સનાતન હિન્દુ ધર્મ પરંપરામાં જેમ ‘ભગવદ્ ગીતા’નું મહત્ત્વ છે, તેવી જ રીતે બૌદ્ધ પરંપરામાં ‘ધમ્મપદ – ધર્મનાં પદો’નું મહત્ત્વ છે. આ ગ્રંથની રચના બૌદ્ધ ગુરુઓએ પાલિ ભાષામાં કરેલ છે. આ ગ્રંથમાંથી मयमकवग्गोफ- ‘યમકવર્ગ’ નામના પ્રારંભના પ્રકરણમાંથી કેટલાક અંશો ભગવાન બુદ્ધની જન્મજયંતી પ્રસંગે વાચકોના લાભાર્થે અહીં પ્રસ્તુત છે. યમક એટલે જોડકું. પ્રથમ વર્ગમાં બબ્બેની ગાથા જોડાયેલી છે. પહેલી ગાથામાં દુ :ખનાં કારણ, બીજીમાં સુખનાં કારણ, ત્રીજીમાં વેર ન શમવાનાં અને ચોથીમાં વેરશમનનાં કારણો બતાવ્યાં છે. પાંચમી અને છઠ્ઠીમાં વેરથી વેર ન શમે અને પ્રેમથી શમે એવા સનાતન ધર્મસત્યની વાત છે તેમ જ સંયમથી કલહ-કંકાસને શાંત કરવાની વાત છે. એ જ પ્રમાણે સાતમી ગાથામાં અસંયમ, આળસ, નિર્બળતા અને ખાનપાનમાં અમર્યાદાની વાત છે અને આઠમી ગાથામાં ઇન્દ્રિયસંયમ, પરાક્રમશીલતા, શ્રદ્ધા અને મર્યાદાની વાત છે. આવી રીતે દરેક ગાથાની બબ્બે જોડીમાં ભાવવાહી ગાથાઓ રચાયેલ છે. એટલે આ વર્ગનું નામ યમકવર્ગ સાર્થક છે.

मनोपुब्बङ्गमा धम्मा मनोसेट्ठा मनोमया ।
मनसा चे पदुट्ठेन भासति वा करोति वा ।
ततो नं दुक्खमन्वेति चक्कं व वहतो पदं ।।1।।

બધા વિચારોમાં મન આગેવાન છે, મન શ્રેષ્ઠ છે અને વિચાર માત્ર મનોમય છે. જે કોઈ દુષ્ટ મનથી બોલે કે પ્રવૃત્તિ કરે તેની પાછળ જેમ, ગાડા કે ઘોડાગાડી જેવા વાહનમાં જોડેલા પ્રાણીનાં પગલાં પાછળ પૈડું ચાલ્યા કરે છે, તેમ દુ :ખ ચાલ્યા કરે છે.

मनोपुब्बङ्गमा धम्मा मनोसेट्ठा मनोमया ।
मनसा चे प्रसन्नेन भासति वा करोति वा ।
ततो नं सुखमन्वेति छाया व अनपायिनी ।।2।।

બધા વિચારોમાં મન આગેવાન છે, મન શ્રેષ્ઠ છે અને વિચાર માત્ર મનોમય છે. પ્રસન્ન મનથી બોલનાર કે પ્રવૃત્તિ કરનારની પાછળ, જેમ પડછાયો સાથ છોડ્યા વિના સાથે ને સાથે ચાલ્યા કરે છે, તેમ સુખ ચાલ્યા કરે છે.

अक्कोच्छि मं अवधि मं अजिनि मं अहासि मे ।
ये तं उपनय्हन्ति वेरं तेसं न सम्मति ।।3।।

અમુકે મને ગાળ દીધી, માર્યો; અમુક મને જીતી ગયો, મારું લૂંટી ગયો; જેઓ આવી વાતોની ગાંઠ વાળી રાખે છે, તેમનું વેર શાંત થતું નથી.

अक्कोच्छि मं अवधि मं अजिनि मं अहासि मे ।
ये तं उपनय्हन्ति वेरं तेसूपसम्मति ।।4।।

અમુકે મને ગાળ દીધી, માર્યો; અમુક મને જીતી ગયો, મારું લૂંટી ગયો; જેઓ આવી વાતોની ગાંઠ નથી વાળી રાખતા, તેમનું વેર શાંત થઈ જાય છે.

