સમગ્ર ગીતામાં નિર્દેશાયેલો કર્મયોગ લોકસંગ્રહના આદર્શને પોતાની સામે જ રાખે છે. આપણે સૌ એકબીજા સાથે સંકલિત છીએ. પરસ્પર આધારિતતાની એ ભાવના આ અધ્યાયના અગાઉના એક શ્ર્લોકમાં આપણે કાને પડી હતી : परस्परं भावयन्त: श्रेय: परमवापस्यथ, કરોડો લોકો દુ:ખમાં સબડતા હોય તો હું એકલો સુખી કેવી રીતે બની શકું ? એક જ દેશમાં બે જુદી દુનિયા આપણને આજે પણ જોવા મળે છે : એક અસહ્ય ગરીબાઈથી પીડાતી, ભયંકર અછતોમાં સબડતી; ને બીજી ખૂબ ધનિક, ઊંચે સ્તરે જીવતી અને ઉપભોગના વલણવાળી. આત્માને લાગેવળગે છે ત્યાં સુધી એ મરી ન ગયો હોય, તો માણસ આવી સ્થિતિમાં રહી શકે કેમ કરીને ? તો એ અસમાનતા દૂર થાય ત્યાં સુધી કામે લાગી રહો. એટલે શ્રીકૃષ્ણ કહે છે,

कुर्यात् विद्वान, ‘વિદ્વાને એ રીતે કામે લાગવું જોઈએ, चिकीर्षु: लोकसंग्रहम्, ‘આખા જગતમાં સુખ અને અભ્યુદયને લાવવા માટે.’ આ અદ્‌ભુત વિચાર છે. લોકશાહીમાં આપણે નાગરિકજવાબદારીઓની વાત કરીએ છીએ, ત્યારે આપણને આ વિચાર સાંપડે છે. નાગરિક એટલે એક રાષ્ટ્રમાં રહેનાર જ નહીં, પણ જે રાષ્ટ્રનો છે અને રાષ્ટ્ર માટે છે. દેશના લોકો સાથે એ પોતાની જાતને એકરૂપ માને છે. તો જ એ સાચો નાગરિક બની શકે. આવું નાગરિકત્વ પ્રબુદ્ધ અભિગમ સૂચવે છે. દરેક દેશમાં દરેક વ્યક્તિએ આ સાચો અભિગમ અપનાવવો જોઈએ. પછી બીજો શ્ર્લોક આવે છે :

न बुद्धिभेदं जनयेदज्ञानां कर्मसङ्गिनाम्।

जोषयेत्सर्वकर्माणि विद्वान्युक्त: समाचरन् ॥26॥

‘કર્મમાં આસક્તિવાળા અજ્ઞાનીઓની બુદ્ધિને કોઈએ ડોળવી નહીં; યોગબુદ્ધિથી કર્મ આચરતા રહીને વિદ્વાને અજ્ઞાનીઓને કામે લગાડવા.’

તમારી આસપાસ અજ્ઞાનીઓ હોય, તો એમનાં મનને કે વલણોને તમારે ડોળવાં નહીં. જાત સુધારવામાં તમારે એમને સહાય કરવી. પણ એમ કરતી વેળા એમનાં મનને અસ્થિર કરી નાખીને એમને ગભરાવી ન મારવા. જે ગ્રહણ કરવાને લોકો તૈયાર ન હોય, એવી વાત એમની પાસે કરવાથી એ બેબાકળા બની જાય; આ યોગ્ય નથી. એમને બરાબર ગળે ઉતરાવો, ધીમે ધીમે અક્કેક ડગલું એમને આગળ દોરો, આ બોધ છે. પણ બેબાકળા બનાવવા માટે કોઈને કંઈ કહેવું તે યોગ્ય નથી. એ લોકો બુદ્ધિશાળી નથી, ભણેલા નથી, માટે બધી વિલક્ષણ વાતો કહીને આપણે એમનાં ચિત્તને ભડકાવવાં જોઈએ નહીં. એટલે શ્રીકૃષ્ણ કહે છે, न बुद्धिभेदं जनयेत्, ‘લોકોનાં મનમાં બુદ્ધિભેદ ઊભો નહીં કરો’; કયા લોકો ? ‘જે એટલા જ્ઞાની નથી પણ કર્મ પ્રત્યે આસક્તિવાળા છે તેઓ’, अज्ञानां कर्मसङ्गिनाम् जोषयेत् सर्वकर्माणि विद्वान्, ‘વિદ્વાન, જ્ઞાની, બીજાઓ કરે છે તે કર્મો કરશે અને એ માર્ગમાં એ દૃષ્ટાંતરૂપ બનશે.’ અને આમ એમને ઉચ્ચતર સપાટીએ જતા કરશે, આપણે એમની જોડે જવાનું છે.

