ટોરન્ટોમાં ૧ થી ૭ નવેમ્બર, ૨૦૧૮માં યોજાયેલ સાતમી વિશ્વધર્મ પરિષદમાં મને કીનોટ એડ્રેસ આપવા માટે નિમંત્રણ મળ્યું હતું. આ વાતની જાણ થતાં અમેરિકાની ઘણી સંસ્થાઓએ આગ્રહ કર્યો કે ટોરન્ટોથી ભારત પરત જતાં પહેલાં અમેરિકામાં પ્રવચનો આપું. એટલે ત્રણ અઠવાડિયાનો મારો અમેરિકાનો ચોથો પ્રવાસ ૮ થી ૩૦ નવેમ્બર સુધી યોજાયો.

૮મી નવેમ્બરે સવારે ટોરન્ટોથી હ્યુસ્ટન જવાનું હતું. હું એરપોર્ટ પર પહોંચી ગયો, પણ એરપોર્ટ પર એક મુશ્કેલી ઊભી થઈ. મારો સામાન વધારે હોવાથી મારે ત્યાં ૫૦ કેનેડિયન ડોલર ભરવાના થતા હતા. અને તે પણ ક્રેડિટ કાર્ડથી. કાઉન્ટર પર બેઠેલ મહિલાએ પૈસા માટે મારું ક્રેડિટ કાર્ડ માગ્યું. મેં કહ્યું, ‘હું તો સંન્યાસી છું. બેંકમાં અમારે ખાતાં ન હોય. તો હવે મારે શું કરવું ?’ અમારા બન્ને વચ્ચે આ વિશે થોડી રકઝક પણ થઈ. મેં કહ્યું, ‘મારી પાસે અમેરિકન ડોલર કેશમાં છે, તે તમને આપી શકું.’ પણ અહીંના લોકોનો તો ક્રેડિટ કાર્ડનો જ નિયમ હતો. અંતે વિચારીને એમણે એક રસ્તો કાઢ્યો. હું તેમને ડોલર કેશમાં આપું અને તે પોતાના ક્રેડિટ કાર્ડમાંથી આવશ્યક રકમ ભરી દે. મેં તેમને ૫૦ અમેરિકન ડોલર આપ્યા. હવે કેનેડિયન ડોલરની કિંમત ઓછી હોવાથી મેં આપેલી રોકડ રકમમાંથી થોડી રકમ વધતી હતી. પણ એમની પાસે છૂટી રકમ ન હતી. એટલે મેં તેમને કહ્યું, ‘આ બાકીની રકમ તમે રાખો. મારે વધેલા પૈસા જોઈતા નથી.’ આના પરથી એમને મારા પર વિશ્વાસ બેઠો કે હું કોઈ લેભાગુ નથી. મેં મારો લગેજનો સામાન આપી દીધો હતો અને કેબીનમાં સાથે લઈ જવાની મારી નાની સુટકેસ ટ્રોલીમાં મૂકીને હું ઊભો હતો. ટ્રોલી મારી પાછળ રાખી હતી. હું આગળના ભાગમાં કાઉન્ટર પર બેઠેલ મહિલા સાથે વાત કરતો હતો. ત્યાં એ મહિલાએ જોરથી બૂમ પાડી, ‘એય ઊભો રહે, ટ્રોલી લઈને ક્યાં જાય છે?’ અને મેં તરત જ પાછળ જોયું તો મારી બેગવાળી ટ્રોલી જ ગાયબ હતી. એક માણસ પોતાની મોટી બેગ એ ટ્રોલીમાં મૂકીને એ ટ્રોલી લઈને ઝડપથી જઈ રહ્યો હતો. બૂમ સાંભળીને તે ઊભો રહ્યો અને ટ્રોલી પાછી મૂકીને પોતાની મોટી બેગ લઈને દોડી ગયો. આ બધું આંખના પલકારામાં બની ગયું. મારું તો જરાય ધ્યાન જ ન હતું. હું તો એકદમ નિશ્ચિંત હતો. અમેરિકામાં આવું બની શકે એવી તો કલ્પના પણ ન આવે. પરંતુ જો એ બેગ ગઈ હોત તો હું ભારે મુસીબતમાં મુકાઈ જાત. મારું બધું જ- પૈસા, અમેરિકાનાં સરનામાંની ડાયરી, પ્રવચનોની નોંધ, બીજી અગત્યની નોંધ આવું ઘણુંયે એમાં હતું. જો એ બહેનનું ધ્યાન સમયસર ન ગયું હોત અને તેમણે બૂમ ન પાડી હોત તો ! પણ જે થોડા ડોલર મેં એમને બક્ષિસમાં આપી દીધા એથી એમને મારા પ્રત્યે સહાનુભૂતિ જાગી અને મારી મોટી મુસીબત એમણે ટાળી દીધી ! આ ઘટનાને તો હું શ્રીઠાકુરની મહાકૃપાનો ચમત્કાર જ ગણું છું. તેમની કૃપા વગર આ શક્ય જ ન હતું. મનોમન શ્રીઠાકુરની કૃપાનો અહેસાસ અનુભવતાં અનુભવતાં હું સાંજે ૬ વાગ્યે હ્યુસ્ટન પહોંચી ગયો.