न हि वेरेन वेरानि सम्मन्तीध कुदाचनं ।
अवेरेन च सम्मन्ति एस धम्मो सनन्तनो ।।5।।

કારણ કે આ જગતમાં વેરથી વેર ક્યારેય શમતું નથી, શાંત થતું નથી. વેર તો પ્રેમથી શાંત થાય છે. આ સનાતન ધર્મ છે.

परे च न विजानन्ति मयमेत्थ यमामसे ।
ये च तत्थ विजानन्ति ततो सम्मन्ति मेधगा ।।6।।

‘અમારે સંયમમાં વર્તવું જોઈએ’ એમ બીજાઓ ભલે ન જાણતા હોય; પરંતુ જેઓ એમ જાણતા હોય તેમનાથી કલહ-કંકાસો શાંત થાય છે.

सुभानुपस्सिं विहरन्तं इन्द्रियेसु असंवुतं ।
भोजनम्हि अमत्तञ्ञ्ाुं कुसीतं हीनवीरियं ।।
तं वे पसहति मारो वातो रुक्खं व दुब्बलं ।।7।।

જે શરીરની સુંદરતાને શુભ સમજીને પોતાનું વર્તન ચલાવે છે, ઇન્દ્રિયોને સંયમમાં રાખતો નથી, ખાનપાનની મર્યાદાને સમજતો નથી, આળસુ અને પરાક્રમ વિનાનો છે, તેને નબળા ઝાડને જેમ હવા ઉખેડી નાખે છે, તેમ શેતાન જરૂર ઉખેડી નાખે છે.

असुभानुपस्सिं विहरन्तं इन्द्रियेसु सुसंवुतं ।
भोजनम्हि च मत्तञ्ञ्ाुं सद्धं आरद्धवीरियं ।
तं वे नप्पसहति मारो वातो सेलं व पब्बतं ।।8।।

જે શરીરની સુંદરતાને અશુભ સમજીને પોતાનું વર્તન ચલાવે છે, ઇન્દ્રિયોને સંયમમાં રાખે છે, ખાનપાનની મર્યાદાને સમજે છે, જે શ્રદ્ધાવાન અને પરાક્રમી છે, તેને જેમ પાષાણમય પર્વતને હવા કંપાવી શકતી નથી તેમ શેતાન પણ કંપાવી શકતો નથી.

अनिक्कसावो कासावं यो वत्थं परिदहेस्सति ।
अपेतो दमसच्चेन न सो कासावमरहति ।।9।।

જેના પોતાનામાંથી કામ, ક્રોધ, લોભ આદિ કષાયો નીકળી ગયા નથી, જે સંયમ અને સત્યથી વેગળો છે, તે ભગવો વેશ ભલે પહેરે પણ તે તેવા વેશને લાયક નથી.

यो च वन्तकसावस्स सीलेसु सुसमाहितो ।
उपेतो दमसच्चेन न वे कासावमरहति।।10।।

જેના પોતાનામાંથી કષાયો નીકળી ગયા છે, જે સદાચારમાં સ્થિર છે અને સંયમ તથા સત્યયુક્ત છે, તે ભગવો વેશ પહેરે, તો તે તેવા વેશને ખરેખર લાયક છે.

असारे सारमतिनो सारे चासारदस्सिनो ।
ते सारं नाधिगच्छन्ति मिच्छासङ्कप्पगोचरा ।।11।।

જેઓ અસારને સાર સમજે છે, સારને અસાર સમજે છે, તે મિથ્યા સંકલ્પી-ખોટા વિચાર રાખનારા કદી પણ સારને સમજી શકતા નથી.

सारं च सारतो ञ्ात्वा असारं च असारतो ।
ते सारं अधिगच्छन्ति सम्मासङ्कप्पगोचरा ।।12।।

જે સારને સાર સમજે છે અને અસારને અસાર સમજે છે, તે સમ્યક્ સંકલ્પવાળા-સાચા વિચાર રાખનારા સારને સત્વર સમજી શકે છે.

Total Views: 314

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.