કર્તવ્યનું દ્વંદ્વ

મોટે ભાગે આપણને એવું લાગે છે કે આપણું અમુક કર્તવ્ય છે, પરંતુ તે આપણી શક્તિની બહારનું છે, તે આપણા માટે ઘણું મહાન છે. આવી પરિસ્થિતિમાં શું કરવું જોઈએ ? એક કામચલાઉ આપાત કર્તવ્યની મદદ લો અને એના લક્ષ્ય માટે એક ચરણના રૂપે તેનો ઉપયોગ કરો. કર્તવ્ય માટે કોઈ ચોક્કસ માપદંડ નથી હોતા. આપણા વિકાસના ક્રમમાં કર્તવ્ય નિરંતર પરિવર્તન પામતાં રહે છે. યુવકનું જે કર્તવ્ય છે, તે બાળક માટે નથી. વૃદ્ધનું કર્તવ્ય યુવક માટે નથી. ગૃહસ્થનું કર્તવ્ય સંન્યાસીના કર્તવ્યથી ભિન્ન છે. એટલે દરેકના કર્તવ્યનો નિર્ણય અલગ રીતે કરવો પડે.

અનેક વખતે આપણા કર્તવ્યનું જ્ઞાન આપણી રુચિ સાથે મેળ ખાતું નથી. પરંતુ આપણે પોતાના કર્તવ્યનું પોતાની રુચિઓ સાથે સામંજસ્ય સાધવાનું શીખવું જોઈએ. સાથે ને સાથે પોતાના વિચારો તેમજ ઇચ્છાઓ સાથે તેનો તાલમેલ કરી લેવો જોઈએ. આ રીતે ઘણી અનાવશ્યક ચિંતા અને સંઘર્ષથી આપણે બચી શકીએ છીએ. આ સંઘર્ષ અને ચિંતા આપણી ઘણી માનસિક શક્તિઓના ક્ષયનું કારણ બની શકે છે.

ક્યારેક ક્યારેક આપણે એવી ફરિયાદ કરીએ છીએ કે જીવનનાં કર્તવ્યોમાં વ્યસ્ત રહેવાને કારણે આપણને સાધના માટે સમય મળતો નથી. પ્રાય: આવી ફરિયાદો નિરાધાર હોય છે. ઉચ્ચતર જીવન માટે સાચી, ગહન અને આંતરિક પિપાસા હોય તો સાધના અને સ્વાધ્યાય માટે સમય હંમેશાં મળશે જ. અને જો આંતરિક વ્યાકુળતા હોવા છતાં, તમે ન કરો તો અંતે તમે પૂર્ણરૂપે અસંતુલિત બની જશો. આત્માનું થોડું પણ સ્ફુરણ થવાથી ચેતના જાગ્રત થાય, તો તેને ગમે તે પરિસ્થિતિમાં પોષણ આપવું જોઈએ, નહીં તો વ્યક્તિત્વમાં એક ગહન તિરાડ પડી જાય છે, જીવનમાં ઘણી અશાંતિ અને ચંચળતા, મહાન અસંતોષ અને અસ્થિરતા આવી જાય છે. આવી સ્થિતિમાં પોતાના આત્માને જ્યાં સુધી તમે અતૃપ્ત રાખો, ત્યાં સુધી તમને ક્યારેય શાંતિ નહીં મળે.

એવું પણ બની શકે કે કોઈ દિવસ આપણે સાધના(ધ્યાન-જપ) થોડી ઉતાવળમાં કરવી પડે, વળી કોઈ બીજા દિવસે વધારે નિરાંતથી, વધારે એકાગ્રતાથી થાય, પરંતુ જો આપણે સાધના જરાય ન કરીએ તો, એ વિચાર આપણને આખો દિવસ સતત કોસતો રહે છે. સાથે ને સાથે આપણા મનમાં એક ભંવર(વંટોળિયો) ઊભો કરશે. સાધના- પછી ભલે એ ઉતાવળથી થાય કે નિરાંતથી થાય, પરંતુ -દિનપ્રતિદિન પૂરેપૂરી લગની સાથે નિયમિત રૂપે, એક નિષ્ઠાથી કરવી જોઈએ.

