સપ્ટેમ્બરથી આગળ…

‘તમારે વળી બેચેેન્દ્રી પાલનો મોબાઈલ નંબર શા માટે જોઈએ છે?’ સી.એન.એન.-આઈ.બી.એન. ચેનલનાં એક પત્રકાર બહેને મને પ્રશ્ન કર્યો. જેમને મેં આ વિનંતી કરેલી તેઓ સમાચારની મોટી અને પ્રતિષ્ઠિત ચેનલમાં હતાં. પ્રધાનશ્રીના સાથીઓએ જ્યાં અમારી વ્યવસ્થા કરેલી તે કોટલા-મુબારકપુરના ગેસ્ટહાઉસમાં પાંચમા માળે તેઓ મારો ઇન્ટરવ્યૂ લેવા આવ્યાં હતાં. મેં એ પર્વતારોહી મહિલાના ફોનનંબરની પૃચ્છા કરી તેથી તેમને નવાઈ લાગી. એક એવી છોકરી જેનો ડાબો પગ કૃત્રિમ હતો અને જમણો પણ ઈજાગ્રસ્ત અને સ્ટીલના સળિયા નાખેલો હતો તે વળી કોઈ પર્વતારોહીને માટે તપાસ કરે તે અપેક્ષિત નહોતું. અને બેચેેન્દ્રી પાલ તો ભારતનાં સહુથી વધુ પ્રસિદ્ધ મહિલા પર્વતારોહી છે અને દેશનાં સર્વપ્રથમ મહિલા છે જેઓ એવરેસ્ટ ચડ્યાં હતાં.

તેમના નામે તમે ‘ગૂગલ’માં જોશો તો જાણશો કે તેમણે કેટલી બધી છોકરીઓ અને સ્ત્રીઓને પર્વતારોહણ માટે પ્રેરણા પૂરી પાડી છે. સમસ્યા એ હતી કે ઇન્ટરનેટ ઉપર તેમના સંપર્ક માટેની વિગતો મળી શકી નહીં. જ્યારથી મેં એવરેસ્ટ ચડવાનો નિર્ધાર કર્યો ત્યારથી મારે તેમને મળવું હતું, પણ તે કઈ રીતે અને ક્યાં મળી શકું? હું જાણતી નહોતી કે તેઓ ક્યાં રહે છે. મારી મુશ્કેલી એ હતી કે સામાન્ય વ્યક્તિને મારે એ વિશે પ્રશ્નો કરવા નહોતા. જે થોડા લોકોને મેં મારી મહેચ્છા વિશે કહેલું તેમણે મને ગાંડી જ છે ને! કહીને ટાળી હતી. તેમને તો લાગેલું કે મારું મગજ મેં ગુમાવી દીધું હતું.

ત્યાર પછી મેં મારી યોજનાઓની માહિતી મારી પાસે જ રાખવા માંડી. એવી તો ઘણી મહિલાઓ મળતી કે જેઓ સહાનુભૂતિ દર્શાવે, મારા પગને ખોવા વિશે દુ :ખ વ્યક્ત કરે, મારી દયા ખાય અને મોટેથી એ વિચારે -વિસ્મય વ્યક્ત કરે કે હવે મારી બાકીની જિંદગી કઈ રીતે વીતશે. જતી વેળા મને કહેતી જાય, ભગવાનમાં શ્રદ્ધા રાખજે, તે જરૂર સહાય કરશે.’ આવા સમયે હું આ પત્રકાર મહિલાને મળી. એમ્સથી હું હજી હમણાં જ ગેસ્ટહાઉસ પહોંચી હતી. ત્યાં લિફ્ટ નહોતી એટલે ગેસ્ટહાઉસના પાંચમા માળે હું કઈ રીતે પહોંચી શકું તેના વિચારમાં અમે હતાં.

પણ મિત્રો અને પરિવારજનો સૂચવતાં હતાં તેમ એક સ્ટ્રેચરમાં મૂકીને મને લઈ જવાની મેં ના પાડી. મને થયું કે જો હું એવરેસ્ટ ચડવાની નેમ રાખું તો મારે આ પગથિયાં જાતે ચડતાં શીખવું રહ્યું. હું એ પગથિયાં ચડી રહી હતી ત્યાં મને આ પત્રકારનો ફોન આવ્યો કે તેઓ મારો ઇન્ટરવ્યૂ લેવા ઇચ્છે છે. મેં તેમને અગાઉ કહેલું હતું કે હું આ ગેસ્ટહાઉસમાં જવાની છું અને તેમણે સીધા ત્યાં આવવું. તેઓ આવી ગયેલાં અને તપાસતાં હતાં કે શું હું પહોંચી ગઈ છું કે નહીં. મેં જવાબ આપ્યો કે હજી હું ગેસ્ટહાઉસનાં પગથિયાં ચડી રહી છું. અને તેમણે પણ મારી પાસે પગથિયે જ આવી જવું.

