રાતે આકાશમાં તમને અનેક તારાઓ દેખાય છે, પણ સૂરજ ઊગે પછી એ દેખાતા નથી. તો શું તમે એમ કહેશો કે, દિવસે આકાશમાં તારા નથી હોતા ? રે માનવી, તારા અજ્ઞાનના કાળમાં તને ઈશ્વર મળતો નથી, તેથી ઈશ્વર છે જ નહીં એમ નહીં બોલ.

દુર્લભ એવો મનુષ્ય જન્મ મેળવ્યા પછી, આ જ જીવનમાં પ્રભુપ્રાપ્તિ માટે યત્ન ન કરનારનું જીવ્યું વૃથા છે.

જેવી ભાવના તેવી માનવીની સિદ્ધિ. ભગવાન તો કલ્પવૃક્ષ છે. એની પાસે માનવી જે માગે તે મેળવે. કોઈ ગરીબ માણસનો દીકરો ઉચ્ચ શિક્ષણ મેળવી હાઈકાૅર્ટનો ન્યાયાધીશ બને અને મનમાં માને કે, ‘સૌથી ઊંચી પાયરીએ પહોંચી હું કેવો સુખી થઈ ગયો છું ! હવે મારે બીજું શું જોઈએ ?’ ભગવાન એને કહેશે, ‘તથાસ્તુ.’ પણ એ ન્યાયાધીશ સાહેબ નિવૃત્ત થઈ પેન્શન પર ઊતરે અને પોતાના ભૂતકાળનું અવલોકન કરે, ત્યારે એને ભાન થાય કે એણે પોતાનું જીવન વેડફ્યું છે, એટલે પોકારી ઊઠે, ‘અરે, આ જીવનમાં મેં શું સાચું કામ કર્યું છે !’ ભગવાન પણ એને કહે છે, ‘અરે, તેં શું કર્યું છે !’

આ જગતમાં માણસ બે વૃત્તિઓ લઈને જન્મે છે, વિદ્યા અને અવિદ્યા; વિદ્યા મુક્તિ પથે લઈ જાય અને અવિદ્યા સંસારનાં બંધનમાં નાખે. જન્મ સમયે બેઉ વૃત્તિઓ સમતોલ હોય છે, જાણે ત્રાજવાનાં બે પલ્લાં. એક પલ્લામાં જગત પોતાના સુખોપભોગ મૂકે છે અને બીજામાં આત્મા પોતાનાં આકર્ષણો મૂકે છે. મન સંસાર પસંદ કરે, તો અવિદ્યાનું પલ્લું ભારે થાય છે અને માણસ સંસાર તરફ ઢળે છે; પરંતુ એ આત્માને પસંદ કરે, તો વિદ્યાનું પલ્લું નમે છે અને એને ઈશ્વર તરફ ખેંચે છે. (શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી, પૃ.૩)

 

Total Views: 385

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.