અમેરિકામાં શિકાગો મુકામે યોજાયેલ વિશ્વ-ધર્મપરિષદમાં સ્વામી વિવેકાનંદ પોતાની દિવ્યવાણી થકી સમગ્ર દેશમાં છવાઈ રહ્યા. અનેક અમેરિકન ભાઈ-બહેનો, સવિશેષ યુવક-યુવતીઓ સ્વામીજીનાં તેજસ્વી વ્યક્તિત્વ અને મૌલિક વિચારોથી ખૂબ પ્રભાવિત થયાં. તેઓ તેમની સાથે સત્સંગ માણવાનો અવસર અચૂક ઝડપી લેતાં. સ્વામીજીને યુરોપભરમાંથી પ્રવચન અને પ્રવાસ માટે આમંત્રણો મળવા માંડ્યાં. તેઓ ફ્રાન્સ મુકામે પેરિસ શહેરમાં પણ ગયા. અહીં યોજાયેલ બેઠકમાં, જે કેટલાક જિજ્ઞાસુઓ એકત્ર થયા તેમાં એક હતાં શ્રીમતી મોડ સ્ટમ.

શ્રીમતી મોડ સ્ટમ પહેલી જ વાર સ્વામીજીની સત્સંગસભામાં આવ્યાં હતાં. તેઓ સ્વામીજીની સામે નજીકની જ ખુરશી પર બેઠાં હતાં. સ્વામીજીનો ઘેરો અને મધુર અવાજ તેમના કાનોમાં ગૂંજી રહ્યો હતો. પછી તો જ્યાં જ્યાં પ્રવચનો યોજાતાં ત્યાં ત્યાં મોડ સ્ટમ પહોંચી જતાં અને સ્વામીજીની સામે નજીકની ખુરશી પર બેસતાં. આથી તેઓ સહજમાં સ્વામીજીનાં પરિચિત અને પછી અંતેવાસી સમાન બની રહ્યાં. તેઓ સ્વામીજીના વ્યક્ત વિચારો અને વર્તનોની ઝલક અંગ્રેજીમાં શબ્દસ્થ પણ કરતાં રહ્યાં, તેમાંની કેટલીક સામગ્રીનો સંક્ષેપ અત્રે પ્રસ્તુત છે :

અગ્નિવર્ણનાં (ભગવાં) વસ્ત્રો ધારણ કરતા સ્વામીજીની વિશાળ આંખો સામેનાને આત્મીયતાનો અહેસાસ કરાવતી. એમની ચાલમાં પણ લય અને ગૌરવ ઝળકતાં હોય તેવું લાગતું. તેઓ મનમોજી કવિ સમાન દીસતા. એમની હાજરીમાત્રથી આસપાસમાં ભવ્યતાનો માહોલ સર્જાઈ જતો.

સ્વામીજી જિજ્ઞાસુ એવા કે નવી નવી ભાષાઓ જાણવા-શીખવાનો અવસર મેળવવા ઇચ્છતા. મોડ સ્ટમ સામે તો પ્રથમ મુલાકાત વખતે જ ફ્રેન્ચ ભાષા શીખવાનો થનગનાટ એમની સાથે વાતવાતમાં ઊતરી આવ્યો હતો. જો કે સ્ટમ પણ ફ્રેન્ચ ભાષા જાણતાં નહોતાં પણ તેઓ ચિત્રકળા જાણતાં. સ્વામીજી માનતા કે કોઈ ને કોઈ ગમતી પ્રવૃત્તિઓમાં હાથ રોકાયેલા હોય તો વ્યર્થ ચિંતાઓથી મુક્ત રહેવાય.