સાધના અને સ્વાધ્યાય માટે સમય જ નથી, એમ કહેવું ખોટું છે. ઉદાહરણ તરીકે હું છ કલાક સૂઉં છું, તો પછી દશ મિનિટ ઓછો સૂઈ શકું છું; પાંચ મિનિટ ભોજનના સમયમાંથી અને પાંચ મિનિટ કોઈ બીજા કાર્યમાંથી કાઢી શકું છું. આ રીતે મને સાધના અને સ્વાધ્યાય માટે ઓછામાં ઓછો અડધો કલાક મળી જાય છે. અને આવું બધી પરિસ્થિતિમાં કરવું જોઈએ; પછી ભલે મન ચંચળ હોય, એકાગ્રતા સાથે સાધના કરવી સંભવ ન હોય, ભલે સાધના યંત્રવત્ કરવી પડે એવું હોય અને સમગ્ર મસ્તિષ્ક સાધના કે ગહન ચિંતનના વિચાર માત્રથી તેનો વિરોધ કરતું હોય, તોય કરવી જોઈએ; અને આ પણ કર્તવ્ય છે. એનું કારણ એ છે કે બીજાની સેવાના હેતુથી પહેલાં પોતાની સેવા કરવાથી હું એમની સેવા વધારે દક્ષતા સાથે, શ્રેષ્ઠ ભાવના સાથે કરી શકીશ. સાચી ભાવના સાથે વ્યક્તિગત સ્વાર્થ વિના બીજાને માટે કર્મ કરવાથી આપણે ધ્યાન પણ સારું કરી શકીશું, તેમજ તે પુન: બીજાને માટે સમર્પણની શ્રેષ્ઠતર ભાવના એવં ભગવત્-શરણાગતના ભાવની સાથે બીજા માટે કર્મ કરવામાં સહાયક બનશે.

કેટલાક લોકો કર્મ કરતાં કરતાં જપ પણ કરતા રહે છે. મનમાં અદ્‌ભુત ક્ષમતાઓ છે, આપણને તો બસ એને નિયંત્રિત અને પવિત્ર કરવાનું તેમજ એને સાચી દિશામાં વિકસિત કરતાં આવડવું જોઈએ. પરમાત્મા પ્રત્યે પોતાની જાતને કોઈપણ જાતની શરત વિના પૂર્ણરૂપે સમર્પિત કરીને ઘણી સારી રીતે કર્મ કરી શકાય છે. જ્યારે બધાં કર્મો આરાધના બની જાય ત્યારે એ સમય આવે છે. શરણાગતિ અને પુરુષાર્થનો સમન્વય સંભવ છે તેમજ પૂર્ણ આત્મવિસ્મૃતિમાં કર્મ કરી શકાય છે.

કર્મનું ઉચ્ચતર લક્ષ્ય

મોટા ભાગના લોકોના જીવનમાં એમની બધી લક્ષ્યહીન ક્રિયાઓ આદર્શવિહોણી, ઉચ્ચતર ઉદ્દેશ્ય રહિત હોય છે, એમના વિશે તેમને કોઈ સ્પષ્ટ ધારણા નથી હોતી. તેઓ કેવળ અસ્પષ્ટ અને મેઘવત્ ધૂંધળાં વિચારો અને ઇચ્છાઓના સાગરમાં જાણે કે દિશાહીન વહેતાં રહે છે. આવા લોકો જેને સામાન્યત: કર્તવ્ય કહેતાં ફરે છે, તે વસ્તુત: આસક્તિ સિવાય બીજું કંઈ નથી હોતું. મોટા ભાગના લોકો આસક્તિ અને વિષયસુખની લાલસા દ્વારા પોતાના મનને વ્યસ્ત અને ક્રિયાશીલ રાખે છે. આસક્તિની ધારણાનું અનુસરણ કરીને તથા ખોટાં મૂલ્યોને વળગી રહીને ક્રિયાશીલ બની રહેવું, એ હંમેશાં સરળ હોય છે અને પ્રાય: આપણે આસક્તિ કે કોઈ ને કોઈ પ્રકારના લોભને કારણે એ ક્રિયાને પોતાનું કર્તવ્ય કહીએ છીએ. પરંતુ એ કર્તવ્ય છે જ નહીં. એ તો કેવળ આસક્તિ અને ઇન્દ્રિયસુખોની લાલસા જ છે, પછી ભલે આપણે એને કર્તવ્યની ઉચ્ચ સંજ્ઞા આપીને સંતોષનો અનુભવ કરતાં રહીએ. વિશુદ્ધ કર્તવ્યમાં વ્યક્તિગત અથવા સામુહિક આસક્તિ કે અહંકારનો અંશ હોવો ન જોઈએ. આપણે પરમાત્મા પ્રત્યે સંપૂર્ણ શરણાગતિના ભાવથી, વ્યક્તિગત લાભ માટે નહીં, પરંતુ ‘કરવું છે’ એટલે કરવું જોઈએ.

સામાન્ય રીતે લોકો પોતાની સ્થૂળ અને સૂક્ષ્મ વ્યક્તિગત વાસનાઓ અને ઇન્દ્રિયોના દાસ બનીને કર્મ કરે છે. પરંતુ મહાપુરુષ પોતાના અનંત સ્વાતંત્ર્યથી પ્રેરાઈને કર્મ કરે છે, આસક્તિ કે સામાન્ય રીતે જેમને કર્તવ્યરૂપે સમજવામાં આવે છે, એને કારણે નહીં. આ સમસ્ત કર્મ સર્વવ્યાપી પરમાત્માની ભક્તિપૂર્ણ સેવાના રૂપે, તેઓ તો પરમાત્માના હાથનું યંત્ર છે, આ વાતને બરાબર જાણીને કર્મ કરે છે.        (ક્રમશ:)

Total Views: 346

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.