શ્રીશ્રીરામકૃષ્ણ : શરણં
કોલકાતા, ૧ ચૈત્ર, ૧૩૨૮ (બંગાબ્દ)

શ્રીમાન ન-,
તારો ૬ ચૈત્રનો પત્ર મળ્યો. જોઉં છું કે આશ્રમ-સ્થાપનામાં અનેક વિઘ્ન આવે છે…

જો કર્મ જ કરવું હોય તો ભગવાન ઉપર નિર્ભર થઈને પોતાના પગ ઉપર ઊભો થા. કોઈ મનુષ્ય પાસે મદદની આશા રાખીશ નહીં, મારી મદદની પણ નહીં. કોઈ તને મદદ ન કરી શકે તો તું એકલો એ કામ કરતાં કરતાં દેહત્યાગ કરી શકે એ પ્રકારનાં તેજ, સાહસ, અને ભગવાન ઉપર નિર્ભરતાપૂર્વક જો કામ કરી શકે તો કર. નહીં તો એ કામ હાથમાં જ ન લઈશ.

એક વ્યક્તિ કહેવા છતાં ન આવ્યો, બીજો ખાત્રી આપ્યા પછી પણ મદદ ન કરી શક્યો – અને આ બધાથી મન દુ :ખિત થઈ તારા હાથ-પગ ચાલતા બંધ થઈ ગયા – આમ થવાથી શું કોઈ મહત્ કામ થાય?

બીજું તો શું લખું? મારા આશીર્વાદ અને સ્નેહ પાઠવું છું. ઇતિ,
શુભાનુધ્યાયી શ્રીસારદાનંદ

*

શ્રીશ્રીરામકૃષ્ણ : શરણં
કોલકાતા, ૨૫ કાર્તિક, ૧૩૨૨ (બંગાબ્દ)

શ્રીમાન,
તારો ૧૭ કાર્તિકનો પત્ર મેળવી ખુશી થઈ. દુષ્કાળપીડિત લોકો જો તમારા આશ્રમમાં મદદ માગવા આવે તો તેઓ જે ગામથી આવે છે એ બધાં ગામોની અવસ્થાની જાણકારી મેળવવા કોઈને મોકલ. અભાવગ્રસ્તોની (એટલે કે જેમની પાસે એક વેળાનું ખાવાની સામગ્રી પણ નથી એમની) સંખ્યાની ગણત્રી કરી તેમને નિયમિતપણે ચોખા દાનમાં આપીને મદદ કરવી પડશે.

આશ્રમમાં કાર્યકર્તાઓનો અભાવ હોવાથી જો તમે રાહતકાર્ય ન કરી શકો તો જણાવજો, અમે બંદોબસ્ત કરવાનો પ્રયત્ન કરીશું. જો રાહતકાર્ય શરૂ કરવાનો સમય હજુ નથી થયો એમ નક્કી કરો તો થોડા દિવસો પછી ચકાસણી કરીને જણાવજો.

શ્રીશ્રીમાએ તને સંન્યાસ આપ્યો છે, જાણીને ખુશી થઈ. આ પહેલાંથી જ તો તું સંન્યાસીનું જીવન ગાળતો હતો. હવે ચિરકાલ સંન્યાસવ્રત ધારણ કરવાથી સારું જ થયું…

ઠાકુરે તને કર્મમાં ડુબાડીને રાખ્યો છે એથી દુ :ખી થઈશ નહીં. ચિત્ત શુદ્ધ કરવા માટે કર્મયોગ જેવો બીજો રસ્તો નથી. તેથી વિચારજે કે, ‘શ્રીશ્રીઠાકુરે મારા મંગલ માટે જ અત્યારે મને કર્મબંધનમાં જકડીને રાખ્યો છે, અને પછી પણ ઠાકુર જેવી રીતે રાખશે, એવી જ રીતે હું રહીશ. તેમની ઇચ્છા જ પૂર્ણ થાય.’ તેમની ઉપર સંપૂર્ણ નિર્ભરતાનું નામ જ સંન્યાસ.

તને તેમજ આશ્રમમાં બધાને મારા આશીર્વાદ પાઠવું છું. ઇતિ,

શુભાનુધ્યાયી શ્રીસારદાનંદ

Total Views: 280

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.