ઘણા સમય અગાઉ મેં અમેરિકન બ્રૂસ બર્ટનનું એક પુસ્તક વાંચ્યું હતું. એણે કહ્યું હતું, ‘વિદ્યાર્થીની કક્ષાએ ઊતરીને એને ધીમે ધીમે ઉપર લઈ જાય, તે સારો શિક્ષક.’ તમારે ચાલતી ગાડીએ ચડવું હોય, તો તમારે ગાડી સાથે દોડવું જોઈએ અને પછી એમાં ચડવું જોઈએ; નહીં તો તમારે ભોગવવું પડે. મહાન શિક્ષકો એમ જ કરે છે. લોકોની વચ્ચે જાઓ, પછી એમને બોધ આપો. ઈસુ અને બુદ્ધ જેવા મહાપુરુષો એ પ્રકારના છે. બધા ઉત્તમ આચાર્યો એ પ્રકારના છે. શ્રીરામકૃષ્ણનું પણ એ જ લક્ષણ હતું. ન્યૂયોર્ક અને લંડનમાં 1896માં અપાયેલાં ‘મારા ગુરુદેવ’ પરનાં બે પ્રવચનોમાં સ્વામી વિવેકાનંદે (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા 5.37) કહ્યું છે:

‘કોઈ પણ માણસની શ્રદ્ધાનો નાશ કરવાનો પ્રયત્ન કરતા નહીં. બને તો જે કંઈ વધારે સારું હોય તે તેને બતાવો; બને તો જે કક્ષાએ તે હોય ત્યાંથી સહાય આપીને તેને ઉપર ઉઠાવો. પરંતુ જે સ્થાને તે હોય, તેનાથી તેને નીચે તો ન જ પટકો. જે પોતાને ક્ષણભરમાં હજારો જુદી જુદી વ્યક્તિઓ સાથે એકરૂપ કરી શકે તે જ સાચો ગુરુ છે. શિષ્યની મનોભૂમિની સપાટીએ જે તરત જ ઊતરી આવે, પોતાનો આત્મા પોતાના શિષ્યના આત્મા સાથે જે એકરૂપ કરી શકે; જે શિષ્યની દૃષ્ટિએ જોઈ શકે, તેને કાને સાંભળી શકે, તથા તેના મગજ દ્વારા સમજી શકે, એ જ સાચો ગુરુ છે. એવા જ ગુરુ સાચો ઉપદેશ આપી શકે, બીજા કોઈ નહીં. જે આ બધા નિષેધક, નિરુત્સાહક તથા સંહારક ગુરુઓ છે, તેઓ કંઈ જ ભલું કરી શકતા નથી.’

