આપણી બધી કઠણાઈઓની વાત તો એ છે કે આપણે આ સમગ્ર દૃશ્ય જગતને, એમાં દેખાતા બધા લોકો સહિત અત્યંત સત્ય સમજીએ છીએ. અને બે સત્ય એકી સાથે આપણામાં રહી ન શકે. એટલે સર્વ પ્રથમ દરેક સાધકના હૃદયમાં એક શૂન્યતા, એક અભાવની સૃષ્ટિ કરવી જોઈએ. પછીથી તે અભાવને પરમાત્માથી પૂર્ણ કરી શકાય છે.

આપણે જેને સત્ય સમજીએ છીએ, જે વસ્તુને પણ યથાર્થ અને નિત્ય માનીએ છીએ, તે આપણી સમગ્ર સત્તાને ખેંચે છે અને આપણા સંપૂર્ણ મન પર છવાઈ જાય છે તેમજ આપણી બધી ભાવનાઓને આકર્ષિત કરે છે. આ આધ્યાત્મિક જીવનનો મહત્ત્વપૂર્ણ નિયમ છે. અને વેદાંત અનુસાર કોઈપણ વસ્તુ, જે બધી અવસ્થાઓમાં અપરિવર્તિત ન રહી શકે, તે ચરમ સત્ય હોઈ ન શકે. જે ભૂતકાળમાં હતું, વર્તમાનકાળમાં છે અને ભવિષ્યમાં પણ પરિવર્તન વિના નિત્ય બની રહે, એ જ સત્ય છે. આ બધી વસ્તુઓ જે પરિવર્તન પામે છે; ક્ષય, વૃદ્ધિ કે હ્રાસને પ્રાપ્ત થાય છે, તે બધી વસ્તુઓ અસત્યની શ્રેણીમાં આવે છે. એક નાના બાળકને એની માતાએ પૂછયું, ‘સ્વપ્ન શું છે?’ બાળકે જવાબ આપ્યો, ‘તે (સ્વપ્ન) જાણે કે આંખ બંધ કરીને સિનેમા જોવી.’ જો આપણામાં આવા બાળકના જેવી સરળતા અને પવિત્રતા હોય તો આપણે જાગ્રત અવસ્થામાં પણ આવા પ્રકારનો અનુભવ કરી શકીએ. આપણું પોતાનું વિશ્લેષણ કરતાં આપણને જોવા મળે છે કે એક માત્ર ચેતના જ અપરિવર્તનીય રહે છે. શુદ્ધ ચૈતન્ય એક પડદા સમાન છે, જેના પર આ જગતરૂપી ચલચિત્ર પ્રક્ષેપિત થઈ રહ્યું છે.

સ્વામી વિવેકાનંદે કહ્યું છે, ‘એક માત્ર ઈશ્વર જ સત્ય છે, એક માત્ર આત્મા જ સત્ય છે, એક માત્ર ધર્મ જ સત્ય છે. આ સત્યને પકડી રાખો.’

આપણે ક્યારેય ઉચ્ચ આદર્શને નિમ્ન કરવાનો પ્રયાસ ન કરવો જોઈએ. પરંતુ સદા એ આદર્શને અનુરૂપ પોતાની જાતને ઘડવાનો પ્રયત્ન કરવો જોઈએ. જો આદર્શ ઘણો ઊંચો હોય, તો એક કામચલાઉ આદર્શને જીવનનું પરમ લક્ષ્ય અને પેલા ઉચ્ચ આદર્શ સુધી પહોંચવાની સીડીરૂપે સ્વીકાર કરી લેવો જોઈએ.

પરમાત્માના સાક્ષાત્કાર રૂપી ઉચ્ચતમ આદર્શની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી આપણે ક્યાંય બાંધછોડ કરવી ન જોઈએ. જો આપણે આ ઉચ્ચ આદર્શની પ્રાપ્તિમાં સફળતા પ્રાપ્ત કરી ન શકીએ, તો આપણે એ જાણવું જોઈએ કે આપણે માત્ર અસફળ રહ્યા છીએ. આપણે અધિકતર ઉત્સાહ સાથે અને નિશ્ચયપૂર્વક આદર્શની પ્રાપ્તિ માટે મંડ્યા રહેવું જોઈએ, નિમ્ન આદર્શાે પાછળ દોડવું ન જોઈએ.