એ દિવસોમાં સ્વામીજીને ચિત્ર-સાધના કરવાનો ઉત્સાહ થઈ આવ્યો. શ્રીમતી મોડ સ્ટમ પાસે ચિત્રકળા શીખવાના પહેલા દિવસે સ્વામીજી નિર્ધારિત સમયે હાજર થયા. ચિત્રગુરુનું અભિવાદન કર્યું અને એમના હાથમાં સફરજન મૂક્યું. સ્ટમે સફરજન મૂકવાનું રહસ્ય પૂછ્યું. સ્વામીજીએ કહ્યું, ‘આ વિદ્યામાં સફળતા મેળવવાની કામનાનું પ્રતીક છે.’

પીંછી હાથમાં લેવાની સાથે સ્વામીજી ચિત્રસૃષ્ટિમાં જાણે કે મગ્ન થઈ ગયા. જોતજોતામાં તો તેઓ સામે બેઠેલ વ્યકિત કે રાખેલ વસ્તુનાં ચિત્રો સર્જવા લાગ્યા. ચિત્રો દોરી શકવાથી તેઓ એટલા આનંદિત થતા કે તેઓ સ્ટમનો વારંવાર આભાર માનતા!

સ્વામી વિવેકાનંદને ગીત-સંગીતનો ભારે શોખ. તેઓ ગાય અને બજાવેય ખરા! કાવ્યો પણ રચતા. તેઓ બાળકની જેમ દરેક ચીજમાં આનંદ શોધી લેતા. આઈસક્રીમ એમની ફેવરિટ આઈટમ! ભોજન પછી ધૂમ્રપાન કરવા થોડે દૂર નીકળી જતા. તેઓ હસ્તરેખાશાસ્ત્રના જાણકાર. સ્વામીજીની સરળતા એવી કે જિજ્ઞાસુ પ્રસંશકે માથે સાફો બાંધવાની બાબતે જિજ્ઞાસા દર્શાવી ત્યારે મિત્રભાવે પોતાનો સાફો ઉતારીને ફરી બાંધી બતાવ્યો, એટલું જ નહીં, ભારતની વિવિધ જાતિઓમાં પહેરાતા સાફા બાંધવાની અલગ અલગ પદ્ધતિઓનું નિદર્શન કરી બતાવ્યું! એકવાર પોતે ભારતથી અમેરિકા આવ્યા ત્યારે આત્મીય શિષ્યા જોસેફાઈન મેક્લાઉડ માટે કીમતી બોટલમાં અથાણા જેવું ખાદ્ય કાળજીપૂર્વક લાવીને તેમને પહોંચાડ્યું. સ્વામીજી અંગત મિત્રોને આગવું નામ આપતા અને એ નામે તેને સંબોધતા. શ્રીમતી મોડ સ્ટમને તેઓ કહેતા ‘બેબી’!

પુછાતા પ્રશ્નોના એમના ઉત્તરો પણ વિસ્મય જગાડતા. એક વખત સ્ટમે એમને પૂછ્યું કે શું એમના મત પ્રમાણે ભવિષ્યના વિશ્વમાં અંગ્રેજી જ મુખ્ય ભાષા બનશે? એનું કારણ એ હતું કે બ્રિટન જ એક ઊભરતું રાષ્ટ્ર લાગતું હતું! સ્વામીજીનો ઉત્તર વિસ્મયજનક હતો, ‘પૃથ્વીનું નેતૃત્વ કરનારી આગામી મહાન શક્તિ કાં તાર્તાર હશે, કાં નિગ્રો-હબસી.’ એમણે એનું કારણ પણ બતાવ્યું હતું.

મોડ સ્ટમનું સ્વામીજીની વિ

ચારપ્રક્રિયા અંગેનું અવલોકન પણ વિસ્મયકારી છે. તેમના જ શબ્દોમાં, ‘મેં જોયું કે તેઓ દશકાઓ કે સદીઓના પરિપ્રેક્ષ્યમાં વાત કરતા નથી, પરંતુ ઇતિહાસની યુગો-યુગોથી ચાલતી આવેલી રાષ્ટ્રોની ઊથલપાથલ પર આધારિત પોતાના જ્ઞાન પ્રમાણે જ પોતાનો અભિપ્રાય આપી રહ્યા છે.’

