કઠોરા અદ્‌ભુત ગામ. ત્યાં પેસતાંની સાથે જ નાનામોટા બધા જ ‘નર્મદે હર’ કહીને નર્મદા તટે ગામના આશ્રમમાં રોકાવા વિનંતી કરવા લાગ્યા. આ ગામ વિશે સાંભળવામાં આવ્યું હતંુ કે છેલ્લાં ૨૫ વર્ષથી ગામની પોલીસચોકીમાં એક પણ કેસ નોંધાયો નથી! એટલે આ ગામને મધ્યપ્રદેશ સરકારનો એવોર્ડ મળ્યો છે. આશ્રમે પહોંચ્યા. સુંદર રમણીય સ્થાન. મા નર્મદાનું સુંદર મંદિર. કેટલાં બધાં ઘેઘૂર વૃક્ષો! પરિક્રમાવાસીઓના રહેવા પાકો વિશાળ હોલ. વિશાળ પટ ધરાવતી મા નર્મદાનાં સુંદર દર્શન. આશ્રમના નળમાં ૨૪ કલાક મા નર્મદાનું પાણી આવતું હતું. અમારે પણ કપડાં વગેરે ધોવાનાં હતાં એટલે અહીં રોકાઈ જવાનું નક્કી કર્યું. વળી ટોકસરમાં પરમાનંદ કરીને બ્રહ્મચારી મળ્યો હતો. તે અહીં આવીને મહંત જેવો બની ગયો હતો. તેને પૂછતાં જાણ થઈ કે તે આઠ-દસ દિવસથી અહીં છે. આશ્રમમાં પરિક્રમાવાસીઓની સેવા કરવા માટે કોઈ હતું નહીં. એક વર્ષથી એક બાબા હતા. તે ગ્રામવાસીઓનો વિશ્વાસ સંપાદન કરીને કન્યાભોજનના નામે હજારો રૂપિયા ઉઘરાવીને ભાગી ગયા હતા. હવે આ નવા પરમાનંદ બાબા, સવારે ત્રણ વાગે ઊઠી જાય. આશ્રમની બહાર ક્યાંય જાય નહીં. અખંડદીપ ચાલુ કર્યો વગેરે વગેરે. અમને લોકોને જોઈને ખૂબ ખુશ થયો અને અહીં જ રોકાઈ જવા માટે આગ્રહ કરવા લાગ્યો. અમે રોકાઈ ગયા.

સાંજે આશ્રમમાં આવતાં બાળકોને ઉપદેશ-મનોરંજન સાથેના વિડીયો મારા મોબાઈલમાં દેખાડતો હતો. પછી મોબાઈલને ચાર્જમાં મૂક્યો હતો. સાંજે બીજા કેટલાક પરિક્રમાવાસીઓ આવ્યા. આપણે નરમ પ્રકૃતિના એટલે સાંજે ભોજનપ્રસાદ તૈયાર કરવામાં પણ સાથ આપવો પડ્યો.

રાત્રે ભોજનપ્રસાદ પછી ઊંઘી ગયા. ઠંડી હતી. સવારે વહેલું ઊઠવાનું મન ન થયું. કાન પાસે કંઈક અવાજ થયો, તે અવગણીને વધુ દસ-પંદર મિનિટ પડ્યો રહ્યો. પી. સ્વામી નિત્યક્રમ માટે ગયા હતા. મેં પણ નિત્યક્રમ પતાવીને ધ્યાન-પૂજન પૂરાં કર્યાં. પછી પથારી પાસે જ્યાં મોબાઈલ રાખ્યો હતો ત્યાં જોવા ગયો તો મોબાઈલ હતો નહીં. અમે આજુબાજુ તપાસ કરી તેમજ બીજા પરિક્રમવાસીઓને પૂછપરછ કરી પણ કંઈ જાણવા મળ્યું નહીં. ગામના એક વૃદ્ધ પટેલ વહેલી સવારે શ્રીરામ જયરામની ધૂન સાથે ગામમાં પ્રભાતફેરી કરતાં કરતાં આશ્રમે આવ્યા. એમને પણ અમે જાણ કરી. થોડું અજવાળું થતાં ગામના યુવાન ભાઈઓ પણ આવ્યા. વૃદ્ધ પટેલ ફરી પોતાના નિત્યક્રમ પ્રમાણે પરિક્રમાવાસીઓ માટે છાશનું દેગડું ભરી લાવ્યા. ગામના આ બધા લોકોને મોબાઈલ ગુમ થવાની વાત કરી. પી. સ્વામીએ કહ્યું કે બે અજાણ્યા છોકરા રાત્રે બાર-સાડાબારની આસપાસ રૂમમાં આવીને ભાગી ગયા હતા, એવું તેમનું માનવું હતું. ગામના લક્ષ્મણ કરીને એક યુવાને અમને કહ્યું, ‘મહારાજ, આજ સુધી અમારા ગામમાં આવું બન્યું નથી. છતાંય ગામના એક ફળિયાનાં છોકરાંમાં તપાસ કરીશ.’ સાત દિવસથી અહીં આવેલા પૂજારી આ બાજુ સવારથી જોવા મળતા ન હતા. અમને એમ કે નર્મદાસ્નાન કરવા ગયા હશે. હમણાં આવશે. પણ સવારના આઠ વાગ્યા પણ પૂજારીની કોઈ ભાળ મળી નહીં. ગામના યુવાને તેમના રૂમમાં તપાસ કરતાં જાણવા મળ્યું કે આશ્રમની મોંઘામૂલી બેટરી, બેગ અને બીજા કેટલાક સામાન સાથે આ સંન્યાસીનો મોબાઈલ પણ દક્ષિણામાં લઈ ગયો હતો! આમ, આવા સારા અને પ્રામાણિક ગામના ભલાભોળા લોકોને બની બેઠેલા સાધુઓ છેતરતા હોય છે.

અહીં મા નર્મદા-મંદિરમાં શ્રીશ્રીનર્મદામાની અતિઅપૂર્વ સુંદર મૂર્તિ છે. ગામનાં એક બહેન દરરોજ આવીને પુષ્પ-ધૂપ કરીને પૂજા કરે. થોડી વાર પછી ક્યાંકથી કમરે પાતળા ધાબળા જેવું વસ્ત્ર વીંટાળીને, ચામડાના પટ્ટાવાળી બેગ સાથે એક જટાધારીએ મંદિરના પ્રાંગણમાં પ્રવેશ કર્યો. યુવાન, કૃષ્ણવર્ણ, સૌમ્ય નારાયણ સમ દેહકાંતિ, સુંદર મધુર હાસ્ય વેરતા જટાધારીએ મંદિરમાં મા નર્મદાને પ્રણામ કર્યા. પછી મંદિરના પ્રાંગણમાં શિયાળાના પ્રભાતના સુંદર તડકામાં અમે બેઠા. ગામના કેટલાક યુવાન લોકો પણ જટાધારીની આસપાસ ગોઠવાઈ ગયા. સવારના નવ સાડા નવનો સમય થયો હશે. જટાધારીએ કહ્યું, ‘આજ સબેરે સે ચલમ નહીં પીયા. ગુરુભાઈ, ચલમ પિલાઓ’ મેં જટાધારીને કહ્યું અમે તો ચીલમ પીતા નથી. ગામલોકોએ પણ ચીલમની ના પાડી. તો જટાધારી મા નર્મદા તરફ મુખ કરી બોલ્યા, ‘મૈયા, ચીલમ નહીં પીયા.’ મેં જટાધારીને બપોરનો ભોજન પ્રસાદ લેશો કે નહીં એમ પૂછ્યું. જટાધારીએ કહ્યું, ‘આપ ખીલા દેંગે તો ખા લેંગે.’ આજે પૂજારી તો ભાગી ગયો હતો. એટલે રસોડાનું બધું કાર્ય અમારા ઉપર હતું. હું તરત રસોડા તરફ જઈને પી. સ્વામીને જટાધારી પણ આપણી સાથે પ્રસાદ લેશે તેમ જાણ કરવા ગયો. ફરીથી જટાધારી પાસે આવીને જોઉં છું તો બાબા મસ્ત થઈને ચીલમ ફૂંકે છે! મેં આશ્ચર્યચકિત થઈને પૂછ્યું, ‘ચીલમ કહાં સે આયા?’ એમણે હસીને કહ્યું, ‘મા ને સબ વ્યવસ્થા કિયા.’ કોઈ ગામવાળો દોડીને જટાધારી માટે ચીલમ લાવ્યો હતો.

થોડી વાર પછી એક પીઢ ઉંમરના ત્યાગીજીનો પણ પ્રવેશ થયો. તેમને પણ અમે ભોજનપ્રસાદનું પૂછ્યું. પરંતુ તેમણે ના પાડી. અમે તેમને વૃદ્ધ પટેલે પરિક્રમવાસીઓ માટે લાવેલ છાશ પીવા આપી. તેઓ બે-ત્રણ લોટા છાશ પીને તૃપ્ત થઈને પરિક્રમામાં આગળ વધ્યા. આમ તો મોબાઈલ ચોરી થવાના કારણે એમ લાગ્યું કે થોડા હળવા થઈ ગયા છીએ. સીમકાર્ડ તો પહેલાંથી મોબાઈલમાં નહોતું. માત્ર ભજનો અને પ્રવચનો સાંભળવા મોબાઈલ હતો. હવે મને મનન-ધ્યાન કરવાનો વધુ સમય મળવા લાગ્યો.

સાંજે અમે ગામની વિદાય લઈને નર્મદાનદીના તટ પર પરિક્રમા માર્ગ પર મા નર્મદાનાં સુંદર દર્શન કરતાં કરતાં આગળ વધ્યા. ચારે તરફ વનરાજી જોતાં જોતાં હૃદયમાં અતિઆનંદ ઊભરાતો હતો.

આમ તો ત્રણ કિ.મી દૂર શાલિવાહન પહોંચવાનું હતું. પણ જોયું કે બે કિ.મી પછી પગથિયાંવાળી પગદંડી ઉપર જતી હતી. અમે કુતૂહલથી ત્યાં ઉપર ગયા. નાનો પણ અતિસુંદર આશ્રમ જોવા મળ્યો. આશ્રમમાં ચારે તરફ વૃક્ષો છવાયેલાં હતાં. લગભગ બધા જ ફળોનાં વૃક્ષો આશ્રમમાં હતાં. બગીચા પછી સાધુઓ માટે કુટિયા જેવા થોડા રૂમ હતા. અમને અહીં જ રાત્રીનિવાસ કરવાની ઇચ્છા થઈ.

આમ તો આગતા-સ્વાગતા કરવાવાળું કોઈ હતું નહીં. છતાં અમે એક સાધુ બાબાને પૂછી લીધું કે અહીં રાત્રીવાસ થઈ શકે? એટલે એમણે તટસ્થભાવે એક રૂમ ચીંધી દીધો અને આસન લગાવવા કહ્યું. બધે જોવા મળે તેમ રૂમમાં કચરો હતો જ. એટલે અમે સફાઈ કરી આસન લગાવ્યું. એમ લાગ્યું કે અહીં પાંચ-છ સાધુ રહેતા હશે. બધા પોતપોતાની ધૂનમાં. ઉપરના ભાગમાં એક વિશેષ કુટિયા હતી. અમે પૂછ્યું કે ત્યાં કોઈ રહે છે? જાણવા મળ્યું કે ત્યાં એક બાલક બ્રહ્મચારી રહે છે. લગભગ મહંત જેવું તેનું પદ.