ધર્મની મુખ્ય વાતોને ગૌણથી અલગ કરવી

સાધકની બીજી અનિવાર્ય યોગ્યતા ધર્મની મુખ્ય વાતોને ગૌણ વાતોથી અલગ કરવાની ક્ષમતા છે. જે ધર્મની ગૌણ વાતોને વાસ્તવિક આધ્યાત્મિક જીવન સમજવાની ભૂલ કરે છે તથા વ્યર્થ વાતોમાં ખોવાઈ જાય છે, તેઓ ક્યારેય આધ્યાત્મિક પ્રગતિ કરી શકતા નથી. કહેવાતા રૂઢિવાદી લોકોની આ જ દશા થાય છે કે જે ધાર્મિક આચારોનું કડકાઈથી પાલન કરીને પણ તેઓ જ્યાં છે, ત્યાં જ રહે છે. આ બધા લોકો લક્ષ્યભ્રષ્ટ થઈ જાય છે.

ધર્મ પુસ્તકિયા જ્ઞાનથી ભિન્ન અને એનાથી કંઈક વધારે છે. આજકાલ પુસ્તકો બધે સ્થળે પ્રાપ્ય છે- બધા ધર્મોનાં પુસ્તકો છે, વિભિન્ન ધર્મોના સંદેશોને ભિન્નભિન્ન રૂપે પહોંચાડનાર પુસ્તકો પણ છે. પરંતુ કેવળ પાંડિત્યથી, કેવળ બૌદ્ધિક અધ્યયનથી તમે સત્યને ઓળખી શકતા નથી. જો કેવળ બૌદ્ધિક જીવનને જ આપણે વધુ મહત્ત્વ આપીએ, તો આપણે ધર્મના ‘एकं सद्विप्रा बहुधा वदन्ति। (ऋग्वेद 1.164.46)- સત્ય એક છે, વિદ્વાન લોકો તેને ભિન્નભિન્ન નામે પોકારે છે.’

तस्माद् ब्राह्मणः पांडित्यं निविर्द्य बाल्येन तिष्ठासेत् । – અર્થાત્ વ્યક્તિ વિદ્યાધ્યયન કરીને પારંગત થઈ જાય, પરંતુ મહાન પંડિત બન્યા પછી વાસનાઓને ત્યજીને જ્ઞાન દ્વારા પ્રાપ્ત કરેલ શક્તિના આશ્રયે જીવનયાપન કરો. (બૃહદારણ્યક – ૩.૫.૧ અને તેના પર શાંકરભાષ્ય)

સરળ થયા વિના આધ્યાત્મિક જીવન બની શકતું નથી. આપણે બધાં છળપ્રપંચ અને કપટછદ્મથી દૂર રહેવું પડશે. જો સાધક પ્રગતિ ઇચ્છતો હોય તો તેણે મનની બધી વિકૃતિઓ અને દુષ્ટતાઓનો ત્યાગ કરવો પડશે. એણે સીધા, સરળ, સંપૂર્ણ ઈમાનદાર, સ્પષ્ટભાષી અને ધ્યાનપ્રિય વ્યક્તિ બનવું પડશે. તેમાં પાંડિત્યનો અહંકાર અને દંભ ન હોવો જોઈએ. આધ્યાત્મિક જીવનનાં મૂળ તત્ત્વોને સમજીને તેમજ પરમાત્માની સ્પષ્ટ ધારણા કરી લીધા પછી નિયમપાલનનો પ્રયત્ન કરવો જોઈએ. ઉપરછલ્લી અને અસાર વાતોનું વધારે વાંચન ન કરો. આવું પઠન કે વાંચન કેવળ અશાંતિ અને પરેશાની ઊભી કરે છે.

शब्द जालं महारण्यं चित्तभ्रमण कारणम् ।

अतः प्रयत्नात् ज्ञातव्यं तत्त्वज्ञैः तत्त्वमात्मनः।। वाग्वैखरी शब्दझरी शास्त्रव्याख्यानकौशलम् ।

वैदुष्यं विदुषां तद्वत् भुक्तये न तु मुक्तये ।।

અર્થાત્ ‘શબ્દજાળ એક મહાન વન જેવી છે, એમાં ચિત્ત ભ્રમિત થઈ જાય છે. એટલે તત્ત્વજ્ઞ વ્યક્તિએ આત્મતત્ત્વ જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ. વિદ્વત્તા, શબ્દઝરી, શાસ્ત્રવ્યાખ્યાનનું કૌશલ એક વિદ્વાનને સુખ આપી શકે છે, પરંતુ મુક્તિ આપી શકતાં નથી. ’ (વિવેકચૂડામણિ – ૬૦, ૫૮) (ક્રમશ 🙂

Total Views: 337

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.