એકવાર સ્વામી વિવેકાનંદે સંકુચિત રીતે વિચારનારા કેટલાક અમેરિકનો સમક્ષ તેમને બેચેની થાય તેવું વિધાન કર્યું, ‘આધ્યાત્મિકતામાં આજે પણ હિંદુ જ દુનિયામાં સર્વશ્રેષ્ઠ છે.’ આ કથનનો બોસ્ટનની એક યુવતીએ વિરોધ કરતાં કહ્યું, ‘સ્વામીજી, સભ્યતાની દૃષ્ટિએ મેસેચ્યુસેટ્સની સામાન્ય જનતાની તુલનામાં ભારતની આમજનતા ઠીક ઠીક પ્રમાણમાં ઊતરતી કક્ષાની છે, એમ તમારે માનવું પડશે. સમાચારપત્રોના અહેવાલો જ જોઈ લો ને!’

સ્વામીજીએ સ્વસ્થતાની સાથે પેલી યુવતીને કહ્યું, ‘હા, બોસ્ટન એક ઘણું સભ્ય સ્થળ છે. એક અજ્ઞાત દેશમાં એક અજ્ઞાત આદમીના રૂપે હું એકવાર ત્યાં ગયો હતો. મારો કોટ આવા જ લાલ રંગનો હતો અને મેં એક પાઘડી પહેરી હતી. હું નગરના એક વ્યસ્ત વિસ્તારની સડક પરથી પસાર થતો હતો ત્યારે મને ખબર પડી કે ઘણા પુરુષો અને છોકરાઓ મારો પીછો કરી રહ્યા છે. મેં મારી ચાલની ઝડપ વધારી એટલે એમણે પણ એવું જ કર્યું. પછી મારા ખભા પર કોઈ વસ્તુથી પ્રહાર કર્યો. હું દોડવા લાગ્યો. એક ખૂણામાં પહોંચીને હું એક અંધારી ગલીમાં ઘૂસી ગયો અને આખું ટોળું મારો પીછો કરતું આગળ નીકળી ગયું. હું બચી ગયો.’ અને પછી સ્વામીજીએ ઉમેર્યું, ‘હા, હા, મેસેચ્યુસેટ્સ એક અત્યંત સભ્ય સ્થાન છે!’

આ સાંભળીને પણ પેલી યુવતી ઊંચા અવાજે બોલી, ‘પરંતુ સ્વામીજી, જો કોઈ બોસ્ટનવાસી કોલકાતા પહોંચી જાય તો ત્યાં પણ એવું જ દૃશ્ય જોવા મળે ને?’ સ્વામીજીનો ગૌરવપૂર્ણ ઉત્તર હતો, ‘એવું અસંભવ છે, કારણ કે અમારે ત્યાં આવેલ કોઈ અપરિચિત વ્યક્તિ પ્રત્યે સૌમ્યભાવે ઉત્સુકતા બતાવવી એ પણ અક્ષમ્ય ગણાય છે અને વળી ખુલ્લી શત્રુતાનો કોઈ પ્રશ્ન જ રહેતો નથી.’

સ્વામી વિવેકાનંદ અગ્નિવર્ણનાં (ભગવાં) વસ્ત્ર ધારણ કરીને રિજલેની લોન પર ટહેલતા એક અદ્‌ભુત વ્યક્તિ લાગતા હતા. એમની ચાલ કવિના આ વર્ણન સાથે મેળ ખાતી હતી, ‘જેનું એક પગલું વિશ્વને ઠોકર મારતું હોય.’ હું ફરી પાછું આવું કંઈક જોઈ શકીશ એવું મને લાગતું ન હતું. એમની ઉપસ્થિતિમાં એક પ્રકારની અભિભૂત કરી દેનારી ભવ્યતા હતી. એમના વ્યક્તિત્વનું અનુકરણ સંભવ ન હતું, એનું વર્ણન કરવું પણ શક્ય નથી… તેઓ એક સાચા સંત હતા.

Total Views: 299

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.