રેલ્વેના બે પાટાની વચ્ચે હું પડી હતી.

11 એપ્રિલ, 2011. રાતની શાંતિ ભયાવહ હતી. હું મારા હૃદયમાં અત્યંત વેગે થતા ધબકારા સાંભળી શકતી હતી. હવે મારો અંત બીજી ટ્રેન આવવા જેટલો જ જાણે દૂર હતોે. ટ્રેનો ધસમસ કરતી પસાર થયા કરતી હતી. મને ડરાવી દે તેટલી નજીકથી જતી હતી. મને તેમનો ગરજતો, ભયાવહ અને ડરામણો ફુત્કાર સંભળાતો હતો. ચાલતી ટ્રેનમાંથી ફેંકાતાં માનવ-મળમૂત્રની દુર્ગંધ જાણે કે મારું માથું ફાડી નાખતી હતી. આગગાડીનાં પૈડાં લોખંડના પાટા સાથે ઘસાઈને આગના તણખાં ઓકતાં હતાં, આ બધું હું સ્પષ્ટ જોઈ શકતી હતી.

હું અહીં હતી…. રેલ્વેના કોઈ બે પાટાની વચ્ચે મુકાયેલ પાટિયા અને કપચીવાળા ભાગમાં, ઠંડી અને ભયથી ઠૂંઠવાતી પડી હતી. મારી અસહ્ય પીડાને રોકવા બાજુના કોઈ બે પથ્થરને કચકચાવીને પકડી રાખીને ત્યાં પડી હતી. એવું લાગતું હતું કે જાણે લુહારના વજનદાર અને મોટા ઘણથી મને કોઈએ છૂંદી નાખી છે ! મારા જ લોહીથી મારી કાયા લથબથ બની હતી. ગાડીના પૈડાં મારા ડાબા પગ પરથી પસાર થઈ ચૂક્યાં હતાં અને જમણા પગના બધા સાંધા અને સ્નાયુઓનો ખુડદો બોલી ગયો હતો. બન્ને પગમાં કોઈ સંચાર થતો ન હતો. ઘણું લોહી વહી જવાથી મારી દૃષ્ટિ નબળી પડી ગઈ હતી. શરીરનું એકે એક અંગ પીડાથી રિબાતું હતું. મારાં આંસુ અટકતાં ન હતા. પીડા તો વધતી ચાલી અને એનો સામનો કરવો અત્યંત કઠિન હતો.

હું બેભાન બની ગઈ.

જ્યારે ફરી ભાન આવ્યું ત્યારે પરિસ્થિતિમાં સહેજેય સુધારો ન જણાયો. ઊલટાની પીડા વધતી જણાઈ. અને છેવટે આ યાતના સહન ન કરવાથી મારું શરીર બહેર મારી ગયું. થોડીથોડી વારે રેલ્વેના પાટા થરથરતા, એટલે બીજી ટ્રેન આવવાનો સંકેત મળતો. એક ટ્રેન મારી પાસેથી પસાર થાય અને એ જ જાણીતી પોતાની ચીસ જેવી વ્હિસલ વગાડે, ત્યારે મને દરેક વખતે લાગતું કે હવે બીજી ટ્રેન જોવા હું જીવતી નહીં રહું. એ જડ જેવા ડબ્બાઓ મારી લાચાર સ્થિતિની જાણે કે મજાક ઉડાવતા હોય એવું મને લાગતું. આ બધું થવા છતાં સદ્ભાગ્યે મારું મન હજી સક્રિય રહ્યું હતું. જાણે કે તે કહેતું ન હોય, ‘તારા હાથ અને બીજા અંગોને ફરી પાટા ઉપર રહેવા ન દેતી…. પડી જવામાંથી તારી જાતને સંભાળી લે….’

મારા પરિવારે અને એમાંય તો ખાસ મારા પિતા કે જેઓ એક સ્વાભિમાની સૈનિક હતા એમણે મને શિખવ્યું હતું કે છેવટ સુધી પ્રયત્નો કરતાં રહેવું. એટલે મેં જોરથી બરાડા પાડવા મંડ્યા, ‘કોઈ બચાવો, મને કોઈ બચાવો… કોઈ મને મદદ કરો ! મહેરબાની કરીને મને મદદ કરો !’ આમ મોટે મોટેથી બરાડા પાડતી રહી કે જેથી મારી બૂમો દૂર સુધી કોઈને સંભળાય. એવી આશા રાખી હતી, પણ ખરેખર તો મને લાગતા ભયને ભગાડવા માટે મેં ચીસો પાડી હતી. શું ખરેખર કોઈ મને સાંભળશે ખરું, એની મને શંકા તો હતી. સતત વહી જતાં લોહીને કારણે મારી શારીરિક શક્તિ ઝડપથી ઓસરતી જતી હતી. થોડા વખત પછી મારી આ ચીસો ઊંહકારોઓમાં બદલવા લાગી.

