થોડાં વર્ષો પૂર્વે બિહારમાં રાંચીના રામકૃષ્ણ મિશન દિવ્યાયન કૃષિવિજ્ઞાન કેન્દ્રમાં એક સરકારી ઓફિસર આવ્યા. કાર્યાલયમાં બેઠેલા રામકૃષ્ણ મિશનના એક સંન્યાસીને તેમણે કહ્યું, ‘સ્વામીજી, આપની સંસ્થા દ્વારા થતા ગ્રામીણ વિકાસના કાર્યક્રમો વિશે પ્રશંસા સાંભળીને હું પટનાથી આવ્યો છું. ભારત સરકારે એક નવી યોજના ઘડી છે – ‘કેપ’ યોજના હેઠળ અનૌપચારિક શિક્ષણનાં ઘણાં કેન્દ્રો ખોલવાનાં છે. અમારી ઇચ્છા છે કે બિહારમાં આપની પ્રતિષ્ઠિત સંસ્થામાં સૌ પ્રથમ આવાં કેન્દ્રો ખૂલે.’

આ પછી આ યોજના વિશેની વિસ્તૃત માહિતી આપતાં તેમણે કહ્યું કે ભારત સરકારને પ્રતીતિ થઈ છે કે આપણા સંવિધાનમાં દરેક બાળકને ફરજિયાત શિક્ષણ આપવાની વાત કરવામાં આવી હતી. પણ તે લક્ષ્યથી આપણે હજુ ઘણા દૂર છીએ. જો કે આજે 2018 સુધીમાં એમાં ઘણું પરિવર્તન આવ્યું છે. લક્ષ્યથી દૂર રહેવાનાં કારણો જાણવા સરકારે વિશેષ સર્વેક્ષણ સમિતિની રચના કરી હતી. સમિતિએ લાંબાગાળાના પર્યવેક્ષણ બાદ એવું તારણ કાઢ્યું કે પ્રાથમિક શિક્ષણ નિ:શુલ્ક હોવા છતાં બાળકો શાળામાં દાખલ થતાં નથી. અથવા એવું પણ બને છે કે દાખલ થયા પછી થોડા સમયમાં શાળાએ જવાનું બંધ કરી દે છે. તેનાં કારણો આવાં છે. શાળાના શિક્ષણનો તેમનાં દૈનંદિન જીવન સાથે સુમેળનો અભાવ, અરુચિકર શિક્ષણ વ્યવસ્થા, શાળામાં સાધનોનો અભાવ, વગેરે. પણ મોટામાં મોટું કારણ તો તેમની આર્થિક સ્થિતિ છે. ગરીબ બાળકોને એમાંય વિશેષ કરીને ગામડાંમાં ખેતરમાં કામ પર જવું પડે છે. ક્યારેક મજૂરી કરવા પણ જવું પડે છે.

આથી નવી યોજના ‘કેપ’ હેઠળ એવાં કેન્દ્રો ખોલવાનો વિચાર કરવામાં આવ્યો છે કે જેમાં શાળાનો નિશ્ર્ચિત સમય નહીં હોય. જ્યારે બાળકો બપોરે કે રાત્રે કાર્યમાંથી પરવારી ગયાં હશે, ત્યારે આ કેન્દ્રો ખૂલશે અને ચાલશે. વળી અનૌપચારિક શિક્ષણનાં કેન્દ્રોમાં શિક્ષકો ફક્ત માર્ગદર્શકનું કાર્ય કરશે, એમાં કોઈ નિર્ધારિત પાઠ્યક્રમ નહીં હોય, બાળકોની જરૂરિયાત પ્રમાણે તેમના દૈનિક જીવન સાથે સંકળાયેલ ખેતી, પર્યાવરણ વગેરે પ્રમાણે વિષયો પર સરળ ભાષામાં રુચિકર સાહિત્ય ‘મોડ્યુલ’ અથવા ‘કેપ્સ્યુલ’ના રૂપે એન.સી.ઈ.આર.ટી. દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. આ સાહિત્ય દ્વારા તેમને શીખવવામાં આવશે.

