કોલકાતાની ઉત્તરે આશરે પચ્ચીસ માઈલને અંતરે આવેલા ચોવીસ પરગણાના રાજપુર (જગદ્દાલ) ગામમાં ઇ.સ. 1828માં ગોપાલચંદ્ર ઘોષનો જન્મ થયો હતો. એમના કુટુંબ વિશે ફક્ત એટલું જ જાણવા મળે છે કે એમના પિતાનું નામ ગોવર્ધન ઘોષ હતું.

કથામૃતના લેખક શ્રી મ. અનુસાર ગોપાલ ઠાકુરને 1870ના ઉત્તરાર્ધમાં મળ્યા હતા. 28 ઓક્ટોબર, 1882; 22 એપ્રિલ, 1883 અને 19 ઓકટોબર, 1884 એમ ત્રણ દિવસની વેણી પાલના ઉદ્યાનગૃહની ઠાકુરની મુલાકાતો મ. એ ખૂબ વિગતે વર્ણવી છે. આવા ઉત્સવ સમયે ગોપાલે ઠાકુરને કદાચ ટોળામાં જોયા હોય પણ એમના ચિત્ત ઉપર આની કોઈ ઊંડી છાપ પડી જણાતી નથી. વળી ગોપાલ અહંનાશ કરવાની પ્રકૃતિના હતા અને પોતાનેે આગળ પડતો જણાવવામાં માનતા ન હતા.

ઘડપણમાં પણ એ વહેલા ઊઠતા અને ધ્યાનજપમાં બેસતા. એમને સંધિવાની પીડા હતી એટલે પોતાની ઓરડીમાં એ નિયમિત વ્યાયામ કરતા. પછી ઠાકુરને વંદના કરવા એ મંદિરમાં જતા. એ પ્રાર્થના કરતા કે : ‘ઠાકુર, આ દેહ માટે હું વ્યાયામ કરું છું. મેં પૂરતું કર્યું છે, હવે મને મુક્ત કરો.’ પછી મઠની પ્રવૃત્તિઓ પર એ દેખરેખ રાખતા. મંદિરમાં સ્વામી પ્રેમાનંદ વિધિપુર:સરની પૂજા કરતા. કોઈ કામ અંગે એ કોલકાતા ગયા હોય તો સ્વામી અદ્વૈતાનંદ પૂજાવિધિ કરતા. બપોર પછી એ ચાલવા જતા અને માળીકામ કે ગૌશાળાનું કામ કરનારાઓને કંઈ તકલીફ હોય તો તે વિશે એમને એ પૂછતા. એ કાળે મઠમાં બધું કાર્ય જુવાન સાધુઓએ કરવું પડતું. પોતાના અનુભવોની વાત કરીને અદ્વૈતાનંદ તેમને મદદ કરતા.

અદ્વૈતાનંદને જાતે જ પોતાનું કામ કરવું ગમતું. એમની સેવા કરવા કોઈ એમને કહે તો એ ના પાડતા. સાધુઓએ બીજા કોઈની ઉપર આધાર રાખવો જોઈએ નહીં, ઈશ્વરાધીન રહીને સ્વાવલંબી હોવું જોઈએ એવો તેમનો અભિગમ હતો. એમને સંગીતનો શોખ હતો અને બીજા ગુરુભાઈઓ ભજન ગાતા હોય ત્યારે એ તબલાંની સંગત આપતા. કોઈવાર એમને ફુરસદ હોય ત્યારે પોતાના સુંદર હસ્તાક્ષરોમાં એ શાસ્ત્રોની નકલ કરતા. એ રોજ ગીતાપાઠ કરતા. પોતાના નિત્યપાઠ માટે પાંચ જુદી જુદી ગીતાની નકલો એમણે કરી હતી. કદાચ એમની પાસે પુસ્તક ખરીદવાના પૈસા ન હતા.

હાસ્ય વયની વાડને છેદે છે અને જીવનમાંથી એકવિધતા, ગમગીની અને દુ:ખને દૂર કહે છે. ઉદાહરણ તરીકે ફ્રાન્સિસ્કન મઠમાં ગમગીન ચહેરો ગુનો ગણાતો. ઈશ્વર અને માનવજાત પ્રત્યે ચહેરો હસતો રાખવો તે એ મઠના પાદરીઓ માટે આવશ્યક હતું. પોતાના આનંદથી એમણે પ્રભુને ખુશ રાખવાના હતા અને પોતાની ચીસોથી અને રુદનથી એમને કંટાળો આપવાનો ન હતો. શ્રીરામકૃષ્ણના સાધુઓને ભયથી પીડાતા અને જીવનમાં શોક આણતા ધર્મોની કંઈ પડી ન હતી. ધર્મમાં હાસ્યને પણ સ્થાન છે અને જે આનંદ એ અનુભવતા તે એમનાં જીવનમાં વ્યક્ત થતો એમ એ સૌ ઠાકુર પાસેથી શીખ્યા હતા. અદ્વૈતાનંદમાં અદ્‌ભુત હાસ્યવૃત્તિ હતી અને પોતાના બંધુઓને શીખવવાનું તેમને ગમતું. ઉદાહરણ તરીકે એમને ચા ગમતી નહીં, જ્યારે સુબોધાનંદને એ ખૂબ પ્રિય હતી. એટલે એક દિવસે એમણે સુબોધાનંદને કહ્યું : ‘જો ભાઈ, ચા પીવાનું બંધ કરી દે નહીં તો તને ઝાડામાં લોહી પડશે.’ પણ સુબોધાનંદે ભારપૂર્વક કહ્યું : ‘ગોપાલદા, ચાનું દરેક ટીપું લોહીનું એક ટીપું પેદા કરે છે.’ ‘ઠીક ભાઈ, વધુ ઢીંચ’, અદ્વૈતાનંદે મશ્કરીમાં કહ્યું. બધા હસી પડ્યા.

Total Views: 824

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.