અમરકંટકથી નીકળી સાગરસંગમ સુધીના આશરે 1800 કિ.મી. દરમિયાન અનેક ઘાટ-તીર્થો, ગ્રામો, સંતો-સંપ્રદાયો, યોગીઓ, વિવિધ વનરાજી અને વિશેષ કરીને શ્રીશ્રીમા ભગવતી નર્મદામૈયાનાં અલગ અલગ રૂપોનાં દર્શન થાય છે. એટલે જ ઋષિઓએ ગાયું છે :

क्षणे क्षणे यद् नवतामुपैति तदेव रूपं रमणीयता:।

‘નર્મદા ક્ષણે ક્ષણે અનેકવિધ રૂપ-લાવણ્ય તથા રમણીયતા ધારણ કરે છે.’ તથા કોઈ સંતોએ ગાયું છે:

प्रभाते वहति गंगा, मध्याह्ने तु सरस्वती ।

अपराह्ने सर्व तीर्थानि रात्रौ वहति नर्मदा ॥

નર્મદાજી સવારે ગંગા સ્વરૂપે, મધ્યાહ્ને સરસ્વતી સ્વરૂપે, બપોર પછી સર્વ તીર્થ સ્વરૂપે અને રાત્રે નર્મદાજી રૂપે વહે છે. (તે તે સમયે સ્નાન કરવાથી, તે તે પુણ્ય સરિતાઓમાં સ્નાન કર્યાનું પુણ્ય પ્રાપ્ત થાય છે.)

ભટીયાણ તેલીમાં સીતારામ બાબાનાં દુર્લભ દર્શન થયાં. ઓમકારેશ્ર્વરથી સનાવત પહોંચી કચરાવતવાળી બસમાં ભટીયાણ તેલી પહોંચી શકાય. અહીં નર્મદાતટે વિશાળ ઘાટ હોવા છતાં ઘાટ અને ગ્રામમાં ગંદકી જ વધુ દેખાઈ આવી હતી. અમે બપોરે પ્રસાદ ગ્રહણ કરીને આગળ જવા રવાના થયા. ભટીયાણથી થોડેક જ દૂર કિનારાના ઊંચા ટેકરા પર ગોધારેશ્ર્વર શિવજીનું પ્રાચીન સ્થળ. આ સ્થળને ગોધારીઘાટ કે સાતપીપળી ઘાટ પણ કહેવાય છે.

પ્રાચીનકાળમાં કોઈ એક બ્રાહ્મણને ગૌહત્યાનું પાપ લાગ્યું હતું. એના નિવારણાર્થે એણે અનેક તીર્થનાં દર્શન કર્યાં, દાનપુણ્ય કર્યું પણ પાપ ન ગયું. પછી કોઈ એક મહાત્માની આજ્ઞાથી એણે નર્મદાપરિક્રમા કરી. એ મહાત્માએ એને પીપળાની એક લાકડી આપી કહ્યું હતું કે તું નર્મદાજીમાં સ્નાન કરે ત્યારે આ લાકડીને જળમાં ડુબાડતો રહેજે. જે સ્થળે આ પીપળાની લાકડીમાં સાત અંકુરો ફૂટે તે સ્થળે તારું પાપ નાશ પામશે. ગોધારીઘાટના આ સ્થળે એ પીપળાની લાકડીમાં સાત અંકુરો ફૂટ્યા હતા અને ગોહત્યાનું પાપ નષ્ટ થયું હતું. આથી આ સ્થળ ગોધારીઘાટ કહેવાય છે. એ લાકડીમાં ફૂટેલા સાત અંકુરોને, અહીં વાવી દેવામાં આવતાં, સાત પીપળા ઊગી નીકળ્યા હતા. તેથી આ સ્થળ સાતપીપળા તરીકે પણ ઓળખાયું છે. જો કે હવે એ પીપળા નથી. અહીં પ્રાચીનકાળમાં ઘણા યજ્ઞો થયા હતા. અહીં શિવપૂજન કરવાથી કૈલાસવાસ મળે છે. પિતૃતર્પણ, શ્રાદ્ધ, પિંડદાન, વગેરે કર્મોનું અહીં વિશેષ ફળ મળે છે. એક એવો પણ મત છે કે જમદગ્નિ ઋષિએ પણ ગોધારીઘાટ પર તપશ્ર્ચર્યા કરી હતી.

