રાસલીલા

શરદ ઋતુ હતી. જુદી જુદી પુષ્પવેલીઓ, ચમેલી પરનાં સુગંધી પુષ્પોની સૌરભથી યમુનાતટનું વાતાવરણ મહેકી રહ્યું હતું. પૂર્ણિમાની રાત હતી. ચંદ્રની રોશની જાણે કે સમગ્ર જગતને આપ્લાવિત કરી રહી હતી. સમગ્ર પ્રકૃતિ જાણે કે હસતી ન હોય, તેવું વાતાવરણ હતું. શ્રીકૃષ્ણે પોતાની વાંસળી પર ગોપીઓનાં મનને હરી લેનાર એક મધુર સ્વર છેડ્યો. ભગવાન શ્રીકૃષ્ણના એ મધુર વાંસળીવાદનથી, પ્રભુમિલનની લાલસાથી ગોપીઓનાં મન ઉન્મત્ત થયાં હતાં. આમ તો શ્યામસુંદરે પહેલેથી જ ગોપીઓનાં મનને પોતાને વશ કરી લીધાં હતાં. પણ આજે આ રમ્ય વાતાવરણમાં ગૂંજી ઊઠેલા વાંસળીના એ મધુર સ્વરથી ગોપીઓનાં ભય, સંકોચ અને ધૈર્યને પણ હરી લીધાં. શ્રીકૃષ્ણની બંસરીના બોલ સાંભળીને ગોપીઓ તો બધું છોડીને તીવ્ર ગતિએ શ્રીકૃષ્ણને મળવા ચાલી નીકળી.

ગોપીઓનાં મન-હૃદય શ્રીકૃષ્ણ મિલન માટે એટલાં ઉત્કટ બની ગયાં કે જે ગોપીઓ ગાયોને દોહતી હતી તેઓ ગાયોને દોહવાનું છોડીને ચાલી નીકળી. વળી કેટલીક ગોપીઓ તો પોતાનાં બાળકો માટે ચૂલા પર દૂધ ગરમ કરતી હતી, તેને ઊભરાતું છોડીને નીકળી પડી. કેટલીક તો લાપસી રાંધતી હતી એ લાપસી પણ ચૂલા પર એમ ને એમ રહી ગઈ. કેટલીક ગોપીઓની અધીરાઈ એટલી વધી ગઈ કે તેમણે ભોજન પીરસવાનું છોડી દીધું, અને બધું ભગવાન ભરોસે છોડી ભગવાનને મળવા ઊપડી ગઈ. ગોપીઓનાં પિતા, માતા, ભાઈ અને બીજાંએ રોકવાનો પ્રયાસ કર્યો પણ ગોપીઓના આવા દિવ્ય ભાવપ્રવાહને ભલા કોણ રોકીટોકી શકે! હરિએ તો એમનાં પ્રાણ, મન અને આત્માને હરી લીધાં હતાં. કેટલીક ગોપીઓ તો ઘરમાંથી નીકળી ન શકી એટલે તેમણે પોતાનાં નેત્રો મીંચી દીધાં અને તન્મયતા સાથે શ્રીકૃષ્ણનું ચિંતન કરતાં કરતાં ધ્યાનાવસ્થામાં આવી ગઈ.

શ્રીકૃષ્ણે જ્યારે જોયું કે ગોપીઓ બંસરીના મધુર ધ્વનિથી આકર્ષાઈને પોતાની સાવ નજીક આવી ગઈ છે, ત્યારે તેમણે વિનોદ-વ્યંગભરી વાણીમાં કૃત્રિમ આવેશથી ઠપકો આપતાં કહ્યું, ‘અરે ગોપીઓ ! તમારું હું સ્વાગત કરું છું, પણ આટલી રાતે ગાઢ જંગલમાં આવવાની શી જરૂર પડી ? શું તમે પૂર્ણ ચંદ્રનાં કિરણોથી ઉજ્જવળ દૃશ્યનો આનંદ લેવા આવી છો ? અરે, આ જંગલમાં મોટાં મોટાં અને ભયાવહ હિંસક પશુઓ અહીંતહીં ઘૂમતાં હોય છે. તમને ઘરે ન જોઈને તમારાં માબાપ, પતિ-પુત્ર તમને શોધતાં હશે. એટલે બને એટલી ઝડપથી તમે પોતપોતાને ઘરે પાછી જાઓ.’

