ગતાંકથી આગળ……

એમ્સમાં બધી સ્થિતિ સુધારા પર છે. એ જ વખતે મારા વિરુદ્ધ ટીકાઓ શરૂ થઈ. શા માટે આવું થયું તે સમજાણું નહીં. બરેલીની રેલવે પોલીસે મારી સાથે બનેલ ઘટનાક્રમ વિશે પ્રશ્નો ઊભા કર્યા. અમુક અદેખા પરિચિતોને મને સારી સારવાર મળી અને દેશભરમાંથી જે પ્રોત્સાહન મળ્યું એ એમને નહીં ગમ્યાં હોય. એ બધાએ રેલવે પોલીસને આ ઘટનાક્રમને નવો વળાંક આપવા પ્રોત્સાહિત કર્યા. નનામા પત્રો લખ્યા, આરોપો મૂક્યા, મારો ભૂતકાળ શંકાસ્પદ છે, એવી વાતો પણ કરી. આ બધા આરોપો અધમ, જંગલીપણા જેવા હતા. રેલવે પોલીસને મળેલા પત્રો પણ વાહિયાત હતા. ટિકિટ વિના પ્રવાસ કરવાને લીધે ટ્રેનમાંથી કૂદી પડી કે સાહેબે (મારા બનેવીએ) મને ધક્કો માર્યો, હું ગેરકાયદે ટિકિટ વિના ડબ્બાના પગથિયે ઊભી હતી, ટ્રેનનો ધક્કો લાગ્યો અને હું પડી ગઈ, કોઈએ મારા પર હુમલો કર્યો અને પછી મને અહીં ફેંકી દીધી – આવા ઘણા આરોપો મારા પર મઢાયા. હું રાષ્ટ્રિય સ્તરની ખેલાડી ન હતી, ત્યાં સુધીના આરોપો પણ મુકાયા. જે મિડિયાએ મને ટેકો આપ્યો હતો, તેનો ઉપયોગ પણ મારા વિરુદ્ધ નકલી અને કપટી આરોપોનો પ્રચાર કરવામાં થવા લાગ્યો. હું એક તકવાદી છોકરી હતી અને મારો ઇરાદો દયા અને ધન મેળવવાનો જ હતો, આવો પ્રચાર અખબારો અને ચેનલો દ્વારા થવા લાગ્યો. આ બન્નેએ મને એક ચારિત્રહીન છોકરી ગણાવી અને મારા પરિવારજનોને પણ ખૂની અને બળાત્કારી ગણાવ્યા.

સાચી વાત તો એ હતી કે રેલવે પોલીસ પર આવતો અપરાધ તેમણે ગમે તેમ કરીને ટાળવો હતો. નિષ્પક્ષ તપાસ થાત તો તેઓ સાણસામાં આવી શકત. ટ્રેનમાં સુરક્ષાની જવાબદારી રેલવે પોલીસની હોય છે. મારી ઘટનાને લીધે એમની કાર્યવાહી પર પ્રશ્નો ઊભા થયા. એટલે કાયદાના કઠોરામાં ભરાઈ ગયેલ રેલવે પોલીસ મને અપરાધી ઠેરવવા પ્રયત્ન કરવા લાગી. મારી વિરુદ્ધની બધી જ ટીકાઓ મિડિયામાં આવતી રહે, એવી વ્યવસ્થા પણ તેમણે કરી. આ લોકો કોણ હતા અને શા માટે આવા આરોપો મૂકતા હતા, એ વિચારવું મારા માટે અઘરું ન હતું. પરંતુ આપણે તર્કબદ્ધ દેખાવાનો પ્રયત્ન કરીએ અને તમારા પર પૂર્વ ચેતવણી વિના આરોપોનો વરસાદ વરસવવામાં આવે, ત્યારે અચાનક એવા અકારણ અને સાબિતી વિના જ થયેલા આરોપોને દૂર કરવા કે તેનો નાશ કરવામાં વખત લાગે છે. ઉદાહરણ તરીકે એકાએક અને કશા કારણ વિના અને જેને તમે કદી મળ્યા ન હો, જેની સાથે ભાગ્યે જ કોઈ વ્યવહાર કર્યો હોય એવી વ્યક્તિ તમારી ઓફિસે આવે અને તમને ન સંભળાવવાનું સંભળાવે ને કહે કે તમારે તમારું કરજ ચૂકવવું પડશેને ? આની સામે તમારો પહેલો પ્રતિભાવ આઘાત અને આશ્ચર્ય હોવાનાં.

આવા વાહિયાત આરોપો સામે કોઈ બચાવ કરી ન શકે અને એમાંય તત્કાલ તો નહીં જ. ક્રોધમાં આવીને કોઈ હિંસક બની બેસે કે અયોગ્ય ભાષા વાપરી નાખે; એ વખતે તમે અસંયમિત વ્યક્તિ, અટલ ખોટાબોલા, છેતરપિંડી કરનારા વ્યક્તિ છો અને પ્રતિકૂળ પરિસ્થિતિ કે હકીકત સામે આવે ત્યારે તમે આક્રમક બનો છો એવું વિચિત્ર ચિત્ર ઊભું થાય. તમારા સાથી કાર્યકરો પણ તમારા પર શંકા, સંભ્રમ કરવા લાગેે. એટલે આવા આરોપોના મારાને લીધે મને અત્યંત દુ :ખ થયું અને હું નિરાશ થવા લાગી. મારા વિરોધીઓને આવું જ જોઈતું હતું. મારું મનોબળ અને મારો આત્મવિશ્વાસ તોડવાની જ એમની પહેલી નેમ હતી. જો મારા પરિવારજનો એ આરોપોનો સામનો કરવાના સબૂતો આપવા ન લાગ્યા હોત તો તેઓ પોતાનું લક્ષ્ય સિદ્ધ કરવામાં સફળ થઈ ગયા હોત.