ત્યાંથી 4 કિ.મી. દૂર સસાવડ ગામે પહોંચ્યા. સંધ્યા થવાની તૈયારી. ગામ વચ્ચે આવેલ મંદિરના ઓટલા પર વિસામો ખાવા બેઠા. તપાસ કરતાં જાણ થઈ કે ગામને છેડે રેણુકા મંદિરે તથા ગામની અંદર બીજી તરફ આવેલ હનુમાનજી મંદિરે પરિક્રમાવાસીઓ માટે વ્યવસ્થા થતી હોય છે.

ત્યાં કેટલાક યુવાનો આવી અમને હનુમાનજીના મંદિરે જ રહેવાની સલાહ આપવા લાગ્યા. ત્યાં એક જટાધારી રામાયતી સાધુ અને એના એક યુવાન ચેલાનો પણ ભેટો થયો. વાતવાતમાં જાણવા મળ્યું કે તે જટાધારી ગાંજાની ચલમ ફૂંકે છે. રોજની આઠ ચલમ તો જોઈએ જ. એક ચલમમાં આશરે 50 રૂપિયાનો ગાંજો ભરાય. એટલે આ જટાધારીનું સમાજે ભરણપોષણ કરવા માટે ખાલી ગાંજાના જ 400 રૂપિયા! પણ એ જટાધારીનો અમારા પ્રત્યે ખૂબ મૃદુ અને સૌજન્યપૂર્ણ વ્યવહાર હતો. તેઓ પણ અમારી સાથે હનુમાન મંદિરે આવવા તૈયાર થયા. અમે લોકોએ તેમને રેણુકા મંદિરે જવાનો આગ્રહ કર્યો, પણ તેઓ સૌજન્યપૂર્ણ રીતે હનુમાન મંદિરે અમારી સાથે આવવા લાગ્યા.

ત્યાંના યુવાનોએ અંદરોઅંદર નક્કી કર્યું કે આજે સાંજે બાબાજીઓને ગરમ ગરમ દાળબાટી બનાવીને ખવડાવીશું તથા સાંજે ભજનમંડળી દ્વારા ભજનોનો કાર્યક્રમ પણ ગોઠવીશું. હનુમાન મંદિરની પાસેના નાનકડા ઓરડામાં બીજા સામાનની સાથે માત્ર બે જ જણાની રહેવાની વ્યવસ્થા હતી. બીજા કોઈને કષ્ટ ન થાય એ રીતે જટાધારી અને એના ચેલાએ હનુમાન મંદિરમાં જ રહેવાનું નક્કી કર્યું. આજે એકાદશી હતી. એ રામાયતી સાધુને તો ઉપવાસ! એમણે તો આ યુવાનોને કહી દીધું કે બે લીટર દૂધ જોઈશે. અમારો તો પિત્તો ગયો, એક તો ગાંજો અને પાછું દૂધ! એ સાધુ નિત્યક્રમ પ્રમાણે ગામના હેન્ડપંપ પાસે સ્નાન કરી, ટીલાંટપકાં કરી, પૂજાપાઠમાં બેસી ગયા.

અમારા લોકોનાં પણ જપધ્યાન, પૂજાપાઠ, આરતી વગેરે સંપન્ન થયાં. એ દરમિયાન ગામના યુવાનોએ અમારી નાનકડી ઓરડીની સામે છાણાઓનો નાનકડો ઢગલો કરીને આગ સળગાવી. થોડીવાર પછી લાલ આંચમાં ઘઉંના લોટની ગોળ ગોળ બાટીઓ મૂકીને શેકવા લાગ્યા. આ કુદરતી ચૂલાની ધીમી આંચમાં આ બાટીઓ પણ અંદર સુધી શેકાઈ જતી હોય છે! પછી એને સાફ કરીને, શુદ્ધ ઘીમાં બોળી, પછી મસાલેદાર દાળ સાથે પલાળીને ખાવાની ખૂબ જ મજા !

ભોજનપ્રસાદ બાદ યુવાનોએ ભાવપૂર્વક ભજન-કીર્તનમાં સામેલ થવાનો આગ્રહ કર્યો. અમે પણ નાનકડા હનુમાનજી મંદિરમાં ગામની મંડળી સાથે ભજનમાં સામેલ થઈ ગયા. ત્યાં જટાધારી અને તેનો ચેલો પણ આસન લગાવીને ખૂણામાં બેઠા હતા. થોડાં ભજનો પછી કેટલાક યુવાનોએ સત્સંગની વાતો કરવા કહ્યું. નાછૂટકે અમારે સત્સંગની કંઈક વાતો કરવી પડી.

