જીવોના ચાર પ્રકાર : બદ્ધજીવ, મુમુક્ષુજીવ, મુક્તજીવ અને નિત્યજીવ.
‘નિત્યજીવ – જેવા કે નારદ વગેરે. તેઓ સંસારમાં રહે જીવોના કલ્યાણ માટે, જીવોને ઉપદેશ આપવા સારુ.
બદ્ધજીવ – જેઓ વિષયમાં આસક્ત થયેલા અને ભગવાનને ભૂલી રહેલા હોય. તેઓ ભૂલેચૂકે પણ ઈશ્વર – સ્મરણ કરે નહિ.
મુમુક્ષુજીવ – જેઓ મુક્ત થવાની ઇચ્છા રાખે, પણ તેઓમાંથી કોઈક મુક્ત થઈ શકે, કોઈક ન થઈ શકે.
મુક્તજીવ – જેઓ સંસારમાં કામ-કાંચનમાં બંધાયેલા નથી; જેમ કે સાધુ-મહાત્માઓ; જેમના મનમાં સંસારીબુદ્ધિ નથી અને જેઓ હંમેશાં હરિચરણનું ચિંતવન કરે.
ધારો કે તળાવમાં જાળ નાખી છે. બે ચાર માછલાં એવાં હોશિયાર કે ક્યારેય જાળમાં સપડાય નહિ. આ નિત્યજીવોની ઉપમા. પણ માછલાંનો મોટો ભાગ જાળમાં પડે. એમાંથી કેટલાંય નાસી છૂટવાનો પ્રયાસ કરે; એ બધાં મુમુક્ષુ જીવ જેવાં. પણ બધાંય માછલાં છૂટી ન શકે. બે ચાર માછલાં ધબાંગ, ધબાંગ કરતાંકને જાળમાંથી બહાર કૂદી પડે, ત્યારે માછીમારો બૂમ પાડે, ‘પેલું મોટું માછલું નાસી ગયું !’ પણ જેઓ જાળમાં સપડાયાં છે તેમાંનો મોટો ભાગ નાસી શકે નહિ અને નાસવાનો પ્રયાસ પણ કરે નહિ. ઊલટાં જાળ મોઢામાં લઈને તળિયે જઈને મોં કાદવમાં ઘુસાડીને છાનાંમાનાં સૂઈ રહે. મનમાં માને કે હવે કોઈ જાતની બીક નથી; આપણે સલામત છીએ. પણ જાણતાં નથી કે માછીમાર સડેડાટ કરતો જાળ તાણીને કિનારે ખેંચી લેશે. આ બદ્ધજીવોની ઉપમા.
(શ્રીરામકૃષ્ણ કથામૃત સંચયન, પૃ.૨૯-૩૦)
Your Content Goes Here