ઓફિસરે આવાં કેન્દ્રોની શરૂઆત કરવા માટે ફરીથી આગ્રહ કર્યો. રામકૃષ્ણ મિશનના સંન્યાસીએ હસતાં હસતાં કહ્યું, ‘રામકૃષ્ણ મિશન દ્વારા આવાં ઘણાં કેન્દ્રો ઘણાં વર્ષોથી ઘણી જગ્યાએ ચાલે છે, પણ અમે એ યોજનાને ‘કેપ’ નામ નથી આપ્યું. એટલો જ ફેર છે.’ આ પછી અનૌપચારિક શિક્ષણ કેન્દ્રોની માહિતી આપતાં તેમણે કહ્યું કે દિવ્યાયન કૃષિવિજ્ઞાન કેન્દ્રના પ્રશિક્ષિત યુવાનો (જેમાંના મોટા ભાગના પછાત જાતિના છે) પ્રશિક્ષણ લીધા પછી પોતપોતાના ગામમાં પાછા જઈને ગ્રામ વિકાસનાં કાર્યક્રમો યોજે છે. એના ભાગરૂપે આવાં 70થી વધુ અનૌપચારિક શિક્ષણ કેન્દ્રો રાત્રે ચલાવે છે. એને લીધે બધાં બાળકો પોતાના કામથી પરવારીને આવી શકે છે. આ માટે તેઓ કોઈ પગાર લેતા નથી. સ્વામી વિવેકાનંદના ‘શિવજ્ઞાને જીવસેવા’ના આદર્શથી પ્રેરાઈને બાળકોને રાત્રી પાઠશાળામાં મફત માર્ગદર્શન મળે છે. સાક્ષરતાની સાથે ખેતી, વૃક્ષ ઉછેર, ગૌપાલન, મધમાખી ઉછેર જેવા દૈનિક જીવનમાં ઉપયોગી થાય તેવા વિષયો પણ શીખવે છે. સાંસ્કૃતિક કાર્યક્રમો, ભજનો વગેરે તો થતાં રહે છે. આ પછી જ્યારે તે ઓફિસરને કહેવામાં આવ્યું કે સ્વામી વિવેકાનંદે આજથી લગભગ 120 વર્ષો પહેલાં જ સર્વેક્ષણ સમિતિ દ્વારા હાલમાં તારવેલ વાત કહી દીધી હતી કે આર્થિક કારણોસર બાળકો શાળામાં નહીં જાય અને એ માટે તેમણે એ સમસ્યાનું સમાધાન પણ સૂચવ્યું હતું. આ વાત સાંભળીને પેલા ઓફિસર આશ્ચર્યચકિત થઈ ગયા.

મહમદે પર્વત પાસે જવું પડશે

20 જૂન, 1894ના રોજ શિકાગોથી સ્વામી વિવેકાનંદજીએ જૂનાગઢના દીવાન હરિદાસ વિહારીદાસ દેસાઈને પત્રમાં લખ્યું હતું, ‘ધારી લઈએ કે આપણે દરેક ગામડામાં મફત શિક્ષણ આપતી નિશાળો ઉઘાડી શકીએ; તો પણ ગરીબ વિદ્યાર્થીઓ તમારી શાળાઓમાં આવવાને બદલે રોજી કમાવા, ખેતી કરવા જ જશે. આપણી પાસે નથી પૈસા, તેમજ કેળવણી લેવા આવવાની આપણે તેમને ફરજ પાડી શકીએ એમ પણ નથી. આમ પ્રશ્ન તદ્દન આશા વિનાનો દેખાય છે. પણ આ અશક્ય દેખાતા પ્રશ્નને શક્ય બનાવવાનો માર્ગ મેં શોધ્યો છે, તે આ છે. જો પર્વત પ્રેમજી પાસે ન જાય તો પ્રેમજીએ પર્વત પાસે જવું. જો ગરીબો ભણવા ન આવી શકે તો આપણે તે ગરીબ લોકો પાસે તેમના ખેતરમાં, કારખાનામાં અને દરેક સ્થળે ભણતર પહોંચાડવું જોઈએ. કેવી રીતે ? આપે મારા ગુરુભાઈઓને તો જોયા છે. હવે ભારતમાંથી આવા સારા, નિ:સ્વાર્થ અને કેળવાયેલા સેંકડો યુવાનો હું મેળવી શકું તેમ છું. આવા માણસો ગામડે ગામડે જાય; ત્યાં તેઓ માત્ર ધર્મ નહીં પણ શિક્ષણ પણ ઘેર ઘેર ફરીને આપે.’ (6.188-89)

સ્વામીજીના ઉપરોક્ત વિચારોથી પ્રેરાઈને રામકૃષ્ણ મિશન દ્વારા કેટલાંય વર્ષોથી દેશના વિભિન્ન ભાગોમાં વિશેષરૂપે આદિવાસી વિસ્તારમાં લગભગ 1600 અનૌપચારિક શિક્ષણ કેન્દ્રો ચાલે છે. આ બધી માહિતી પ્રાપ્ત કરી સરકારી ઓફિસર મુગ્ધ થઈ ગયા. સરકારની ગ્રાંટ સ્વીકારવા જતાં કેટલી મુશ્કેલીઓ નડે છે તેનો ખ્યાલ હોવાથી રામકૃષ્ણ મિશને આ ‘કેપ’ કાર્યક્રમ હેઠળ ગ્રાન્ટ તો ન સ્વીકારી પણ એન.સી.ઈ.આર.ટી. દ્વારા પ્રકાશિત સાહિત્ય (‘મોડ્યુલ’ અને ‘કેપ્સ્યુલ’)નો સહર્ષ સ્વીકાર કર્યો.