શ્રીકૃષ્ણનાં આ અપ્રિય વેણ સાંભળીને ગોપીઓ ઉદાસ અને ખિન્ન થઈ ગઈ. હરિ માટે પોતાની બધી કામનાઓ અને ભોગ છોડી દીધાં હતાં. આમ અચાનક પોતાની આશાઓ ભાંગી પડતાં તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યાં. ગોપીઓ બોલી, ‘હે પ્રિય શ્રીકૃષ્ણ ! તમે તો અમારાં હૃદયની વાત જાણો છો. તમારે આવાં કડવાં વેણ કહેવાં જોઈતાં ન હતાં. અમે તો સર્વ કંઈ છોડીને તમારાં ચરણોને ચાહીએ છીએ. તમારા વિના રહેવાની કલ્પના પણ અમારા માટે અસંભવ છે. તમે તો બધા જીવોના બંધુ અને પરમ પ્રિયતમ છો. અમારે અનિત્ય અને દુ :ખદ પતિ-પુત્રાદિ સાથે વળી શી લેવાદેવા ? હે પરમેશ્વર ! અમારા પર પ્રસન્ન થાઓ, અમારા પર કૃપા કરો. અમે બધી આપનાં દર્શન ઝંખીએ છીએ. અમારા પગ આપનાં ચરણકમળને ત્યજીને એક ડગલુંયે પાછળ હટવા તૈયાર નથી, તો પછી વ્રજમાં જવાની વાત જ ક્યાં રહી ! અને હવે અમે ત્યાં જઈને કરીએ પણ શું ? અમે એ બરાબર જાણીએ છીએ કે જેમ ભગવાન નારાયણ દેવતાઓની રક્ષા કરે છે, તેમ તમે વ્રજમંડળનાં ભય અને દુ :ખ દૂર કરવા માટે અવતર્યા છો. એ વાત પણ સ્પષ્ટ છે કે દીનદુ :ખિયાં પર તમારો ઘણો પ્રેમ હોય છે, તમારી ઘણી કૃપા વરસે છે. અમે પણ દુ :ખી છીએ, હવે તમે અમારા પર કૃપાદૃષ્ટિ કરો, નાથ !’

બધા ભક્તોની મનોકામના પૂર્ણ કરનાર જગતના સ્વામી શ્રીકૃષ્ણ શું આવી ભોળી ગોપીઓને નિરાશ કરી શકે તેમ હતા ? ગોપીઓની વ્યાકુળ વાણી સાંભળીને શ્રીકૃષ્ણનું હૃદય દ્રવી ઊઠ્યું. એમણે હસતાં હસતાં એમની સાથે પોતાની લીલા આરંભી. હરિનાં દર્શનના આનંદથી ગોપીઓનાં મુખ પ્રફુલ્લિત બન્યાં. તેમણે હસતાં હસતાં શ્રીપ્રભુ સાથે રાસલીલા આરંભી. તેમણે શ્રીહરિને ચારે બાજુએથી ઘેરી લીધા અને એમની સાથે લીલાનૃત્ય કરવા લાગી. સર્વવ્યાપી ભગવાન શ્રીકૃષ્ણે હૃદયની ઉદારતાથી ગોપીઓનું એવું સન્માન કર્યું કે સમગ્ર સૃષ્ટિમાં બધી સ્ત્રીઓમાં તેઓ જ સર્વશ્રેષ્ઠ નારી છે એવો ભાવ એમનાં મનમાં આવી ગયો. શ્રીકૃષ્ણ તો અંતર્યામી. તેઓ ગોપીઓના અહંકારને ઓળખી ગયા. અને તરત જ એમની વચ્ચેથી તેઓ અંતર્ધાન થઈ ગયા.

