(ગતાંકથી આગળ)

આજનો જમાનો ‘ઓબી વૅન’નો છે.

એક સામાન્ય છોકરીનો આઘાતજનક અનુભવ સમસ્ત દેશના અંતરાત્માને ખળભળાવી મૂકે, આવું વિચારવું બે ત્રણ દાયકા પહેલાં અઘરું હતું. અલબત્ત, ‘બ્રેકિંગ ન્યૂઝ’ માટે તમારે એક સારી સ્ટોરી જોઈએ અને એની સાથે થોડું નસીબ હોય તો વળી વધુ સારું. મારી પાસે આ બન્ને હતાં. બરેલી જિલ્લા હોસ્પિટલ કે જ્યાં હું હતી, તેની પાસે સાહેબે હિન્દી દૈનિક ‘હિન્દુસ્તાન’ના એક સ્થાનિક ફોટો જર્નાલિસ્ટને જોયો. ખૂબ માનસિક ચપળતા સાથે તેઓ એ જર્નાલિસ્ટ પાસે ગયા અને મારી વાત કરી. તેનું ધ્યાન ખેંચવા માટે ધીરેથી એમ પણ જણાવ્યું કે ‘તે એક રાષ્ટ્રિય ખેલાડી’ છે. આજના જમાનામાં કેવળ શાબ્દિક અહેવાલ પૂરતો ગણાતો નથી. તમારે માર્કેટિંગની કળા પણ જાણવી જરૂરી છે.

આ બાબતમાં સાહેબ (લેખિકાના બનેવી) ઘણા કુશળ હતા. તેઓ હકીકતને આડીટેઢી ન કરતા. પણ વાત એ રીતે કરતા કે જેથી સામેની વ્યક્તિના મનમાં જિજ્ઞાસા ઊભી થાય. મારી વાત બરેલીના એડિશનના બીજા પાને છપાઈ. સાહેબ જાણતા હતા કે તે કેવળ બરેલીની વાત નહીં રહે. તેમણે ભવિષ્ય ભાખ્યું હતું કે આ સમાચાર રાષ્ટ્રિય સમાચાર બનશે. પછી ‘હિન્દુસ્તાન ટાઇમ્સ’ની અંગ્રેજી એડિશનમાં મારી વાત છપાઈ. અને એ કળા-પ્રયુક્તિ એવી પુરવાર થઈ કે જેની અનેક પ્રતિક્રિયાઓ આવવા લાગી.

વગદાર સ્થાનિક રાજકારણીઓ આવવા લાગ્યા. બરેલીનાં મેયર સુપ્રિયા આરોલ, બરેલીમાંથી બીજેપીના પૂર્વ સાંસદ અને પૂર્વ કેન્દ્રિય મંત્રી સંતોષ ગંગવાર, મેનકા ગાંધી જેવા નેતાઓ આવ્યા. તેમણે બધાએ એક સમાન વાતો કરી. પોતે સાથે હોવાની, મદદનું વચન આપવાની, વ્યવસ્થાને ખામીભરી જણાવવા જેવી વાતો કરી. સાહેબ સાચા પડ્યા. વર્તમાનપત્રના બીજા પાનેથી મારી વાત મોટા ભાગનાં વર્તમાનપત્રોમાં પહેલે પાને આવવા લાગી. ટીવી માટે હું ‘પ્રાઈમ ટાઈમ’ ચીજ બની ગઈ. એને લીધે ટીવીવાળાઓની ઓબી વૅન ગાડીઓ હોસ્પિટલની બહાર રોકાવા લાગી.

કોઈ રાષ્ટ્રિય ખેલાડી ચેઈન ખેંચનારાઓ સાથે લડતી વખતે ચાલતી ટ્રેને બહાર ફેંકાય અને તે પણ ઉત્તર પ્રદેશમાં, જ્યાં બધા બનાવોને સદૈવ રાજકારણ સાથે જોડવામાં આવે છે અને બધા દોષનો ટોપલો સરકારમાં હોય તે પક્ષને બારણે ઠલવાય છે. આ ઘટના ટીવી જોનારાઓ માટે અને સમાલોચના કરનાર માટે રસપ્રદ હતી. ઉત્તર પ્રદેશમાં તે સમયે એક મહિલા મુખ્યપ્રધાન હતાં. તેનો અર્થ એ થયો કે બીજા કોઈ મોટા અને રસપ્રદ સમાચાર ન આવે ત્યાં સુધી હું ટીવીના પડદે રહેવાની હતી. સાહેબમાં પણ ટીવીવાળાઓને એક નિર્ભય અને બોલકો સૂત્રધાર મળ્યો. ઘટનાઓનાં ચિત્રો અને રસભર્યાં વિવરણ માટે ચેનલો મરતી હોય છે. મને હોસ્પિટલના ખાટલામાં સૂતેલી જોવાનું ચિત્ર દુ :ખદ તો હતું જ અને સાહેબની વાતોમાં પણ રસ પડે તેમ હતું. તેમણે નક્કી કર્યું કે હું કેમેરા સામે આવવાની નામરજી છોડીને તેમને પ્રશ્ન કરું કે શું રાષ્ટ્રિય કક્ષાની મહિલા ખેલાડીઓનું આ જ નસીબ છે ? મેં વળી એમ પણ પૂછ્યું કે હવે સરકારે ટ્રેનમાં અને ટ્રેનની બહાર સ્ત્રીઓની સુરક્ષાના પ્રશ્ને ખરેખર જાગ્રત થવાનો સમય નથી આવ્યો ?