અને આમ છેક રાતે ત્યાં હોય પણ કોણ ? તદ્દન વેરાન જેવી જગ્યામાં હોય પણ કોણ ? અને હોય તોય આવી ચીસો સાંભળવા કોઈ તૈયાર થાય ? આટલી વહેમીલી અને સ્વાર્થી દુનિયામાં એવો કોણ માટીનો માનવી નીકળે ? મદદની આવી બૂમો અને તે પણ આવી ભેંકાર રાતના અંધારામાં ? તેની કોઈ પ્રતિક્રિયા આપવાનો વિચાર સુદ્ધાં કરવા માણસમાં મોટું ચારિત્ર્ય બળ જોઈએ. મને થયું કે મને જો આવી બૂમો સાંભળવા મળે તો હું શું કરત ? જો કે આવા કાલ્પનિક પ્રશ્નો ઉઠાવવાનો આ સમય જ ન હતો.

મારા વિચારોમાં મારા શરીર ઉપર સંચાર કરતી કોઈ ચીજને લીધે ખલેલ પડી. મને અત્યંત ભયાનક વિચાર આવ્યો કે ઉંદરોને કોઈ આમંત્રણની જરૂર હોતી નથી, અને એમાંય ખાસ તો રેલ્વેના પાટાઓ ઉપર. એ બધા જલદી મારા આખા શરીરે ફરી વળ્યા અને કેટલાક તો મને મારું શબ ગણીને કોતરવા પણ લાગ્યા. કેટલાક મજાથી મારા શરીરની જ્યાફત ઉડાવવા પ્રયત્નશીલ બન્યા. એમને ભગાડવા હું લાચાર અને અશક્ત હતી. મારા હાથ પગ ચાલતા જ ન હતા. તેઓ પહેલાં થોડું કોતરતા ગયા; કશો પ્રતિભાવ ન આવ્યો એટલે મોટા ઉંદરો તો આખા શરીરે ભૂતાવળ જેવા તીણા કર્કશ અવાજો કરવા લાગ્યા.

‘ખસો… ખસો… !’

મેં એમને હટાવવા માટે ડરાવવાનો પ્રયત્ન કરી જોયો. પણ તેઓ જડ બની ગયા. મારી ઠાલી બૂમો કે બબડાટને ઘોળીને પીઈ ગયા અને જ્યાં સુધી પાટાઓમાંથી ખડખડ અવાજ ન આવ્યો, ત્યાં સુધી મારા આખા શરીર ઉપર દોડતા રહ્યા. એ અવાજ મને અને તેમને જણાવતો હતો કે હવે બીજી ટ્રેનની સવારી આવી રહી છે. મને ખ્યાલ હતો કે એ ચીકણાં પ્રાણીઓ તો જેવી ટ્રેન પસાર થઈ જશે કે તરત પાછાં ફરશે. મારી આંખો વારેવારે આંસુથી છલકાતી હતી. પણ હવે તો જાણે રોવાનો પણ મને થાક લાગવા માંડ્યો. મને થયું કે જેમ હું નાની હતી અને સામું બોલવા માટે મારાં માબાપ મને મારતાં અને ત્યારે મને રડવું આવતું…. એ વખતે તો રોવાને લીધે પછી લાડપ્યાર મળતાં વળી શીરોપૂરી પણ…

મારા મનમાં અનેક ભાવનાઓની ભેળસેળ થઈ ગઈ.

ફરી રેલ્વેના પાટા ધણધણ્યા. શું આ મારા માટે છેલ્લી ટ્રેન હશે ? મને ધ્રુજારી આવી ગઈ. મેં પેલા પથ્થરોને જોરથી પકડ્યા. એક મિનિટ પછી મેં રાહતનો દમ લીધો. આની પહેલાંની 48 ટ્રેનોની જેમ આ ટ્રેન પણ મને કશું નુકસાન કર્યા વિના પસાર થઈ ગઈ અને મારા શ્વાસ હજી ચાલુ હતા. મને થયું : ખરેખર! કોઈક એવી શક્તિ છે કે જે ઇચ્છે છે કે મારા શ્વાસ ચાલુ રહે, મારી લડત ચાલુ રહે અને મને વિજય મળે. મારી સોનાની ચેઈનને હજી હું મારા ગળાની આજુબાજુ વીંટાયેલી અનુભવી શકતી હતી.

આવી પરિસ્થિતિમાં પણ એક વિચિત્ર અને ચમત્કારી ઘટના ઘટી. આ બધા વિચારો કરતાં કરતાં તારાઓની સામે જોતાં જોતાં હું થોડું સ્મિત કરી શકી !

Total Views: 358

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.