હ્યુસ્ટનના વેદાંત સેન્ટરમાં :

એરપોર્ટ પરથી સીધો હ્યુસ્ટનના વેદાંત સેન્ટરમાં સાંજે ૬ :૪૫ વાગ્યે પહોંચી ગયો. ૭ :૦૦ વાગ્યે તો ત્યાં વ્યાખ્યાન રાખવામાં આવ્યું હતું. વ્યાખ્યાનનો વિષય હતો ‘Man making Religion – માનવઘડતર કરતો ધર્મ’. શ્રી ચીમનભાઈ દેસાઈ કે જેઓ પહેલાં વડોદરામાં રહેતા હતા, તેઓ ઠાકુરના પરમ ભક્ત, પણ તબિયત સારી ન હોવાથી વેદાંત સેન્ટરમાં આવી શકે તેમ ન હતા. એટલે તેમને મળવા હું તેમને ઘેર ગયો. તેઓ ખૂબ રાજી થયા. વેદાંત સેન્ટરમાં બીજા બે દિવસના કાર્યક્રમો પણ નક્કી થઈ ગયા હતા. ૧૧મી તારીખે રવિવાર હતો, એટલે ઘણા લોકો દૂર દૂરથી આવ્યા હતા. પ્રવચન હાૅલ આખો ભરાઈ ગયો હતો. ૧૧મી તારીખના વ્યાખ્યાનનો વિષય હતો – ‘વેદાન્ત ઇન એવરીડે લાઈફ’ (દૈનિક જીવનમાં વેદાંત) આ બન્ને કાર્યક્રમો ઘણા સારા રહ્યા.

ટફ્ટ અને હાર્વર્ડ યુનિવર્સિટીમાં :

૧૨મી તારીખે મારે બોસ્ટન જવાનું હતું. ત્યાં ટફ્ટ અને હાર્વર્ડ યુનિવર્સિટીમાં બે વ્યાખ્યાનો શ્રી શરદ સાગરે ગોઠવ્યાં હતાં. શરદ સાગર રાજકોટ રામકૃષ્ણ આશ્રમમાં યોજાયેલ યુવા શિબિરમાં આવ્યા હતા. ૧૩મીએ રાત્રે ટફ્ટ યુનિવર્સિટીમાં વ્યાખ્યાન હતું. મોટા ભાગના અમેરિકન વિદ્યાર્થીઓ હતા. વ્યાખ્યાન બાદ પ્રશ્નોત્તરી ઘણી જ રસપ્રદ રહી. યોગ, ધ્યાન, મનની શાંતિ, એકાગ્રતા વગેરે વિષયના ઘણા પ્રશ્નો છાત્રોએ પૂછ્યા. અમેરિકન યુવાનોમાં આ બધા વિષયો વિશે જાણવાની ભારે જિજ્ઞાસા છે એમ મને લાગ્યું.

