મહા સુદિ પાંચમનો દિવસ પવિત્ર દિવસ ગણાય છે. એને વસંતપંચમી કહેવામાં આવે છે અને તે દિવસે ભારતના ઘણા પ્રદેશોમાં મા સરસ્વતીની વિભિન્ન રૂપે પૂજા થાય છે. સરસ્વતી એ ત્રણ દેવીઓ – સરસ્વતી, લક્ષ્મી અને પાર્વતીમાંનાં એક દેવી છે. અને આ ત્રણેય દેવીઓ આપણા ત્રિદેવ- બ્રહ્મા, વિષ્ણુ અને શિવનાં ત્રણ કાર્ય સર્જન, પાલનપોષણ અને વિસર્જનમાં સહાયરૂપ બને છે.

સરસ્વતીનો ઉલ્લેખ ઋગ્વેદકાળથી આજ સુધી વિદ્યા-જ્ઞાન, ભાષા, સંગીત, કલા, કેળવણી, મધુરસંગીત, આલાપ, સુસ્વર, ધ્યાન, વાગ્વૈભવ, વાક્છટા, સર્જનાત્મક કાર્ય, બુદ્ધિ પ્રતિભાની દેવી અને આત્માને પરિશુદ્ધ કરનાર દેવીરૂપે થાય છે.

ઉપનિષદ અને ધર્મશાસ્ત્રમાં ગુણસંપત્તિ અને ગુણસમૃદ્ધિવાળાં તત્ત્વો પર ધ્યાન ધરવા પ્રેરનાર દેવી તરીકે ઉલ્લેખ થયો છે, એટલું જ નહીં વ્યક્તિની પ્રવૃત્તિ અને કર્મના સારતત્ત્વનો અર્થ આપનાર દેવી તરીકે પણ ઉલ્લેખ થયો છે. મહાભારતના શાંતિપર્વમાં સરસ્વતીદેવીનો ઉલ્લેખ વેદોની માતા તરીકે કરવામાં આવ્યો છે. તૈત્તિરીય બ્રાહ્મણમાં તેમને વાક્કલા અને ગીતસંગીતનાં જનની તરીકે ગણવામાં આવ્યાં છે. તેમને બ્રહ્માની સક્રિય ઊર્જા અને શક્તિ ગણવામાં આવે છે.

ભારતના કેટલાક ભાગમાં તે દિવસે બાળકોને બારાક્ષરી લખાવવામાં આવે છે અને એ રીતે સરસ્વતીનું આરાધન થાય છે. જૈન અને બૌદ્ધ ધર્મમાં પણ સરસ્વતી દેવી જ્ઞાનની દેવી રૂપે પૂજાય છે. સરસ્વતીનું મહત્ત્વ ભાગીરથી ગંગા જેટલું જ છે. ઋગ્વેદમાં તેમનો વિદ્યા કે જ્ઞાન ધારિણીદેવી તરીકે ઉલ્લેખ થયો છે. ઋગ્વેદ પછીના વેદો અને બ્રાહ્મણ ગ્રંથોમાં પણ તેમનો મહિમા વધતો રહ્યોે છે.

સરસ્વતી બ્રહ્માણી (બ્રહ્માની શક્તિ); બ્રાહ્મી (વિજ્ઞાનની દેવી); ભારડી (ઇતિહાસની દેવી); વાણી અને વાચિ (સંગીત-ગીત, ભાવભર્યા વક્તૃત્વની દેવી); વર્ણેશ્વરી (વર્ણ-અક્ષરની દેવી); કવિજિહ્વાગ્રવાસિની (કવિઓના જિહ્વાગ્રે વસનારી દેવી); વિદ્યાદાત્રી (વિદ્યા-જ્ઞાન આપનાર દેવી); વીણાવાદિની (વીણાનું વાદન કરનાર દેવી); પુસ્તકધારિણી (પોતાની સાથે ગ્રંથ કે પુસ્તક રાખનાર દેવી); વીણાપાણિ (હાથમાં વીણા ધારણ કરનાર દેવી); હંસવાહિની (હંસ પર બિરાજમાન દેવી); વાગ્દેવી (વાણીનાં દેવી) જેવાં વિવિધ નામે ઓળખાય છે. ભારતની તેલુગુ ભાષામાં સરસ્વતી દેવી ‘ચડુવુલા થાલ્લી’; કોંકણી ભાષામાં શારદા, વીણાપાણિ, પુસ્તકધારિણી, વિદ્યાદાયિની; કન્નડ ભાષામાં શારદે, શારદામ્બા, વાણી, વીણાપાણિ; તામિલ ભાષામાં કાલિમાગલ, કલૈવાણી, વાણી અને ભારથી જેવાં નામે પ્રચલિત છે. દેવી સરસ્વતી ‘સારદા’ (સારભૂત તત્ત્વ આપનાર); ‘શારદા’ (ઉત્પન્ન કરનારી દેવી); ‘વાગીશ્વરી’ (વાણીની દેવી); ‘વરદાનાયકી’ (વરદાન આપનાર); ‘સાવિત્રી’ (બ્રહ્માનાં લીલાસહધર્મિણી); ‘ગાયત્રી’ (વેદમાતા) ના નામે પણ ઓળખાય છે.

