અરિષ્ટાસુરનો વધ

અસુરોએ શ્રીકૃષ્ણને મારવાના અસંખ્ય પ્રયત્નો કર્યા, પણ દર વખતે અસુરોનો જ સંહાર થયો. એક વખત અરિષ્ટાસુર નામનો એક અસુર બળદનું રૂપ ધારણ કરીને શ્રીકૃષ્ણને મારવા આવ્યો. એની ખૂંધ અને શરીર બન્ને ઘણાં મોટાં હતાં. તે પોતાની ખરીઓને જોરથી જમીન સાથે ભટકાડતો હતો, જાણે કે એનાથી ધરતી પણ કાંપી ઊઠતી. તે મોટા અવાજે ગરજતો હતો અને પાછલા પગે ધૂળ ઉડાડતો હતો. તે પોતાનાં શિંગડાંથી ખેતરના પાળાને તોડતાં તોડતાં વ્રજવાસીઓનો નાશ કરવા વૃન્દાવન તરફ દોડવા લાગ્યો. તેનું રૂપ એટલું ભયંકર હતું કે તેના ડરથી વ્રજવાસી તથા પશુ અહીંતહીં નાસવા લાગ્યાં. એ બળદિયાએ પોતાનાં શિંગડાંથી કેટલાયે વૃક્ષોનો ખો કાઢી નાખ્યો. બધાં વ્રજવાસીઓ ‘હે કૃષ્ણ ! હે કૃષ્ણ ! અમને આ ભયથી બચાવો’ આ રીતે બરાડા પાડતાં શ્રીકૃષ્ણના શરણમાં આવ્યાં.

શ્રીકૃષ્ણે વ્રજવાસીઓને અત્યંત ભયભીત જોઈને તેમને સાંત્વના દેતાં કહ્યું, ‘ડરો નહીં, હું તમારું રક્ષણ કરીશ.’ પછી એમણે પેલા બળદિયાના રૂપે આવેલા અરિષ્ટાસુરને પડકારીને કહ્યું, ‘અરે મહામૂર્ખ ! અરે દુષ્ટ ! તું આ નિર્દાેષ ગોવાળિયાઓને શા માટે ડરાવે છે? તારા જેવા દુષ્ટનો નાશ કરનાર તો હું અહીં ઊભો છું.’

આવું કહીને તાલ ઠોકીને એ અસુરને ક્રોધિત કરવા તેઓ પોતાના એક સખાને ભેટીને તેના ગળામાં હાથ રાખીને ઊભા રહ્યા. શ્રીકૃષ્ણના પડકારથી અરિષ્ટાસુર તો લાલપીળો થઈ ગયો ને પોતાના પગની ખરીએથી જોરથી ધરતીને ખોદતો તે કૃષ્ણ પર ત્રાટક્યો. એ સમયે તેના ઊભા કરેલ પૂંછડાના ધક્કાથી આકાશનાં વાદળાં પણ વિખરાવાં માંડ્યાં. એણે પોતાનાં અણિયાળાં શિંગડાં આગળ કર્યાં અને પોતાની લાલચોળ આંખોથી એકી નજરે અને ત્રાંસી તેમજ તીખી નજરે જોતાં જોતાં ભયંકર વેગે તે કૃષ્ણ પર તૂટી પડ્યો, જાણે ઇન્દ્રના હાથમાંથી વજ્ર ન છૂટ્યું હોય ! પરંતુ કૃષ્ણ તો અડગ ઊભા રહ્યા. એમણે પોતાના બે હાથે અરિષ્ટાસુરનાં બેઉ શિંગડાં પકડી લીધાં અને અઢાર ડગલાં પાછળ ધકેલીને ભોંય ભેગો કરી દીધો. પણ આ બળદના રૂપે આવેલો અસુર ફરીથી ઊભો થયો અને છીંકોટા મારતો મારતો શ્રીકૃષ્ણ પર ફરીથી ત્રાટક્યો. એનું શરીર પરસેવાથી લથબથ હતું. શ્રીકૃષ્ણે એને શિંગડેથી પકડી લીધો અને પાટુ મારીને ધરતી પર પાડી દીધો. પછી ભગવાન શ્રીકૃષ્ણે તેને પોતાના બે પગથી દબાવીને જેમ કોઈ ભીનું કપડું નીચોવતા હોય તેમ એને કચડી નાખ્યો. ત્યાર પછી એમણે એ બળદિયાનાં શિંગડાં ઉખેડીને એનાથી મૃત્યુપર્યંત ટીપી નાખ્યો. એ દૈત્યના મોઢામાંથી લોહી નીકળવા લાગ્યું અને તે મૃત્યુ પામ્યો. શ્રીકૃષ્ણના આ કાર્યથી પ્રસન્ન થઈને દેવતાગણે તેમના પર પુષ્પવૃષ્ટિ કરી અને તેમની સ્તુતિ કરવા લાગ્યા. બધા ગોવાળિયા પણ શ્રીકૃષ્ણની પ્રસંશા કરવા લાગ્યા.

Total Views: 260

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.