બીજાની સાથે બધા સંબંધ પરમાત્માના માધ્યમથી સ્થાપિત કરવા જોઈએ. આસક્ત થયા વિના પણ બીજા પ્રત્યે દયાળુ, પ્રેમપૂર્ણ અને સહાનુભૂતિ સંપન્ન થઈ શકાય છે. આ બધું આપણા સ્વયં પ્રત્યેના દૃષ્ટિકોણના પરિવર્તન પર આધાર રાખે છે.

આધ્યાત્મિક જીવનથી ઈશ્વર તથા સંસાર પ્રત્યેના આપણા દૃષ્ટિકોણમાં પરિવર્તન આવવું જોઈએ. પરંતુ આ ત્યારે જ સંભવ બને કે જ્યારે આપણે સ્વયં પ્રત્યેના દૃષ્ટિકોણને બદલીએ. આધ્યાત્મિક જીવનમાં આ વાત હૃદયમાં ઉતારવી ઘણી આવશ્યક છે.

જ્યાં સુધી વ્યક્તિ પોતાને દેહ અને મનથી અલગ આત્મા નથી સમજતી, ત્યાં સુધી તેના આધ્યાત્મિક જીવનનો પ્રારંભ જ નથી થતો. આપણી પોતાની જૂની છબિઓને બદલે એક નવી ‘આત્મ-છબિ’નું નિર્માણ કરવું જોઈએ. પોતાના વિશે આ પરિવર્તિત દૃષ્ટિકોણ સાધકના જીવનમાં અન્ય સાધારણ કહેવાતા ધાર્મિક લોકો કરતાં વિશેષ છે. જ્યારે સૌ પ્રથમ આ પરિવર્તન થાય છે, ત્યારે એવો સંભવ છે કે સાધકની આત્મા વિશેની ધારણા અસ્પષ્ટ પણ હોય. ગમે તે અવધારણા હોય પણ જો આ આત્માને દેહ અને મનથી ભિન્ન કોઈ વસ્તુ સાધક માનતો હોય અને તેનાથી પોતાના એકત્વનો અનુભવ કરતો હોય, તો એ પૂરતું છે.

એક ચીની વ્યક્તિની એક સત્યકથા છે. તેને સાઠ વર્ષ સુધી જેલમાં કેદી તરીકે રાખ્યો હતો. નવા સમ્રાટના રાજ્યાભિષેક વખતે તેને મુક્ત કરી દીધો, પરંતુ બહાર નીકળતાં જ તે બરાડી ઊઠ્યો, ‘હું આટલો પ્રકાશ, આટલી સ્વાધીનતા સહન કરી શકતો નથી.’ એટલે તેની જ વિનંતીથી તેને ફરીથી કાળકોટડીમાં મોકલી દીધો. આપણી સાથે પણ કંઈક આવા જ પ્રકારની વાત બને છે. આપણે પોતાનાં અજ્ઞાન અને દુ :ખથી એટલા બધા ટેવાઈ જઈએ છીએ કે નવું જીવન ઇચ્છતા નથી. આપણે પોતાના કલુષિત અહંકારના એટલા બધા આદી બની જઈએ છીએ કે પોતાના વાસ્તવિક આત્માના ઉજ્જવળ પ્રકાશને પણ સહન નથી કરી શકતા.

આપણામાંથી કેટલાક લોકો માનસિક રોગથી એટલા બધા રુગ્ણ ન હોય તોપણ તેમને પાગલખાનામાં મોકલાય છે, વળી આપણને માનસિક સમસ્યાઓ રહે છે અને આપણે દ્વન્દ્વપૂર્ણ જીવન જીવીએ છીએ. આપણે પોતાની જાતને ત્વરિત સુધારવાનું અને સારું જીવન જીવવાનું શીખવું જોઈએ. ક્યાંક એવું ન બને કે એમાં ઘણી વાર લાગી જાય.