૧૪મી તારીખે વેદાંત સેન્ટર, બોસ્ટનની મુલાકાત લીધી. ૧૫મીની સાંજે હાર્વર્ડ યુનિવર્સિટીમાં સેવેર હાૅલમાં વ્યાખ્યાન હતું. આ જ હાૅલમાં સ્વામી વિવેકાનંદે ૧૨૫ વર્ષ પહેલાં વ્યાખ્યાન આપ્યું હતું. વિશ્વની એ સુપ્રસિદ્ધ યુનિવર્સિટીમાં પગ મૂકતાં જ રોમાંચ અનુભવ્યો. એનું કારણ એ હતું કે આ યુનિવર્સિટી સ્વામી વિવેકાનંદની ચરણધૂલિથી પાવન બની છે. બહાર તો ભારે હિમવર્ષા થઈ રહી હતી. અંદરનું વાતાવરણ તો ઉષ્માભર્યું હતું. પ્રવચન પછી વિદ્યાર્થીઓએ ઘણા પ્રશ્નો પૂછ્યા. S.Q. (Spiritial Quotient) – આધ્યાત્મિક કે ભાવાત્મક આંક, ધ્યાન, એકાગ્રતા, સફળતા, માનસિક તણાવ દૂર કરવાની પદ્ધતિ, યોગ વગેરે વિષયના પ્રશ્નોની ઝડી વરસવા માંડી. સાથે ને સાથે ભજનો શિખવાડવાનો આગ્રહ કર્યો. અમેરિકાની યુવા પેઢી પણ યોગ અને ધ્યાન પ્રત્યે કેટલી બધી જાગ્રત થઈ રહી છે ! આને લીધે સ્વામી વિવેકાનંદનું સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે, મને એવી પ્રતીતિ થઈ.

સાહસિક મુસાફરી :

હાર્વર્ડ યુનિવર્સિટીની બહાર નીકળ્યા અને જોયું તો ચારે બાજુ બરફના થર જામી ગયા હતા. હિમવર્ષા તો ચાલુ જ હતી. ધરતી ઉપર સફેદ ચાદર પથરાઈ ગઈ હતી. આવા વાતાવરણમાં અમારે હવે બોસ્ટનથી ૫૦ કિ.મી. દૂર આવેલા નિવાસસ્થાને પહોંચવાનું હતું. આવી કપરી ઠંડીમાં અને હિમવર્ષાની વચ્ચે બરફના થરને કાપતાં કાપતાં જવું, એ ખરેખર અત્યંત કઠિન અને સાહસભરી મુસાફરી હતી. સામાન્ય કાર તો આવા બરફમાં ચાલે જ નહીં. એ માટે તો સ્પેશ્યલ પૈડાંવાળી ગાડી હતી. એ બરફ પર લપસ્યા વગર ચાલતી હતી. મધ્યરાત્રીની હિમવર્ષાવાળી આ મુસાફરીઓ ખરેખર યાદગાર બની ગઈ. રાત્રે ૧૧ વાગ્યે નિવાસસ્થાને પહોંચ્યા.

હિમવર્ષા સાથે ઈશ્વરકૃપાની વૃષ્ટિ :

ફ્લાઇટના સમયપત્રકનું ચેકિંગ કરતાં જણાયું કે સવારના ૭ વાગ્યાની ફ્લાઇટ કેન્સલ થઈ છે. શિકાગો જવા માટેની બીજી ફ્લાઇટ છેક સાંજે ૭ વાગ્યે છે. હવે શું કરવું ? સાંજે ૭ વાગ્યાની ફ્લાઇટ મળે તો કેટલાય લોકોને મળવાનો સમય આપ્યો હતો, તે બધાએ પાછા જવું પડે. ૧૬મી એ સવારે મળવાનો સમય રાખ્યો હતો. અને હવે તો છેક રાત્રે પહોંચાય તેમ હતું.