તેમણે મારો ઇન્ટરવ્યૂ ૩૦ મિનિટ સુધી લીધો અને મારા અભિગમથી ખુશ થઈને કહ્યું, ‘તમને કોઈ મદદ જોઈતી હોય તો વિના સંકોચે મને કહો.’ જીવનમાં તકો વારંવાર નથી આવતી. તમારે તેને ઓળખવી પડે અને લઈ લેવી પડે. તેમણે કરેલ સૂચન મારી આશા જીવંત કરી ગયું. તરત જ મેં તેમને કહ્યું કે જો તેઓ ખરેખર મદદ કરવા ઇચ્છતાં હોય તો તેમણે બેચેેન્દ્રી પાલનો સેલ-નંબર મને મેળવી આપવો. ત્યારે તેમણે પૂછયું કે વળી મારે તેનું શું કામ છે. મેં સાચું કહેવાનું ટાળ્યું અને જવાબ આપ્યો, ‘મારે તો બસ તેમને મળવું છે.’

પત્રકાર મહિલાએ વચન આપ્યું કે તેઓ એ નંબર મેળવી આપશે, અને પછી ગયાં.

હવે અમે ત્રણ વ્યક્તિઓ અહીં હતાં – રાહુલ, સાહેબ અને હું- એકલાં, અને ‘મિશન એવરેસ્ટ’ને કઈ રીતે સફળ બનાવવું તેના વિચારોમાં. ત્રણેક કલાક પછી મને પેલાં પત્રકારનો ફોન આવ્યો. તેમણે બેચેેન્દ્રી પાલનો ફોનનંબર મેળવી લીધેલો. અમે પછી તરત જ પાલને ફોન લગાવ્યો. રોજ પાંચેક દિવસ સુધી ફોન કર્યે રાખ્યો પણ કોઈ પ્રતિભાવ ન આવ્યો. છઠ્ઠે દિવસે તેમણે ફોનનો જવાબ આપ્યો. મેં મારો પરિચય આપ્યો. તેમણે કહ્યું કે તેમણે મારા વિશે સાભળ્યું હતું. અને મને જમશેદપુર આવવાનું તેમણે આમંત્રણ આપ્યું. મેં તેમને જણાવ્યું નહીં કે મારે કયા કારણથી મળવું હતું. એમ કરવાનો હેતુ માત્ર એ જ હતો કે મારે મારી ‘એવરેસ્ટ-મહેચ્છા’ તેમને જાતે મળીને જણાવવી હતી, ફોનમાં નહીં.
મારા ઉપર લગાવાવેલા આરોપોથી ત્રસ્ત થઈને હવે હું મારી જાતને પુરવાર કરવાનો સખત નિર્ધાર કરીને બેઠી હતી. મને દેશ એક અકસ્માતનો ભોગ બનેલ વ્યક્તિ તરીકે ઓળખતો હતો. મારે હવે તેમને મારી ઓળખ એક સફળ વ્યક્તિ તરીકે બતાવી આપવી હતી. મને ખબર નહોતી કે હું મારા એ ધ્યેયને પ્રાપ્ત કરી શકીશ કે નહીં. પણ એ વાતે હું સ્પષ્ટ હતી કે ભલે હું નિષ્ફળ જાઉં પણ, હું લડત આપ્યા વિના નહીં રહું. આપણાં ધર્મશાસ્ત્રો પણ આ વાત જ કરે છે ને કે તમે તમારું કર્મ કરો અને તેનું પરિણામ ઈશ્વર ઉપર છોડી દો.

હવે મારા મનને શાંતિ થઈ. બેચેેન્દ્રી પાલ સાથે વાત કરીને મને પોરસ ચડ્યું. મેં એક એવી મહિલા સાથે વાત કરી, જેઓ એવરેસ્ટ ચડનારાં પ્રથમ ભારતીય મહિલા હતાં! જમશેદપુર જાઉં તે પહેલાં મારે એક કામ બાકી હતું. મારે આભાર માનવા માટે બરેલીની યાત્રા કરવી હતી. હું અહીં જ પિન્ટુ કશ્યપને અને બી. સી. યાદવને મળેલી. તે એવી બે વ્યક્તિઓ હતી જેમણે મારું જીવન બચાવ્યું હતું. બરેલીમાં જ એક ગરીબ સ્ત્રીએ હું ટ્રેક ઉપર પડી હતી ત્યારે મને ટાઢથી બચાવવા પોતાનું શાલ જેવું વસ્ત્ર આપી દીધેલું. મારે આ યાત્રા કરીને લોકોને એ વાતે પ્રોત્સાહિત કરવા હતા કે મારી જેમ બીજાંને પણ કટોકટીમાં મદદ કરે. આથી એમ્સમાંથી રજા મળ્યા પછી થોડા દિવસો બાદ હું બરેલી જવા નીકળી. (ક્રમશ 🙂

Total Views: 316

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.