‘ચાલો હવે, આવું તો ચાલ્યા જ કરે આવી યુક્તિઓ તો એ જ વાતને ટેકો આપે છે કે આપણે સાચાં છીએ.’ મારા પરિવારજનો મને સમજાવતા. એમણે પ્રત્યેક આરોપોની વિરુદ્ધ સાબિતી સાથે જવાબ આપવા માંડ્યો. તે અકસ્માતમાં મારો ફોન અને મારાં પ્રમાણપત્રોની પ્લાસ્ટિકની બેગ મેં ખોઈ નાખી. લખનૌ સ્ટેશને પાઘડીવાળા શીખ કારકુન પાસેથી રકઝક કરીને મેળવેલી ટિકિટ હજુ મારા ખભાના થેલામાં અકબંધ હતી. પાછળથી થયેલ રેલવે તપાસમાં હું સામાન્ય વર્ગના ડબ્બાના પગથિયે ઊભી રહીને મુસાફરી કરતી હતી અને ગાડીનો ધક્કો લાગતાં પડી ગઈ, એ હકીકત અને તેનો દાવો પણ પોકળ સાબિત થયો. જો સાહેબે જ મને ધક્કો મારીને મને પાડી હોય તો તેમને માટે લખનૌથી બરેલી આવવા માટે પ્રિપેઈડ ટેક્ષી ભાડે કરવાનું શક્ય બનત? એ ટેક્સી ભાડે કરવાના સમયની નોંધ પણ અકબંધ જળવાઈ રહી હતી. રેલવે પોલીસનું કથન એવું હતું કે સાહેબે મને ધક્કો મારીને ટ્રેનમાંથી બહાર ફેંકી દીધી હતી, તો પછી તે જ સમયે તેમણે રાજ્યના પાટનગરમાં લખનૌ-બરેલી માટે ટેક્સી કઈ રીતે ભાડે કરી હતી ? અમે આ વાતને ફેલાવવા ફરી વાર મિડિયાનો આધાર શોધ્યો. જેમ મિડિયા અમારી સાબિતી અને જવાબો રજૂ કરતા ગયા તેમ એ વિરોધીઓએ પીછેહઠ કરવા માંડી. મારા વિરોધીઓને એવી કલ્પના પણ ન હતી કે હું આ રીતે આરોપોનો સામનો કરીશ અને તેમની સામે પણ આરોપો મૂકીશ. મારો પરિવાર મારું પીઠબળ હતું. અને મદદ કરનાર લોકો પણ મારા ટેકેદાર હતા.

કટોકટીમાં પોતાના પરિવાર પાસેથી કોઈને પણ ગમે ત્યારે ટેકો મળી રહે તે માની શકાય. પણ બીજા વ્યક્તિઓ અને એમના પરિચિતોનો ટેકો મળી રહે એ એક અનોખી પ્રેરણા હતી. મને ટેકો આપનાર દુનિયાદારીમાં ઘણા નિપુણ હતા અને એમને ખ્યાલ આવી ગયો કે મારી વાત સાચી છે. હું દયા કે ધન મેળવવા માગતી ન હતી. એક વરિષ્ઠ અધિકારીએ આરોપ મૂક્યો કે હું અને મારો પરિવાર આ દુર્ઘટના માટે સહાનુભૂતિ મેળવવા ઇચ્છતાં હતાં. આ આરોપ પોલીસ અધિકારીનો હતો એટલે અસરકારક તો બને જ. સાહેબે આ આરોપ માટે કહ્યું, ‘સર, જો તમને એમ લાગતું હોય કે પોતાની સાથે બનેલી દુર્ઘટનાનું માર્કેટીંગ કરીને અરુણિમા તો સહાનુભૂતિ મેળવવા માગે છે, તો મારી તમને સલાહ છે કે સર, તમે પણ એવા હેતુ માટે તમારા બન્ને પગ શા માટે કપાવી ન નાખો ? તમારા તો બહુ સારા સંપર્કો છે, મિડિયા તમારી પાસે આવી જશે અને પછી તમારી કહાણી તમને સારા સારા લાભ અપાવશે!’ આ ઉત્તરથી તેમને આઘાત લાગ્યો હતો. જ્યારે એ આઈ.પી.એસ. ઓફિસર ટી.વી. શો છોડીને જતા રહ્યા ત્યારે અમને ‘અણઘડ અને અસંસ્કારી’ જેવાં વિશેષણો ભેટમાં આપતા ગયા, પરંતુ અમને તો ઘણો સંતોષ થયો! (ક્રમશ 🙂

Total Views: 433

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.