એકાએક આખા દેશ સમક્ષ આ બનાવની બધી વિગતો આવી ગઈ. ટીવી ચેનલોએ આ વાત વારંવાર દર્શાવી. એમાં મારી કહેલી વાતો અને સાહેબના આરોપો પણ સામેલ રહેતા. બ્રેકિંગ ન્યૂઝ ચેપી હોય છે. એક ચેનલ તેને બતાવ્યા કરે એટલે બીજી ચેનલ તેને ઉઠાવી લે. કેટલીક ચેનલોએ તેને બરેલી જિલ્લા હોસ્પિટલમાં જ્યાં હું પથારીમાં પડી હતી તેની બહાર પણ દેખાડવા માંડી. એનાથી મને થોડી રમૂજ થઈ. ટીવીવાળા દરેક ખૂણેથી મને ‘કવર’ કરે અને એ માટે ચોવીસેય કલાક હાજર હોય એ બાબત સાથે સમાધાન કેળવવામાં મને થોડી વાર લાગી. મને યાદ છે કે અમુક લોકોએ તો મને રાત્રે ઊંઘમાંથી ઉઠાડીને પણ મારી વાત કહેવા માટે વિનંતી કરી. તે લોકોની ‘ફરજિયાત મજબૂરી’ હું સમજી શકતી હતી. એક વાર મારી વાતનું વાવાઝોડું ચાલુ કરી દીધું પછી જ્યારે રાષ્ટ્ર તેને ઊંચે અવાજે પ્રતિભાવ આપી રહ્યું હતું ત્યારે તેઓ પણ એમ કરવા લાચાર હતા.

હોસ્પિટલના ખાટલામાંથી મારી વાત કરવાનાં જીવંતચિત્રો લોકોના બેઠકરૂમ સુધી પહોંચી ગયાં. એને લીધે જનતાનાં જિજ્ઞાસા અને ચિંતા પણ શરૂ થયાં. હવે ચેનલોએ વધુ કવરેજ કરવા માંડ્યું. મારા ખાનગી જીવનનો સાવ ખુરદો બોલવાની સ્થિતિ આવી. હું સમજી શકતી હતી કે બરેલીમાં ધામા નાખનાર મિડિયાના લોકો પોતાનું કામ રાતદિવસ કરી રહ્યા હતા. કોઈ નવી બાબત ચૂકી ન જવાય તેની તકેદારી રાખતા. કેટલાક લોકો એટલા બધા જીવંત શો, ફીડ્ઝ, ફોન-ઇન્સના કાર્યક્રમોમાં વ્યસ્ત હોવાને કારણે જમવાનો સમય પણ કાઢી ન શકતા. આવા મિડિયાના વાવાઝોડામાં સપડાયેલી મને થતું કે આ બધું મને ક્યાં લઈ જશે ? સદ્ભાગ્યે આ ધોધમારાનો પ્રતિભાવ લોકો તરફથી હકારાત્મક હતો. મને વધુ સારી સારવાર મળવા લાગી અને કેટલાક મોટા ડાૅક્ટરો પણ મુલાકાતો લઈને મારી વ્યક્તિગત કાળજી લેવા લાગ્યા.

ચેનલવાળાના પ્રચાર પ્રસારને લીધે વડાપ્રધાનથી માંડીને ભારતના રાજકારણમાં પડેલા અગ્રણીઓ પણ મારો સંપર્ક સાધવા મથામણ કરતા. રેલ્વે બોર્ડના ચેરમેન પણ મારું નિવેદન લેવા આવ્યા. રાજ્યના મહિલા આયોગના સભ્યો પણ મુલાકાતે આવ્યા. ઉત્તરપ્રદેશના એક મંત્રીએ આસિસ્ટન્ટ ટ્રાન્સપોર્ટ ઓફિસર દ્વારા રૂા. ૫૧,૦૦૦/- પણ મોકલ્યા. કેટલાક નેતાઓએ પાર્ટીના ફંડમાંથી પૈસા મોકલવાની વાત પણ કરી. અમે જ્યારે નાનાં હતાં ત્યારે મારી માતા કહેતી કે કેટલીક વાર જ્ઞાન અને શાણપણની દેવી સરસ્વતી વ્યક્તિના મનમાં રહેવા આવતી અને એ સમયગાળામાં એ વ્યક્તિ જે કશું બોલે એ સાચું પડતું. ઉત્તરપ્રદેશના તત્કાલીન મુખ્યમંત્રીશ્રીએ મારા માટે સન્માન સમારંભ યોજ્યો અને પર્વતીય સાહસ માટે માતબર રકમનો ચેક આપ્યો. (ક્રમશ 🙂

Total Views: 360

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.