મા સરસ્વતીને સફેદ વસ્ત્રમાં સજ્જ, સફેદ કમળ પર બિરાજેલ, સૌંદર્યવાન દેવી તરીકે વર્ણવવામાં આવ્યાં છે. તે પ્રકાશ, જ્ઞાન ને સત્યનાં પ્રતીક છે. તેઓ માત્ર જ્ઞાનનું મૂર્તિમંત સ્વરૂપ નથી પરંતુ તેઓ તો સર્વોત્કૃષ્ટ સત્ય અને અનુભૂતિ પણ છે. એમનાં વસ્ત્ર, પુષ્પ, હંસનાં ધવલવર્ણ એ બધાં સત્ત્વગુણ અને પવિત્રતા, સત્યજ્ઞાન માટે વિવેક, અંતર્દૃષ્ટિ તેમજ પ્રજ્ઞાનાં પ્રતીક છે.

તેમના ધ્યાનમંત્રમાં તેમને ચંદ્ર જેવાં ધવલવર્ણાં, ધવલવસ્ત્રોમાં સજ્જ, ધવલવર્ણાં આભૂષણોથી શોભાયમાન, સૌંદર્યથી ચમકતાં અને હાથમાં પુસ્તક અને લેખિની ધારણ કરેલાં વર્ણવ્યાં છે. પુસ્તક અને લેખિની જ્ઞાનનાં પ્રતીક છે.

સામાન્ય રીતે તેમને ચાર હાથવાળાં બતાવ્યાં છે, પરંતુ ક્યારેક બે હાથ જ હોય છે. જ્યારે ચાર હાથવાળાં હોય છે ત્યારે એ ચારેય હાથ પોતાના પતિ બ્રહ્માનાં ચાર મસ્તકોનાં પ્રતીક મનાય છે. અનુક્રમે તે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર રૂપે છે. બ્રહ્મા ભાવના પ્રતીક છે જ્યારે સરસ્વતી સત્ય અને કર્મને રજૂ કરે છે.

ચાર હાથમાં જે વસ્તુઓ છે તેમનો પણ પ્રતીકાત્મક અર્થ છે. પુસ્તક, માલા, જળનો કુંભ અને વીણા.

પુસ્તક : વેદો, વૈશ્વિક દિવ્યતા, શાશ્વતતા અને સત્યજ્ઞાન તેમજ શિક્ષણનાં બધાં અંગો દર્શાવે છે.

માલા : ધ્યાનની શક્તિ, આધ્યાત્મિકતા અને ભીતરનો પ્રતિભાવ દર્શાવે છે.

જળનો કુંભ : ખરા-ખોટા, શુદ્ધ-અશુદ્ધ, સાર-અસારને અલગ કરીને નિર્મળ કરતી શક્તિનું પ્રતીક છે. વળી કેટલાક ગ્રંથ પ્રમાણે એ મુક્તિ અપાવનાર અને જ્ઞાન તરફ દોરી જનાર સોમરસનું પ્રતીક છે.

વીણા : વીણા બધી સર્જનાત્મક કલાઓ અને વિજ્ઞાનનું પ્રતીક છે. અને હાથમાં વીણા ધારણ કરી એ તે બતાવે છે કે જ્ઞાન સુસંવાદિતા રચે છે. સરસ્વતી અનુરાગ એટલે કે સંગીત અને લય પ્રત્યેના પ્રેમને દર્શાવે છે. સાથે ને સાથે વાણી-આલાપ કે સંગીત દ્વારા રજૂ થતી ઊર્મિઓ અને મનની લાગણીઓ દર્શાવે છે.

સરસ્વતીનાં ચરણ પાસે હંસ બેઠેલો જોવા મળે છે. હંસ એક પવિત્ર પક્ષી છે અને તે નીરક્ષીર ન્યાયનું પ્રતીક છે. એટલે કે પાણીમાં ભળી ગયેલા દૂધમાંથી દૂધ અને પાણીને અલગ કરે છે. તે દૂધ જ પીએ છે. નીરક્ષીર ન્યાય એટલે વિવેકબુદ્ધિ, સારુંનરસું, બાહ્ય અને આંતરિક દૃશ્યાદૃશ્યમાંથી શાશ્વત તત્ત્વ વચ્ચેનો ભેદ. સરસ્વતી સાથે હંસ સંકળાયેલો હોવાથી તેમને હંસવાહિની પણ કહે છે. આ હંસ આધ્યાત્મિક પૂર્ણતા, સમાધિભાવ અને મોક્ષનું પ્રતીક છે. ક્યારેક મોરને પણ સરસ્વતીદેવીની બાજુમાં બતાવવામાં આવે છે. આ મોર રંગમય ભવ્યતા, નૃત્યોત્સવ, સર્પદ્વિષનું પ્રતીક છે. તેમને સામાન્ય રીતે વહેતી નદીની પાસે દર્શાવ્યાં છે. તે પ્રાચીન કાળની ઐતિહાસિક સરસ્વતી નદી છે.