દૂર દૂરથી ખાસ મળવા આવનારા લોકોએ પાછા જવું પડે તેમ હતું. વળી ૧૭મી એ સવારે તો હિન્દુ ટેમ્પલમાં વ્યાખ્યાન હતું. ફ્લાઇટ કેન્સલ થવાને લીધે આખું સમયપત્રક ખોરવાઈ જાય તેવું હતું.

ભારે વિમાસણ થતી હતી. ત્યાં જ શરદ સાગર પર ટિકિટ બૂક કરનાર મહિલાનો ફોન આવ્યો, ‘સર, સવારની ૫ વાગ્યાની ફ્લાઇટમાં હમણાં જ એક ટિકિટ કેન્સલ થઈ છે; તો આપી દઉં ?’ શરદ સાગરે આ વાત મને કહી ત્યારે મેં તેને કહ્યું, ‘હમણાં ને હમણાં ટિકિટ બૂક કરાવી લે.’ આમ સાત વાગ્યાને બદલે બે કલાક વહેલી ફ્લાઇટ મળી ગઈ ! ઠાકુરની કેવી મહાકૃપા ! દરેક સમયે, મુસીબતની પળે જાણે એમની કૃપા વરસતી હતી ! કેવું દિવ્ય આયોજન !

બોસ્ટનથી સવારના ૫ વાગ્યાની ફ્લાઇટ હતી. એટલે અમારે સવારે ૩ વાગ્યે એરપોર્ટ પર પહોંચવું જ પડે તેમ હતું. એ માટે અમારે વહેલાં ૨ વાગ્યે નીકળવાનું હતું. પણ રસ્તા પર બરફના થરના થર જામી ગયેલા. એના ઉપર નાની ગાડી ચાલી શકે તેમ ન હતી. એટલે એરપોર્ટ પર સમયસર કેવી રીતે પહોંચવું એની ભારે મૂંઝવણ હતી. પણ ભગવાન ફરી વહારે આવ્યા. રસ્તા પર જામેલા બરફને દૂર હટાવવા અને રસ્તો સાફ કરવા ગવર્મેન્ટની સ્પેશ્યલ ગાડી ત્યાં આવી પહોંચી. જો કે અમે કોઈએ આ ગાડી બોલાવી ન હતી અને ફોન કરીને અમારી મુશ્કેલીની જાણ કોઈને પણ કરી ન હતી. આમ છતાં પણ બરફ પર મીઠું નાખીને રસ્તો સાફ કરનારી ગાડી આવી પહોંચી !!! રાત્રે ૧ વાગ્યે આવીને એ ગાડીએ રસ્તા પરનો બધો જ બરફ દૂર કરી દીધો અને અમારા માટે રસ્તો સાવ ચોખ્ખો થઈ ગયો ! આ ભગવત્ કૃપા નહીં તો બીજું શું ! આને લીધે જ અમે સમયસર એરપોર્ટ પર પહોંચી ગયા.

કોઈની ટિકિટનું કેન્સલ થવું, અને એ ટિકિટ મળી જવી. તેમજ બે કલાક વહેલાં નિશ્ચિત સ્થળે પહોંચવું ! બધી ગોઠવણી જાણે કે પ્રભુએ પહેલેથી જ કરી રાખી ન હોય ! શ્રીઠાકુરની કૃપા અનુભવતો સવારે ૭ વાગ્યે હું શિકાગો પહોેંચી ગયો. ત્યાંથી ટેક્સી કરીને સીધો વેદાંત સેન્ટર પહોંચ્યો ! ત્યાંના સ્વામીજીને તો નવાઈ લાગી કે ‘તમે ૧૦ વાગ્યે આવવાના હતા અને આટલા વહેલા આવી પહોંચ્યા !’ જ્યારે તેમણે બધી વાત જાણી ત્યારે ભગવાનનું આયોજન કેવું વ્યવસ્થિત હોય છે, તેની પ્રતીતિ થતાં આનંદ અનુભવ્યો.

(પ્રવચનના આધારે આલેખન શ્રી જ્યોતિબહેન થાનકીએ કરેલ છે.)

Total Views: 302

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.