એટલે જે લોકો ખૂબ શિક્ષિત કે પ્રબુદ્ધ નથી, તેમનાં ચિત્તને અમૂર્ત ખ્યાલો આપીને આપણે ખળભળાવવાં જોઈએ નહીં. વ્યક્તિને એક એક પગથિયું ચડાવીને ઊંચે ઉઠાવવી તે શિક્ષણ છે, માટે શ્રીકૃષ્ણ કહે છે : जोषयेत् सर्वकर्माणि, ‘એ કામ કરે છે, તમે પણ એ રીતે કામ કરો.’; એને દૃષ્ટાંતરૂપ બનો. એ વ્યક્તિને જરૂર છે માટે, તમે એને ચોક્કસ દિશાની કેળવણી આપી રહ્યા છો. બીજા લોકોની કક્ષાએ આવીને એમની જાણ વિના એમને ઉપર ઉઠાવે તે સાચો યોગી છે. પેલી વ્યક્તિ જે કક્ષાએ છે, ત્યાંથી ઉપર ઉઠાવવા માટે યોગીનો સ્પર્શ પૂરતો થઈ પડે. તો સમાજમાં જ્ઞાનીઓએ આ દાખલો બેસાડવાનો છે.

પછી પ્રકૃતિ અને પ્રકૃતિનાં કાર્યરત પરિબળો તથા મનુષ્યોમાં પણ કાર્યરત એ પરિબળોની ચર્ચા કરતો વિભાગ આવે છે. સમગ્ર પ્રકૃતિ સત્ત્વ, રજસ્ અને તમસ્ એ ત્રણ ગુણો અર્થાત્, ત્રણ શક્તિઓની બનેલી છે. એ ભારતીય તત્ત્વજ્ઞાને વિકસાવેલો અદ્‌ભુત વિચાર છે. એ ગુણો તમારામાં છે અને મારામાં છે. પ્રકૃતિ આપણી અંદર છે તેમજ બહાર પણ છે. પ્રાચીન સાંખ્યદર્શને રજૂ કરેલું આ મહાન દાર્શનિક સત્ય છે અને વેદાંતે તેમજ બીજાઓએ એને અપનાવેલ છે. સત્ત્વ, રજસ્, તમસ્ છે; એક, જડતા તમસ્ છે. બીજો, પ્રચંડ શક્તિ છે તે રજસ્; અને સમત્વ, શાંતતા એ સત્ત્વ છે. હવે આ ગુણો સમતોલ હોય છે; આ સમતોલતાની સ્થિતિ તે પાશ્ર્ચાત્ય ખગોળ ભૌતિકશાસ્ત્રમાંની એકત્વની સ્થિતિની સમાન છે. એ સંતુલન તૂટે, ત્યારે બ્રહ્માંડની ઉત્પત્તિ આરંભાય, ત્યારે જ વૈવિધ્ય શકય બને. એટલે એના આદિ સ્વરૂપમાં, પ્રકૃતિમાં સત્ત્વ, રજસ્ અને તમસ્ એ ત્રણ ગુણો પૂર્ણપણે સંતુલિત હતા. તો સર્જન સમયે શું બન્યું ? થોડું અસંતુલન ઊભું થયું. એ વધતું ગયું અને બ્રહ્માંડની ઉત્પત્તિનું નિમિત્ત એ બન્યું, એકમાંથી અનેક થયાં. બધું આ સત્ત્વ, રજસ્ અને તમસ્ની લીલા છે. તમને ખૂબ આળસ ચડી છે ને તમે મૂંગામંતર પડ્યા રહો છો, ત્યારે તમારામાં તમોગુણ પ્રધાન છે. ખૂબ ક્રિયાશીલ અને શક્તિથી ઊભરાતા હો, ત્યારે રજોગુણ પ્રધાન બને છે. પણ તમે પૂર્ણપણે ગંભીર અને શાંત હો – આપણામાં કોઈકવાર એવો ભાવ જાગે છે – ત્યારે તમે સત્ત્વગુણ પ્રધાન બનો છો. આ સત્ત્વ, રજસ્ અને તમસ્નો વિષય તથા આ જીવનમાં જ એમની પાર શી રીતે જવું, તે ગીતાના 13, 14 અને 15મા અધ્યાયનો મુખ્ય વિષય છે.  (ક્રમશ:)

Total Views: 330

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.