મહાસરસ્વતી એ નવશક્તિ (આને નવદુર્ગા સાથે કોઈ સંબંધ નથી)- બ્રાહ્મી, વૈષ્ણવી, માહેશ્વરી, કૌમારી, વારાહિ, નારસિંહિ, ઐન્દ્રિ, શિવદૂતિ, ચામુંડાનું સ્વરૂપ પણ ગણાય છે.

સરસ્વતીદેવના સાવિત્રી અને ગાયત્રી એ બે અવતાર ગણાય છે. ઉપરાંત આદિશક્તિ સરસ્વતીનું મહાસરસ્વતી નામનું સ્વરૂપ પણ છે. તિબેટમાં મહાવિદ્યા તારાનું નીલસરસ્વતી એક રૂપ છે. તિબેટ અને ભારતના કેટલાક ભાગમાં સરસ્વતીના પ્રણાલીગત રૂપથી ભિન્ન નીલસરસ્વતીનું રૂપ પૂજાય છે. નીલસરસ્વતી ઉગ્ર સ્વરૂપનું પ્રગટીકરણ ગણાય છે, જ્યારે સામાન્ય રીતે સરસ્વતીના સૌમ્ય સ્વરૂપના પ્રગટીકરણને ભારતના મોટાભાગમાં માનવામાં આવે છે. નીલસરસ્વતીનાં ૧૦૦ નામ છે. સરસ્વતી દેવીનાં ભારતના ઉત્તરમાં પીલાની શૈલીનાં અને દક્ષિણમાં ભારતીય શૈલીનાં મંદિરો જોવા મળે છે. વિશ્વભરમાં સરસ્વતીદેવીનાં અનેક મંદિરો છેે. ગોદાવરી નદીના કિનારે બસરમાં આવેલ જ્ઞાન સરસ્વતીનું મંદિર, વારંગલ સરસ્વતીનું મંદિર અને તેલંગણાના મેડકમાં શ્રીસરસ્વતી ક્ષેત્રમ્નંુ મંદિર, કર્ણાટકમાં સરસ્વતી કે શારદાનાં ઘણાં મંદિરો છે. એમાં યાત્રાસ્થાન તરીકે શૃંગેરી શારદામ્બા મંદિર પ્રખ્યાત છે. કેરળમાં અર્નાકુલમ જિલ્લામાં દક્ષિણમૂકામ્બિકા નામનું પારાવુરમાં આવેલું મંદિર, તામિલનાડુમાં કુથનુર-કુથનુરીનનું સરસ્વતી મંદિર પ્રખ્યાત છે. બ્રહ્માણી સાથે એકરૂપતા ધરાવતાં સરસ્વતીનાં ઘણાં મંદિરો ગુજરાત, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં જોવા મળે છે.

ઉત્સવો : માઘ મહિનાની સુદિ પાચમને વસંતપંચમી કહેવાય છે. તે દિવસે સરસ્વતીની મૂર્તિ બનાવીને તેની પૂજા દ્વારા ઉજવણી કરવામાં આવે છે. પૂજા પછી પ્રસાદ વિતરણ થાય છે. ત્યાર પછી બીજે દિવસે મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે.

ગોવા, મહારાષ્ટ્ર અને કર્ણાટક રાજ્યમાં મહાસપ્તમીને દિવસે સરસ્વતી પૂજાનો પ્રારંભ થાય છે અને વિજયા દસમીના દિવસે તેનું વિસર્જન થાય છે.હરિયાણામાં રાષ્ટ્રિય કક્ષાના સરસ્વતીમહોત્સવનું આયોજન થાય છે. કેરળ અને તામિલનાડુમાં પણ સરસ્વતી પૂજાનું આયોજન થાય છે. બિહાર ઝારખંડમાં સરસ્વતી પૂજા યોજાય છે. પશ્ચિમ બંગાળ અને ત્રિપુરામાં તે દિવસે પૂજા થાય છે. આ તહેવાર મંદિરોમાં, ઘરે કે શૈક્ષણિક સંસ્થાઓમાં ઉજવાય છે. શાળા, કોલેજ, શૈક્ષણિક સંસ્થાઓ, સંગીત અને નૃત્યની સંસ્થાઓમાં એ દિવસે મોટા મંડપોમાં કાર્યક્રમો યોજાય છે. તે દિવસે નાનું બાળક શિક્ષક કે ઘરના વરિષ્ઠ વ્યક્તિના માર્ગદર્શન હેઠળ થાળીમાં પ્રસારેલા ચોખામાં પોતાના હાથની આંગળીથી લેખનકલાનો પ્રારંભ કરે છે. આ ઉપરાંત વિદેશમાં મ્યાનમાર, જાપાન, કમ્બોડિયા, થાઈલેન્ડ, ઇન્ડોનેશિયા અને તિબેટમાં પણ ભિન્ન ભિન્ન નામે અને રીતે સરસ્વતી પૂજાનું આયોજન થાય છે.

Total Views: 381

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.