મેં તેઓને રામાયણની બે ઘટનાઓ અંગે પ્રશ્નો પૂછ્યા. પ્રથમ, શ્રીરામજીએ શિવજીનું ધનુષ તોડી નાખ્યું છે, મા જાનકી વરમાળા લઈ શ્રીપ્રભુની સન્મુખે ઊભાં છે. પ્રભુ શ્રીરામચંદ્ર નતમસ્તક થયેલા તો છે જ, છતાં જાનકી મૈયા વરમાળા પહેરાવી શકતાં નથી. કારણ કે શ્રીરામજીની ઊંચાઈ જાનકી મૈયા કરતાં થોડી વધુ હતી. કાં તો રામજીએ વધુ ઝૂકવું પડે અથવા જાનકી મૈયાએ અશોભનીય રીતે માળા પહેરાવવી પડે. આમ, રામચંદ્રજી નતમસ્તકે ઊભા છે અને જાનકીજી વરમાળા લઈને ઊભાં છે, સમય ચાલ્યો જાય છે. આ સમસ્યાનો ઉકેલ કેવી રીતે આવ્યો એ કહો.

બીજી ઘટના, વિશ્વામિત્ર શ્રીરામજી અને લક્ષ્મણજીને જનકપુરીમાં લાવ્યા હતા. જનક રાજાએ લગભગ આસપાસના અને દૂરના મહત્ત્વપૂર્ણ બધા જ રાજા, મહારાજા અને રાજકુમારોને આ ધનુષયજ્ઞમાં ભાગ લેવા આમંત્રણ આપ્યું હતું. પરંતુ અયોધ્યાના મહારાજા દશરથજીને કેમ નહોતું આપ્યું? ગામની મંડળીઓના કોઈ પણ જવાબ આપી ન શક્યા. પરંતુ ખૂણામાં બેઠેલા જટાધારી આનંદપૂર્વક ગરજી ઊઠ્યા અને બંને પ્રશ્નના સુંદર ઉત્તર આપ્યા. ત્યારે અમે તેમના રામાયણ પ્રત્યેના અધ્યયનને મનોમન વંદી રહ્યા!

આ પહેલાં જટાધારી સાથેની વાતચીત અને સાંનિધ્યથી અમને એમનાં નિષ્ઠા, સાદાઈ, કઠોરતા, સમાજ પ્રત્યેની ઉદાસીનતા એટલે કે વૈરાગ્યભાવ અને પવિત્રતાનાં અદ્‌ભુત દર્શન થયાં હતાં! સાંજે તેમની પાસે બેઠા હતા એ દરમિયાન એમના ચીપિયાને એકવાર ઉપાડ્યો હતો. હું તો દિઙ્મૂઢ થઈ ગયો! છ-સાત કિલોનું વજન! તેમના મોટા કમંડળનું વજન પણ બે-ત્રણ કિલો!

આપણા મનમાં અનેક પ્રકારની ગ્રંથિ હોય છે. મારા મનમાં પણ એક ગ્રંથિ હતી કે બધા જ જટાધારી ગંજેરી હોય છે અને બધા જ ગંજેરી સમાજ પર નકામા બોજરૂપી હોય છે. હવે વિચાર કરો, સામાન્ય બાંધાના જટાધારીએ પોતાની પાસે રહેલ પવિત્ર શાલિગ્રામ, પૂજાપાની સાથે સાથે પોતાનો સામાન, આ ચીપિયો અને જળ ભરેલ કમંડળ લઈને ચાલવાનું ! એ તો હાથમાં કોદાળી આવે ત્યારે ખબર પડે કે એનું વજન કેટલું છે ! આ ઉપરાંત તેમના સંપ્રદાય અને તેના શાસ્ત્ર પ્રત્યેનાં ભક્તિ અને અધ્યયન અચંબિત કરતાં હતાં.

મારી મનોગ્રંથિ તૂટી ગઈ. એક તો બધા જટાધારી ગંજેરી નથી હોતા, અને બધા જ ગંજેરી સાધુઓ પણ નકામા નથી હોતા. શ્રીરામકૃષ્ણદેવ કહેતા તે પ્રમાણે સાધુઓનું ભૂષણ કામિની-કાંચન ત્યાગ અને સત્ય પરની નિષ્ઠા. બહારથી આપણને લાગતા નકામા અને સામાન્ય સાધુઓમાંથી પણ ઘણા પૂર્ણરૂપે ઉપરોક્ત ગુણોમાં પ્રતિષ્ઠિત થયેલા જોવા મળે છે. જટાધારી અને તેમના ચેલાને મનોમન પ્રણામ સમર્પિત કરીએ.

Total Views: 213

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram