જે શાણો માણસ આ સત્ય જાણે છે, તે કેમ વિચારે છે ? પછીનો આ શ્લોક એ સમજાવે છે.

तत्त्ववित्तु महाबाहो गुणकर्मविभागयोः।
गुणा गुणेषु वर्तन्त इति मत्वा न सज्जते।।28।।

‘પરંતુ ગુણ અને કર્મનાં ક્ષેત્રોની જેને સાચી સમજ છે તે, ઇન્દ્રિયો તરીકે ગુણો ઇન્દ્રિય વિષયો પર આધારિત છે એમ જાણી આસક્ત થતો નથી.’

તત્ત્વ એટલે સત્ય, પદાર્થાે વિશેનું સત્ય; तस्य भावः तत्त्वम् એમ શંકરાચાર્ય એને સમજાવે છે, ‘વસ્તુ સંબંધી સત્ય તે તત્ત્વ’; અને તત્ત્વવિત્ એટલે, ‘તત્ત્વને, સત્યને જાણનાર’; એવી વ્યક્તિ કેવી રીતે વિચારે? गुणकर्मविभागयोः ‘ગુણ અને કર્મના વિભાગો પ્રમાણેના સત્યને’ જે જાણે છે; ગુણ એટલે, પ્રકૃતિનાં પરિબળો, કર્મ એટલે, પ્રવૃત્તિ – એક ઉપર બીજીનું આધિપત્ય છે. ગુણ અને કર્મના સત્યને જાણનાર કેવી રીતે વિચારે છે ? गुणा गुणेषु वर्तन्ते, ‘ગુણોમાં ગુણો પ્રવૃત્ત છે’, ગુણો ગુણો પર પારસ્પરિક અસર કરે છે. इति मत्वा, ‘આ સત્ય જાણીને’, न सज्जते, ‘આસક્ત થતો નથી’, અહંકાર અનાસક્ત થઈને આધ્યાત્મિક કક્ષાએ ચડે છે. ગુણોની ખેંચતાણમાં પકડાયેલી વ્યક્તિ ગુલામ બને છે. અનાસક્ત બનેલી વ્યક્તિ મુક્ત બને છે. આમ, આ બાબતમાં, गुणाः गुणेषु वर्तन्ते, ‘ગુણોમાં ગુણો પ્રવૃત્ત છે’; પ્રકૃતિમાં, બહાર, સત્ત્વ, રજસ, તમસ તરીકે તેમજ, ઇન્દ્રિય તથા ચિત્તનાં તંત્રોમાં આંતરિક ગુણો તરીકે; ગુણોમાં પ્રવૃત્તિ કરતા ગુણો સિવાય એ બીજું કશું નથી. આ સત્ય જાણી न सज्जते, એ વ્યક્તિ આસક્ત થતી નથી. સર્વ અહંકાર-મૂલ્યાંકનોમાંથી અનાસક્તિનું અદ્‌ભુત વલણ ઉદ્ભવે છે અને ગીતા આ અનાસક્તિ વિચાર પર ભાર મૂકે છે. આજનો વૈજ્ઞાનિક મિજાજ પણ આ અનાસક્તિ વિચાર પર જ ભાર દે છે. જીવનનો પ્રવાહ વહ્યો જાય છે, હું તેમાં જ છું પણ, એનાથી અનાસક્ત છું. આ મહાન વિચારને શ્રીકૃષ્ણ આમ વિકસાવે છે.

ગુણોની આ વિભાવના મહાભારતમાં અનેક જગ્યાઓએ વ્યક્ત થવા પામી છે. આખું વિશ્વ ગુણોની લીલા છે. આજનું ભૌતિકશાસ્ત્ર પ્રકૃતિસ્થિત ત્રણ કે ચાર બાબતોની વાત કરે છે. આપણે એમને સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ. એક ગુરુત્વાકર્ષણ છે, પછી વિદ્યુત્ચુંબકત્વ (electromagnetism) છે, પછી અણુમાંનાં નિર્બળ પરિબળ છે અને બલિષ્ઠ પરિબળ છે. સમગ્ર પ્રકૃતિ આ ચાર તત્ત્વોની બનેલી છે. ભૌતિકશાસ્ત્ર તેમનું એકીકરણ હજી સુધી કરી શકયું નથી; પણ એ એકીકરણની કોશિશ ચાલુ છે; પરંતુ, એકત્વની સ્થિતિમાં, ખગોળભૌતિકશાસ્ત્ર એમને એકીકૃત માને છે. મનુષ્ય અને બ્રહ્માંડ, વ્યષ્ટિ અને સમષ્ટિની પરિભાષામાં પ્રકૃતિની શક્તિઓનું ખંડન કરતી ગુણોની આ વિભાવનાને ગહન અને અર્વાચીન વૈજ્ઞાનિક પરિભાષામાં સમજવાનો યત્ન વિચારકો કરે છે. શ્રીકૃષ્ણ કહે છે :

प्रकृतेर्गुणसंमूढाः सज्जन्ते गुणकर्मसु।
तानकृत्स्नविदो मन्दान् कृत्स्नविन्न विचालयेत्।।29।।

‘જડ બુદ્ધિવાળા અને અપૂર્ણ જ્ઞાનવાળા લોકો પ્રકૃતિના ગુણોથી મોહિત થઈ, ગુણોનાં કર્મો સંગે જોડાય છે, તેમને પૂર્ણ જ્ઞાનીઓએ ખલેલ પહોંચાડવી નહીં.’

જડ બુદ્ધિનાં માણસો આ સત્ય સમજતાં નથી; ગુણોના ગાડરિયા પ્રવાહના તેઓ ભાગરૂપ છે; આવા લોકોને મૃદુતાથી બોધ અપાય. એમનાં ચિત્તને ડોળી નહીં નાખો. પણ એમને ધીમેથી જ્ઞાન આપો. નહીં તો એમને નુકસાન થશે. प्रकृतेर्गुणसंमूढाः, ‘પ્રકૃતિના ગુણોથી મોહમાં પડેલા લોકો’, सज्जन्ते गुणकर्मसु, ‘ગુણોના આદેશ હેઠળની પ્રકૃતિઓમાં તેઓ આસક્ત છે’. ‘આવા ઓછી બુદ્ધિવાળા લોકોને, तानकृत्स्नविदो मन्दान् कृत्स्नविन्न विचालयेत्, પૂર્ણજ્ઞાનીઓએ ખલેલ પહોંચાડવી નહીં.’ બની શકે તો, એમને સારી રીતે સમજવામાં સહાય કરો. પણ એમને કદી પેલી ખલેલ ભરેલી પરિસ્થિતિમાં ન મૂકો. तानकृत्स्नविदो मन्दान् कृत्स्नविन्न विचालयेत्, ‘ઓછું સત્ય જાણનારને પૂરું સત્ય જાણનારે ખલેલ પહોંચાડવી નહીં.’ પછી, સર્વના દિવ્ય અંતર્યામી તરીકે પોતાની જાતનો અછડતો ઉલ્લેખ શ્રીકૃષ્ણ કરે છે; અધ્યાયમાં આગળ વધશું તેમ એ વધારે ને વધારે કેન્દ્રમાં આવશે. (ક્રમશ 🙂

 

Total Views: 339

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.