જો આપણે આઝાદી પછી તરત જ સ્વામીજીના વિચારો પ્રમાણે અનૌપચારિક શિક્ષણનો દેશમાં પ્રસાર કર્યો હોત તો? તો કદાચ આપણે સમસ્ત દેશવાસીઓને ફક્ત સાક્ષર જ નહિ, સાચા અર્થમાં શિક્ષિત કરી શક્યા હોત. આજે આપણે આઝાદીનાં – લોકશાહીનાં – મીઠાં ફળોથી વંચિત છીએ એનું મુખ્ય કારણ છે આમજનતામાં – મતવાદ કરનારાઓમાં – શિક્ષણનો અભાવ. સ્વામીજી યુગદૃષ્ટા હતા. તેમણે આ સમસ્યા પારખી લીધી હતી અને એટલે જ એમણે શિક્ષણને સૌથી વધુ મહત્ત્વ આપ્યું હતું. મદ્રાસમાં 1897માં તેમણે ‘મારી સમર યોજના’ નામના પોતાના ભાષણમાં કહ્યું હતું, ‘પ્રજા શા માટે જાગતી નથી ? પ્રથમ પ્રજાને શિક્ષણ આપો. તમારું બંધારણ ઘડનારું મંડળ રચો, એટલે કાયદાઓ ઘડાતા આવશે. પ્રથમ જે શક્તિમાંથી, જે પ્રજાકીય સંમતિમાંથી કાયદો ઉત્પન્ન થવાનો છે એ શક્તિ, એ સંમતિ તો પેદા કરો ? રાજાઓ તો ગયા; નથી પ્રજાકીય સંમતિ, લોકોની નવી શક્તિ ક્યાં છે ? શક્તિને ઉપર લાવો. એટલા માટે, સામાજિક સુધારા માટે સુધ્ધાં, આપણી પહેલી જ ફરજ છે લોકોને શિક્ષણ આપવાની; એ સમય આવે ત્યાં સુધી તમારે રાહ જોવાની જ છે.’ (4.119)

સ્વામી વિવેકાનંદજીએ કહ્યું હતું, ‘મોહમ્મદે પર્વત પાસે જવું પડશે.’ એનું મહત્ત્વ હવે આપણે સમજી રહ્યા છીએ. આઝાદી પછી તરત જ જો આપણે ‘દૂરવર્તી શિક્ષણ’ પર ભાર મૂક્યો હોત તો? અહીં, તો તો દેશની અવસ્થા જુદી જ હોત!  ખેર, જાગ્યા ત્યારથી સવાર!

ભણતરનો ભાર

દિલ્હીમાં કરવામાં આવેલ એક મોજણીથી જાણવા મળ્યું છે કે જાહેર શાળાઓના પ્રાથમિક વર્ગોમાંના વિદ્યાર્થીઓના શાળાના દફતરનું સરેરાશ વજન