હરિ આંખથી ઓઝલ થયા અને ગોપીઓનાં હૃદયમાં પ્રભુવિરહની જ્વાળા પ્રગટી. વળી ફરીથી શ્રીકૃષ્ણનું ચિંતન કરતાં કરતાં ગોપીઓ શ્રીકૃષ્ણમય બની ગઈ અને હરિની ભિન્ન ભિન્ન ચેષ્ટાઓનું અનુકરણ કરવા લાગી. શ્રીકૃષ્ણનાં હલનચલન, હાસ્યવિલાસમાં ગોપીઓ એમની સમાન જ બની ગઈ. ગોપીઓના દેહમાં પણ એ જ ગતિમતિ, એ જ ભાવભંગી ઊતરવા લાગી. બધી ગોપીઓ અશ્રુપૂર્ણ નેત્રે અને ગળગળા અવાજે શ્રીકૃષ્ણનું ગુણગાન કરવા લાગી. શ્રીકૃષ્ણમાં મતવાલી બનીને એક વનથી બીજા વનમાં અને એક ઝાડીમાંથી બીજી ઝાડીમાં જઈને અધીર ઉત્કટ મને હરિને શોધવા લાગી. હરિદર્શનની લાલસાથી લપેટાઈને ગોપીઓ તો કરુણાજનક પણ મધુર સ્વરે ક્રંદન કરવા લાગી. ગોપીઓની ઉત્કટ ઝંખના જોઈને બરાબર એ જ સમયે શ્રીકૃષ્ણ એમની વચ્ચે પ્રગટ થયા. તેમણે પીતાંબર ધારણ કર્યાં હતાં, ગળામાં વનમાળા હતી અને પોતાના અધર પર મધુર હાસ્ય હતું. શ્રીકૃષ્ણને જોઈને ગોપીઓ તરત જ જેમ પ્રાણહીન દેહમાં પ્રાણનો સંચાર થાય તેમ નવી ચેતના સાથે જાગી ઊઠી. જેમ કોઈ સંત પ્રભુને પામીને સંસારની પીડામાંથી મુક્ત થાય છે, તેમ બધી ગોપીઓને ભગવાન શ્રીકૃષ્ણનાં દર્શનથી પરમાનંદ અને પરમઉલ્લાસ પ્રાપ્ત થયો. તેમનું વિરહદુ :ખ દૂર થયું અને પરમ શાંતિ અને આનંદના સાગરમાં ડૂબવા લાગી. હવે એ મહાન ભાગ્યશાળી ગોપીઓ સાથે યમુનાતટે ભગવાન શ્રીકૃષ્ણ આવ્યા અને દિવ્ય અને ભવ્ય રાસલીલાનો પ્રારંભ થયો. બે બે ગોપીઓની વચ્ચે શ્રીકૃષ્ણ પ્રકટ થતા રહ્યા. આ રીતે એક ગોપી અને એક કૃષ્ણ એવો રાસલીલાનો ક્રમ રચાયો. ભગવાન શ્રીકૃષ્ણ એમની નીકટ જ છે એવો અનુભવ ગોપીઓએ કર્યો. આ ભવ્ય અને દિવ્ય રાસલીલા જોવા સ્વર્ગમાંથી દેવતાઓ પણ પોતપોતાની પત્નીઓ સાથે પધાર્યા. બધી ગોપીઓ પોતાના શ્યામસુંદર સાથે નૃત્ય કરવા લાગી. દૃશ્ય તો જાણે એવું થયું કે આ બધા કૃષ્ણરૂપી શ્યામમેઘ અને એ શ્યામમેઘની વચ્ચે વચ્ચે ચમકતી ગોપીરૂપી વીજળી. એમની શોભા અસીમ હતી.

ઘણા વખત સુધી આ રાસલીલાનાં ગાન અને નૃત્યથી ગોપીઓ થાકી ગઈ. એ વખતે એમનો થાક દૂર કરવા ભગવાન શ્રીકૃષ્ણ ગોપીઓ સાથે યમુનાના જળમાં પ્રવેશ્યા. જળક્રીડા પછી શ્રીકૃષ્ણે બધી ગોપીઓને પોતપોતાને ઘેર જવા માટે કહ્યું. જ્યારે ગોપીઓ પોતપોતાને ઘેર પહોંચી ત્યારે એમની અનુપસ્થિતિનું ભાન એમનાં સ્વજનોને ન થયું એ જોઈને એમના આશ્ચર્યનો પાર ન રહ્યો. આવી હતી પરમ અનુકંપા ગોપીઓ પ્રત્યે પ્રભુ શ્રીકૃષ્ણની!

Total Views: 306

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.