પ્રસિદ્ધ મનોવૈજ્ઞાનિક ડૉ. યુંગે એક મહત્ત્વપૂર્ણ વાત કહી છે : ‘મારા દર્દીઓમાંથી ત્રીજા ભાગના રોગીઓને કોઈ ચોક્કસ મનોરોગ નથી, પરંતુ તેઓ જીવનમાં ખાલીપણા અને અર્થહીનતાથી ઘેરાયેલા છે.’

ઉચ્ચતર આદર્શને પ્રાપ્ત કરવાની આ લાલસા આધુનિક માનવના જીવનમાં અર્થ શોધવાના પ્રયાસોની પાછળ કાર્ય કરી રહી છે. આઈન્સ્ટાઈનનો સાપેક્ષતાવાદનો સિદ્ધાંત, મેક્ષ પ્લેંકનો ક્વાન્ટમ સિદ્ધાંત, રેડિયોધર્મિતાનો આવિષ્કાર, અસંખ્ય સૌર મંડળોનું અસ્તિત્વ, ડાર્વિનનો ક્રમવિકાસવાદ, માનવના અવચેતન મન વિશે ફ્રોઈડનું સંશોધન અને આધુનિક વિજ્ઞાનની બધી ઉપલબ્ધિઓએ માનવમૂલ્યોને અસ્થિર કરી નાખ્યાં છે. જે પહેલાં સ્પષ્ટ અને નિશ્ચિત સમજી શકાતું હતું, તે હવે અજ્ઞાત અને અસ્થિર થઈ ગયું છે. બે વિશ્વયુદ્ધો અને અન્ય સામાજિક પરિવર્તનોને કારણે નૈતિકતાની ધારણા સાપેક્ષ થઈ ગઈ છે. માનવમૂલ્યોની અસ્થિરતા અને માનવજીવનની અર્થહીનતાનો ભાવ આધુનિક કલા, સાહિત્ય અને દર્શનમાં પરિલક્ષિત થઈ રહ્યો છે.

ઈશ્વર પ્રત્યેનો સાચો દૃષ્ટિકોણ અને ભગવત્કૃપા

આપણો જન્મ શા માટે થયો છે ? માનવ-અસ્તિત્વનું શું પ્રયોજન છે ? પાશ્ચાત્યમાં ઘણા લોકો એમ માને છે કે આપણે જડ પદાર્થથી નિર્મિત થયા છીએ તથા તેના કઠોર નિયમો દ્વારા અસહાય રૂપે બદ્ધ છીએ. કેટલાક લોકો એવું વિચારે છે કે માનવનો જન્મ ભૂલથી થઈ ગયો છે. કેટલાક મુખ્ય વૈજ્ઞાનિકોએ મનને જડ પદાર્થનું એક સૂક્ષ્મ પરિણામ સિદ્ધ કરવાનો તથા તેને માટે આધ્યાત્મિક લક્ષ્ય નિર્ધારિત કરવાનો પ્રયાસ કર્યો છે. વિચારોના આ વિભ્રમની વચ્ચે સંઘબદ્ધ ખ્રિસ્તી ધર્મસમુદાયે ‘શૂન્યમાંથી સૃષ્ટિ’ તથા ‘આદિ-પાપ’ની પોતાની ધારણાઓને ગમે તે રીતે પકડી રાખી છે.

બૌદ્ધો કે જેમનામાંથી મોટા ભાગના નિત્ય આત્મામાં વિશ્વાસ રાખતા નથી, તેઓ માને છે કે માનવ અજ્ઞાનમૂલક વાસનાઓને કારણે જન્મમરણના ચક્રમાં ફરી રહેલ પરિવર્તનશીલ એકમોનો સમૂહ છે. તેઓ વ્યક્તિત્વની તુલના વહેતી નદી કે દીપશિખા સાથે કરે છે. તેઓ પરિવર્તનને ઘણું વધારે મહત્ત્વ આપે છે અને માનવની અપરિવર્તનશીલ સત્તાને ભૂલી જાય છે.

 

Total Views: 320

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.