ આદર્શવિહીન અને સત્યને સમજ્યા વિના કરેલ વિચારરહિત ક્રિયા તેમજ માત્ર કામ કરવાનું છે એટલે કરવું – જે પણ એક પ્રકારની આળસ છે, એથી વિશેષ કંઈ પણ નહીં. એ કામથી આવા કર્મઠ જીવનમાં લોકો ગર્વનો અનુભવ ભલેને કરે, પણ તેથી શું ? હું કંઈક નિર્માણ કરી રહ્યો છું, એટલું જ પર્યાપ્ત નથી. હું જે કંઈ નિર્માણ કરું છું તે શુભ, સર્જનાત્મક હોવું જોઈએ. તે વિનાશાત્મક કે માનવતાને હાનિ પહોંચાડનારું ન હોવું જોઈએ.

એટલે અધ્યયન માટે વધારે સમય ભલે ન મળે, તો પણ ગહનચિંતનનો અભ્યાસ દરરોજ કરવો જોઈએ. જેટલો સમય વ્યર્થ ચિંતનમાં જ નહીં, પરંતુ અહિતકર ચિંતનમાં ગુમાવીએ છીએ, તેનો ઉપયોગ ઉચ્ચતર ક્રિયાત્મક ચિંતનમાં કરી શકાય. આખા દિવસમાં કેટલાય ફાલતુ કલાકો વહી જાય છે. આ ખાલી સમયનો ઘણી સરળતાથી ઉચ્ચ ચિંતનમાં ઉપયોગ કરી શકાય છે. વ્યર્થ ચિંતન કરવાને બદલે એ સમયનો આપણે કંઈક ઉચ્ચતર કાર્ય માટે ઉપયોગ કરવો જોઈએ. કોઈ એક ખૂણામાં સાવ બેઠા રહેવાને બદલે થોડા ઉચ્ચતર અને યથાર્થ ચિંતન દ્વારા આપણે આવી ક્ષણોનો સદુપયોગ કરી શકીએ છીએ. ખરેખર આવું કરીએ ત્યારે આપણને સમજાશે કે સાધના, સ્વાધ્યાય અને બૌદ્ધિક ચિંતન માટે પર્યાપ્ત સમય છે. પોતાના વિચારોને ક્યારેય લક્ષ્યવિહોણા ભટકવા દેવા ન જોઈએ.

પ્રાય: આપણે કલાક, અડધો કલાક વિચારરહિત દશામાં બેઠા રહીએ છીએ અથવા થોડું હલકું સાહિત્ય વાંચીએ છીએ કે કોઈ છીછરી અને ફાલતુ વાત સાંભળતા રહીએ છીએ. આવી વાતો આપણે મૂર્ખાઓની જેમ કરતા રહીએ છીએ અને એમાં આપણે સુખનો અનુભવ પણ કરીએ છીએ. આવી વાતો આપણને ગમે છે પણ ખરી. પરંતુ જો એ અડધા કલાકનો ભક્તિશાસ્ત્ર વાંચવામાં કે તેના ગહન અધ્યયનમાં અથવા કોઈ ઉપયોગી અને સ્વસ્થ સાહિત્ય વાંચવા માટે ઉપયોગ કરવા ઇચ્છીએ તો આપણું આખું મસ્તિષ્ક વિદ્રોહ અને વિરોધ કરવા માંડે છે.                          (ક્રમશ:)

Total Views: 273

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.