4 કિલો – ગ્રામથી વધુ છે ! પુસ્તકો અને નોંધપોથીઓનો થેલો લઈ જતાં પૂર્વ શાળાનાં બાળકો માટે પણ હાલનાં વર્ષોમાં પરિસ્થિતિ વધારે વણસી છે અને આ દૃશ્ય માત્ર મહાનગરો પૂરતું સીમિત નથી, પરંતુ નાનાં નાનાં નગરો અને મોટાં ગામડાંમાં પણ તે નજરે પડે છે. પણ આ ભૌતિક બોજ કરતાં પણ વધારે ભયંકર તો છે ભણતરનો બોજ. ભારત સરકારના માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા આજીવન સ્વશિક્ષણ અને કૌશલ-નિર્માણ માટેની ક્ષમતા સહિત શિક્ષણની ગુણવત્તા સુધારને શાળાના દરેક કક્ષાના વિદ્યાર્થીઓ, ખાસ કરીને નાના છાત્રો પરનો બોજ ઘટાડવા માટેનાં સાધનો અંગે સલાહ આપવા માટે એક રાષ્ટ્રિય સલાહકાર સમિતિ રચવામાં આવી. યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનના ભૂતપૂર્વ અધ્યક્ષ પ્રો. યશપાલના અધ્યક્ષપદ હેઠળની આ સમિતિમાં અન્ય સાત કેળવણીકારોને સભ્યરૂપે નીમવામાં આવ્યા. 15 જુલાઈ, 1993ના રોજ આ સમિતિએ પોતાનો અહેવાલ મંત્રાલય સમક્ષ રજૂ કર્યો છે. દેશભરની જુદી જુદી સંસ્થાઓ તેમજ શિક્ષકો અને કેળવણીકારો સાથે વિવિધ ચર્ચા-વિચારણા કરી, પરામર્શ લઈ, દેશના જુદા જુદા ભાગોમાંનાં પાઠ્યપુસ્તકોનું વિશ્ર્લેષણ કર્યા બાદ સમિતિએ આ અહેવાલ કર્યો છે. પ્રો. યશપાલ લખે છે, ‘આ અભ્યાસ બાદ, મને પોતાને અને સમિતિના મોટા ભાગના સાથીદારોને ખાતરી થઈ કે વધારે અનિષ્ટકારક બોજો તો સમજણના અભાવનો છે. વાસ્તવમાં સરકારી તેમજ મ્યુનિસિપલ શાળાઓના મોટા ભાગના આપણા વિદ્યાર્થીઓ પર નિરર્થક યંત્રવત્ બોજો વધુ નહિ હોય પરંતુ સમજણના અભાવનો બોજો એટલો જ દુ:ખદાયક છે. અમને એવું સૂચન કરવામાં આવ્યું છે કે હકીકતમાં અધવચ્ચે અભ્યાસ છોડી જનારાં બાળકો પૈકીનો મોટો વર્ગ કદાચ એવાં બાળકોનો હોય છે, જેઓ સમજણના અભાવ સાથે સમાધાન કરવા ઇચ્છતાં નથી. આવા વિદ્યાર્થીઓ, બરાબર સમજ્યા સિવાય કેવળ ગોખણપટ્ટી કરીને પરીક્ષામાં સારો દેખાવ કરનારા વિદ્યાર્થીઓ કરતાં ક્ષમતાની દૃષ્ટિએ ચડિયાતા હોય છે. હું અંગત રીતે માનું છું કે સંપૂર્ણ સારી રીતે સમજીને કરેલો ખૂબ થોડો અભ્યાસ અલ્પ સમજણથી કરેલા વધુ અભ્યાસ કરતાં વધુ સારો છે.’

‘ભારતનું ભાવિ’ એ વિષય પર 1897માં મદ્રાસમાં પોતાના ભાષણમાં સ્વામી વિવેકાનંદજીએ કહ્યું હતું, ‘શિક્ષણ એટલે તમારા મગજમાં ભરવામાં આવેલી, આખી જિંદગી સુધી પચ્યા વિના ત્યાં પડી રહીને તોફાન મચાવનારી માહિતીનો ઢગલો નહીં. આપણે તો જીવન ઘડનારા, મનુષ્ય ઘડનારા, ચારિત્ર્ય ઘડનારા વિચારોનું ગ્રહણ-મનન જોઈએ છે. જો તમે પાંચ વિચારોને પચાવ્યા હોય અને તેમને તમારા જીવન અને ચારિત્ર્યમાં ઉતાર્યા હોય તો, જે માણસે આખું પુસ્તકાલય ગોખી માર્યું છે તેના કરતાં તમે વધુ કેળવાયેલા છો.  ‘ચંદનનો બોજો ઉપાડીને ચાલનારો ગધેડો કેવળ ભારને જ ઓળખે છે, પણ ચંદનનું મૂલ્ય સમજતો નથી.’ જો શિક્ષણ અને માહિતી એક જ વસ્તુ હોય તો પુસ્તકાલયો દુનિયામાં મોટામાં મોટા જ્ઞાનીઓ હોત અને વિશ્વકોષો મહાન ઋષિઓ થઈ ગયા હોત.’ (4.212)

અન્ય એક પ્રસંગે સ્વામીજીએ કહ્યું હતું, ‘આજની શિક્ષણ પદ્ધતિ તદ્દન ખોટી છે. વિચાર કરવાનું આવડતાં પહેલાં જ મનમાં અનેક હકીકતો ઠાંસી ઠાંસીને ભરવામાં આવે છે. મનનો સંયમ પ્રથમ શીખવવો જોઈએ. જો મારે મારું શિક્ષણ ફરી લેવાનું હોય, અને તેમાં મને કંઈ કહેવાની છૂટ હોય, તો હું પ્રથમ મારા મન ઉપર કાબૂ મેળવતાં શીખું અને પછી મારે જોઈતી હોય તો બીજી હકીકત શીખું. લોકોને હકીકતો શીખતાં લાંબો સમય લાગે છે, કારણ કે તેઓ ધારે ત્યારે મનને એકાગ્ર કરી શકતા નથી.’ (ક્રમશ:)

Total Views: 285

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.