બાલક બ્રહ્મચારી ખૂબ જ તપસ્વી અને કાંઈક અમથી સિદ્ધિ હાંસલ કરેલો લાગ્યો. ગામના લોકોમાં એનો પ્રભાવ હતો. વિશેષ તહેવારોમાં ગામના આગેવાનોને ભેગા કરીને ઉત્સવ પણ કરતો. રૂમની બહાર એમને મળવા માટેનો વિશેષ સમય પણ લખેલો હતો. તે સમયે જ બાલક બ્રહ્મચારી મળે.

બ્રહ્મચારી સાથે વાત કરતાં જાણવા મળ્યું કે તેમણે રાતરાત ભર ઘણી કઠોર તપસ્યાઓ અને અનુષ્ઠાન કરેલાં હતાં. બ્રહ્મચારીની ઉંમર માંડ અઢાર વર્ષ હશે. પ્રથમ તો તે પોતાના ગુરુના આશ્રમે રહેતો. ત્યાં પણ પોતાની જીદ અને શક્તિના પ્રભાવથી બીજા ગુરુભાઈઓથી અલગ પડી જતો. એકવાર ગુરુઆશ્રમની બહાર એક ભાગવત કથાનું આયોજન થયું હતું. ત્યાં ગુરુની મનાઈ હોવા છતાં તેમની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને ભાગવત સાંભળવા ગયો હતો. આવી નાની વાતોમાં તેણે ઘણી વાર ગુરુદ્રોહ કર્યો હતો. પછી ત્યાંથી ભાગી આવીને અહીં બડગાવ ગુફાના સ્થાનમાં આવીને બે-એક વર્ષથી આવીને તપસ્યા કરે છે.

તેણે પોતાની સાધના દરમિયાન થયેલા એક-બે અનુભવો કહ્યા. તે કહેવા લાગ્યો, ‘રાતના તપસ્યા સમયે ક્યારેક હું જોતો તો મારો જીવ આ શરીર છોડીને ગગનમાં વિહાર કરે છે, સાથે કોઈ નગ્ન છોકરી પણ તેમની સાથે વિહાર કરે છે!’ આવા કેટલાય ખાટામીઠા અનુભવો કર્યા હતા.

એક વાર ગામલોકોને લઈને ઉત્સવ કરતો હતો, ત્યારે ગામના ધની આગેવાન સાથે કંઈક વાત લઈને ચડભડ થઈ ગઈ. આમ તો આ ધની આગેવાન સાથે તેના સંબંધો સારા હતા, પરંતુ ક્રોધમાં આવીને આ બાલક બ્રહ્મચારીએ અભિશાપ આપ્યો! થોડા દિવસમાં તેમના ઘરમાં એક મૃત્યુ પણ થયું. તે ધની બ્રહ્મચારી પાસે આવીને માફી માગીને રડવા લાગ્યોે. બ્રહ્મચારીને પણ આવા સેવાભાવી ભક્તને ક્રોધમાં આવીને અભિશાપ આપ્યો હતો તે બદલ ખૂબ જ પશ્ચાત્તાપ થતો હતો. અને આ માટે તે ચાલીને નર્મદા પરિક્રમા કરવાનો હતો.

આ બધી ઘટનાનો સાર એ છે કે કોઈપણ સાધક પૂર્ણરૂપે પવિત્ર ન બને અને તપસ્યાના જોરે મન એકાગ્ર થઈ જાય તો વાસનાના દલદલમાં અને ક્રોધ-મોહના દલદલમાં ક્યારેક ફસાઈ જાય છે. બીજું ગૃહસ્થોએ આવા સાધક અને સાધુઓથી સાવધાન રહેવું જોઈએ. સેવા કરવી ખૂબ કઠિન છે. ક્યારેક અજાણતાં સેવાપરાધ થઈ જાય તો માઠાં પરિણામો ભોગવવાં પડે છે. એકમાત્ર પોતાના ઇષ્ટને જ કેન્દ્રમાં રાખીને સાવધાનપૂર્વક સેવાઓ કરવી જોઈએ.

 

Total Views: 257

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.